આગળ શું વાંચશો?
- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો સ્પામ મેસેજિસ પર રોક લગાવવાનો નવેસરથી પ્રયાસ
- યુટ્યૂબમાં કોપીરાઇટ ભંગ સામે નવી વ્યવસ્થા
- ટ્રુકોલરમાં ફ્રોડ ઇન્સ્યોરન્સ
- ડ્રોનથી પેકેજ ડિલિવરી
તમને લોન જોઇએ છે? અમે પ્રી એપ્રૂવ્ડ લોન આપીશું…
તમારી કાર લોન પર હવે નવી કાર લોન મળી શકશે, બસ આ લિંક ક્લિક કરો…
તમારો આ મોબાઇલ નંબર અમારી કંપનીમાં વધુ ફાયદા સાથે પોર્ટ કરો…
તમે લાઇટબિલ ભર્યું નથી, આ લિંક પર ક્લિક કરી તાબડતોબ બિલ ભરો, બાકી કનેકશન કપાઈ જશે…
તમને આઇફોન ઇનામમાં લાગ્યો છે… ક્લેઇમ કરવા માટે આ લિંક પર ક્લિક કરો…
આ પ્રકારના જાતભાતના મેસેજિસનો આપણા પર રોજેરોજ મારો થતો હોય છે. આપણે સજાગ-સચેત હોઇએ તો આમાંથી અસલી કંપનીઓના મેસેજ ક્યા અને નકલી કંપનીઓના મેસેજ ક્યા છે તે પારખી શકીએ.
મુશ્કેલી એ છે કે અસલી કંપનીઓ તરફથી પણ બેફામપણે માર્કેટિંગ મેસેજનો મારો થઈ રહ્યો છે. તો બીજી તરફ આપણને સાણસામાં લેવા માટે ઠગ ટોળકીઓ પણ સતત મેસેજિસ મોકલે છે.

આ બધું હવે હદ વટાવી રહ્યું છે ત્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ટેલિફોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને તેમના દ્વારા મોકલવામાં આવતા તમામ મેસેજ કોણે મોકલ્યા છે તે તપાસવાની વ્યવસ્થા ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.
આમ પણ લાંબા સમયથી ટેલિમાર્કેટિંગને જવાબદાર બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. હવે સ્પામ મેસેજ અટકાવવા માટે તમામ મેસેજ મોકલનારને ટ્રેસેબલ બનાવવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. મતલબ કે દરેકે દરેક મેસેજના મૂળ સુધી પહોંચીને એ મેસેજ કોણે મોકલ્યો તે તપાસ સંસ્થાઓને જાણવું હોય તો તે જાણી શકે એવી વ્યવસ્થા હવે ફરજિયાત બનાવવામાં આવી રહી છે.
ટેલિફોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ ૧ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં આવી વ્યવસ્થા ગોઠવી લેવી પડશે.
એટલું જ નહીં સપ્ટેમ્બર ૧, ૨૦૨૪થી, મોકલનાર કંપની દ્વારા વ્હાઇટલિસ્ટ કરવામાં આવેલ ન હોય તેવા તમામ મેસેજમાં કોઈ પણ વેબસાઇટનું યુઆરએલ, કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટેની એપીકે ફાઇલ, ઓટીટી ની લિંક કે કોલબેક નંબર સાથેના મેસેજ ટ્રાન્સમિટ કરવા પર પ્રતિબંધ લાગુ થઈ જશે.
આ પછી પ્રમોશનલ કન્ટેન્ટ મેસેજ મોકલતાં પહેલાં કંપનીઓએ ફરજિયાતપણે નિશ્ચિત કેટેગરીમાં કન્ટેન્ટ ટેમ્પલેટ રજિસ્ટર કરવા પડશે. એ પછી જ તેઓ મેસેજ મોકલી શકશે.
આ પ્રકારના નિયમો કે સૂચનાઓ લાંબા સમયથી જારી કરવામાં આવતા હતા પરંતુ તેનો ચુસ્તપણે અમલ થતો નહોતો. આ વખતે એવું નહીં બને એવી આશા રાખીએ. અલબત્ત આ નિયમોને કારણે પોતાના કાયદેસરના બિઝનેસમાં યોગ્ય પ્રમોશન માટે પ્રયાસ કરતી કંપનીઓ હવે વધુ ભીંસ અનુભવશે.
અત્યારે પોતાના બિઝનેસના પ્રમોશન માટે ઓછા ખર્ચે, સહેલાઇથી અને ખાતરીબદ્ધ રીતે વધુ લોકો સુધી પહોંચવા માટે એસએમએસ અને વોટ્સએપ મેસેજિસ એ સૌથી વધુ અસરકારક રસ્તા છે, પરંતુ એ બંને રસ્તા ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. નાના બિઝનેસ માટે આ વાત નુક્સાનકારક છે, પરંતુ હેકિંગ અને સ્પામિંગ અટકાવવા માટે આવાં પગલાં જરૂરી પણ છે.
આપણે યુટ્યૂબ પર ફક્ત વીડિયો જોતા હોઇએ તો કોઈ વીડિયોમાં સાંભળવા મળતું મ્યુઝિક લાયસન્સ્ડ છે કે અનલાયન્સ્ડ તેની આપણને પરવા હોતી નથી. પરંતુ વીડિયો ક્રિએટરે આ બાબત તરફ ધ્યાન આપ્યા વિના છૂટકો નથી.
યુટ્યૂબ પ્લેટફોર્મ વીડિયોમાંના મ્યુઝિક બાબતે બહુ ગંભીર છે. તેમાં ગમે તે વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિના ઓરિજિનલ વીડિયોનો તેની મંજૂરી વિના ઉપયોગ કરી શકે નહીં.

