ઇન્ટરનેટ પર આપણે કંઈ પણ બ્રાઉઝ કરવા માગતા હોઈએ અને આપણે શું સર્ચ કે સર્ફ કર્યું તેની જાસૂસી ન થાય તેવું ઇચ્છતા હોઇએ ત્યારે આપણે બ્રાઉઝરમાં ‘ઇનકોગ્નિટો’ મોડ પસંદ કરતા હોઇએ છીએ.

આ મોડમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તેની હિસ્ટ્રી જળવાતી નથી. તેમ જ તેના વિશે કૂકીઝની મદદથી અન્ય કંપનીઓ કંઈ જાણી શકતી નથી. પરંતુ એક તકલીફ છે – આપણો સ્માર્ટફોન બીજી કોઈ વ્યક્તિને થોડી વાર માટે અનલોક્ડ સ્થિતિમાં મળે તો તે આપણું બ્રાઉઝર ઓપન કરીને તેમાં ઇનકોગ્નિટો મોડમાં ઓપન કરેલી બધી ટેબ્સ પણ જોઈ શકે છે!
મતલબ કે ઇનકોગ્નિટો મોડથી અત્યાર સુધી આપણને અન્ય કંપનીઓની જાસૂસી સામે રક્ષણ મળતું હતું પરંતુ ઘરમાં કે ઓફિસમાં બાજુમાં બેઠેલી વ્યક્તિની જાસૂસી સામે રક્ષણ નહોતું!
તમે જાણતા હશો કે મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝર એપ ઓપન કરીને આપણે ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી, ઇનકોગ્નિટો મોડમાં નવી ટેબ ઓપન કરી શકીએ છીએ. એ પછી નોર્મલ મોડમાં કે ઇનકોગ્નિટો મોડમાં આપણે કોઈ પણ વેબસાઇટ્સ જોઈ રહ્યા હોઇએ ત્યારે ઉપર જમણી તરફ એક ચોરસમાં ઓપન ટેબ્સની સંખ્યા જોવા મળે છે. તેને ક્લિક કરતાં નોર્મલ મોડ અને ઇનકોગ્નિટો મોડ બંને મોડમાંની ટેબ જોઈ શકાય છે. મતલબ કે ઇનકોગ્નિટો મોડમાં પણ આપણી ટેબ ખુલ્લી રહે છે.
ઇનકોગ્નિટો મોડમાં ઓપન કરેલી ટેબ્સને હવે લોક્ડ રાખી શકાશે, તેને ઓપન કરવા પિન, પેટર્ન કે પાસવર્ડ વગેરે આપવાં પડશે.
ક્રોમ બ્રાઉઝરમાં આ ભૂલ હવે સુધારી લેવામાં આવી છે. આઇફોન માટેની ક્રોમ બ્રાઉઝર એપમાં આ ખામી છેક ૨૦૨૧થી સુધારી લેવામાં આવી હતી. એન્ડ્રોઇડ માટે હવે સુધારવામાં આવી રહી છે.
- હવે નવા ફીચર મુજબ ઇનકોગ્નિટો મોડ ટેબ્સને લોક કરી શકાશે. આ લોક બાય-ડિફોલ્ટ ઓન હશે નહીં.
- આપણી ક્રોમ બ્રાઉઝર એપમાં આ ફીચર ઉમેરાયા પછી એપના સેટિંગ્સમાં પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી સેકશનમાં જતાં, ક્રોમ બ્રાઉઝર એપ લીવ કરીએ ત્યારે ઇનકોગ્નિટો ટેબ્સને લોક કરવાનો વિકલ્પ મળશે.
- તેને ઓન કરીશું એ પછી આપણે જ્યારે પણ ક્રોમ બ્રાઉઝર એપમાં ઇનકોગ્નિટો મોડમાં વિવિધ ટેબ્સ ઓપન કરીશું અને એ પછી બીજી કોઈ પણ એપમાં કોઈ કામ કરવા આગળ વધીશું ત્યારે ક્રોમ બ્રાઉઝર એપમાં ઇનકોગ્નિટો મોડમાંની ટેબ્સ લોક થઈ જશે.
- અન્ય વ્યક્તિ તેને ઓપન કરીને તેમાં શું છે તે જોઈ શકશે નહીં. આપણે પોતે પણ ફરી ક્રોમ બ્રાઉઝર એપમાં જઇને ઇનકોગ્નિટો મોડમાં ઓપન કરેલી ટેબ જોવાનો પ્રયાસ કરીશું ત્યારે આપણે પોતાના ફોનના પિન, પાસવર્ડ કે ફિંગર પ્રિન્ટ જેવા સ્ક્રીન લોકને અનલોક કરવું પડશે.

