(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

AI-પાવર્ડ ‘રોબોટ’ વકીલ ‘અસલ’ વકીલ સામે હાર્યો!

ગયા મહિને અમેરિકાની કોર્ટમાં ઇતિહાસ રચાતાં રહી ગયો, બાકી કોર્ટમાં ‘રોબોટ’ વકીલ હાજર થવાનો હતો!

આ જકાલ ચાલે તરફ એક જ ચર્ચા ચાલી છે – ચેટજીપીટી અને ગૂગલ બાર્ડ જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ચેટબોટ) આધારિત   ચેટબોટ આપણે કહીએ તે કામ કરી આપશે, તો અત્યાર સુધી પોતાની બુદ્ધિના જોરે કમાણી કરતા લોકોની રોજીરોટી પર છીનવાઈ જશે? આ સવાલનો જાણે જવાબ મળતો હોય તેમ અમેરિકામાં આ વર્ષની શરૂઆતથી એક મુદ્દો ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો – ફેબ્રુઆરીમાં અમેરિકાની એક અદાલતમાં વકીલની ભૂમિકા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક રોબોટ ભજવે તેવી શક્યતા ઊભી થઈ હતી!

‘રોબોટ’ (કે  ‘રોબો’) શબ્દ કાને પડતાં આપણા મનમાં માણસ જેવા દેખાતા મશીનની કલ્પના જાગે. ઘણી રેસ્ટોરાંમાં નવીનતા ખાતર આવા રોબોટ વેઇટર્સ  વાનગીઓની પ્લેટ્સ ભરેલી ટ્રે લઈને ઘૂમવા લાગ્યા છે, પરંતુ અમેરિકાની કોર્ટમાં કેસ લડવા નીકળેલો એક અનોખો વકીલ કાળો કોટ પહેેરેલા રોબોટ જેવો નહીં પણ, સ્માર્ટફોનમાંની એપ્લિકેશનમાં સમાયેલો ચેટબોટ છે.

આ કેસ શું હતો અને રોબોટ કેસ લડ્યાં પહેલાં જ કેમ હાર્યો એની વાત જાણવા જેવી છે.

ભરચક કોર્ટ રૂમ, ભારેખમ ચહેરા સાથે બેઠેલા જજ સાહેબ, કઠેડામાં આરોપી અને સામસામે દમદાર દલીલો કરતા બે વકીલ… હિન્દી ફિલ્મોના પ્રતાપે આપણા મનમાં કોર્ટ રૂમનું આવું દૃશ્ય બરાબર ઠસી ગયું છે, પણ એ હવે વહેલામોડું બદલાશે. બાકીનું બધું જેમનું તેમ રહેશે, પરંતુ બેમાંથી કમસે કમ એક વકીલ કદાચ ગાયબ થશે.

થયું ફેબ્રુઆરી મહિનામાં એક કેસ રાબેતા મુજબ ચાલવાનો હતો, પણ બચાવ પક્ષના વકીલની ભૂમિકા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ‘રોબોટ લોયર’ ભજવે તેવી શક્યતા હતી!

પહેલાં આ ‘વકીલ’નું બેકગ્રાઉન્ડ જાણીએ

યુએસમાં ૨૦૧૫માં ‘ડુનોટપે (donotpay.com)’ નામે એક બેઝિક ચેટબોટની સર્વિસ આપતા સ્ટાર્ટઅપની શરૂઆત થઈ. ત્યારે તેનો હેતુ એ હતો કે જે લોકો સામાન્ય વહીવટી ગૂંચવણોમાં કે નજીવા કોર્ટ કેસમાં ફસાયા હોય અને તેમાં બચાવ માટે વકીલ રોકવાનું પોસાય તેમ ન હોય તો આ ચેટબોટ પાસેથી તેઓ માર્ગદર્શન મેળવી શકતા હતા.

ધીમે ધીમે અનુભવે આ સ્ટાર્ટઅપનો ચેટબોટ એવો ઘડાયો કે હવે તે અદાલતમાં પહોંચીને, જીવતાજાગતા વકીલનું સ્થાન લેવા માગે છે! કંપનીએ તેની વેબસાઇટ પર બોલ્ડ ફોન્ટમાં પોતાની ઓળખ આ રીતે આપી છે ‘‘The World’s First Robot Lawyer (દુનિયાનો પહેલો રોબોટ વકીલ’’. કંપની આગળ કહે છે કે ‘‘તમારે મોટાં કોર્પોરેશન્સ કે સરકારી તુમારશાહી સામે લડવું છે? કે કોઈ સામે કેસ માંડી દેવો છે? હવે એ કામ એક બટન દબાવીને થઈ શકશે.’’

