ગૂગલ મેપ્સ એપ લોન્ચ થઈ ત્યારથી તેમાં સતત નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. તેને આજના લેવલે પહોંચાડવામાં બે અપડેટની ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે – એક છે સ્ટ્રીટ વ્યૂ અને બીજી છે વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ (વીપીએસ) (વધુ માહિતી માટે જુઓ માર્ચ ૨૦૨૩ અંક).

ગૂગલે દુનિયાભરના અનેક વિસ્તારોના સ્ટ્રીટ વ્યૂની ફોટોગ્રાફી કરી છે. ભારતમાં આ સર્વિસ લોન્ચ થયા પછી કાયદાકીય ગૂંચવણોને કારણે અટકી પડી હતી અને પછી એકાદ વર્ષ પહેલાં તે ફરી શરૂ કરવામાં આવી. આ નવી ઇનિંગમાં ગૂગલ કંપનીએ સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરવા માટે લોકલ પાર્ટનર્સનો સાથ લેવો અનિવાર્ય બન્યો. આ કારણે ભારતની જિનેસિસ ઇન્ટરનેશનલ અને ટેક મહિન્દ્રા કંપનીના સાથમાં ગૂગલે નવેસરથી ભારતના લોકેશન્સના સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરવાની શરૂઆત કરી.
હવે ભારતના નાનામાં નાના ગામડાની શેરીઓ પણ સ્ટ્રીટ વ્યૂમાં આવરી લેવામાં આવી છે. ગૂગલ કહે છે કે ભારતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના લાખો કિલોમીટરના રસ્તાઓ તથા ૩૦ કરોડથી વધુ બિલ્ડિંગ્સનું મેપિંગ કરવામાં આવ્યું છે. ભારતમાં વિવિધ ભાષામાં રોજેરોજ ૫૦ કરોડ જેટલી સર્ચ મેપમાં કરવામાં આવે છે અને રોજેરોજ અઢી અબજ કિલોમીટર લાંબા રસ્તાઓનું દિશાસૂચન લોકો ગૂગલ મેપ્સ પર મેળવે છે!
આ બધાના આધારે ગૂગલે મેપ્સમાં, ખાસ ભારતમાં નવાં ફીચર્સ ઉમેર્યાં છે, જે આ મહિનાથી આપણા હાથમાં પહોંચવા લાગશે!
એડ્રેસ ડિસ્ક્રિપ્ટર

આ ફીચર પહેલી વાર ભારતમાં લોન્ચ થઈ રહ્યું છે. નામ મુજબ આ ફીચરની મદદથી આપણને કોઈ પણ જગ્યાના સરનામાનું વર્ણન વધુ ચોકસાઈથી મળી શકશે. મોટા ભાગે એવું બનતું હોય કે આપણે કોઈ જગ્યાએ પહોંચવાનું હોય ત્યારે એ જગ્યાની આજુબાજુનાં જાણીતાં સ્થળો વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. જેમ કે ફલાણી હોસ્પિટલ કે કોઈ જાણીતો મોલ. એ કામ હવે મેપ્સ એપ કરશે.
અત્યારે આપણે કોઈ અજાણ્યા વિસ્તાર કે શહેરમાં રહેતા સ્વજનને મળવા જવાનું હોય ત્યારે એ પોતાનું લોકેશન આપણને શેર કરે, આપણે તેની લિંક પર ક્લિક કરીને ગૂગલ મેપ્સમાં ઓપન કરીએ અને પછી એ સ્થળે પહોંચવા માટે નેવિગેશન ઓન કરીએ. એવે વખતે આપણે જ્યાં જવું છે તે વિસ્તારનો પૂરો અંદાજ ન હોય તો આપણે મેપ્સ ઝૂમ કરી કરીને આજુબાજુમાં કોઈ જાણીતાં સ્થળ છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરવો પડે.

