
આ અંકની કવર સ્ટોરીમાં આપણે જોયું તેમ વિવિધ બિઝનેસ માટે પોતાના હાલના અને સંભવિત કસ્ટમર્સના સતત સંપર્કમાં રહેવાનું બહુ મુશ્કેલ છે. બિઝનેસ એકદમ નાનો હોય, જેમના સુધી પહોંચવાનું હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી હોય ત્યારે વોટ્સએપની સાદી એપથી કામ ચાલી જાય, પણ બિઝનેસ વિસ્તરે અને કસ્ટમર્સની સંખ્યા ફક્ત આંગળીના વેઢે ગણાય એટલા હજારમાં પહોંચે તો પણ તેમની સાથેનું કમ્યુનિકેશન દિવસે દિવસે ખાસ્સું મુશ્કેલ બનતું જાય છે.
ફક્ત પ્રમોશનની વાત હોય તો સોશિયલ મીડિયા સૌથી સહેલો રસ્તો લાગે, પરંતુ તેમાં ફ્રી બિઝનેસ પેજની પહોંચ બહુ મર્યાદિત રહે છે. વ્યક્તિગત રીતે બિઝનેસને પ્રમોટ કરતા મેસેજિસ પોસ્ટ કરતા રહીએ તો પણ, અન્ય ‘ફ્રેન્ડ્સ’ સાથે ખરા અર્થમાં લાઇવ ઇન્ટરેક્શન થાય તો સોશિયલ મીડિયા પર રૂપિયા નહીં તો સમય તો વેડફાય જ છે.
સોશિયલ મીડિયા પર પેઇડ પ્રમોશન ઘણું અસરકારક બની શકે, પરંતુ તેનું સંચાલન ખરેખર અસરકારક રીતે કરવામાં આવે તો.
ફેસબુક કંપનીએ લાંબા સમય સુધી ફેસબુક પરની પોસ્ટ્સ ગૂગલના સર્ચ એન્જિનથી લગભગ દૂર રાખી હતી. હવે ગૂગલના બિઝનેસ પ્રોફાઇલમાં, એ બિઝનેસની અન્ય સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ બતાવી શકાશે. પરંતુ એ સાથે ગૂગલ કંપની નાના બિઝનેસને ઉપયોગી બે સુવિધા પાછી ખેંચી રહી છે. આ બધા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.
આ બધી આંટીઘૂંટીમાં ગૂગલ જેવી જનરલ સર્ચ અને મેપ્સ પર સર્ચ કરવાની સર્વિસ આપતી કંપની આપણે માટે મહત્ત્વપૂર્ણ બની શકે. અલબત્ત, હાલના કસ્ટમર્સને બદલે, નવા કસ્ટમર્સ મેળવવામાં એ વધુ ઉપયોગી થાય.
ખાસ તો, આજના સમયમાં મોટા ભાગના લોકો કોઈ પણ બિઝનેસ, હોસ્પિટલ, શોપ, રેસ્ટોરાં વગેરેની મુલાકાત લેતાં પહેલાં તેના વિશે ગૂગલિંગ કરતા હોય છે. તેમાં એ જગ્યાના ફોટોગ્રાફ, તેના વિશેના સવાલ-જવાબ, અન્ય યૂઝર્સના રિવ્યૂ વગેરે તપાસવામાં આવે અને પછી જે વધુ ભરોસાપાત્ર લાગે તેની મુલાકાત લેવામાં આવે.
આ કારણે ગૂગલની બિઝનેસ પ્રોફાઇલ સર્વિસમાં આપણા બિઝનેસની હાજરી બહુ મહત્ત્વની બને.
તકલીફ એ છે કે ગૂગલ તેની આ સર્વિસમાં સતત અવનવા ફેરફાર કરતી રહી છે. અગાઉ કંપનીનું ફોકસ વિવિધ પ્રકારે સારી સર્વિસ આપીને તેમાંથી લાભ લેવાનું હતું, હવે ગૂગલનું બધું ફોકસ પહેલાં પોતાની આવક પર હોય એવું લાગે છે!
એ વલણ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ સર્વિસમાં પણ દેખાઈ રહ્યું છે. હમણાં હમણાં કંપની તેમાં ત્રણ મોટા ફેરફાર કર્યા. પહેલા ફેરફારનો આપણને લાભ થઈ શકે છે, પણ બાકીના બે ફેરફાર આપણા બિઝનેસ પર અવળી અસર કરી શકે છે. આપણે એ ત્રણેય ફેરફાર વિશે જાણીએ.
અત્યાર સુધી ઇન્ટરનેટનો બિઝનેસ મોટા ભાગે બે ભાગમાં વહેંચાયેલો રહ્યો છે – એક ભાગ છે સર્ચ એન્જિન અને તેના આધારિત પેઇડ કેમ્પેઇન્સ. બીજો ભાગ છે સોશિયલ મીડિયા અને તેના પર પેઇડ કેમ્પેઇન્સ.
