આગળ શું વાંચશો?
- કાર ડ્રાઇવ કરતાં કરતાં મીટિંગ!
- યુટ્યૂબમાં નાની નાની ગેમ્સ
- વાતચીતનું લાઇવ ટ્રાન્સલેશન
- ટીવી પરના યુટ્યૂબમાં એડ્સમાં ફેરફાર
- એમેઝોનનું નવું ‘કમ્પ્યૂટર’
- મેટા થ્રેડ્સ હવે યુરોપમાં
ભારતમાં કાર તો ઠીક, ટુ-વ્હીલર ચલાવતી વખતે મોબાઇલમાં વાતચીત કરતા લોકોની કોઈ નવાઈ નથી, પણ વાહન ચલાવતી વખતે વીડિયો મીટિંગ?! ઓનલાઇન મીટિંગ હવે કાયમી બની ગઈ છે ત્યારે લોકો કાર ચલાવતાં ચલાવતાં પણ ઓનલાઇન મીટિંગ્સ એટેન્ડ કરવા લાગ્યા છે, એ પણ વીડિયો મોડમાં. અગાઉ હોલિવુડની મૂવીઝમાં આપણે ઘણી વાર હીરોને કાર ચલાવતાં ચલાવતાં સેન્ડવિચ કે કોફીની મજા લેતાં જોયા છે. હવે એથી એક ડગલું આગળ વધીને લોકો ડ્રાઇવિંગ સાથે વીડિયો મીટિંગ કરવા લાગ્યા છે, જે સ્પષ્ટપણે જોખમી છે.

આથી સમયની જરૂરિયાત પૂરી કરવા અને જોખમ ઘટાડવા માટે ગૂગલ મીટમાં ‘કાર મોડ’ લોન્ચ થયો છે. આપણે કાર ડ્રાઇવિંગ કરતાં કરતાં ગૂગલ મીટ પર કોઈ મીટિંગ એટેન્ડ કરીએ ત્યારે કાર મોડ ઇનેબલ કરતાં સ્ક્રીન પર વીડિયો દેખાવાનું બંધ થશે. અન્ય પાર્ટિસિપન્ટ્સ સાથે આપણે માત્ર વાતચીત કરી શકીશું. આથી ચાલુ મીટિંગે સ્ક્રીન પર ધ્યાન આપવા જતાં વાહન ચાલકનું ધ્યાન રસ્તા પરથી ખસી જવાનું જોખમ રહેશે નહીં. તે સાથે ચાલુ મીટિંગે લેવા જેવાં એકશનનાં બટન પણ મોટાં થઈ જશે. આથી વાહન ચાલક રસ્તા પરથી બહુ ધ્યાન હટાવ્યા વિના જરૂરી બટન્સ સહેલાઈથી પ્રેસ કરી શકશે.
યુટ્યૂબમાં નાની નાની ગેમ્સ ઉમેરાઈ રહી છે. આ ગેમ્સ જૂના જમાનાની ફ્લેશ આધારિત ગેમ્સ જેવી જ છે. યુટ્યૂબ તેને ‘પ્લેયેબલ્સ’ નામથી ઓળખાવે છે. આ ગેમ્સની ખાસિયત એ છે કે તે કલાઉડ બેઝડ છે. એટલે આપણે આવી કોઈ પણ ગેમ રમવા માટે તેને ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી. આ અગાઉ ગૂગલે ‘સ્ટેડિયા’ નામે ક્લાઉડ ગેમિંગમાં ઘૂસવાની કોશિશ કરી હતી પણ તેનો એ અખતરો નિષ્ફળ ગયો. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં એ સર્વિસ સમેટી લીધી.
અલબત્ત અત્યારે યુટ્યૂબમાં ગેમ્સ રમવાનો લ્હાવો માત્ર યુટ્યૂબના પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સને મળી શકે છે અને અત્યારે ઉપલબ્ધ આવી મિનિ ગેમ્સની સંખ્યા માંડ ૩૦ જેટલી છે. ભવિષ્યમાં આ સર્વિસ અન્ય યૂઝર્સ સુધી પહોંચશે કે કેમ તેનો બધો આધાર અત્યારે તેને કેવો રિસ્પોન્સ મળે છે તેના પર રહેશે.
બધી ટેક કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો કસ કાઢવાની મથામણમાં હોય તો સેમસંગ શા માટે પાછળ રહે? કંપનીએ એક ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં, તેના ફોન્સમાં ‘એઆઇ લાઇવ ટ્રાન્સલેટ કોલ’ નામનું એક ફીચર આવી રહ્યું હોવાની જાહેરાત કરી. નામ મુજબ, આ ફીચર ફોન પર થતી વાતચીતને લાઇવ, રિઅલ ટાઇમમાં ટ્રાન્સલેટ કરી આપશે!
કંપનીએ જણાવ્યા અનુસાર, આ ફીચર આ વર્ષ (૨૦૨૪)ની શરૂઆતમાં આવી રહ્યું છે. તે સેમસંગની નેટિવ ફોન એપમાં જ ઉમેરાઈ જશે.
એ પછી, આપણે ધારો કે ફોન પર કોઈ તમિલ-તેલુગ કે ફ્રેન્ચ મિત્ર સાથે વાત કરીશું તો એમણે બોલેલા, આપણને ન સમજાતી ભાષાના શબ્દો તરત ગુજરાતીમાં ટ્રાન્સલેટ થશે અને આપણને ઓડિયો સ્વરૂપે સંભળાશે તેમ જ ટેક્સ્ટ સ્વરૂપે વાંચી પણ શકાશે!
જો તમે તમારા ટીવીમાં યુટ્યૂબના વીડિયોની મજા માણતા હો તો તમારે માટે એક સારા સમાચાર અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ કે કંપનીએ ટીવી પરના યુટ્યૂબમાં જાહેરાતોની સંખ્યા ઘટાડવાનું નક્કી કર્યું છે. મતલબ કે ટીવી પર તમે પ્રમાણમાં લાંબા વીડિયો જોતા હો તો તેમાં ઓછા એડ બ્રેકનો સામનો કરવો પડશે.

