(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓછા રોકાણે શરૂ કરો તમારો ઇ-કોમર્સ બિઝનેસ

હવે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લાખોનું રોકાણ જોઈએ એવું રહ્યું નથી, જોકે આવડત તો જોઈશે જ.

યાદ છે? કોરોના સમયે ભલભલા લોકો નોકરી ગુમાવીને એવી ભીંસમાં આવી ગયા હતા કે તેમણે પોતાની રીતે ટિફિન સર્વિસ કે શાકભાજી કે અન્ય ચીજવસ્તુ વેચીને આવક ઊભી કરવાનો સમય આવ્યો હતો. અત્યારે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. હવે અગાઉ જેવો આકરો સમય પાછો આવવાની શક્યતા નથી, પણ તમે કે તમારા જીવનસાથી નોકરી કરતા હો તો એની સાથે બીજું નાનું-મોટું કામકાજ કરીને વધારાની આવક ઊભી કરવામાં કશું ખોટું નથી.  આવા વિચાર તો તમને આવતા જ હશે.

જેમ કે, ધારો કે તમે જીવનસાથી કે ફ્રેન્ડ સાથે કોઈ કૂર્તી/ડ્રેસ મટિરિયલ શોપમાં ગયા. જો તમારામાં પાકો ગુજરાતી જીવ જાગતો હશે તો ત્યાં કસ્ટમર્સની ભીડ જોઈને અચૂક વિચાર આવશે કે બોસ, બિઝનેસ તો આ જ કરવો જોઇએ!

તમે ખરેખર સિરિયસ હો તો ઘરે આવીને થોડી ગણતરી માંડશો. જેમ કે પેલી શોપનું મહિને ભાડું કેટલુંક હશે, સ્ટાફનો પગાર, એસી વગેરેનો ખર્ચ કેટલો હશે, શોપમાં જે ખચાખચ સ્ટોક હતો તે ખરીદવામાં કે તેની ડિપોઝિટમાં કેટલો ખર્ચ થતો હશે. આ બધી ગણતરી પછી મોટા ભાગે તમે હતોત્સાહ થઈને એ ‘જબરો’ બિઝનેસ કરવાનું માંડી વાળો.

કોઈ દુકાન નહીં, ભાડાં નહીં, પગાર નહીં, સ્ટોક નહીં… છતાં વેચાણ આખા દેશમાં. આવી રીતે પણ હવે બિઝનેસ થઈ શકે છે! ઘણાં સ્ટાર્ટઅપ્સ એવાં છે, જે આપણો ઇ-સ્ટોર ઓપન કરી આપે, તેમાં પ્રોડક્ટ્સ ઉમેરે અને તેની ડિલિવરી પણ સંભાળે. તમે ઇચ્છો તો ‘ડ્રોપશિપિંગ’નો કન્સેપ્ટ અપનાવી, નાનો બિઝનેસ શરૂ કરી શકો અને નવી આવક ઊભી કરી શકો.

પરંતુ નવા સમયમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. જો તમને ખરેખર ઉત્સાહ હોય અને માર્કેટિંગની થોડી આવડત હોય તો આગળ લખ્યા એમાંના કોઈ ખર્ચ વિના પ્રમાણમાં નજીવા મૂડીરોકાણ સાથે તમે એ જ બિઝનેસ શરૂ કરી શકો. એટલું જ નહી ફક્ત તમારા એરિયામાંના કસ્ટમર્સને બદલે આખા ભારતમાંથી ઓર્ડર્સ મેળવી શકો છો!

તમે સમજી જ ગયા હશો – વાત  ઓનલાઇન બિઝનેસની  છે. બહુ ઓછા ખર્ચે ઓનલાઇન બિઝનેસ શરૂ કરવા માટે અત્યારે ‘ડ્રોપશિપિંગ’નો કન્સેપ્ટ સારો એવો ચાલી રહ્યો છે. વાતમાં રસ પડ્યો? તો વાંચો આગળ!

(1)

સૌથી પહેલું પગલું, તમારા પોતાના ડ્રોપશિપિંગ બિઝનેસ માટે ભરોસાપાત્ર સપ્લાયર શોધવાનું છે. એવા સપ્લાયર જેની પ્રાઇઝ રીઝનેબલ હોય, પ્રોડક્ટની ક્વોલિટી સારી હોય અને જે ડિલિવરીમાં પણ ભરોસાપાત્ર હોય.

