એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે.
એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ એટલે કે આપણી જરૂરિયાત મુજબ અમુક રો કે કોલમ ટેબલમાં રહે પણ ફક્ત દેખાતી બંધ થાય અને જરૂરિયાત મુજબ તે ફરીથી દેખાય એ પ્રકારનું સેટિંગ કરી શકાય છે.

કોલમ અને રો હાઇડ કરવા માટે તમે જે કોલમ કે રો હાઇડ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો. પાસે પાસેની એકથી વધુ રો કે કોલમ એક સાથે સિલેક્ટ કરવી હોય તો શિફ્ટ કી દબાવી રાખો. એ સિવાય કન્ટ્રોલ કીની મદદથી એકથી વધુ રો કે કોલમ સિલેક્ટ કરી શકાય.
સિલેકશન થયા પછી મથાળાની રિબનમાં હોમ ટેબમાં સેલ્સ ગ્રૂપમાં ફોર્મેટ પર ક્લિક કરો અને તેમાં હાઇડ અને અનહાઇડ હેઠળ હાઇડ રો કે હાઇડ કોલમ સિલેક્ટ કરો. બીજો રસ્તો રો કે કોલમ સિલેક્ટ કર્યા પછી રાઇટ ક્લિક કરીને જે મેનુ ખૂલે તેમાં હાઇડ પર ક્લિક કરવાનો છે.
આટલું કરતાં આપણે પસંદ કરેલી રો અથવા કોલમ સ્ક્રીન પર દેખાવાની બંધ થશે પરંતુ આ હાઇડ કરેલી રો કે કોલમ ક્યાં છે તે દર્શાવવા માટે તેની જગ્યાએ બે પાતળી લાઇન જોવા મળશે.
જ્યારે પણ આપણે હાઇડ કરેલી રો કે કોલમ અનહાઇડ કરવી હોય ત્યારે હિડન રો કે કોલમ દર્શાવતા પાતળી ડબલ લાઇને રાઇટ ક્લિક કરીને અનહાઇડ ક્લિક કરો અથવા એ પાતળી ડબલ લાઇન પર ક્લિક કરો.