એડ્રેસ ડિસ્ક્રિપ્ટરના નવા ફીચરથી આ ઝંઝટ ટળી જશે. હવે પછી કોઈ પણ વ્યક્તિ પોતાનું લોકેશન આપણી સાથે શેર કરે કે આપણે પોતે કોઈ જગ્યાએ પહોંચવા માટે એ જગ્યાનું લોકેશન દર્શાવતી પિન ત્યાં ડ્રોપ કરીએ એ સાથે મેપ્સની સિસ્ટમ કામે લાગશે અને શેર કરવામાં આવેલા કે પિન કરવામાં આવેલા લોકેશનની આસપાસમાં પ્રમાણમાં વધુ જાણીતાં એવાં પાંચ સ્થળો – લેન્ડમાર્કનાં લોકેશન એ એડ્રેસની આસપાસ ઉમેરી દેશે. તેમાંથી એકાદી જગ્યા આપણા માટે જાણીતી હોય તો આપણે ધારેલા સ્થળે વધુ સહેલાઈથી પહોંચી શકીએ.
સરેરાશ યૂઝર તરીકે આ સુવિધા આપણને નવા વર્ષમાં મળવાની શરૂ થશે. જોકે મેપ્સમાં કંઈક આ જ પ્રકારની સુવિધા આ વર્ષ એટલે કે ૨૦૨૩થી જ અમુક ખાસ પ્રકારના લોકોને મળવાની શરૂ થઈ ગઈ હતી. ફૂડ ડિલિવરી એપ્સ કે રાઇડ શેરિંગ એપના ડેવલપર પોતાની એપમાં આ ફીચર ઉમેરી શકે છે. જેને કારણે ફૂડ ડિલિવરી કરતા પર્સન કે એપ કેબના ડ્રાઇવરને નિશ્ચિત જગ્યાએ પહોંચવું સહેલું બને છે.
મેપ્સમાં જ લેન્સ
ગૂગલ સર્ચમાં લેન્સના ઉપયોગમાં આપણને ધીમે ધીમે ફાવટ આવવા લાગી છે. સ્માર્ટફોનમાં સર્ચ એપ ઓપન કરીને આપણે લેન્સ આઇકન પર ક્લિક કરીએ એ પછી આજુબાજુની કોઈ પણ વસ્તુ જેમ કે કોઈ મજાના ફૂલથી માંડીને કોઈ બિલ્ડિંગ સુધી કોઈ પણ બાબત પર સ્માર્ટફોનનો કેમેરા પોઇન્ટ કરીએ એ સાથે લેન્સ ફીચર કેમેરામાં જે કંઈ દેખાતું હોય તેના વિશે ઇન્ટરનેટ પર શોધખોળ કરીને, આપણને જે દેખાઈ રહ્યું તેને વિશે વધુ વિગતો આપે છે (લેન્સ ફીચર વિદ્યાર્થીઓને હોમવર્ક કરવામાં પણ મદદ કરી શકે છે).

એ જ લેન્સની સુવિધા હવે મેપ્સમાં પણ ઉમેરાઈ રહી છે. પરિણામે આપણે સ્માર્ટફોનમાં મેપ્સ એપ ઓપન કરી હોય ત્યારે તેમાંથી જ લેન્સ ફીચર ઓન કરીને આજુબાજુ દેખાતી બાબતો વિશે વધુ જાણકારી મેળવી શકીએ છીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે આપણે કોઈ શેરીના નાકે ઊભા રહ્યા હોઇએ અને મેપ્સમાં લેન્સની મદદથી કેમેરા ઓપન કરીને તેને એ શેરી તરફ પોઇન્ટ કરીએ તો એ વિસ્તારની જાણીતી શોપ્સ, રેસ્ટોરાં, કાફે તથા બીજી આપણને રસ પડી શકે તેવી બાબતોનું લિસ્ટ જોવા મળશે. અત્યારે ગૂગલ મેપ્સ એપમાં આ સુવિધા છે જ, પણ તેમાં આપણા લોકેશનને આધારે આજુબાજુની બાબતો બતાવવામાં આવે છે.
મેપ્સ એપમાં લેન્સ ઉમેરાયા પછી લોકેશન ઉપરાંત ફોનના કેમેરાને આજુબાજુ જે કંઈ દેખાય તેને આધારે વધુ ચોકસાઈ સાથે આપણને ઉપયોગી થઈ શકે તેવી બાબતો બતાવવામાં આવશે. એ સાથે આપણી નજીકની કોઈ રેસ્ટોરાં કે શોપના કામકાજના કલાક અને તેના વિશે લોકોના રિવ્યૂ/રેટિંગ્સ પણ જોઈ શકાશે.
આ ફીચર આ મહિને એટલે કે જાન્યુઆરી ૨૪માં લોન્ચ થઈ જવાની શક્યતા છે. શરૂઆતમાં તે ભારતનાં ૧૫ શહેરોમાં લોન્ચ થશે અને તેનો લાભ માત્ર એન્ડ્રોઇડ ફોનમાંની ગૂગલ મેપ્સ એપ પર મળી શકશે.
લાઇવ વ્યૂ વોકિંગ નેવિગેશન
‘સાયબરસફર’ના માર્ચ ૨૦૨૩ અંકમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ઉપરાંત ગૂગલ મેપ્સમાં ઉમેરાયેલી વિઝ્યુ્લ પોઝિશનિંગ સિસ્ટમ (વીપીએસ) વિશે વાત કરી હતી. તેનો લાભ હવે આપણા સુધી પહોંચવામાં છે. આપણે કોઈ સ્થળે ચાલતા જઇ રહ્યા હોઇએ ત્યારે ત્યાં પહોંચવા માટે મેપ્સમાં એ લોકેશન સર્ચ કર્યા પછી આ ફીચરનો લાભ લઈ શકાશે. લાઇવ વ્યૂને કારણે મેપના સ્ક્રીન પર એરો, ડિરેકશન તથા ડિસ્ટન્સ દર્શાવતાં ચિહ્નો જોવા મળશે. મતલબ કે આપણે કોઈ રસ્તે ચાલતા જઇ રહ્યા હોઇએ અને નિશ્ચિત સ્થળે પહોંચવા માટે ડાબે કે જમણે વળવાનું થાય ત્યારે એ દિશામાં વળવાનો સંકેત આપતો એરો સ્ક્રીન પર જોવા મળશે.

