તમને ‘ઓરકૂટ’નો જમાનો યાદ છે? સોશિયલ મીડિયાનો પરિચય આપણને એ સર્વિસથી થયો એવું કહી શકાય. એ સમયે, એ સમયની યંગ જનરેશન ઓરકૂટ પર એકબીજા સાથે કનેક્ટેડ રહેતી અને જાતભાતની ગપસપ ઇન્ટરનેટના ઓટલે ચાલ્યા કરતી. એ પછી ફેસબુકની એન્ટ્રી થઈ ને ઓરકૂટ ભૂલાઈ ગયું. આગળ જતાં ટવીટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિકસ્યાં અને આપણે સૌ તેના પર રચ્યાપચ્યા રહેવા લાગ્યા. પછી વોટ્સએપ આવ્યું અને નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવા માટેનું આ મજાનું માધ્યમ વડીલોને પણ એકદમ ગોઠી ગયું.

આ બધાં જ પ્લેટફોર્મની લગભગ એક સરખી વિશેષતા રહી છે – તે આપણા મિત્રો કે સ્વજનો સાથે જીવંત સંપર્કમાં રહેવાની તક આપે છે. દુનિયાના જુદા જુદા ખૂણે વસેલા લોકો સાથે પણ આ બધાં પ્લેટફોર્મ પર લાઇવ ઇન્ટરએકશન કરી શકીએ – બે ઘડી ગમ્મત મળે એ વધારાનો લાભ.
આમ ‘હ્યુમન ટચ’ એ આ બધાં સોશિયલ પ્લેટફોર્મ્સનું યુનિક સેલિંગ પોઇન્ટ (યુએસપી) રહ્યું છે. પરંતુ સમય સાથે તેમાં બદલાવ આવતો ગયો.
બધાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ ખૂલવા લાગ્યાં. લોકો પોતે ગુમનામ રહીને બનાવટી નામે એકાઉન્ટ ખોલવા લાગ્યા અને એ કારણે સોશિયલ મીડિયાનો સીધોસાદો ઉપયોગ કરતા, સીધાસાદા લોકોની પરેશાની વધવા લાગી!
પરિણામે હવે એવી સ્થિતિ છે કે આપણે સોશિયલ મીડિયા પર પ્રમાણમાં અજાણી વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરીએ તો સામેની વ્યક્તિની સાચી ઓળખની કોઈ ખાતરી હોતી નથી. એ સ્ત્રી તરીકે વાત કરે અને હકીકતમાં પુરુષ હોય એવું પણ બને.
જો તમારી દીકરી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ હોય તો માબાપ તરીકે જાણીને તમને જાણીને આંચકો લાગશે કે એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી ઇન્ફ્લુઅન્સર બનેલી એક પ્રી-ટીન એટલે કે યુવાવસ્થામાં પણ ન પહોંચેલી કિશોરીના ૯૨ ટકાથી વધુ ફોલોઅર્સ પુખ્ત વયના પુરુષો છે!
લાંબા સમયથી સોશિયલ મીડિયા સાઇટ્સમાં નાનાં-મોટાં ફીસર્સ આવતાં હતાં, પણ તેમનું મૂળ સ્વરૂપ બદલાતું નહોતું. હવે અચાનક એઆઇના વાવાઝોડા સાથે સોશિયલ સાઇટ્સનો મબળ કન્સેપ્ટ જ બદલાવા લાગ્યો છે. હવે વાત મિત્રો-સ્વજનોના લાઇવ ટચ પૂરતી સીમિત રહી નથી. હવે તો એઆઇ સાથે ફ્રેન્ડશીપ કરવાનો તબક્કો આવી ગયો છે.
આટલું ઓછું હોય તેમ હવે લગભગ બધાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉમેરાવા લાગી છે. અલબત્ત અત્યાર સુધી સોશિયલ સાઇટ્સ પર ઉમેરાયેલા એઆઇ ચેટબોટ્સ જીવતા-જાગતા યૂઝરને મદદ કરવા માટે ઉમેરાયા છે.
યૂઝર તરીકે આપણે જે તે પ્લેટફોર્મ પર એઆઇ સાથે વાતચીત કરી શકીએ કે તેની પાસેથી જોઇતી માહિતી મેળવી શકીએ. પણ, નવા સમયમાં સોશિયલ મીડિયા પર એઆઇની ભૂમિકા આટલી મર્યાદિત રહેવાની નથી.
જેમ કે હજી હમણાં ‘બટરફ્લાઇસ’ નામે એક નવું સોશિયલ પ્લેટફોર્મ લોન્ચ થયું છે, જેણે આવતાવેંત ચોતરફ જબરી ચકચાર મચાવી છે કેમ કે આ પ્લેટફોર્મ પર મારા-તમારા જેવા વાસ્તવિક જગતના યૂઝર્સ ઉપરાંત એઆઇ જનરેટેડ યૂઝરની જબરી ભેળસેળ છે!
બટરફ્લાઇસઃ સોશિયલ મીડિયાનો નવો અવતાર
ગયા મહિને એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોરમાં ‘બટરફ્લાઇસ’ નામની એક નવી સોશિયલ મીડિયા એપ લોન્ચ થઈ. આ એપ સ્નેપ (અગાઉના સ્નેપચેટ)ના એન્જિનીયરિંગ ડિરેકટરે ડેવલપ કરી છે. પ્રાઇવેટ બીટા ફેઝમાં હજારો યૂઝર્સ સાથે ટેસ્ટિંગ કર્યા પછી આખરે આ એપ સૌને ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એપના ડેવલપર્સને આ નવી સર્વિસમાંથી ફટાફટ કમાણી કરી લેવાની કોઈ ઉતાવળ કે પ્રેશર નથી. ફક્ત છ મહિના જૂના આ સ્ટાર્ટઅપને ૪.૫ મિલિયન ડોલર (આશરે ૩૮ કરોડ રૂપિયા)નું ફંડિંગ મળી ગયું છે!

