(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આદત કેળવવામાં ઉપયોગી રૂટીન ફીચર

તમે સ્માટફોન સાથે વાત કરો છે? તો તમે એક જ કમાન્ડથી ફોનમાં ક્રમબદ્ધ કેટલાંક એક્શન્સ લઈ શકો છો.

કોઈ ચોક્કસ કામ, નિશ્ચિત સમયે, નિયમિત રીતે કરવાની આદત  – રૂટીન – તમે કેળવેલ છે? આપણા વિષયના સંદર્ભે કહીએ તો રોજ કોઈ ચોક્કસ યુટ્યૂબ ચેનલના વીડિયો નિયમિત રીતે જોઈએ તો ધીમે ધીમે આપણે એ સબ્જેક્ટમાં એક્સપર્ટ બની જઈએ! રોજ ન્યૂઝ સાઇટ્સ પર નજર ફેરવીએ તો કરન્ટ અફેર્સથી સતત માહિતગાર રહીએ. રોજ સવારે સ્ટડી ટેબલ પર કે ઓફિસ ટેબલ પર પહોંચીએ એ સાથે જે તે દિવસનું અને આખા અઠવાડિયાનું ટુ-લિસ્ટ બનાવીએ/તપાસીએ તો સ્ટ્રેસ-ફ્રી રહીને અભ્યાસ કે ઓફિસ કામ થઈ શકે.

આવાં રૂટીન્સ આપણી જિંદગી બદલી શકે છે, આપણે સમજીએ પણ છીએ, પણ રૂટીન કેળવી શકતા નથી!

એ સંદર્ભે, તમારા એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસમાંનું ‘રૂટીન્સ’ ફીચર તપાસવા જેવું છે.

આ ફીચર આપણને – સ્માર્ટફોનની મદદથી – નિશ્ચિત સમયે કેટલાંક ટાસ્ક ફટાફટ કરવામાં મદદ કરે છે – ન્યૂઝ સાંભળવા, ફોનની બેટરીનું લેવલ ચકાસવું, રીલેક્સિંગ મ્યુઝિક સાંભળવું, ટ્રાફિક તપાસવો, તમારા કેલેન્ડરમાંની ઇવેન્ટ્સ તપાસવી… કોઈ પણ કામ, નિશ્ચિત સમયે, એક કમાન્ડથી! તમારે રોજ સવારે સ્કૂલ-કોલેજ, ઓફિસે જવા નીકળવામાં દોડાદોડી થતી હોય, તો એ માટેનાં રૂટીન્સ પણ સેટ કરી શકાય!

યાદ રહે, ગૂગલ આસિસ્ટન્ટમાંનાં રૂટીન્સ આપણે માટે ‘સમજદારને ઇશારા’ જેવાં બનવાં જોઈએ, આનો અર્થ શું એ તમે સમજી જ ગયા હશો!

વિવિધ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ આપણને રૂટીન્સ સેટ કરવાની સગવડ આપે છે, ધારો તો વોઇસ કમાન્ડથી એમ કરી શકાય. એપલના આઇફોનમાં સિરીની મદદથી વિવિધ રૂટીન્સ સેટ કરી શકાય છે, જોકે તે શોર્ટક્ટ્સ તરીકે ઓળખાય છે. એન્ડ્રોઇડ ફોન કે ગૂગલ હોમ, એલેક્સા વગેરેમાં પણ નિશ્ચિત કમાન્ડથી, ક્રમબદ્ધ એક્શન લઈ શકાય.

સૌથી પહેલાં આપણે ગૂગલ આસિસ્ટન્ટમાંના ‘રૂટીન્સ’ ફીચરનો બેઝિક કન્સેપ્ટ સમજી લઇએ. આ ફીચરની મદદથી આપણે નિશ્ચિત સમયે ફક્ત એક સહેલા વોઇસ કમાન્ડથી સ્માર્ટફોન પાસે એક પછી એક કામ કરાવી શકીએ છીએ.

રૂટીન સેટ કરવાનો ફાયદો એ છે કે તેમાં આપણે ફક્ત એક ‘સ્ટાર્ટર’ કમાન્ડ આપવાનો રહે છે. ત્યાર પછીનાં બધાં, આપણે નક્કી કરેલાં એકશન્સ ગૂગલ આસિસ્ટન્ટ આપમેળે લે છે (એટલે તો આ ફીચરનું નામ ‘રૂટીન્સ’ છે – નિશ્ચિત સમયે, ક્રમબદ્ધ રીતે, એક ઘરેડ મુજબ કરવાનાં કામ!)