(2)

મોટા ભાગની ડ્રોપશિપિંગ સપ્લાયર સાઇટ્સ પરથી પ્રોડક્ટની ઇમેજિસ કે લિંક મેળવીને તમારી રીતે, તમારા સોશિયલ સર્કલમાં સ્પ્રેડ કરી શકાય. જે ઓર્ડર આવે તે તમે જ પેલા પ્લેટફોર્મ પર મોકલો અને પ્લેટફોર્મ દ્વારા ડિલિવરી કરાવો.

(3)

ઘણાં ડ્રોપશિપિંગ સપ્લાયર સ્ટાર્ટઅપ પ્રોડક્ટસ સપ્લાય કરવા ઉપરાંત, તમારો ઇ-સ્ટોર પણ બનાવી આપે છે. એ પછી તમારા ઇ-સ્ટોરને વિવિધ રીતે પ્રમોટ કરો. સ્ટોર પર ઓર્ડર/પેમેન્ટ મેળવો, જેની ડિલિવરી એ સ્ટાર્ટઅપ કરશે.

(4)

તમે ઇચ્છો તો તમે પસંદ કરેલી પ્રોડક્ટ્સને રેડીમેડ ઇ-સ્ટોરને બદલે તમારી પોતાની વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ સાઇટ પર અપલોડ કરી શકો કે ફેસબુક/ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર પણ સ્પ્રેડ કરી શકો.



ડ્રોપશિપિંગમાં આપણું કામ એક વાર સારા સપ્લાયર શોધવાનું અને પછી વારંવાર નવા કસ્ટમર્સ શોધવાનું છે – સહેલું નથી, તેમ બહુ મુશ્કેલ પણ નથી.

સાઇડ ઇન્કમ! સૌ કોઈને આ બે શબ્દમાં ખાસ્સો રસ હોય છે. સારી વાત છે કે તમે પ્રમાણિક રહીને પણ સાઇડ ઇન્કમ ઊભી કરી શકો છો.

વાસ્તવમાં આર્થિક બાબતોના નિષ્ણાતો એક અવાજે કહે છે કે કોઈ વ્યક્તિએ આવકના એક સ્રોત પર નિર્ભર રહેવું જોઈએ નહીં. એ આપણે ક્યારે ગુમાવી બેસીએ તેનો કોઈ ભરોસો નહીં.

બીજી તરફ આવકના એકથી વધુ સ્રોત હોય તો એક-બે ગુમાવી બેસીએ કે કોઈ ફીલ્ડમાં મંદી આવે તો પણ ચિંતા નહીં. એમાં પણ, ‘સાઇડ ઇન્કમ’ને જો આપણે ‘પેસિવ ઇન્કમ‘માં ફેરવી શકીએ, એટલે કે આપણા તરફથી સતત, ખાસ અને વધુ સમય માગતા પ્રયાસો વિના આવક મળી શકે તો એના જેવું બીજું કંઈ નહીં!

ડ્રોપશિપિંગ થોડા ઘણા અંશે, આવી વધારાની આવક ઊભી કરવાનો એક રસ્તો છે. એ સહેલો નથી, પણ ટ્રાય કરવામાં ખાસ કંઈ ગુમાવવાનું નથી.

ડ્રોપશિપિંગ શું છે?

બિઝનેસમાં ટ્રેડિંગનો કન્સેપ્ટ તમે જાણતા જ હશો. તેમાં વેપારી પોતે કોઈ માલસામાન રાખે નહીં, એ ફક્ત એક તરફથી ઓર્ડર મેળવે અને બીજી તરફથી સપ્લાયર તરફથી માલ ડિલિવર કરાવે. પોતે વચ્ચે માર્જિન મેળવે.

આ જ કન્સેપ્ટ નવા સમયમાં ‘ડ્રોપશિપિંગ’ નામે પોપ્યુલર છે. તેમાં વચ્ચેની વ્યક્તિ તરીકે આપણા પર શિપિંગની કોઈ જવાબદારી રહેતી નથી. હવે સમય ઓનલાઇન કોમર્સનો છે એટલે આપણે માટે આખી વાત વધુ સહેલી બને છે. આપણે ફક્ત એક તરફ ભરોસાપાત્ર સપ્લાયર નક્કી કરવાના અને બીજી તરફ કસ્ટમર્સ શોધવાના. પછી ઓર્ડર મેળવી સપ્લાયરને પહોંચાડવાનો. ઓર્ડર મુજબ ડિલિવરી કરવાની જવાબદારી સપ્લાયર નિભાવે.

ભારતમાં કેવી તક છે?