આ એપમાં એવું તો શું છે કે ઇન્વેસ્ટર્સને તેમાં જબરો પ્રોફિટ દેખાઈ રહ્યો છે? જવાબ છે એપમાંની નવી વાત, એઆઇ કેટેક્ટર્સ!
આ એપ આપણે ડાઉનલોડ કરીને ઓપન કરીએ ત્યારે તેનો ઇન્ટરફેસ લગભગ ઇન્સ્ટાગ્રામ જેવો જ દેખાય છે. પરંતુ આપણે તેમાં સાઇનઅપ કરીએ એટલે વાતમાં ટવીસ્ટ આવે છે. આપણે પોતાનું એકાઉન્ટ ખોલાવીએ એ સાથે એક એઆઇ કેરેકટર જનરેટ કરી શકીએ છીએ. તમે સમજી જ ગયા હશો કે આ એઆઇ કેરેકટર એપમાં ‘બટરફ્લાય’ તરીકે ઓળખાય છે.
એઆઇ કેરેક્ટર તૈયાર કરતી વખતે આપણે થોડી ‘વાર્તા’ કરીને કેટેક્ટરનું કેરેક્ટર નક્કી કરી શકીએ છીએ. આ કેરેક્ટરનો ‘સ્વભાવ’ કેવો હશે એ પણ નક્કી કરી શકાય – કરિશ્મેટિક, બોલ્ડ, સીડક્ટિવ, કોન્ફિડન્ટ કે પછી ફ્લર્ટિંગ કરનારો? અલબત્ત અહીં ન્યૂડિટી કે સેક્સ્યુઅલ કન્ટેન્ટ પર પ્રતિબંધ છે. એની નજીક જતા કેરેક્ટર ક્રિએટ થાય તો એકાઉન્ટ આપોઆપ પ્રાઇવેટ બને છે (મતલબ કે એવું ચલાવી લેવાય છે ખરું).
યૂઝર્સ રિઅલ-લાઇફ સેલિબ્રિટી જેવા દેખાતા કેરેક્ટરસ પણ જનરેટ કરી શકે છે. એ સાથે એઆઇ કેરેકટર કેવું દેખાવું જોઈએ તેના ત્રણ વિકલ્પો મળે છે – રિઅલિસ્ટિક, સેમિ રિઅલિસ્ટિક કે પછી ડ્રોઇંગ.
યૂઝર્સે ક્રિએટ કરેલાં આવાં પતંગિયાં એપ પર ઉડાઉડ કરતાં રહે છે. આવું દરેક એઆઇ કેરેકટર પોતાની મેળે જ અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફ જનરેટ કરે છે અને પ્લેટફોર્મ પર શેર કરે છે.

આપણે ક્રિએટ કરેલું એઆઇ કેરેકટર આપણા વતી અન્ય યૂઝર્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે. દરેક યૂઝર કેટલાં પતંગિયાં ક્રિએટ કરી શકે તેની કોઈ લિમિટ નથી.
તે જ રીતે યૂઝર ઇચ્છે તો પોતે પણ પોતાના એકાઉન્ટ પર ચાહે તે પોસ્ટ કરી શકે છે અને અન્યોની પોસ્ટ પર કમેન્ટ્સ આપી શકે છે.
મતલબ કે બટરફ્લાઇસ પ્લેટફોર્મ પર હ્યુમન યૂઝર અને એઆઇ કેરેકટર્સની તદ્દન ભેળસેળ છે – કોઈ પણ, કંઈ પણ હોઈ શકે છે.
જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ વગેરે પ્લેટફોર્મ પર પોતાના પરિચિત લોકો સાથે જ કોઈ ને કોઈ પ્રકારે શેરિંગ કે ચેટિંગ કરવા ટેવાયેલા હો તો સામે માણસ છે કે મશીન એ ખબર જ ન હોય એવા યૂઝર સાથે શેરિંગ કે ચેટિંગ કરવાનો આ વિચાર પણ ચોક્કણપણે વિચિત્ર લાગી શકે.
અત્યારે તો આ પ્લેટફોર્મ જે પ્રકારના એઆઇ કેરેકટર ક્રિએટ કરે છે એ પોતે પણ વિચિત્ર છે. કોઈના શરીર પર માણસ જેવા ત્રણ હાથ દેખાય તો કોઈના બેડોળ શરીર પર એકદમ કઢંગુ માથું ચીપકાવેલું દેખાય.
આવા ‘વિચિત્ર’ સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાનું તમને ગમે? કંપનીના સીઇઓ અને ઇન્વેસ્ટર્સને પૂરી આશા છે કે લોકોને ગમશે. એપના બીટા ફેઝનાં પરિણામો બતાવે છે કે તેનો ઉપયોગ કરનારા યૂઝર્સ દિવસના કેટલાય કલાકો આ એપ પર ગાળવા લાગ્યા હતા.
આપણને સવાલ એ થાય કે આવી કોઈ એપની જરૂર શી છે?
કંપનીના સીઇઓ પાસે ટૂંકો પણ સ્પષ્ટ જવાબ છે, ‘મજા પડે એટલે’. તેમનું કહેવું છે કે આ એપ પર એક્ટિવ રહેવાને કારણે તેમના વાસ્તવિક સંબંધો પર કોઈ અસર થતી નથી.
અત્યારના સૌથી વધુ પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ આ જ દિશામાં જઈ રહ્યા છે ત્યારે આપણે નવા પ્રકારના સોશિયલ મીડિયા માટે તૈયાર રહ્યા વિના છૂટકો નથી!