આ રૂટીન ફીચર આપણે સહેલાઈથી સમજી શકીએ એ માટે,  ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસ આપણને છએક પ્રકારનાં રૂટીન ‘પ્રીસેટ’ તરીકે આપે છે.  આપણે તેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકીએ, તેમાં ઇચ્છીએ તેવા ફેરફાર કરી શકીએ તથા મરજી હોય તો બિલકુલ નવું રૂટીન પણ સેટ કરી શકીએ.

તમારા રૂટીનમાં તમે ધારો તો ફક્ત એક એકશનનો કમાન્ડ આપી શકો અથવા એક કમાન્ડથી પાંચ-છ એકશન્સ વારાફરતી લેવામાં આવે તો એવું રૂટીન પણ સેટ કરી શકાય. સવાલ ફક્ત રૂટીનની જ આદત કેળવવાનો છે, પછી તો ગૂગલ આસિસન્ટન્ટ વિના પણ આપણે આવું કરી શકીશું.

ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કેવી રીતે કરશો?

તમારા એન્ડ્રોઇમાં હોમ બટન થોડો લાંબો સમય પ્રેસ કરી રાખતાં ‘ગૂગલ આસિસ્ટન્ટ’ એક્ટિવેટ થશે, સિવાય કે હવે તમે તેને બદલે ગૂગલની જેમિની એઆઇ સર્વિસને સેટ કરી દીધી હોય.


એવું હોય તો ફોનમાંની ગૂગલ સર્ચ એપમાં ગૂગલ લોગો પર ક્લિક કરી, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સર્ચનાં સેટિંગ્સમાં જાઓ.  તેમાં નીચેની તરફ ‘રુટીન્સ’નાં સેટિંગ્સ મળશે.

સેટિંગ્સ ઓપન થાય એટલે તેમાં ‘હેય ગૂગલ એન્ડ વોઇસ મેચ’માં  જઈ, ગૂગલ આસિસ્ટન્ટને તમારો અવાજ ઓળખવાની ટ્રેનિંગ પણ આપી દો. હવે જ્યારે મરજી પડે ત્યારે, ફોનનો સ્ક્રીન ઓન કરીને કહો ‘હેય ગૂગલ!’ આસિસ્ટન્ટ તમારો પડ્યો બોલ ઝીલવા તત્પર થઈ જશે!

આપણે સવારમાં ઉઠીએ એ સાથે જે તે દિવસે કરવાના કામની સ્પષ્ટતા મળી જાય તો આખા દેશનું પ્લાનિંગ સહેલું બને. અલબત્ત એ માટે આપણે ગૂગલની કેલેન્ડર સર્વિસનો પૂરતો ઉપયોગ કરતા હોવા જોઇએ.

તમે જે તે દિવસે, અઠવાડિયા દરમિયાન તથા મહિનામાં કરવાના કામ તથા મીટિંગ્સની યાદી ગૂગલ કેલેન્ડરમાં નોંધી રાખો છો? જો હો તો ગૂગલ આસિસ્ટન્ટમાં ‘ગુડ મોર્નિંગ’ રૂટીન સેટ કર્યા પછી સવારમાં તમે દિવસના કામકાજ માટે રેડી થઈ જાવ એ સાથે ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરીને ફક્ત એટલું કહો કે ‘‘હેય ગૂગલ, ગુડ મોર્નિંગ’’ અથવા ‘‘હેય ગૂગલ, ટેલ મી અબાઉટ માય ડે’’ અથવા ફક્ત એટલું કહો કે ‘‘હેય ગૂગલ, આઇ એમ અપ!’’.

તમે ઇચ્છો તો આ સિવાયનો અન્ય કોઈ સ્ટાર્ટર કમાન્ડ પણ સેટ કરી શકો છો. ગૂગલ આસિસ્ટન્ટના પ્રી- સેટ એકશન્સ અનુસાર આપણો સ્ટાર્ટર કમાન્ડ મળતાં ગૂગલ આસિસ્ટન્ટ નીચે મુજબનાં પગલાં એક પછી એક લેશેઃ

