આજના સમયમાં આપણે કોઈ પણ અજાણી જગ્યાએ જવાનું હોય ત્યારે તેનું લોકેશન શોધવામાં તથા આપણા લોકેશનથી તે જગ્યા સુધી પહોંચવા માટેનો રસ્તો શોધવાનું કામ ડિજિટલ મેપ્સથી બહુ સહેલું થઈ જાય છે. આ માટે ગૂગલ મેપ્સ એપ વર્ષોથી આપણી ફેવરિટ એપ રહી છે. આ એપમાં હવે એક બહુ નાની લાગતી પરંતુ એકદમ કામની સુવિધા ઉમેરાઈ રહી છે

આપણે ગૂગલ મેપ પર કોઈ પણ જગ્યા સર્ચ કરીએ એટલે મેપમાં એ જગ્યા દર્શાવતો એક રેડ પ્લેસમાર્ક જોવા મળે છે. પરંતુ જો આપણે એ જગ્યાની આજુબાજુ બીજું કંઈ પણ જોવા માટેનો પ્રયાસ કરીએ તો પેલી મૂળ જગ્યાનો રેડ પ્લેસમાર્ક સ્ક્રીનની બહાર ક્યાંય પણ ખોવાઈ જાય!
એ પ્લેસ ફરીથી શોધવા માટે આપણે મેપને આંગળીથી ડાબે જમણે કે ઉપર નીચે ખસેડીને અથવા તો મેપને ઝૂમ આઉટ કરીને સર્ચ કરેલા મૂળ લોકેશનનો પ્લેસમાર્ક શોધવા જવું પડે.

આ કામ અટપટું બને! પરંતુ હવે આ કામ બહુ સહેલું બની ગયું છે. હવે આપણે ગૂગલ મેપમાં કોઈ પણ લોકેશન શોધીએ અને તેને માટેનો રેડ પ્લેસમાર્ક મેપ પર ઉમેરાય તે પછી મેપમાં બીજે ક્યાંય પણ કંઈ પણ સર્ચ કરવા જઇએ અને પેલો પ્લેસમાર્ક સ્ક્રીનની બહાર જતો રહે ત્યારે આપણા સ્ક્રીનની ચારમાંથી કોઈ પણ ધાર પર, એ મૂળ પ્લેસમાર્ક કઈ તરફ છે તે દર્શાવતું એક ઇન્ડિકેટર જોવા મળે છે! આપણે એ ઇન્ડિકેટર તરફ મેપ્સને ખસેડીને પેલા મૂળ પ્લેસમાર્ક સુધી પહોંચી શકીએ અથવા ઇન્ડિકેટર પર ક્લિક કરતાં તરત જ આપણે સર્ચ કરેલો મૂળ પ્લેસમાર્ક મેપના સ્ક્રીનમાં બરાબર સેન્ટરમાં આવી જાય છે.
અગાઉ તમે મેપ પર જગ્યા શોધતી વખતે ગૂંચવાયા હશો તો આ સુવિધા કેટલી ઉપયોગી છે તે બરાબર સમજાશે.
સુવિધા ધીમે ધીમે રોલઆઉટ થઈ રહી છે પરંતુ મેપ એપ અપડેટ કરતાં તેનો લાભ તમને પણ મળવા લાગે એવું બની શકે.
