(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેલિગ્રામમાં સ્ટોરીઝ શરૂ થઈ છે ત્યારે આ સ્ટોરીઝની જાણી-અજાણી વાતો

ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં સ્ટોરીઝ ફીચર ખાસ્સું ચાલ્યું છે, પણ અમુક જગ્યાએ તે ફ્લોપ છે.

સોશિયલ મીડિયા સાઇટ્સ પહેલાં બહુ સિમ્પલ હતી. તમારા મિત્રો, સ્વજનો સાથે કનેક્ટેડ રહેવું છે? તો સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ જાઓ અને મનમાં જે આવે તે પોસ્ટ કરતા રહો. બહુ બહુ તો ટેક્સ્ટ સાથે ઇમેજ કે વીડિયો વગેરે પણ ઉમેરો. પછી એમાં કમાણી, માર્કેટિંગ, બ્રાન્ડ, પ્રોડક્ટ કે સર્વિસનું પ્રમોશન વગેરે વાતો ઉમેરાઈ અને સોશિયલ સાઇટ્સ કોમ્પ્લીકેટેડ બની ગઈ!

સોશિયલ મીડિયા પર કન્ટેન્ટનાં જાતભાતનાં ફોર્મેટ ઉમેરાયાં, જેમાં સૌથી પોપ્યુલર બની સ્ટોરીઝ! મોબાઇલથી ફટાફટ ક્રિએટ થતી, અપલોડ થતી અને ૨૪ કલાકમાં તો ગાયબ થતી સ્ટોરીઝ.

સ્નેપચેટ સર્વિસમાં ફટાફટ ક્રિએટ થાય અને ફટાફટ જોઈ શકાય એવી સ્ટોરીઝનું ફીચર લોન્ચ થયું ત્યારથી… અમસ્તી જ મનની વાત અનોખી રીતે કહેવી હોય કે પછી બ્રાન્ડ-સર્વિસનું પ્રમોશન કરવું હોય, સૌને સ્ટોરીઝ ગમે છે. સ્ટોરઝ ક્રિએટ અને અપલોડ કરવી સહેલી છે, તેમ સ્ટોરીઝ જોવી પણ સાવ સહેલી છે, બસ સ્વાઇપ કરતા રહો!

સ્ટોરીઝની શરૂઆત સ્નેપચેટમાં થઈ, પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર સ્ટોરીઝે એવી ધમાલ મચાવી છે કે આ ત્રણેય પ્લેટફોર્મ પર રોજની એકાદ અબજ જેટલી સ્ટોરીઝ શેર થાય છે – યુએસ અને યુરોપની કુલ વસતી જેટલી સ્ટોરીઝ, રોજેરોજ! સ્ટોરીઝની લોકપ્રિયતાને પગલે મોટા ભાગની સોશિયલ એપ્સ પર તેને ટોપ પોઝિશન મળી છે. સ્ટોરીઝની લાઇફ ફક્ત ૨૪ કલાકની હોવાથી એ વધુ એક્સ્ક્લુઝિવ ગણાય છે. જોકે હમણાં વીડિયોના સૌથી મોટા પ્લેટફોર્મ યુટ્યૂબ પર સ્ટોરીઝનો અંત આવી રહ્યો છે. એ નિમિત્તે સ્ટોરીઝ પર એક ઊડતી નજર ફેરવીએ, સ્ટોરીઝની જેમ!

ટેલિગ્રામમાં સ્ટોરીઝ શરૂ થઈ તો યુટ્યૂબમાં આ ફીચર સમેટાઈ ગયું, હવે ફોક્સ શોર્ટ્સ પર!

હમણાં હમણાં ટેલિગ્રામમાં સ્ટોરીઝ લોન્ચ થઈ છે. વોટ્સએપના સ્ટેટસ કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝની જેમ ટેલિગ્રામમાં પણ મથાળે શોર્ટ વીડિયો દેખાવા લાગ્યા છે.