  • આપણને જે તે દિવસની વેધર ઇન્ફર્મેશન આપશે (આપણા દેશમાં આ માહિતીની આપણને જરૂર ન લાગે તો તેને દૂર કરી શકાય).
  • આપણા ગૂગલ કેલેન્ડરમાંથી એ દિવસે કરવાનાં કામની યાદી જણાવશે.
  • આપણે સેટ કરેલા જે તે દિવસ માટેના રીમાઇન્ડર્સ જણાવશે.
  • એ દિવસે કે આગામી દિવસોમાં આપણા કોન્ટેક્ટ્સમાંથી કોઈનો બર્થડે હશે તો એ યાદ અપાવશે.
  • એ સમયે ફોનની બેટરી લો હશે તો એ તરફ પણ આપણું ધ્યાન દોરશે.
  • આ બધાં એકશન લેવાઈ ગયા પછી ગૂગલ આસિસ્ટન્ટ વિવિધ ન્યૂઝ વેબસાઇટ્સ પરથી આપણને જે તે દિવસના સમાચાર સંભળાવશે!
  • યાદ રહે કે આ બધાં જ એકશનનો ક્રમ આપણે બદલી શકીએ છીએ તેમ જ ઇચ્છીએ તે એકશન દૂર કરી શકીએ અને નવાં એકશન ઉમેરી શકીએ છીએ. ગૂગલ આસિસ્ટન્ટ પ્રી-સેટ રૂટીન તરીકે આપણને માત્ર સૂચન કરે છે, તેની સાથોસાથ જુદાં જુદાં, ઉમેરી શકાય તેવાં એકશન્સ પણ સૂચવે છે.

આપણે ‘‘હેય ગૂગલ, લેટ્સ ગો ટુ વર્ક’’  એવો સ્ટાર્ટર કમાન્ડ આપીને આ રૂટીન એક્ટિવેટ કરી શકીએ છીએ. આ રૂટીનનાં પ્રી-સેટ એકશન્સમાં ગૂગલ આસિસ્ટન્ટ નીચે મુજબનાં એકશન્સ લેશે.

આપણે રોજે રોજ ઘરેથી જે લોકેશન પર ઓફિસે જતા હોઇએ ત્યાં સુધીના ટ્રાફિકની માહિતી ગૂગલ આસિસ્ટન્ટ આપણને જણાવશે (એ માટે આપણે ગૂગલ મેપ્સમાં પહેલેથી પોતાનું હોમ અને વર્ક એડ્રેસ જણાવેલું હોવું જોઇએ), એન્ડ્રોઇડ ઓટોવાળી કારમાં આ ફીચર વધુ ઉપયોગી થશે. પછી વેધરની માહિતી જણાવશે. પછી, ગૂગલ કેલેન્ડરમાંથી જે તે દિવસની વિગતો જણાવશે.

ફરી યાદ રાખશો કે ગૂગલ આસિસ્ટન્ટ આ રીતે આપણને જુદા જુદા રૂટીનનું સૂચન કરે છે. આપણે ઇચ્છીએ તે રીતે તેમાં ફેરફાર કરી શકીએ છીએ.

ગૂગલ આસિસ્ટન્ટમાં સેટ કરી શકાય એવા, ઉદાહરણરૂપ, બે પ્રકારના રૂટીન અને તેમાં લઈ શકાય તેવા એકશનની આપણે વાત કરી.

એ જ રીતે ‘કમ્યુટિંગ હોમ’, ‘આઇ એમ હોમ’, ‘લીવિંગ હોમ’, ‘બેડ ટાઇમ’ વગેરે નામના રૂટીન સાથે નિશ્ચિત સ્ટાર્ટર કમાન્ડ આપીને ગૂગલ આસિસ્ટન્ટ પાસે આપણે વિવિધ પ્રકારનાં એકશન્સ લેવડાવી શકીએ છીએ.

જેમ કે ‘કમ્યુટિંગ હોમ’ રૂટીનની મદદથી આપણે ઓફિસેથી કારમાં ઘરે પાછા આવી રહ્યા હોઇએ અને ફોન એન્ડ્રોઇડ ઓટોથી કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય ત્યારે (એમ ન હોય તો ફોનમાં જ) ગૂગલ આસિસ્ટન્ટ મેપ પર આપણા ઘરના રસ્તા પરનો ટ્રાફિક બતાવી શકે છે તથા આપણી પસંદગી મુજબ ફોનમાંની મ્યુઝિક એપ્સમાંથી રિલેક્સિંગ મ્યુઝિક પ્લે કરી શકે છે.

એ જ રીતે બેડટાઇમ રૂટીન સેટ કરીને તમે ‘‘હેય ગૂગલ, બેડટાઇમ’’ અથવા ‘‘હેય ગૂગલ, ગુડ નાઇટ’’ જેવો કમાન્ડ આપો એ સાથે ગૂગલ આસિસ્ટન્ટ તમને બીજા દિવસની સવારે કેટલા વાગ્યાનો એલાર્મ સેટ કરવો છે એ પૂછશે, ફોનની બેટરી લો હશે તો તે જણાવશે. તમે ઇચ્છો તો ફોનનું વોલ્યૂમ ઝીરો સેટ કરવાનું એકશન ઉમેરી શકો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!