તમે તમારા સ્માર્ટફોનમાં ફાઇલ મેનેજર તરીકે ગૂગલની ‘ફાઇલ્સ’ એપ (Files by Google, Google LLC)નો ઉપયોગ કરો છો?

ફોનમાંની બધી ફાઇલ્સ સહેલાઈથી શોધવા માટે અને તેની સાફસૂફી કરવા માટે આ એપનો ઉપયોગ ઘણો સહેલો છે. અગાઉ આપણે તેના ઉપયોગ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. અત્યારે તેમાં આવેલા બે મોટા ફેરફારની વાત કરી લઇએ.
પહેલો ફેરફાર એ છે કે એપની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તેમાં સ્ક્રીન પર નીચેના ભાગમાં મેનૂ બારની મદદથી એપમાં વિવિધ એકશન લઈ શકાતાં હતાં. હવે ગૂગલની અન્ય એપ્સની જેમ બોટમ બારમાંની વિગતો ડાબી તરફની પેનલમાં ઉમેરી દેવામાં આવી છે. હવે હોમ સ્ક્રીન પર વિવિધ કેટેગરી તથા કલેકશન્સમાં આપણા સ્માર્ટફોનમાંની અલગ અલગ પ્રકારની ફાઇલ્સ સહેલાઈથી જોઈ શકાય છે. એ ઉપરાંત ફોનમાંની ઇન્ટરનલ સ્ટોરેજ તથા ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરતા હોઇએ તો તેની ફાઇલ્સ પણ હોમ સ્ક્રીન પરથી જોઈ શકાય છે.

ફાઇલ્સ એપમાંથી બોટમ બાર દૂર થયો એ સાથે ફાઇલ્સ એપમાંથી આપણી ફાઇલ અન્ય ડિવાઇસમાં શેર કરવાની રીત પણ ગાયબ થઈ છે. અલબત્ત આપણે ફાઇલ્સ એપમાં જ કોઈ ચોક્કસ ફાઇલ સુધી પહોંચીએ એ પછી તેને સંબંધિત ઓપ્શન્સમાં એ ફાઇલને શેર કરવાની સગવડ મળે છે. એ રીતે આપણે જે તે ફાઇલને વોટ્સએપ, ઇમેઇલ કે અન્ય કોઈ એપની મદદથી અથવા ‘નીયર બાય’ સર્વિસની મદદથી અન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ.
ફાઇલ્સ એપમાં આવેલો બીજો મોટો ફેરફાર તેમાં ઉમેરાયેલી સ્કેનરની નવી સગવડનો છે. હવે એપના હોમ સ્ક્રીન પર નીચેની તરફ સ્કેન માટેનું ફ્લોટિંગ બટન જોવા મળે છે. તેને ક્લિક કરી આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓટોમેટિક અથવા મેન્યુઅલ રીતે સ્કેન કરી શકીએ છીએ. ડોક્યુમેન્ટ સ્કેન કર્યા પછી તેને ક્રોપ, રોટેટ કે અલગ અલગ રીતે ફિલ્ટર કરવાના ઓપ્શન પણ મળે છે. આપણે સ્કેન કરેલ ડોક્યુમેન્ટને સેવ કરીએ એ સાથે આપણા ફોનની સ્ટોરેજમાં ‘સ્કેન્ડ ડોક્યુમેન્ટ્સ’ નામનું એક નવું ફોલ્ડર બને છે અને આપણે સ્કેન કરેલી ફાઇલ્સ અહીં સ્ટોર થાય છે. ત્યાંથી આપણે ફરીથી એ ફાઇલને કોઈ પણ રીતે શેર કરી શકીએ કે કોઈ નિશ્ચિત ફોલ્ડરમાં મૂવ કરી શકીએ.

