
આપણા સ્માર્ટફોનમાં આપણને એપ્સ ઉમેરવાની જબરદસ્ત ટેવ પડી છે. સ્માર્ટફોનમાં ઇન્ટર્નલ સ્ટોરેજ ભરપૂર મળવા લાગતાં આપણે આંખો મીંચીને એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ. આ એપ્સ એટલે બીજું કશું જ નહીં પરંતુ આપણા સ્માર્ટફોનને વધુ સ્માર્ટ બનાવવાની સુવિધા. સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની સાથોસાથ પહેલેથી અમુક પાયાની સુવિધાઓ હોય જ છે, તેને વધુ વિસ્તારવા માટે આપણે એપ્સ તરફ વળીએ છીએ.
પીસી કે લેપટોપની વાત કરીએ તો તેમાં કંઈક આવું જ કામ કરે છે ‘એડઓન્સ’ કે ‘એક્સટેન્શન’. એડઓન્સને વધુ લોકપ્રિય કરવાનું કામ ફાયરફોક્સે કર્યું. ઇન્ટરનેટ સર્ફ કરવા માટે જ્યારે માઇક્રોસોફ્ટ એક્સપ્લોરર બ્રાઉઝરનો સૌથી વધુ ઉપયોગ થતો હતો ત્યારે ફાયરફોક્સે પોતાના બ્રાઉઝરના બેઝિક વર્ઝન ઉપરાંત અન્ય ડેવલપર્સ તેમાં નવી નવી ખૂબીઓ ઉમેરી શકે તેવા એડઓન્સ ઉમેરવાની પેટર્ન અપનાવી. જે જબરજસ્ત લોકપ્રિય થઈ અને જોતજોતામાં ફાયરફોક્સ દુનિયાનું સૌથી વધુ લોકપ્રિય બ્રાઉઝર બની ગયું.
ત્યાર પછી મેદાનમાં ઉતરેલા ગૂગલ ક્રોમમાં શરૂઆતમાં એડઓન્સની સગવડ નહોતી પરંતુ તે ઉમેરાયા પછી ક્રોમની લોકપ્રિયતા પણ જબરજસ્ત વધી.
મૂળ કન્સેપ્ટ આખરે એક જ છે – ફક્ત નામ જુદાં જુદાં છે
ઇન્ટરનેટની દુનિયામાં એડઓન્સ ‘પ્લગઇન’ કે ‘એક્સટેન્શન’ જેવા નામે પણ ઓળખાય છે. જો તમે પીસીમાં ક્રોમ કે ફાયરફોક્સનો ઉપયોગ કરતા હો તો તેના એડઓન્સ કે એક્સટેન્શન્સ પર એક નજર નાખી જુઓ. તમને ઉપયોગી થાય તેવું ઘણું બધુ તેમાં મળી આવશે (પીસીમાં, ક્રોમ બ્રાઉઝરમાં જુઓ https://chromewebstore.google.com/).એડઓન્સનો દેખીતો અર્થ એ છે કે જ્યારે કોઈ કંપની પોતે બનાવેલા સોફ્ટવેરને અત્યંત વિશાળ પ્રમાણમાં વિસ્તારવા માગે ત્યારે તે પોતાના સોફ્ટવેરની કાર્યક્ષમતા વધારે તેવા નાના નાના સોફ્ટવેર બનાવવાની અન્ય ડેવલપર્સને છૂટ આપે છે.
ફાયરફોક્સે જે બ્રાઉઝરમાં કર્યું તે ગૂગલે એન્ડ્રોઇડમાં કર્યું – અન્ય ડેવલપર્સને એન્ડ્રોઇડ ફોનમાં અનેક પ્રકારની એપ્સ ઉમેરવાની સગવડ આપી અને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી!
જુદી જુદી બાબતોમાં ઉપયોગ
એડઓન્સ માત્ર બ્રાઉઝર પૂરતા સીમિત નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે વર્ડ, એક્સેલ જેવા પ્રોગ્રામ્સમાં પણ એડઓન્સ ઉમેરી શકાય છે (તેને ‘એડ-ઇન’ નામ અપાયું છે!).