આ વકીલ એક પ્રકારનો ચેટબોટ છે, જે કોર્ટમાંની દલીલો સાંભળી પોતાના અસીલને વળતી દલીલનું માર્ગદર્શન આપી શકે છે.

આ કંપની ફી લેશે, પરંતુ પોતાની સર્વિસ માટે ફ્રી ટ્રાયલ્સ આપશે, સર્વિસ પસંદ ના પડે તો ડોલર પાછા! ઉપરાંત કંપનીના દાવા મુજબ સાચુકલા વકીલો આવાં કામ માટે આકરી ફી વસૂલતા હોય છે, તેની સરખામણીમાં આ કંપનીના રોબોટ વકીલ બહુ નજીવી ફી માગે છે.

રોબોટ વકીલ કેવી રીતે કેસ લડવાનો હતો?

આ સ્ટાર્ટઅપ કંપની અત્યાર સુધી ખાસ જાણીતી નહોતી, પણ આ વર્ષની શરૂઆતમાં તેણે ધડાકો કર્યો. કંપનીએ જાહેર કર્યું કે હવે તેના રોબોટ વકીલ અદાલતમાં કેસ લડવા માટે પણ તૈયાર છે. કંપનીએ પોતાના રોબોટ વકીલ કેટલાક ઘડાયા છે તે તપાસવા માટે અથવા કહો કે તેનો ડેમો આપવા નું નક્કી કર્યું હતું.

કંપનીએ  ટ્રાફિક સંબંધિત કેસનો સામનો કરી રહેલી બે વ્યક્તિને અદાલતમાં તેમનો કેસ લડવા માટે, રોબોટ વકીલની મદદ લેવા તૈયાર કરી લીધા હતા. આ બંને કેસ યુએસમાં ફેબ્રુઆરીમાં કોર્ટમાં ચાલવાના છે. કેસ સામાન્ય હતા, મર્યાદા કરતાં વધુ ઝડપે કાર ચલાવવાના ગુનાને સંબંધિત હતા. કંપનીએ ગોઠવણ એવી કરી હતી કે આ કેસમાં આરોપી કઠેડામાં હોય અને તેનો વકીલ તેના ખિસ્સામાં હોય! એક કેસના આરોપી પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન અને કાનમાં ઇયરફોન પહેરવાના હતા (બીજા કેસમાં, કેસ વીડિયો કોલિંગ એપ દ્વારા ચાલવાનો હતો).


રોબો વકીલના પ્રયોગ સામે અસલી વકીલોએ બાંયો ચઢાવતાં હાલપૂરતો આ પ્રયોગ આટોપી લેવામાં આવ્યો છે.

ગોઠવણ એવી હતી કે ફોનમાંની ‘ડુનોટપે’ એપ્લિકેશન કોર્ટ રૂમમાં થતી દલીલો રિઅલ ટાઇમમાં સાંભળે અને પોતાના અસીલને ઇયરફોન મારફત સમજાવેેકે તેણે આ દલીલોનો કેવી રીતે જવાબ આપવો. એટલે આ કેસ એક રીતે આરોપી પોતે જ લડવાનો હતો પરંતુ ચેટબોટના માર્ગદર્શનમાં.

ઇતિહાસમાં એવું પહેલી વાર બને તેમ હતું કે કોર્ટ રૂમમાં જીવતા જાગતા વકીલને સ્થાને એઆઇ પાવર્ડ ચેટબોટ પોતાના અસીલ મારફત કેસ લડેે.

કંપની જોખમ માટે તૈયાર હતી

વાતમાં હવે ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ આવે છે! કંપનીએ એ જાહેર કર્યું નહોતું કે તેના રોબોટ વકીલ ચોક્કસ કયા કેસમાં અને કયા શહેરની કોર્ટમાં આ ઐતિહાસિક કેસ લડશે. તેનું નક્કર કારણ હતું.

સૌથી પહેલાં તો આ ‘વકીલ સાહેબ’ પોતે કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેવી શક્યતા હતી (અને ખરેખર ફસાયા પણ ખરા)!

