(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • હવે ઇન્સ્ટામાં પણ સ્કિપ ન થઈ શકે તેવી એડ્સ
  • મેટા એઆઇ ઓફિશિયલી ભારતમાં લોન્ચ થઈ
  • સિમ કાર્ડથી છેતરપિંડી ટાળવાનો પ્રયાસ
  • એપલ ઇન્ટેલિજન્સ લોન્ચ થઈ

ઇન્સ્ટાગ્રામમાં હવે ‘એડ બ્રેક્સ’ ઉમેરાઈ રહ્યા છે. આપણે ઇન્સ્ટાગ્રામ પર જુદી જુદી બાબતો જોતા હોઇએ ત્યારે વચ્ચે વચ્ચે એડ્સ આવતી જ હોય છે. પરંતુ અત્યારે આપણે તેને સ્કિપ કરી શકીએ છીએ. હવે જે નવા પ્રકારની જાહેરાતો આવી રહી છે તેને એટલી સહેલાઈથી સ્કિપ કરી શકાશે નહીં. આપણે ઓછામાં ઓછી ૩ થી ૫ સેકન્ડ માટે જાહેરાત જોવી પડશે અને પછી જ આગળનું કન્ટેન્ટ જોવા માટે આગળ વધી શકીશું.

આમ જુઓ તો આ નવી વાત નથી. યુટ્યૂબ કે જાહેરાતો આધારિત ઓટીટી પ્લેટફોર્મ પર અમુક જાહેરાતો આપણે ધરાર જોવી પડે છે અને આપણે સૌએ તેને સ્વીકારી લીધી છે. હવે એવી જ સ્થિતિ ઇન્સ્ટાગ્રામમાં થવાની છે.  એ પણ ધ્યાને લેવા જેવું છે કે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામમાં જાહેરાતો એટલે કે સ્પોન્સર્ડ કન્ટેન્ટ ભરપૂર માત્રામાં હોવા છતાં, આપણને નડતું નહોતું, આપણા ઇન્સ્ટાગ્રામમાં હોમ સ્ક્રીનમાં સ્ક્રોલિંગ કરતા હોઇએ ત્યારે આપણે જેમને ફોલો કરતા હોઇએ તેમની પોસ્ટની વચ્ચે વચ્ચે જે સ્પોન્સર્ડ કન્ટેન્ટ જોવા મળે તેનો કંપનીએ અન્ય કન્ટેન્ટ સાથે સરસ તાલમેલ બેસાડ્યો હતો. એ કારણે એ જાહેરાતો આપણા સ્ક્રોલિંગમાં અવરોધરૂપ બનતી નહોતી.

અત્યારે નવા પ્રકારના ‘એડ બ્રેક્સ’નો અનુભવ માત્ર અમુક યૂઝર્સને થઈ રહ્યો છે. પરંતુ જે યૂઝર્સે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલિંગ દરમિયાન ધરાર જાહેરાતો જોવા માટે અટકવું પડે છે એ લોકો અન્ય સોશિયલ મીડિયા પર આ બાબતે ઉભરો ઠાલવવા લાગ્યા છે. અત્યારે યૂઝર્સ આવા એડ બ્રેક્સથી અકળાઈને ઇન્સ્ટાગ્રામ છોડવાની વાતો કરી રહ્યા છે. પરંતુ કંપની પણ જાણે છે કે છેવટે લોકો આ અવરોધ સ્વીકારી લેશે.

ઇન્સ્ટાગ્રામમાં સતત સહેલું સ્ક્રોલિંગ એ જ તેના ઉપયોગનું કદાચ સૌથી મજાનું પાસું છે. આમ પણ ઇન્સ્ટાગ્રામ પરનું બધું કન્ટેન્ટ એકદમ ટૂંકું હોય છે. તેમાં પણ આપણે આંખના પલકારામાં શું જોવું કે શું ન જોવું તે નક્કી કરી શકીએ છીએ. કંઈ ગમે તો આખું જોઈએ, બાકી આગળ વધી જઈએ. હવે એવું નહીં રહે. અમુક કન્ટેન્ટ આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તો પણ અમુક નિશ્ચિત સેકન્ડ સુધી ફરજિયાત જોવું પડશે. આ જ કારણે, સ્મૂધ સ્ક્રોલિંગમાં ઉભો થતો આ ખટકો અનેક યૂઝર્સને ખટકી રહ્યો છે!

મેટા કંપનીએ તેના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પ્લેટફોર્મ પર, ભારતના યૂઝર્સ માટે મેટા એઆઇ લોન્ચ કરી છે. વિશ્વના અન્ય ભાગોમાં મેટા એઆઇ લોન્ચ થયાના થોડા મહિના પછી, આખરે તે ભારતમાં પણ લોન્ચ થઈ છે.

જોકે ભારતમાં ઘણા યૂઝર્સને આ પહેલાંથી જ, ખાસ મેટા એઆઇની સર્વિસ મળવાની શરૂ થઈ ગઈ હતી. કંપનીએ તેના ત્રણેય પ્લેટફોર્મ પર અલગ અલગ રીતે મેટા એઆઇનો અમલ શરૂ કર્યો છે. એ મુજબ વોટ્સએપમાં આપણે મેટા એઆઇ સાથે વાતચીત કરીને જુદી જુદી બાબતો પૂછી, તેના જવાબ મેળવી શકીશું. જ્યારે ફેસબુક પર મેટા એઆઇ ફીડમાં જ ઉપલબ્ધ છે અને યૂઝર્સ કોઈ ચોક્કસ પોસ્ટ વિશે વધુ ઇન્સાઇટ્સ મેળવવા મેટા એઆઇની મદદ લઈ શકશે. તેની મદદથી ઇમેજ પણ જનરેટ કરી શકાશે.