ગૂગલ ડ્રાઇવમાં સ્પ્રેડશીટ, ડોક્સ જેવા પ્રોગ્રામમાં પણ, જે તે પ્રોગ્રામની બેઝિક સુવિધાઓ ઉપરાંત થર્ડ પાર્ટીએ ડેવલપ કરેલા એડઓન્સ ઉમેરીને તેની કાર્યક્ષમતા વિસ્તારી શકાય છે.

જીમેઇલમાં પણ જુદા જુદા થર્ડ પાર્ટી એડઓન્સ ઉમેરીને, જીમેઇલને તે છે તેના કરતાં પણ વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે.
એ જ રીતે વેબસાઇટ માટે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો જૂમલા અને વર્ડપ્રેસ જેવા લોકપ્રિય અને ઓપનસોર્સ પ્લેટફોર્મ પર, મૂળ પ્લેટફોર્મમાં અનેક પ્રકારનાં ફીચર્સ ઉમેરતાં પ્લગઇન્સ કે મોડ્યુલ્સ ઉમેરી શકાય છે, એ પણ એડઓન્સનો જ એક પ્રકાર છે.
ફેસબુકે પોતાની મેસેન્જર સર્વિસને પણ થર્ડ પાર્ટી ડેવલપર્સ માટે ઓપન કરી છે. વોટ્સએપમાં આપણે થર્ડ પાર્ટીએ ડેવલપ કરેલાં સ્ટિકર્સ ઉમેરી શકીએ છીએ એ પણ એડ-ઓનનો પ્રકાર કહી શકાય.
આપણે જેનો ઉપયોગ ધીમે ધીમે વિસ્તારી રહ્યા છે એ ગૂગલ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કે એઆઇ આસિસ્ટન્ટમાં પણ થર્ડ પાર્ટીએ ડેવલપ કરેલા એડઓન્સ કે એક્સટેન્શન્સની સંખ્યા સતત વધી રહી છે.
એડઓન્સ વિના ચાલે તેમ નથી
આમ પીસી લેપટોપ માટેના એડઓન્સ અને સ્માર્ટફોનમાંની થર્ડ પાર્ટી એપ્સ એ બંને લગભગ સરખી જ વાત છે. બંનેના ફાયદા અને ગેરફાયદા લગભગ સરખા છે. એ પણ જાણી લો કે થર્ડ પાર્ટી એપ્સ ઘણી બધી રીતે જોખમી બની શકે છે. પરંતુ થર્ડ પાર્ટી એપ્સ કે એડઓન્સ વિનાની દુનિયાની કલ્પના કરવી હવે મુશ્કેલ છે.

એડઓન્સનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં આપણને આપણી જરૂરિયાત મુજબ જે તે વેબ સર્વિસને ઘણી અલગ અલગ રીતે કસ્ટમાઇઝ કરવાની તક મળે છે. બધા પ્રકારની સગવડો મૂળ સર્વિસમાં પહેલેથી સામેલ કરવી એ અશક્ય છે (સ્માર્ટફોનમાં બધી એપ્સ પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય એવી કલ્પના પણ થઈ શકે?!). એટલે થર્ડ પાર્ટી એપ્સ કે એક્સટેન્શન્સ વિના કોઈને ચાલી શકે તેમ નથી.
ફક્ત આપણે આપણી જરૂરિયાત નક્કી કરીને તેને માટે કયું એડ-ઓન સૌથી વધુ ઉપયોગી છે તે નક્કી કરવું પડે અને તેની સાથોસાથ તે કેટલું સલામત છે એ પણ અચૂકપણે તપાસવું પડે. તેને ઉમેરતી વખતે તે કેવી પરમિશન્સ માગે છે તે પણ અચૂક તપાસી જોવું.
તો હવે, તમારા મનપસંદ સોફ્ટવેરની ખૂબીઓ વધુ વિસ્તારતા એડઓન્સ પણ જોઈ જુઓ!
અહીં ઉદાહરણ તરીકે ફક્ત ક્રોમ બ્રાઉઝરનાં એડઓન્સ આપ્યાં છે.