બીજી તરફ યુટ્યૂબ કંપનીએ થોડા સમય પહેલાં જાહેર કર્યું કે તેની સર્વિસમાં સ્ટોરીઝનું ફીચર હવે બંધ થઈ રહ્યું છે. જૂન મહિનાની ૨૬ તારીખથી આપણે યુટ્યૂબ પર નવી સ્ટોરીઝ અપલોડ થવાનું બંધ થયું અને એ તારીખ સુધીમાં અપલોડ થયેલી સ્ટોરીઝે સાત દિવસ પછી કાયમ માટે વિદાય લીધી.

યુટ્યૂબ પર દસ હજારથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતા ક્રિએટર્સ સ્ટોરીઝ અપલોડ કરી શકે એવી વ્યવસ્થા હતી. અન્ય સોશિયલ સાઇટ્સ પર ખાસ તૈયારી વિના અપલોડ કરી શકાતી સ્ટોરીઝનો કનસેપ્ટ ખાસ્સો પોપ્યુલર થયો છે. પરંતુ યુટ્યૂબ પર આ આઇડિયા ક્લિક થયો નહોતો. એક તો, માત્ર મર્યાદિત લોકો સ્ટોરીઝ અપલોડ કરી શકે એ મોટી શરત હતી. શરત પૂરી કરતા લોકોને પણ સ્ટોરીઝ અપલોડ કરવામાં ખાસ રસ હોય તેવું લાગતું નહોતું કેમ કે સૌથી મોટી તકલીફ એ હતી કે યુટ્યૂબ કંપની પોતે સ્ટોરીઝને પ્રમોટ કરતી નહોતી. છેવટે કંપનીએ આ ફીચર સમેટી લેવાનું નક્કી કર્યું.

સ્ટોરીઝને સમેટી લીધા પછી હવે કંપની શોર્ટ વીડિયો તથા કમ્યૂનિટી પોસ્ટ પર વધુ ફોકસ કરવા માગે છે. યુટ્યૂબ શોર્ટ્સ વીડિયો પણ અન્ય સોશિયલ સાઇટ્સ પરથી કોપી કરવામાં આવેલું ફીચર છે, પરંતુ સ્ટોરીઝની સરખામણીમાં આ ફીચર પોપ્યુલર થઈ રહ્યું છે. તેના પ્રેઝન્ટેશન અને નેવિગેશનમાં હજી કેટલીક ખામીઓ છે પરંતુ હવે કંપની તેને સુધારી લે તેવી શક્યતા છે. 

અત્યાર સુધી યુટ્યૂબ એટલે વીડિયો એવું આપણા માનતા આવ્યા છીએ પરંતુ તેમાં ‘કમ્યૂનિટી પોસ્ટ’ નામે એક ફીચરની મદદથી વીડિયો ઉપરાંત ટેકસ્ટ બેઝ્ડ અપડેટ તથા વિવિધ પોલ, ક્વિઝ, ઇમેજ વગેરે અપલોડ કરવાની પણ સુવિધા આપવામાં આવી છે.

યુટ્યૂબ પરની ચેનલમાં એક અલગ ટેબમાં કમ્યૂનિટી પોસ્ટ દર્શાવવામાં આવે છે. અગાઉ સ્ટોરીઝની જેમ કમ્યૂનિટી પોસ્ટનું ફીચર પણ મર્યાદિત પ્રમાણમાં યુટ્યૂબ ક્રિએટર્સને ઉપલબ્ધ હતું, હવે તેને સૌ માટે ઓપન કરી દેવામાં આવ્યું છે.