જ્યારે કોઈ યૂઝર મેટા એઆઇની મદદથી કન્ટેન્ટ કે ઇમેજ જનરેટ કરીને તેને શેર કરે ત્યારે સિસ્ટમ તેના પર ‘મેઇડ વિથ એઆઇ’ એવું લેબલ લગાવે છે. જોકે અત્યારથી ઘણા યૂઝર્સની ફરિયાદ છે કે તેમનું કન્ટેન્ટ એઆઇ જનરેટેડ ન હોવા છતાં, તેના પર આવું લેબલ લગાવાઈ રહ્યું છે!

એક સમયે આપણે કોઈ ટેલિકોમનું સિમકાર્ડ લઈને તેની પાસેથી કોઈ એક મોબાઇલ નંબર મેળવીએ, એ પછી એ કંપનીની સર્વિસ સારી ન હોય તો પણ કંપની બદલી શકતા નહોતા, કેમ કે એ માટે આપણે પોતાનો નંબર પણ બદલવો પડે. એ અગવડ દૂર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આપણને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ની સગવડ આપી.

પરંતુ આ સુવિધાનો ઠગ ટોળકીઓ ગેરલાભ લેવા લાગી. ભારતમાં ‘સિમ કાર્ડ સ્વેપિંગ’ તરીકે ઓળખાતી છેતરપિંડી બહુ ચાલી છે, જેમાં છેતરપિંડી કરનાર ઠગ, કંપનીનમાંથી યેનકેન રીતે, આપણા મોબાઇલ નંબર માટેનું સિમ બદલાવીને પોતાના મોબાઇલમાં એ જ નંબરનું નવું સિમ કાર્ડ એક્ટિવ કરાવી લે છે. એ કારણે આપણો મોબાઇલ નંબર ઠપ્પ થાય છે, પણ બેન્ક કે અન્ય સર્વિસ તરફથી આવતા વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પેલાના ઠગના મોબાઇલ નંબરમાં પહોંચે છે. ટ્રાઇના ધ્યાનમાં આવ્યું હતું કે આ પ્રકારે થતી છેતરપિંડીના ઘણા કિસ્સામાં નવું સિમ મેળવ્યા પછી તેને તરત બીજી કંપનીમાં પોર્ટ કરી લેવામાં આવતું હતું.


આથી, આવી છેતરપિંડી અટકાવવા માટે ટ્રાઇએ નવો નિયમ રજૂ કર્યો છે, જે મુજબ, જો કોઈ વ્યક્તિએ કોઈ પણ કારણસર પોતાના જ નંબર માટે નવું સિમ કાર્ડ મેળવ્યું હશે તો એ પછીના સાત દિવસ સુધી તેને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.

લાંબી રાહ જોવડાવ્યા પછી, આખરે એપલે તેની પ્રોડક્ટ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરી છે, અલબત્ત, સોફિસ્ટિકેશન અને સ્ટાઇલ માટે જાણીતી કંપની તરીકે, એપલે એઆઇનું નામ જ બદલી નાખ્યું છે – એપલ ઇન્ટેલિજન્સ!

એપલના સીઇઓ ટીમ કૂક તેને ‘પર્સનલ, પાવરફુલ એન્ડ પ્રાઇવેટ’ ગણાવે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે એપલની એઆઇ, એપલના યૂઝર્સ જેનો રોજેરોજ ઉપયોગ કરે છે એ બધી એપ્સમાં જ સાંકળી લેવામાં આવી છે. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે એઆઇ માટે એપલ ગૂગલ સાથે હાથ મિલાવશે અને તેના જેમિની મોડેલનો ઉપયોગ કરશે, પરંતુ એપલે ચેટજીપીટી  પર ક્લિક કર્યું છે.

અત્યાર સુધી એપલનાં વિવિધ ડિવાઇસમાં જે રીતે કામ થતું આવ્યું છે એ કોઈ રીતે, ઇન્ટેલિજન્સથી કમ નથી, એપલના હાર્ડવેર અને સોફ્ટવેર બંનેના ડેવલમેન્ટમાં દેખીતી સ્માર્ટનેસ હોય છે, હવે કદાચ એપલ ઇન્ટેલિજન્સની મદદથી તેને નવું લેવલ મળશે.

એ ખાસ નોંધવા જેવું છે કે એપલે એનાઉન્સ કરેલાં ઘણાં ફીચર ગૂગલ અને માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસ પણ છે જ, ફક્ત એપલે બધી જ વાતમાં લોકો એઆઇનો ઉપયોગ કરવા લાગે, છતાં પોતે કંઈક અલગ કરે છે એવો અહેસાસ પણ ન થાય એવી કાળજી લીધી છે!

અલબત્ત, આપણાં એપલ ડિવાઇસિસ સુધી એપલ ઇન્ટેલિજન્સને પહોંચતાં હજી વાર લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!