પીસીના ક્રોમ બ્રાઉઝરમાં એડઓન્સ કેવી રીતે ઉમેરવા?
- મોટા ભાગના લોકો સ્માર્ટફોનમાં અનેક એપ્સ ઇન્સ્ટોલ કરે છે, પરંતુ પીસીના બ્રાઉઝરમાં એડઓન્સનો લાભ લેવાનું ચૂકી જાય છે. તેનો લાભ લેવા માટે
- તમારા પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી, આ પેજ પર જાઓ ઃ https://chromewebstore.google.com/
- ડાબી તરફના સર્ચ ધારો કે Dictionary લખો.
- તે એક્ટેન્શનનું પેજ ઓપન કરો અને તે ઉપયોગ કરવા જેવું લાગે તો તેને માટે ‘એડ ટુ ક્રોમ’ બટન ક્લિક કરી દો.
- તમારે તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન કરવું પડશે. હવે તમે બીજા કોઈ પણ પીસીમાં, ક્રોમ બ્રાઉઝરમાં એ જ ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થશો ત્યારે તમે ઉમેરેલાં બધાં એક્સ્ટેન્શન જોવા મળશે.
- એક્સટેન્શનના આઇકન યુઆરએલ બોક્સની જમણી તરફ જોવા મળશે. તેને ક્લિક કરી, તેનો ઉપયોગ કરી શકાશે.

તમારા બ્રાઉઝર માટે ઇન્ડિસ્પેન્સેબલ એક્સટેન્શન! ‘ઇન્ડિસ્પેન્સેબલ’ શબ્દનો અર્થ સ્પષ્ટ નથી? તમે કાગળ પર લખાયેલા શબ્દો વાંચી રહ્યા હો તો ડિક્શનરી હાથમાં લઈને અર્થ શોધ્યા વિના છૂટકો નહીં, પણ જો ક્રોમમાં કોઈ વેબસાઇટમાં આ જ શબ્દ ઇંગ્લિશમાં વાંચ્યો હોત અને ક્રોમમાં ગૂગલ ડિક્શનરીનું એક્સટેન્શન હોત તો તમે માઉસથી એ શબ્દ પર ડબલ ક્લિક કરીને પલકવારમાં એનો અર્થ જાણી-સમજી શક્યા હોત! પોપ-અપ બોક્સમાં છેડે આપેલી ‘મોર’ લિંક પર ક્લિક કરીએ એટલે ગૂગલમાં એ જ શબ્દ આગળ ડિફાઇન (define indispensable) લખીને સર્ચ કરવાથી જે રીઝલ્ટ મળે એ પેજ પર પહોંચી જઈએ! મજા, જે તે વેબપેજ પરથી બીજે ક્યાંય ગયા વિના, સંદર્ભ ગુમાવ્યા વિના ફટાફટ અર્થ જાણી લેવામાં છે.
શબ્દ સિલેક્ટ કરીને એડ્રેસ બાર બાજુના ડિક્શનરીના આઇકન પર ક્લિક કરશો તો પણ ત્યાં વિગતવાર અર્થ જાણવા મળશે.
એક્સટેન્શનના ઓપ્શનમાં જઈને, આપણે સર્ચ કરેલા શબ્દોની હિસ્ટ્રી પણ જાળવી શકાય છે, જેથી ક્યારેક ફુરસદે એ શબ્દો પર ફરી નજર ફેરવીને આપણી સમજ પાકી કરી શકાય. ભણી ગણીને કારકિર્દીમાં આગળ વધીએ ત્યારે આપણી ઓફિસમાં ‘ઇન્ડિસ્પેન્સેબલ’ બનવું હોય તો આવાં એક્સટેન્શનની મદદ લેવાની ટેવ કેળવવી રહી! સિસ્ટમ આ એક્સટેન્શન ટૂંક સમયમાં દૂર થશે એવું કહે છે, પણ એ ભૂલ સુધરી જવી જોઈએ.