દુનિયાના સૌથી વધુ ઝડપે વિકસતા સૌથી મોટા ઇ-કોમર્સ માર્કેટ્સમાં ભારતનો નંબર આગળ પડતો છે. એમાંય કોરોના પછી લોકોની ઓનલાઇન ખરીદી ઘણી વધી ગઈ છે. બજાર અને શક્યતાઓ એટલી બધી વિશાળ છે કે જો તમારામાં માર્કેટિંગની થોડી આવડત હોય તો ડ્રોપશિપિંગ બિઝનેસ વિકસાવવા તરફ ખરેખર ધ્યાન આપવા જેવું છે.

અન્ય બિઝનેસની સરખામણીમાં રોકાણ અને ઓછાં છે, પરંતુ થોડી ટેકનિકલ જાણકારી તથા પ્રમોશન, માર્કેટિંગની આવડત જોઇશે. જો આટલું હોય તો નાના પાયે શરૂઆત કરી શકો. ધગશ, ધીરજ અને આવડતનો સંગમ થાય તો સફળતા મળી શકે.

આવો બિઝનેસ કોણ કરી શકે?

કોઈ પણ વ્યક્તિ, જેને બિઝનેસની ચળ અને આવડત બંને હોય! મીશો, ગ્લોરોડ જેવી ઘણી સાઇટની મદદથી કોઈ ગૃહિણી પણ ડ્રોપશિપિંગમાં ઝંપલાવી શકે, એ માટે ફક્ત વોટ્સએપ પર ગ્રૂપ બનાવવાનાં અને પેલા પ્લેટફોર્મ  પરથી  લિંક્સ મેળવીને વોટ્સએપ પર શેર કરતાં આવડવું જોઈએ.

કોમર્સ કે બિઝનેસ મેનેજમેન્ટના સ્ટુડન્ટે તો અભ્યાસની સાથોસાથ ચોક્કસપણે આ પ્રકારના બિઝનેસનો વિચાર કરવો જોઇએ કેમ કે અભ્યાસ પૂરો કર્યા પછી એમણે એ જ કરવાનું છે! સ્ટુડન્ટ્સને ઓનલાઇન કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, યુપીઆઇ પેમેન્ટ કલેક્શન વગેરેની આવડત હોય  તો મોટા રોકાણ વિના આ રીતે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે.

કેવી પ્રોડક્ટ્સ વેચી શકાય?

ડ્રોપશિપિંગમાં પ્રોડક્ટની પસંદગી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે ઇચ્છો તો ગારમેન્ટ્સ, બ્યુટી અને હેલ્થ પ્રોડક્ટ્સ, સ્પોર્ટસ અને ફિટનેસ પ્રોડક્ટસ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ અને એક્સેસરીઝ, સ્ટેશનરી આઇટમ્સ વગેરે પર ફોકસ કરી શકો. લોકો કયા કયા પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદવાનું પસંદ કરે છે તેનો થોડો રિસર્ચ ચોક્કસ કામ લાગે.

પ્રોડક્ટ પસંદ કરતી વખતે તમારે એ જોવાનું રહે કે તમને પોતાને કઈ પ્રોડક્ટમાં રસ પડે છે અને શામાં સારી સૂઝ છે. ક્યા પ્રકારની પ્રોડક્ટના સપ્લાયર શોધવા તમારે માટે સરળ છે એ પણ મહત્ત્વનું છે કેમ કે ડ્રોપશિપિંગમાં સપ્લાયરની ભૂમિકા સૌથી મોટી અને મહત્ત્વની છે.

ક્યાં ક્યાં સેલ કરી શકાય?

ડ્રોપશિપિંગ બિઝનેસ મોડેલ મજા એ છે કે તેમાં લગભગ કોઈ પ્રકારના મર્યાદા નથી. આપણે જે ઇચ્છીએ તે કરી શકીએ. ઘણા કોલેજ સ્ટુડન્ટ માત્ર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટોર ચલાવતા હોય છે. ઘણા લોકો ફક્ત વોટ્સએપ પર ફોકસ કરે છે. કૂર્તી, ડ્રેસ મટીરિયલ વગેરેનું ડ્રોપશિપિંગ કરતી ગૃહિણીઓમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વધુ પોપ્યુલર છે.