જો કે ખરાબ સમાચાર એ કે જે પણ બ્રેક આવશે તેમાં જાહેરાતોનું પ્રમાણ વધુ હશે. આ સાથે હવે સ્ક્રીન પર નીચે જમણી તરફ એક કાઉન્ટ ડાઉન ટાઇમર જોવા મળશે અને સમગ્ર એડ બ્રેક ક્યારે પૂરો થશે ને એડને ક્યારે સ્કિપ કરી શકીશું તે જોઈ શકાશે.
એમેઝોન કંપની નાના-મોટા બિઝનેસને ક્લાઉડ કમ્પ્યૂટિંગની સગવડ આપે છે અને હવે તેમને માટે હાર્ડવેર પર ઓફર કરશે. સાવ નાના ક્યૂબ જેવા બોક્સમાં સમાઈ જતા આ હાર્ડવેરમાં યુએસબી અને એચડીએમઆઇ પોર્ટ્સ છે, એટલે તેની સાથે મોનિટર, માઉસ, કીબોર્ડ હેડસેટ વગેરે કનેક્ટ કરી શકાશે.
મોટા બિઝનેિસસ માટે પણ સંખ્યાબંધ કમ્પ્યૂટર્સ ખરીદવાં ખર્ચાળ હોય છે, તેને બદલે આ ડિવાઇસ ખાસ્સું સસ્તું પડશે. તેને એમેઝોનની ક્લાઉડ સર્વિસ સાથે કનેક્ટ કર્યા પછી, તેની મદદથી ક્લાઉડમાંના ડેટા અને સોફ્ટવેરમાં કામ કરી શકાશે. આ ડિવાઇસ માટે એમેઝોને નવી ઓપરેટિંગ સિસ્ટમ પણ ડેવલપ કરી છે. પરંપરાગત પીસીમાં કોઈ પણ યૂઝર ડેટા/સોફ્ટવેર વગેરે સ્ટોર કરી શકે કે દૂર કરી શકે, એમેઝોનના નવા ડિવાઇસમાં એ શક્ય ન બનવાથી સિક્યોરિટી પણ વધશે.
આ વર્ષની મધ્યમાં ટ્વીટરના હરીફ તરીકે મોટી ગાજવીજ સાથે લોન્ચ થયેલી મેટાની થ્રેડ્સ એપ હજી સુધી યુરોપિયન યુનિયનના દેશો સુધી પહોંચી નહોતી. પરિણામે લગભગ અડધોઅડધ અબજ યૂઝર્સ સુધી થ્રેડ્સ એપ પહોંચી નહોતી.

હવે તે યુરોપિયન યુનિયનના દેશોમાં પણ લોન્ચ થઈ ગઈ છે (અલબત્ત યુકેમાં પહેલેથી તે ઉપલબ્ધ હતી). યુરોપિયન યુનિયન છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ પર પ્રાઇવસી બાબતે વધુ ને વધુ કડક કાયદાઓ અમલમાં લાવી રહ્યું છે અને તેને કારણે મોટા ભાગની ટેક કંપનીઓને યુરોપિયન યુનિયનના યૂઝર્સ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામ સાથેના ટાઇટ ઇન્ટિગ્રેશનની મદદથી થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી એ કારણે તેને યુરોપિયન યુનિયનમાં મોટા અવરોધનો સામનો કરવો પડ્યો.