તમે ઘરમાં પરિવારના અન્ય સભ્યો સાથે વાત વાતમાં કોઈ ચોક્કસ વાનગીની રેસિપી કે કોઈ મૂવી વિશે વાત કરી? એ પછી તરત તમને ઇન્સ્ટાગ્રામ પર કે અન્ય કોઈ જગ્યાએ એ જ રેસિપી કે એ જ મૂવી વિશેની પોસ્ટ જોવા મળી હશે. આવું તમે જુદી જુદી ઘણી વાતમાં થતું જોયું હશે.
ક્યારેક આ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ દરેક વાર નહીં. આમ થવાનું દેખીતું કારણ એ હોય છે કે આપણો સ્માર્ટફોન સતત આપણી વાતો સાંભળતો હોય છે અને તે વાત જુદી જુદી રીતે અલગ અલગ પ્લેટફોર્મ પર પહોંચતી હોય છે. પરિણામે આપણને હજી પણ એ રેસિપી કે મૂવીમાં રસ હશે એવું ધારીને તેને સંબંધિત પોસ્ટ કે જાહેરાત બતાવવામાં આવતી હોય છે.

આ વાત લાંબા સમયથી વિવાદાસ્પદ રહી છે. જો આપણી વાતચીત સાંભળી લેવામાં આવે અને તેને આધારે પોસ્ટ કે જાહેરાત બતાવવામાં આવતી હોય તો ઇન્ટરનેટ પરની આપણી વિવિધ પ્રવૃત્તિનું પગેરું દબાવવું એ તો આ બધી કંપનીઓ માટે સાવ રમતવાત છે!
જોકે હવે વિવિધ પ્લેટફોર્મ આ બાબતે આપણને વધુ અંકુશ આપી રહ્યાં છે. જેમ કે હમણાં મેટાએ જાહેરાત કરી છે કે તે આપણે જે જુદી જુદી એપ્સ અને વેબસાઇટ્સની મુલાકાત લઇએ એ ડેટા ઇન્સ્ટાગ્રામ કલેક્ટ ન કરી શકે એવો અંકુશ આપણને આપશે. હવે આપણે જોઇ શકીશું કે ક્યા બિઝનેસ આપણી ઇન્ફર્મેશન મેટા સાથે શેર કરી રહ્યા છે.
એ તપાસીને આપણે નિશ્ચિત એક્ટિવિટી ડિએક્ટિવેટ કરી શકીશું અથવા જે કોઈ ઇન્ફર્મેશન કલેક્ટ કરવામાં આવી હોય તેને ક્લિયર પણ કરી શકીશું.
આ માટેનાં સેટિંગ્સ આપણને મેટાના એકાઉન્ટ્સ સેન્ટરમાં ‘યોર એક્ટિવિટી ઓફ મેટા ટેકનોલોજીસ’ શીર્ષક હેઠળ જોવા મળશે. અગાઉ આવી સુવિધાનો લાભ આપણને માત્ર ફેસબુક માટે મળતો હતો.
આ ‘ઓફ મેટા એક્ટિવિટી’ શું છે એ પણ જાણી લઈએ. વિવિધ વેબસાઇટ ફેસબુક પરની પોતાની જાહેરાત કેટલીક અસરકારક રહે છે તે તપાસવા માટે પોતાની વેબસાઇટ કે એપમાં ‘મેટા પિક્સેલ’ તરીકે ઓળખાતો એક કોડ ઇન્સ્ટોલ કરતી હોય છે. આ મેટા પિક્સેલને કારણે ફેસબુક બહારની આપણી જુદી જુદી એક્ટિવિટીની જાણ ફેસબુકને થઈ જાય છે અને તેના આધારે આપણને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પર્સનલાઇઝ્ડ જાહેરાતો બતાવવામાં આવે છે!