ભારતમાં ખાસ કરીને ગૃહિણીઓમાં ડ્રોપશિપિંગનો કનસેપ્ટ મીશો કંપનીએ બહુ લોકપ્રિય બનાવ્યો છે. આ પ્લેટફોર્મ પર સેલર તરીકે જોડાઈને લોકો તેની વિવિધ પ્રોડક્ટ્સની લિંક મેળવીને પોતાના સર્કલમાં સ્પ્રેડ કરી શકે છે. સર્કલમાંથી જે ઓર્ડર્સ મળે તે સપ્લાય કરવાનું કામ મીશો સંભાળે છે.

સપ્લાયર કેવી રીતે શોધવા?

આગળ કહ્યું તેમ ડ્રોપશિપિંગમાં વિશ્વાસપાત્ર સપ્લાયર શોધવા સૌથી મહત્ત્વના છે. પ્રોડક્ટની ક્વોલિટી સુનિશ્ચિત કરવા માટે એક રસ્તો એ છે કે આપણે પોતે પ્રોડક્ટ મેળવીએ અને પછી તેને ડિલિવર કરીએ. પરંતુ તો એ ડ્રોપશિપિંગ કનસેપ્ટ રહેતો નથી. આ રસ્તો વધુ ઝંઝટભર્યો પણ છે.

આથી સપ્લાયર એવા હોવા જોઇએ જેની પ્રોડક્ટ્સની ક્વોલિટી તેમજ ડિલિવરીની વ્યવસ્થા પણ ભરોસાપાત્ર હોય. ઓનલાઇન શોપિંગમાં પ્રોડક્ટ રિટર્ન પણ થતી હોય છે, જેનું મેનેજમેન્ટ મુશ્કેલ હોય છે. નાના પાયે ઓનલાઇન બિઝનેસ કરવા માગતી વ્યક્તિઓ મોટા ભાગે અહીં જ તકલીફ અનુભવતી હોય છે.

કેવાં બિઝનેસ મોડેલ્સ વિકસ્યાં છે?

અત્યારે ડ્રોપશિપિંગ બિઝનેસના મુખ્ય બે રસ્તા છે ઃ

એક, તમે જે પ્રોડક્ટ પસંદ કરી હોય તેના સપ્લાયર જાતે શોધો, તેમનો કોન્ટેક્ટ કરો અને તેમની પ્રોડક્ટની ડિટેઇલ્સ તમારા સર્કલમાં શેર કરો.

બીજો રસ્તો વધુ સહેલો છે. ભારતમાં ખાસ ડ્રોપશિપિંગ માટેનાં સ્ટાર્ટઅપ્સ વિકસ્યાં છે. આવા સ્ટાર્ટઅપ પ્રમાણમાં નજીવી ફી લઇને તમને એક ઇ-સ્ટોર ડેવલપ કરી આપે છે. એ સ્ટાર્ટઅપ વિવિધ સપ્લાયર પાસેથી વિવિધ પ્રોડક્ટ્સ મેળવે છે, જેના હોલસેલ ભાવ હોય છે. આપણે પસંદગીની પ્રોડ્ક્ટસ, આપણો માર્જિન ઉમેરીને ઇ-સ્ટોરમાં ડિસ્પ્લે કરવાની. આપણું કામ ફક્ત પોતાના ઇ-સ્ટોરને પ્રમોટ કરવાનું રહે છે. ઓર્ડરની ડિલિવરી એ સ્ટાર્ટઅપ કરે છે.

કઈ બાબતોનું ધ્યાન રાખશો?

દરેક બાબતની જેમ ડ્રોપશિપિંગ બિઝનેસ મોડલ સફળતાની જડીબુટ્ટી કે શોર્ટકટ નથી. તે બહુ ઓછા રોકાણે બિઝનેસ કરવાની તક ચોક્કસ આપે છે, પરંતુ તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાની અને આગળ વધારવાની જવાબદારી આપણા પર છે.

ઉપર લખ્યા મુજબ કોઈ સારા ડ્રોપશિપિંગ સપ્લાયર સ્ટાર્ટઅપની મદદ લો તો આખું કામ વધુ સરળ બની જાય. ફક્ત એ સ્ટાર્ટઅપની ફીનું સ્ટ્રકચર તથા તમને પેમેન્ટ કેવી રીતે અને ક્યારે મળશે તે બરાબર સમજી લેવું જરૂરી છે. એ ખાસ યાદ રાખવું કે આ પદ્ધતિમાં આપણા કસ્ટમર્સ આપણને જ ઓળખે છે, સપ્લાયરને નહીં, આથી પ્રોડક્ટ/ડિલિવરીની સારી ક્વોલિટી આખરે આપણી જ જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!