
તમે ગેમ્સના રસિયા સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ કે ઓફિસ-ગોઅર્સ હો તો તમે ખુશીથી ઉછળી પડો અને પેરેન્ટ્સ કે ઓફિસના બોસ હો તો તમને ધ્રાસ્કો પડે એવા સમાચાર! એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રમી શકાતી ગેમ્સ હવે પીસીના મોટા સ્ક્રીન પર રમી શકાશે – ઓફિશિયલી!
આમાં ‘ઓફિશિયલી’ શબ્દ મહત્ત્વનો છે. અત્યાર સુધી ગેમિંગના જાણકાર લોકો વિવિધ ‘ઇમ્યુલેટર’ની મદદથી અથવા સ્ક્રીન કાસ્ટ કરવાની સગવડથી એન્ડ્રોઇડની ગેમ્સ અને અન્ય બાબતો પીસીના સ્ક્રીન પર એક્સેસ કરતા હતા. માઇક્રોસોફ્ટે પણ વાયા એમેઝોન એપ સ્ટોર, એન્ડ્રોઇડની એપ્સ પીસી પર લાવવાની શરૂઆત કરી છે.
હવે આખી વાત એકદમ ‘ઓફિશિયલ’ છે કેમ કે ગૂગલે પોતે જ તેની ગૂગલ પ્લે ગેમ્સ સર્વિસ વિન્ડોઝની એપ સ્વરૂપે લોન્ચ કરી છે!
મતલબ કે હવે આપણે આ એપ લેપટોપમાં ઇન્સ્ટોલ કરી, તેમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈને સ્માર્ટફોનમાંની એપ્સ પીસીના સ્ક્રીન પર રમી શકીએ છીએ. એ જ ગેમ પીસીમાં જે લેવલે અધૂરી મૂકી હોય, એ જ લેવલથી સ્માર્ટફોનમાં આગળ વધવાની સગવડ પણ ખરી.
ફેસબુકમાં કે એપલનાં ડિવાઇસમાં ‘ગેમ સેન્ટર’માં જે રીતે આપણે વિવિધ ગેમ્સ રમી શકીએ અને ફ્રેન્ડ્સને ચેલેન્જ કરી શકીએ એના જેવી જ સગવડ ગૂગલની પ્લે ગેમ્સ સર્વિસ આપે છે, જે હવે વિન્ડોઝમાં વિસ્તરી છે.
ગૂગલ પ્લે ગેમ્સ શું છે?
તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઢગલાબંધ ગેમ્સ ડાઉનલોડ કરતા હશો અને પછી ફોનમાં એની મજા લૂંટતા હશો. આ વિવિધ પ્રકારની ડિજિટલ ગેમ્સ રમવાનો સૌથી સહેલો રસ્તો થયો.

તમે એનાથી થોડા આગળ વધવા માગતા હો, ગેમ્સમાં તમારા સ્કોર્સની હિસ્ટ્રી જાળવવા માગતા હો, તમારો સ્કોર મિત્રો સાથે શેર કરીને તેમની સાથે કોમ્પીટ કરવા માગતા હો કે અલગ અલગ ડિવાઇસમાં એ બધી ગેમ્સ રમવા માગતા હો તો તમારે માટે કામની સર્વિસ છે ગૂગલ પ્લે ગેમ્સ.
ગૂગલે આ સર્વિસ ૨૦૧૩માં લોન્ચ કરી. આ સર્વિસ પ્લે સ્ટોરમાંની ગેમ્સ સાથે ગાઢ રીતે કનેક્ટેડ છે. તમે તેમાં તમારા ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઈ શકો અને પછી ઉપર લખેલી બધી વાતનો લાભ લઈ શકો.
અલબત્ત અત્યાર સુધી એન્ડ્રોઇડ ગેમ્સની મજા આઇફોનમાં કે પીસીમાં માણવી હોય તે માટે થર્ડ-પાર્ટી ઇમ્યુલેટર્સનો ઉપયોગ કરવો પડતો હતો. હવે વાત બદલાઈ છે.
હવે પીસી પર પણ રમો
વર્ષ ૨૦૨૧-૨૨થી ગૂગલે વિન્ડોઝ માટે એન્ડ્રોઇડ ગેમ્સનો ઓફિશિયલ સપોર્ટ આપવાનું શરૂ કર્યું છે. જુદા જુદા દેશોમાં વારાફરતી લોન્ચ થતી આ સગવડ આ વર્ષના મધ્યમાં આખરે ભારતમાં પણ આવી પહોંચી.