Snapchat

સ્નેપચેટ લોન્ચ થયાના બે વર્ષમાં, ૨૦૧૩માં તેના પર સ્ટોરીઝ લોન્ચ થઈ. શોર્ટ, વર્ટિકલ વીડિયોઝ, જે ફક્ત ૨૪ કલાક માટે સ્નેપચેટ પર ઓનલાઇન રાખી શકાય. એ સમયે, બે-ચાર ક્લિકમાં ક્રિએટ કરીને અપલોડ કરી શકાય અને એથીય વધુ સહેલાઈથી જોઈ શકાય એવી સ્ટોરીઝ લોકોને, ખાસ કરીને યંગસ્ટર્સને એકદમ ગમી ગઈ. પછી કંપનીએ  સ્લો-મો, ફાસ્ટ-ફોરવર્ડ અને રિવાઇન્ડ જેવાં ફીચર્સ અને પછી તો ૨૦૦ જેટલાં ફિલ્ટર્સ ઉમેર્યાં. સ્ટોરીઝ સ્નેપચેટની હાઇલાઇટ બની ગઈ!

Instagram

સ્નેપચેટના ત્રણેક વર્ષ પછી, ૨૦૧૬માં ઇન્સ્ટાગ્રામે પણ સ્ટોરીઝ ફીચર લોન્ચ કર્યું. ફક્ત બે મહિનામાં રોજના દસેક કરોડ લોકો ઇન્સ્ટા પર સ્ટોરીઝનો ઉપયોગ કરવા લાગ્યા. એક જ વર્ષમાં સ્નેપચેટના ૧૬ કરોડ એક્ટિવ યૂઝર્સ સામે ઇન્સ્ટા પર ૨૫ કરોડ જેટલા લોકો સ્ટોરીઝ અપલોડ કરવા લાગ્યા. ઇન્સ્ટાગ્રામે બીજી એક વાતે પણ બાજી મારી. અહીં, કોઈ યૂઝરને ફોલો ન કરતા લોકો પણ એ યૂઝરની સ્ટોરી જોઈ શકે છે, પરિણામે સ્ટોરીઝની રીચ જબરજસ્ત વધી અને ક્રિએટર્સનો રસ પણ વધ્યો!

Facebook

બદલાતા સોશિયલ ટ્રેન્ડ્સ પારખવામાં ફેસબુક બહુ આગળ છે. મૂળ ફેસબુકની પોપ્યુલારિટી થોડી ઘટી એટલે કંપનીએ નવા સમયની ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપ્સ ખરીદી લીધી. સ્ટોરીઝ લોન્ચ કરવામાં પણ ફેસબુકે મોડું ન કર્યું. ૨૦૧૭થી ફેસબુક પર સ્ટોરીઝનો દબદબો છે અને ટિકટોકનો સામનો કરવા કંપનીએ સ્ટોરીઝને વધુ પ્રમોટ કરી. હવે, વધુ એક માસ્ટરસ્ટ્રોક સાથે મેટા કંપનીએ વોટ્સએપનાં સ્ટેટસ કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ એફબી પર મોકલવાનું સહેલું બનાવી દીધું છે!

WhatsApp

વર્ષ ૨૦૦૯માં વોટ્સએપ એપ લોન્ચ થઈ ત્યારે લોકો નામ સાથે નાનું એવું સ્ટેટસ મૂકી શકતા હતા. એ જબરું ચાલ્યા પછી, ૨૦૧૭માં અન્ય સાઇટ્સ જેવી સ્ટોરીઝ ‘સ્ટેટસ’ નામે વોટ્સએપમાં ઉમેરાઈ. જૂનું સ્ટેટસ પણ રહ્યું અને નવા સ્ટેટસમાં યૂઝર્સ ૨૪ કલાકમાં ગાયબ થાય એ રીતે ટેક્સ્ટ, ફોટો, વીડિયો, જિફ વગેરે શેર કરી શકે છે. વોટ્સએપમાં પ્રાઇવસી પર ખાસ્સો ભાર હોવાથી, અહીં જેમનો નંબર સેવ્ડ હોય તેમનું જ સ્ટેટસ જોઈ શકાય – જો યૂઝરે એવી છૂટ આપી હોય તો.