કારણ એ કે દુનિયાના ઘણા ખરા દેશોની જેમ અમેરિકામાં કોર્ટરૂમમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર કે કમ્પ્યૂટર સાથે કનેક્ટેડ હોય તેવું કોઈ ડિવાઇસ લઈ જવા પર કે ઇયરપોડ્સ પહેરવાની મનાઈ હોય છે. કંપનીએ કહ્યું હતું કે અમેરિકાનાં અમુક રાજ્યોમાં કોર્ટમાં હીયરિંગ એઇડ્સનો ઉપયોગ કરવાની છૂટ છે, આથી કંપની એ કોર્ટમાં પોતાના રોબોટ વકીલને કામે લગાડવાની હતી.

આ પ્રયોગ ભલે નિષ્ફળ ગયો પણ એઆઇને કારણે હવે બુદ્ધિ ચલાવવી પડે એવાં પ્રોફેશનમાં પણ જોખમ ઊભાં થઈ રહ્યાં છે.

અલબત્ત, કંપનીના સીઇઓ પોતે કહેતા હતા કે તેઓ કાયદામાંના છીંડાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેમનો હેતુ ફક્ત એ સાબિત કરવાનો હતો કે લોકોએ હવે આકરી ફી માગતા વકીલોના આશરે રહેવાની જરૂર નથી. કંપની જાણતી હતી કે આ કેસમાં જજ, તેમની કાર્યવાહીનું સ્માર્ટફોનમાંની એપ મારફતે રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ જાણીને ગુસ્સે થઈ શકે છે. આરોપીને મૂળ કેસને બદલે, આ ‘ગુનાસર’ આકરો દંડ પણ થઈ શકે તેમ હતો, પરંતુ કંપની પોતાના ડેમો માટે એ ‘ખર્ચ’નું જોખમ ઉઠાવવા તૈયાર હતી.

કંપનીના ફાઉન્ડર અને સીઇઓએ તો ટ્વીટર પર એવી ઑફર પણ આપી હતી કે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં આગામી કોઈ પણ કેસમાં વકીલ કે કોઈ પણ વ્યક્તિ કાનમાં એરપોડ્સ ખોસી, કંપનીનો ચેટબોટ કહે એ જ પ્રમાણે દલીલો કરવા તૈયાર થાય તો કંપની તેને ૧૦ લાખ ડોલર ચૂકવવા તૈયાર છે!

અસલી વકીલો અકળાયા!

અમેરિકામાં આ મુદ્દો ખાસ્સો ચગ્યો અને ધાર્યા મુજબ અસલી વકીલો અકળાઈ ઉઠ્યા! અમેરિકાનાં જુદાં જુદાં રાજ્યોની બાર કાઉન્સિલમાં આ વાતનો વિરોધ ઉઠ્યો. અમુક બાર કાઉન્સિલ તરફથી ‘ટુનોટપે’ કંપનીના સીઇઓને નોટિસ મોકલવામાં આવી અને કહેવામાં આવ્યું કે તે પોતાના પ્લાન મુજબ, કોઈ કોર્ટના જજને અંધારામાં રાખીને એઆઇ-પાવર્ડ રોબોટ વકીલને મેદાનમાં ઉતારશે તો તેની સામે ચોક્કસપણે કાયદાકીય પગલાં લેવામાં આવશે અને સીઇઓને આ ગુનાસર જેલ પણ થઈ શકે છે!

એટલે ખાસ્સી ગાજવીજ પછી એઆઇ-પાવર્ડ રોબોટ વકીલ પાણીમાં બેસી ગયો અને કંપનીએ પોતાનો સાહસિક પ્રોજેક્ટ પાછો ખેંચી લીધો.

પરંતુ આ મુદ્દો માત્ર રોબોટને કોર્ટની મંજૂરીનો નથી. વકીલોએ પોતાના અસીલની વિગતો ખાનગી રાખવી જરૂરી હોય છે. બધો જ ડેટા રેકોર્ડ થતો હોય તો એ ખાનગી રહી શકે? જેમ ડ્રાઇવરલેસ કાર અણીના સમયે ખોટા નિર્ણયો લઈને વ્યક્તિઓના જીવ જોખમમાં મૂકી શકે, તેમ રોબોટ વકીલ અર્થઘટનોમાં ભૂલ કરીને તેના અસીલને શૂળીએ ધકેલે એવું થઈ શકે છે. વકીલો તો કહેશે કે એવું જ થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!