ગૂગલ પ્લે ગેમ્સ ઓન પીસીની બીટા સર્વિસ ભારતમાં લોન્ચ થઈ છે. આ કારણે હવે આપણે પોતાના ફોન, ટેબલેટ્સ, ક્રોમબુક્સ અને પીસીમાં પણ એન્ડ્રોઇડ માટે બનેલી ગેમ્સની મજા લઈ શકીશું.
ખાસ તો વિન્ડોઝ ૧૦ કે ૧૧ લેપટોપ કે પીસીમાં પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રમી શકાતી ગેમ્સ રમવાનું હવે એકદમ સહેલું થઈ ગયું છે. એ પણ મોટા સ્ક્રીન, માઉસ અને કીબોર્ડના સપોર્ટ સાથે!
અલબત્ત અત્યારે ૧૦૦ જેટલી ગેમ્સ પીસી પર રમી શકાય છે. ગેમ્સની સંખ્યા ધીમે ધીમે સતત વધતી જશે. તમે ઇચ્છો તો લુડો કિંગ જેવી બોર્ડ ગેમ કે આસ્ફાલ્ટ9 જેવી રેસિંગ ગેમ્સ પર પણ પીસી પર રમી શકશો.
પીસીમાં જરૂરી સ્પેક્સ
પીસીમાં આ ગેમ્સ રમવા માટે અમુક ખાસ સ્પેશિફિકેશન્સ હોવાં જરૂરી છે. જો તમારી પાસે પ્રમાણમાં નવું લેપટોપ કે પીસી હશે તો આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. લેપટોપ/પીસીમાં ઓછામાં ઓછા ૨૦૦૪ના વર્ઝનની વિન્ડોઝ ૧૦ કે વિન્ડોઝ ૧૧ ઓએસ, ઓછામાં ઓછી ૧૦ જીબીની ખાલી સ્ટોરેજ સાથે સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી), ઇન્ટેલનું યુએસડી ગ્રાફિક્સ કાર્ડ અથવા તેને કમ્પેરેબલ વ્યવસ્થા જોઇશે, તેમ જ ઓછામાં ઓછા ૪ સીપીયુ ફિઝિકલ કોરનું પ્રોસેસર જોઇશે.

અમુક ગેમ્સ માટે ઇન્ટેલ સીપીયુ અનિવાર્ય છે. લેપટોપ કે પીસીમાં ઓછામાં ઓછી ૮ જીબી રેમ જોઇશે અને તેમાં ગૂગલ પ્લે ગેમ્સ એપ ડાઉનલોડ કરવા માટે વિન્ડોઝનું એડમિન એકાઉન્ટ જોઇશે. લેપટોપ/પીસીમાં ગૂગલ પ્લે ગેમ્સ રમવા માટે તેમાં હાર્ડવેર વર્ચ્યુઅલાઇઝેશન ઓન હોવું ફરજિયાત છે (જોકે એપના ઇન્સ્ટોલેશન દરમિયાન તેનાં પગલાં સૂચવવામાં આવશે).
પીસીમાં કેવી રીતે રમશો?
પીસીમાં ગૂગલ પ્લે ગેમ્સ રમવા માટેની વિધિ એકદમ સહેલી છે. તમારા વિન્ડોઝ૧૦/૧૧ ધરાવતા લેપટોપ કે પીસીમાં https://play.google.com/googleplaygames સાઇટ પર જાઓ.
અહીં ડાઉનલોડ બિટા બટન પર ક્લિક કરો.

પહેલાં આ એપનું એક નાનું એવું ઇન્સ્ટોલર ડાઉનલોડ થશે. તેને ડબલ ક્લિક કરતાં આખી એપ પીસીમાં ડાઉનલોડ થશે. ઇન્સ્ટોલેશન સમયે તમને કોઈ સૂચના કે વોર્નિંગ ન મળે તો તમારે બીજાં કોઈ સેટિંગ્સ કરવાં પડશે નહીં.
એ પછી તમે ઇચ્છો ત્યારે લેપટોપ/પીસીમાં આ એપ ઓપન કરી તમારા ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઈ શકશો અને એપના બીટા વર્ઝનમાં હાલમાં ઉપલબ્ધ ગેમ્સમાંથી તમારી મનપસંદ ગેમ શોધીને તેની મજા સ્માર્ટફોનની સરખામણીમાં ખાસ્સા મોટા સ્ક્રીન પર માણી શકશો.
જોકે ઘણી ગેમ માટે તમારા કમ્પ્યૂટરનાં સ્પેસિફિકેશન ઓછાં પડે એવું બની શકે છે.

