જો તમે શેરબજારમાં સારા એવા એક્ટિવ હશો તો એવી પૂરી શક્યતા છે કે તમારાં એકથી વધુ ડીમેટ એકાઉન્ટ હશે.
ક્યારેક ને ક્યારેક ગમે તે કારણસર તમે પોતાના જ નામે જુદા જુદા ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું મુનાસીબ માન્યું હશે. જોકે જેમ એકથી વધુ બેન્ક ખાતાં મેનેજ કરવાનું મુશ્કેલ હોય છે, બરાબર એ રીતે એકથી વધુ ડીમેટ એકાઉન્ટનું મેનેજમેન્ટ પણ માથાનો દુઃખાવો બની શકે છે. આપણું ઇન્વેસ્ટમેન્ટ જુદા જુદા ડીમેટ એકાઉન્ટમાં પથરાયેલું હોવાને કારણે ઇન્વેસ્ટમેન્ટ અને તેનું રીટર્ન ટ્રેક કરવું મુશ્કેલ બને. પેપરવર્ક પણ વધે છે અને અલગ અલગ ડીમેટ એકાઉન્ટના મેઇન્ટેનન્સ ચાર્જ પણ ભરવા પડે છે. વાસ્તવમાં ફક્ત એક ડીમેટ એકાઉન્ટથી આપણું રોકાણ વધુ સારી રીતે મેનેજ થઈ શકે.

સારી વાત એ છે કે આપણે જુદા જુદા ડીમેટ એકાઉન્ટમાંના રોકાણને કોઈ એક ચોક્કસ ડીમેટ એકાઉન્ટમાં કોન્સોલિડેટ કરી શકીએ છીએ. એ દિશામાં પહેલા કદમ તરીકે આપણે પોતાના જુદા જુદા એકાઉન્ટને અલગ અલગ રીતે તપાસવાં પડે. ક્યા એકાઉન્ટમાં સૌથી વધુ રોકાણ છે તથા ક્યા એકાઉન્ટ માટે આપણે કેટલો ચાર્જ ચૂકવી રહ્યા છીએ એ તપાસ્યા પછી કોઈ એક એકાઉન્ટ જાળવી રાખીને બાકીના ઇનએક્ટિવ કે બિનજરૂરી એકાઉન્ટમાંના રોકાણને પહેલા એક મુખ્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય. આ પછી બાકીનાં એકાઉન્ટ આપણે બંધ કરી શકીએ.
આપણે જે એકાઉન્ટ બંધ કરવા માગતા હોઇએ તેમાંના શેર પેલા મુખ્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે આપણે એક ‘ઓફ-માર્કેટ ટ્રાન્સફર’ પ્રોસેસ કરવાની રહે છે. જો આપણા બંને એકાઉન્ટ એક જ ડિપોઝિટરી હેઠળ હોય એટલે કે એનએસડીએલ અથવા સીડીએસએલ હેઠળ હોય તો, ટ્રાન્સફર કરવાના એકાઉન્ટ માટે આપણે તેને સંબંધિત ડિલિવરી ઇન્સ્ટ્રકશન સ્લીપ (ડીઆઇએસ) ભરીને તે એનએસડીએલ કે સીડીએસએલને સબમિટ કરવાની રહે.
જો બંને ડીમેટ ખાતાં અલગ અલગ ડિપોઝિટરી હેઠળ હોય તો આપણે ઇન્ટર ડિપોજિટરી ઇન્સ્ટ્રકશન પ્રોસેસ કરવાની રહે. આ બંને પ્રોસેસ લગભગ સરખી છે. પરંતુ અલગ અલગ ડિપોઝટરીના કિસ્સામાં આપણે થોડી વધુ વિગતો આપવાની રહે છે.
આ પછી શેર એક ખાતામાંથી બીજા ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં કોઈ ભૂલ ન થાય એ માટે અલગ અલગ બેચમાં ટ્રાન્સફર પ્રોસેસ કરવામાં આવે છે. એક ડીમેટ એકાઉન્ટમાંથી બધા શેર યોગ્ય રીતે આપણે પસંદ કરેલા મુખ્ય ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય એ પછી આપણે પેલું બિનઉપયોગી એકાઉન્ટ ક્લોઝ કરી શકીએ છીએ. તે માટે પણ આપણે ડિપોઝટરીને ઓનલાઇન એપ્લિકેશન કરી શકીએ છીએ.