Twitter

ટ્વીટરે ભારત, બ્રાઝિલ વગેરેમાં ટેસ્ટિંગ પછી, નવેમ્બર ૨૦૨૦માં આખી દુનિયા માટે ‘ફ્લીટ્સ’ નામનું ફીચર લોન્ચ કર્યું, જે સ્નેપચેટ કે ઇન્સ્ટાની સ્ટોરીઝની બેઠ્ઠી કોપી હતી! યુટ્યૂબની જેમ ટ્વીટરને પણ ફ્લીટ્સમાં જોઇતો રિસ્પોન્સ ન મળ્યો અને કંપનીએ ઓગસ્ટ ૨૦૨૧માં તો આ ફીચર સમેટી લીધું! જોકે ટ્વીટરે સ્નેપચેટની પણ પહેલાં ૨૦૧૫માં ‘મોમેન્ટ્સ’ નામે ફીચર રજૂ કર્યું હતું (જે હજી ચાલુ છે), જે ટ્વીટર પરના જે તે દિવસના ટ્રેન્ડિંગ ટોપિક્સ, ટ્વીટ્સ વગેરે બતાવે છે.

Linkedin

સ્ટોરીઝ સામાન્ય રીતે ઇન્ફોર્મલ, સ્પોન્ટેનિયસ અને પર્સનલ હોય છે, તેમ છતાં, લિંક્ડઇન જેવા પ્રોફેશનલ્સ માટેના નેટવર્કે પણ આ ફીચર અપનાવી લીધું હતું, પણ અહીં સ્ટોરી ફેઇલ થઈ! ટ્વીટરની જેમ, લિંક્ડઇન પર સ્ટોરીઝ લોન્ચ થયાના એક જ વર્ષમાં, સપ્ટેમ્બર ૨૦૨૧થી આ ફીચર સમેટી લેવામાં આવ્યું. કારણ? લિ્ંક્ડઇન પરના પ્રોફેશનલ્સને ૨૪ કલાકમાં ગાયબ થાય તેવા વીડિયોનો આઇડિયા ગમ્યો નહીં, તેમને ગમે ત્યારે જોઈ શકાય તેવું પોસ્ટ ફોર્મેટ વધુ ગમે છે.

Pintrest

અન્ય સોશિયલ સાઇટ્સ કરતાં જુદા પ્રકારના પ્લેટફોર્મ પિન્ટરેસ્ટ પર પણ સ્ટોરીઝ ક્રિએટ કરી શકાય છે, પરંતુ જરા જુદી રીતે. અહીં નામ છે ‘સ્ટોરી પિન્સ’. પિન્ટરેસ્ટની એપ ઓપન કરીએ એ સાથે જેમને ફોલો કરતા હોઇએ એ યૂઝર્સે અપલોડ કરેલી સ્ટોરીઝ ઉપરના ભાગે જોવા મળે છે. અન્ય સોશિયલ સાઇટ્સ પર મોટા ભાગની સ્ટોરીઝ ૨૪ કલાક પછી દૂર થાય છે. પિન્ટરેસ્ટ પર એવું નથી. મતલબ કે અહીં યૂઝર પોતાની સ્ટોરીને પ્રોફાઇલ સાથે સેવ કરી શકે, જેને કોઈ પણ, ગમે ત્યારે જોઈ શકે.

Google

ગૂગલને અત્યાર સુધી એ વાતનું બહુ મોટું દુઃખ છે કે તેની પાસે કોઈ મોટું સોશિયલ પ્લેટફોર્મ નથી, એ માટે ભરચક પ્રયાસો કરવા છતાં! પરિણામે ગૂગલે સોશિયલ સ્ટોરીઝ માટે એક નવું જ મીડિયા ફોર્મેટ બનાવી નાખ્યું – નામ આપ્યું ‘વેબ સ્ટોરીઝ’! આ ફોર્મેટ ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યું છે. તે અન્ય સોશિયલ સાઇટની જેમ ૨૪ કલાક પછી ગાયબ થતું નથી, પણ તેને બનાવવાની રીત સામાન્ય યૂઝર્સ માટે મુશ્કેલ છે. અત્યારે વિવિધ મીડિયા હાઉસ તેનો વધુ ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!