આ બંને ભાગ જાણે ગૂગલ અને ફેસબુક (મેટા) કંપનીએ વહેંચી લીધા હોય એવી સ્થિતિ રહી છે. સર્ચ પર ગૂગલનું રાજ અને સોશિયલ મીડિયા પર મેટાનો દબદબો. મેટાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી પોતાની ધાક વિસ્તારી, પણ તેને ટિકટોક તરફથી જબરી સ્પર્ધા મળી, જ્યારે ગૂગલ સર્ચનું ડેસ્કટોપ પર રાજ રહ્યું, પણ સ્માર્ટફોનમાં ફક્ત ગૂગલ પર સર્ચ કરવાનું પ્રમાણ ઘટતું ગયું.

એટલું ઓછું હોય તેમ, સોશિયલ મીડિયા પરનું કન્ટેન્ટ અત્યાર સુધી ગૂગલની પહોંચથી બહાર રહ્યું છે. ગૂગલે પોતાની વિવિધ સર્વિસમાં યૂઝર જનરેટેડ કન્ટેન્ટ શક્ય એટલું વધારીને તેને જ સોશિયલ મીડિયા જેવું સ્વરૂપ આપવાની કોશિસ કરી, પણ તેમાં તેને બહુ સફળતા મળી નથી.
રાજકારણીઓ કે સેલિબ્રિટિઝ કે વિવિધ બિઝનેસ/બ્રાન્ડ્સ વગેરે યુટ્યૂબ અને એક્સ ઉપરાંત ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પણ બહુ એક્ટિવ હોવા છતાં તેના વિશેનાં રિઝલ્ટ્સ સર્ચ પેજ પર જોવા મળતાં નથી. ગૂગલ પર તો નહીં જ, પણ માઇક્રોસોફ્ટના બિંગ સર્ચમાં તેમનાં સોશિયલ પ્રોફાઇલ્સની લિંક્સ, એકદમ પ્રોમિનન્ટલી જોવા મળે છે. આવું કેમ?
કેમ કે અત્યાર સુધી મેટા કંપનીએ તેના કન્ટેન્ટને ગૂગલની પહોંચથી બને એટલું દૂર રાખ્યું હતું. ઝાઝી ખણખોદ કરીએ તો ફેસબુકનું કન્ટેન્ટ થોડા ઘણા પ્રમાણમાં ગૂગલ પર જોવા મળે, પણ નજર ખેંચાય એ રીતે નહીં.
આ વાત ગૂગલને લાંબા સમયથી ખૂંચતી હતી. આથી હવે સીધા સર્ચ પેજ પર તો નહીં, પણ ગૂગલના બિઝનેસ પ્રોફાઇલ પર, વિવિધ બિઝનેસ પોતાની સોશિયલ પોસ્ટ્સ પણ બતાવી શકે એવી સગવડ આવી રહી છે. ગૂગલને સોશિયલ સ્પેસમાં ઘૂસ્યા વિના છૂટકો નથી, આથી તેણે તેનો નવો શોર્ટકટ શોધ્યો છે.
તમને આ સગવડ મળતી જાય ત્યાર પછી, તમે તમારા ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં, એડિટમાં જઈ, બિઝનેસ ઇન્ફર્મેશન અને તેમાં કોન્ટેક્ટમાં, ‘સોશિયલ પ્રોફાઇલ્સ’માં જી શકશો. અહીં તમે તમારાં વિવિધ સોશિયલ એકાઉન્ટની લિંક્સ અને પોસ્ટ્સ ગૂગલ બિઝનેસ પેજ પર દેખાય એવું સેટિંગ કરી શકશો. ગૂગલ આવું આપોઆપ કરી લે એવું પણ શકય છે. સોશિયલ લિંક્સ પબ્લિક લિંક્સ હોવાથી મેટા તેને અટકાવી શકે એવું અત્યારે તો લાગતું નથી. બિઝનેસ માટે આ લાભની વાત છે.

ઉપરની વાત બિઝનેસ માટે લાભદાયી છે, પણ એ સિવાય, ના નાના બિઝનેસને હમણાં ગૂગલે ઉપરાઉપરી બે ઝટકા આપ્યા. જોકે આ બંને ઝટકા આવી રહ્યા છે એવા સંકેત ઘણા સમયથી મળી રહ્યા હતા.