યુટ્યૂબમાં એક એવી સિસ્ટમ છે કે આ પ્લેટફોર્મ પર અપલોડ થયેલા વીડિયોમાંથી લાયસન્સ વિના મૂકાયેલ ઓડિયો પારખીને તેને વીડિયોમાંથી દૂર કરી દે છે. એ સાથે વીડિયો ક્રિએટરને તેની જાણ પણ કરવામાં આવે છે. યુટ્યૂબની શરતોનો વારંવાર ઉલ્લંઘન કરનાર વ્યક્તિના વીડિયો અને એકાઉન્ટ યુટ્યૂબ પર બેન થઈ શકે છે.
હવે કંપનીએ આ વાતમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો સહારો લીધો છે. યુટ્યૂબ તેને ઇરેઝ્ડ પ્રોમ્પ્ટ ટૂલ તરીકે ઓળખાવે છે. તેની મદદથી વીડિયોમાં કોપીરાઇટ ક્લેઇમ થયેલું મ્યુઝિક દૂર કરી શકાય છે અને બાકીનો વીડિયો યથાવત રાખી શકાય છે. પરિણામે વીડિયોની ક્વોલિટી ખાસ બગડતી નથી. કંપનીના દાવા મુજબ અગાઉની સિસ્ટમ કરતાં આ નવું એઆઇ-આધારિત ટુલ ઘણું વધુ પાવરફુલ છે.
ભારતની વિવિધ કંપની ઓનલાઇન ફ્રોડ સામે આર્થિક રક્ષણ આપવા માટે વીમા કવચ આપવા લાગી છે ત્યારે એ દિશામાં હમણાં એક નવી પહેલ થઈ. દુનિયા આખીની ટેલિફોન ડિરેકટરી જેવી ટ્રુકોલર એપે પણ ફ્રોડ ઇન્સ્યોરન્સમાં ઝૂકાવ્યું છે. મતલબ કે કંપની ઓનલાઇન વાતચીતને કારણે ફ્રોડ થાય તો એ સામે વીમાકવચ આપશે. અલબત્ત હાલમાં તેનો લાભ ટ્રુકોલર સર્વિસના માત્ર પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સને મળશે.

કંપનીએ એચડીએફસી અર્ગો કંપની સાથે જોડાણ કર્યું છે. જે યૂઝરે ટ્રુકોલર એપ ઇન્સ્ટોલ કરીને તેની પ્રીમિયમ સર્વિસ એક્ટિવેટ કરી હશે તેમના ટ્રુકોલર નંબર પર કોલ કે એસએમએસ આવ્યા પછી તેમની સાથે ઓનલાઇન ફ્રોડ઼ થાય અને તેમને નાણાં ગુમાવવા પડે એવા સંજોગમાં કંપની વધુમાં વધુ રૂા.૧૦,૦૦૦ સુધીના નુકસાનની ભરપાઈ કરશે. દેખીતું છે કે આ ઇન્સ્યોરન્સ સ્કિમ વિવિધ શરતોને આધિન રહેશે.
સમગ્ર વિશ્વમાં અને આપણા ભારતમાં પણ લાંબા સમયથી વિવિધ ચીજવસ્તુઓની ડ્રોનથી ડિલિવરી કરવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં ભારતીય ટપાલ વિભાગે કચ્છમાં આવો એક પ્રયોગ હાથ ધર્યો હતો. ભારતના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં દુર્ગમ પહાડોમાં નાનાં મોટાં ગામડાંઓ સુધી આવશ્યક દવાઓનો પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે ડ્રોનની મદદ લેવાનું શરૂ થઈ ગયું છે.
હમણાં ડીટીડીસી કુરિયર કંપનીએ પણ ચીજવસ્તુઓની ડ્રોનથી ડિલીવરી શરૂ કરી છે. દિલ્હીના એક વિસ્તારમાંથી ગુરુગ્રામમાં આ રીતે સફળતાપૂર્વક ડ્રોન ડિલિવરી કરવામાં આવી.
બંને સ્થળ વચ્ચેનું સાડા સાત કિલોમીટર કાપતાં ઓછામાં ઓછી ૧૫ મિનિટ થતી હોય છે. જ્યારે ડ્રોનની મદદથી આ અંતર માત્ર ૩ થી ૪ મિનિટમાં કાપી શકાયું. કંપની સમગ્ર ભારતમાં ડ્રોનથી ડિલીવરીની શક્યતાઓ તપાસીને આ પ્રકારની સેવાઓ વિસ્તારવા માગે છે.
બ્લુડાર્ટ કુરિયર કંપનીએ પણ આ જ પ્રકારની ડ્રોન ડિલીવરીની શરૂઆત કરી છે.