વેબસ્ટોરમાં સર્ચ કરો : Google Dictionary (by Google)
ઇન્ટરનેટ પરની આપણી બધી જ પ્રવૃત્તિનો પ્રારંભ લગભગ એક જ વાતથી થાય છે – સર્ચ.
મોબાઇલમાં કોઈ એપ ખોલવી હોય તો આપણે એપ્સ ડ્રોઅરમાં જઈને જોઈતી એપ સર્ચ કરીએ અથવા ઉપર આપેલા સર્ચ બોક્સની મદદથી જોઈતી એપ સર્ચ કરી લઈએ. મેઇલ એપ ઓપન કરીએ તો એમાં જોઈતો મેઇલ શોધવા સર્ચ બારનો ઉપયોગ કરીએ. પીસીમાં જોઈતી માહિતી ધરાવતા પેજ પર પહોંચવા ગૂગલમાં સર્ચ કરીએ.

પણ, આપણી આ બધી સર્ચ પ્રવૃત્તિ પછી, જે તે વેબપેજ પર પહોંચ્યા પછી, સર્ચ આગળ ધપાવવી હોય તો?
તમે જાણતા જ હશો કે પીસીમાં મોટા ભાગના બ્રાઉઝરમાં કંટ્રોલ+એફ કી પ્રેસ કરીને આપણે સર્ચ બોક્સ ઓપન કરી શકીએ છીએ, જેની મદદથી જે તે વેબપેજની અંદર જોઈતો શબ્દ સર્ચ કરી શકાય છે, બ્રાઉઝર આપણે સર્ચ કરેલો શબ્દ હાઇલાઇટ કરી આપે છે. મોબાઇલમાં પણ બ્રાઉઝરના સેટિંગ્સમાં ‘ફાઇન્ડ ઇન પેજ’નો વિકલ્પ મળશે.
પરંતુ જો તમે ઇન્ટરનેટના પાવર યૂઝર હો અને વિવિધ વેબપેજમાં ચોક્કસ માહિતી શોધવા જબરાં ખાખાંખોળા કરવાની તમને ટેવ હોય તો આ એક-એક શબ્દની વેબપેજ સર્ચ સુવિધા તમને ચોક્કસ અપૂરતી લાગતી હશે.
એના ઉપાય તરીકે, પીસીમાં ક્રોમ વેબસ્ટોરમાં જઈને ‘મલ્ટિ હાઇલાઇટ’ નામનું એક્સટેન્શન સર્ચ કરીને તેને તમારા ક્રોમમાં ઉમેરી દો.

હવે તમે કોઈ પણ પેજ પર હો અને તેમાં એકથી વધુ શબ્દો એક સાથે સર્ચ કરવાની જરૂર પડે તો એડ્રેસબારની બાજુમાં મલ્ટીહાઇલાઇટરના આઇકન પર ક્લિક કરો.એક સર્ચ બોક્સ ખૂલશે અને તેમાં તમે એકથી વધુ શબ્દો લખી શકશો, દરેક શબ્દ વચ્ચે ફક્ત સ્પેસ આપતા જાઓ. આ એક્સટેન્શન એ વેબપેજમાં, આપણે લખેલા દરેક શબ્દ શોધી આપશે અને તેને અલગ અલગ, પણ દરેક શબ્દ માટે એક ચોક્કસ કલરથી હાઇલાઇટ કરી આપશે!
તમે સ્ટુડન્ટ હો કે ઓફિસ એક્ઝિક્યુટિવ, કોઈ પણ પ્રોજેક્ટ માટે બુક્સ કે પેપર્સ પર કલરફુલ હાઇલાઇટર્સનો ઉપયોગ કરવાની તમને ટેવ હશે. આ તેના જેવું જ ડિજિટલ વર્ઝન છે! તમે ઇન્ટરનેટ પર રિસર્ચ કરો ત્યારે આ સુવિધા તમને બહુ કામ લાગશે.
તમે એ વેબપેજને પેપર પર કે પીડીએફ તરીકે પ્રિન્ટ કરશો ત્યારે પણ આ શબ્દો હાઇલાઇટેડ રહેશે.