પહેલાં ગૂગલે નાના બિઝનેસને ગૂગલના મેપ્સ અને સર્ચ પ્લેટફોર્મ પર જોવા મળે તેવી પોતાની વેબસાઇટ ‘જેવું કંઈક’ બનાવવાની સગવડ આપી હતી. તે પાછી ખેંચી લીધી. આ સગવડનો લાભ લઇને ગૂગલ એકાઉન્ટ ધરાવતા લોકો https://mybusiness.business.site/ જેવું યુઆરએલ ધરાવતું એક પેજ મફત ક્રિએટ કરી શકતા હતા. આવી ‘વેબસાઇટ’માં બિઝનેસ તથા તેની વિવિધ પ્રોડક્ટ, સર્વિસ, કોન્ટેક્ટ ડિટેઇલ અને અન્ય વિગતો ઉમેરી શકાતી હતી.
અત્યારે આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ ત્યારે જો તેને સંબંધિત કોઈ બિઝનેસ હોય તો તેની વિગતો સર્ચ રિઝલ્ટ પેજ પર, મેપ્સ પર લિસ્ટિંગ સ્વરૂપે જોવા મળે છે. ગૂગલ આ રીતે બિઝનેસ પ્રોફાઇલ તૈયાર કરવાની સગવડ આપે છે, તે ઉપરાંત ચોક્કસ યુઆરએલ ધરાવતું વેબપેજ બનાવવાની પણ સગવડ નાના બિઝનેસ મળતી હતી. એ સગવડ હવે ગૂગલે સમેટી લીધી.
અગાઉ આ સગવડનો લાભ લઇને પોતાના બિઝનેસની વેબસાઇટ બનાવનારા લોકોની એ વેબસાઇટ જોવા મળતી નથી, તેને બદલે હવે માત્ર બિઝનેસ પ્રોફાઇલ જોવા મળે છે.
એ ઝટકા પછી હવે ગૂગલે ગૂગલ મેપ્સ અને સર્ચમાં વિવિધ બિઝનેસ સાથે ચેટ (લાઇવ નહીં, મેસેજની આપલે) કરવાની સગવડ પણ બંધ કરવામાં છે. આ સગવડ પણ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો ભાગ હતી.

જો તમે તમારા બિઝનેસનો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ ધરાવતા હો તો કદાચ તમને ખ્યાલ હશે કે તેમાં ચેટ સર્વિસ ઓન કરી શકાતી હતી. એ કારણે આપણો બિઝનેસ પ્રોફાઇલ જોતી વ્યક્તિ ચેટ બટન પર ક્લિક કરીને આપણને મેસેજ મોકલી શકતી હતી. આપણે પોતાના ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડઇન હોઇએ ત્યારે અન્ય યૂઝર્સ તરફથી ચેટ સુવિધાનો ઉપયોગ કરીને આવેલા મેસેજીસ જોઈ શકતા હતા અને તેનો જવાબ આપી શકતા હતા.
હવે ગૂગલ આ સુવિધા પણ પાછી ખેંચી લેવાની તૈયારીમાં છે. વાસ્તવમાં બિઝનેસ કમ્યુનિકેશનની બાબતે ફેસબુક, મેસેન્જર અને વોટ્સએપ બહુ આગળ નીકળી ગયાં છે. ગૂગલે તેમની હરીફાઈમાં રહેવા માટે મેપ્સ અને સર્ચ સર્વિસમાં બિઝનેસ પ્રોફાઇલમાંથી જ બિઝનેસ સાથે ડાયરેક્ટ મેસેજની આપલે કરવાની સગવડ ઉમેરી હતી. પરંતુ લોકોએ તેનો પૂરતો લાભ લીધો નહીં.
ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ સાથે મફત ‘વેબસાઇટ’ અને કસ્ટમર્સ સાથે ચેટિંગની સુવિધા હતી. આ બંને સુવિધા કંપની પાછી ખેંચી રહી છે.
બીજી તરફ ગૂગલ વોટ્સએપના બિઝનેસ કમ્યુનિકેશન માટેના પેઇડ ટૂલ્સની જેમ જ ‘ગૂગલ બિઝનેસ મેસેજિસ’ની સુવિધા આગળ ધપાવી રહી છે. આ પ્રકારે મેસેજિંગ માટે બિઝનેસે ગૂગલને રૂપિયા ચૂકવવા પડશે. એવું લાગે છે કે આ પેઇડ સર્વિસ પર પૂરેપૂરું ફોકસ કરવા માટે મેપ્સ અને સર્ચમાં બિઝનેસ પ્રોફાઇલ સાથેની ફ્રી ચેટ સુવિધા પાછી ખેંચવામાં આવી રહી છે. આ સુવિધા જુલાઈ ૨૦૨૪થી બંધ થવાની શક્યતા છે.
આમ પણ બિઝનેસ સાઇટ અને બિઝનેસ પ્રોફાઇલમાં ચેટિંગ એ બંને સુવિધા પર ગૂગલ તરફથી લાંબા સમયથી કોઈ અપડેટ્સ નહોતા એટલે ગૂગલ વહેલા મોડી આ સર્વિસ સમેટી લેશે તેવી આશંકા હતી.