એટલું જ નહીં, આપણને બરાબર વળાંક પર પહોંચીએ ત્યારે ફોન વાઇબ્રેટ થશે અને એ રીતે પણ આપણું ધ્યાન દોરશે કે હવે વળી જવાનું છે! આપણે નિશ્ચિત સ્થળે પહોંચી જશું ત્યારે પણ ફોન વાઇબ્રેટ થશે. આ ફીચર ભારતનાં ત્રણ હજારથી વધુ શહેરો અને નગરોમાં એક્ટિવેટ થઈ જશે. આ ફીચર પણ શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ થશે.
ફ્યુઅલ સેવિંગ
તમે જાણતા હશો કે આપણે મુસાફરી સમયે ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો લાભ લઇએ તો આપણને વિવિધ રૂટ સંબંધિત જુદી જુદી માહિતી મળે છે અને તેને આધારે આપણે પોતાનો રૂટ પસંદ કરી શકીએ છીએ. હવે રૂટની પસંદગીમાં એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. આપણે ગૂગલ મેપ્સની મદદથી એ પણ જાણી શકીશું કે ક્યો રૂટ પસંદ કરવાથી આપણા વાહનમાં ફ્યુઅલની વધુ બચત થશે! આ ફીચર અગાઉ યુએસ, કેનેડા અને યુરોપમાં ઉપલબ્ધ હતું. હવે ભારતના યૂઝર્સ સુધી પહોંચવા લાગ્યું છે.

તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરીને તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. સેટિંગ્સનું પેજ ખૂલે તેમાં ‘નેવિગેશન’માં જાઓ. અહીં ‘રૂટ ઓપ્શન્સ’માં જાઓ. અહીં તમે જોશો તેમ અત્યાર સુધી આપણને મોટા ભાગે ત્રણ પ્રકારે રૂટ પસંદ કરવાની તક મળતી હતી. રસ્તા પરના ટોલ પ્લાઝા એવોઈડ કરવા, મોટરવે એવોઇડ કરવા કે પછી ફેરી સર્વિસ એવોઇડ કરવી.
જો આપણા રૂટ પર ટોલ પ્લાઝા આવતું હોય તો તેમાં કેટલો ટોલ ટેક્સ ચૂકવવાનો થશે એ પણ ગૂગલ આપણને બતાવી શકે છે. હવે આ રૂટ ઓપ્શન્સમાં ‘ફ્યુઅલ એફિશિયન્ટ રૂટ’ પસંદ કરી શકાશે. આ માટેનો વિકલ્પ ક્લિક કર્યા પછી આપણે પોતાની કારના એન્જિનનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. આ પછી આપણે કોઈ ડેસ્ટિનેશન માટે નેવિગેશન ઓન કરીશું ત્યારે ગૂગલ મેપ સર્વિસ આપણી સ્પીડ, રૂટ પરના ટ્રાફિક તથા વાહનના એન્જિનના પ્રકાર અનુસાર ક્યા રસ્તા પર ઓછામાં ઓછું ફ્યુઅલ વપરાશે તે બતાવી શકશે.
આપણે આ વિકલ્પ બંધ કરીએ તો ક્યા રૂટ પર ઓછામાં ઓછો સમય લાગશે તે બતાવવામાં આવશે. જોકે ત્યારે પણ જે રૂટ પર ઇંધણની બચત થતી હશે તેના પર લીલા પાંદડાના આઇકનથી એ રૂટ સૌથી વધુ ઇકો ફ્રેન્ડલી હોવાનું તો સૂચવશે જ!
લોકલ ટ્રેનની વિગતો મેપ્સમાં
ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને રોજેરોજ કરોડો લોકો અલગ અલગ ટ્રેનમાં મુસાફરી કરતા રહે છે. આ મુસાફરોને અથવા તેમના સ્વજનોને કોઈ ચોક્કસ ટ્રેનનું લાઇવ લોકેશન જાણવામાં મદદ કરે એવી એક એપ ‘વેર ઇઝ માય ટ્રેન’ પર ગૂગલે લોન્ચ કરી છે.

અત્યારે આ એપમાં ભારતીય રેલવેની તમામની મૂવમેન્ટ ટ્રેક કરી શકાય છે. નજીકના સમયમાં તેમાં મુંબઈ અને કોલકત્તાની લોકલ ટ્રેનનો ડેટા પણ ઉમેરાઈ જશે. આગળ જતાં ભારતનાં વિવિધ શહેરોની મેટ્રો ટ્રેનને પણ આ એપ પર ટ્રેક કરી શકાશે.


