(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હેકર્સ માટે મોકળા મેદાન જેવી વોટ્સએપમાં સલામતી માટે…

વોટ્સએપ પોતે સલામત છે, પરંતુ તેના સલામત ઉપયોગ વિશે લોકોમાં જાગૃતિ ઓછી છે. આથી વોટ્સએપની મદદથી છેતરપિંડીના પ્રયાસો પણ સતત વધી રહ્યા છે.

ભારતમાં વોટ્સએપ બહુ પોપ્યુલર છે અને એટલે જ બહુ જોખમી પણ છે! જોખમ વધવાનું એક કારણ એ પણ ખરું કે ભારતમાં વોટ્સએપના યૂઝર્સમાં વડીલોનું બહુ મોટું પ્રમાણ છે, જેઓ આ એપનાં સિક્યોરિટી સેટિંગ્સ વિશે ખાસ કશું જાણતા હોતા નથી, છતાં સીધા કે ગ્રૂપમાં આવતા મેસેજ ફોરવર્ડ કરવામાં એ પાવરધા છે! એ જ રીતે વોટ્સએપમાં આવતી લિંક્સ પર ક્લિક કરતાં પણ એમને કોઈ રોકી શકતું નથી!

છેલ્લા થોડા સમયથી ભારતના વોટ્સએપ યૂઝર્સ પર અજાણ્યા ઇન્ટરનેશનલ કોલ્સનો રીતસર મારો થઈ રહ્યો છે. આવા કોલ્સ સદંતર બંધ કરવા મુશ્કેલ છે, પરંતુ કંપનીએ તેમનાથી બચવાનો એક સાદો રસ્તો આપ્યો છે. એ સિવાય પણ વોટ્સએપ પર સલામત રહેવા માટેના વિવિધ ઉપાયો તરફ આપણે ધ્યાન આપવું બહુ જરૂરી છે.

ઠગ લોકોને આવું ફળદ્રુપ મેદાન બીજે ક્યાં મળે? એમાંય હવે વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ ઉમેરાઈ છે (જે બહુ લોકપ્રિય થઈ નથી), એ કારણે વોટ્સએપમાં કોઈને કોઈ પ્રકારે લોકોને ઠગવાના પ્રયાસો નિરંતર ચાલતા રહે છે. પાછલા થોડા મહિનાથી ભારતીય યૂઝર્સને વોટ્સએપમાં કોલ્સ આવવાનું પ્રમાણ એટલું વધ્યું છે કે મેટા કંપની ને ભારત સરકારે પણ તેની નોંધ લેવી પડી. આ સ્થિતિમાં વોટ્સએપમાં સલામતી વિશે થોડું જાણીએ.

ભારતમાં છેલ્લા થોડા સમયથી વોટ્સએપના યૂઝર્સ એક નવી તકલીફનો સામનો કરી રહ્યા છે. એક્સ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર યૂઝર્સ પોતાના અનુભવો શેર કરતાં લખે છે કે તેમને વોટ્સએપ પર ઇન્ટરનેશનલ નંબર પરથી આવતા કોલની સંખ્યામાં રીતસર ઉછાળો જોવા મળી રહ્યો છે!

ખાસ કરીને +૮૪ (વિયેટનામ), +૬૨ (ઇન્ડોનેશિયા), +૨૫૧ (ઇથિઓપિયા) વગેરે ઇન્ટરનેશનલ કોડથી શરૂ થતા નંબર પરથી કોલ આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. દેખીતું છે કે નંબર તદ્દન અજાણ્યા હોય અને તેના પરથી વારંવાર વોટ્સએપ કોલ આવે એટલે લોકો અકળાય પણ ખરા અને ગભરાય પણ ખરા. અમુક લોકોનો અનુભવ છે કે તેમણે દર એકાંતરે દિવસે આવા બે-ચાર કોલનો સામનો કરવો પડે છે.

આવા મોટા ભાગના ફોન કોલ્સમાં, જો કોલ રિસીવ કરવામાં આવે તો સામેના છેડા પરની વ્યક્તિ શરૂઆતમાં બિલકુલ બનાવટી જોબ ઓફર્સ કરે છે કે કોઈ લિંક મોકલી, તેને ક્લિક કરી બેનિફિટ્સ મેળવવાનું કહે છે. તેની સાથોસાથ ટેલિગ્રામ જેવી અન્ય મેસેજિંગ એપમાં કનેક્ટ થવાનું પણ સૂચન કરવામાં આવે છે.

વોટ્સએપની માલિક મેટા કંપનીએ પણ વોટ્સએપમાં ખાસ કરીને ભારતીય યૂઝર્સને ટાર્ગેટ કરતી આ તકલીફને ગંભીરતાથી લીધી છે.

કંપનીએ અજાણ્યા નંબર્સ પરથી થતા સ્પામ કોલ્સને પહેલેથી જ અટકાવી દેવા માટે તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર વોટ્સએપ એપમાં અજાણ્યા નંબર તરફથી મેસેજ કે કોલને બ્લોક અને રિપોર્ટ કરવા માટેની સગવડ છે જ. એ સિવાય પણ કંપની લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી સ્પામ કોલ્સ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ તેની સિસ્ટમમાં હવે જે ફેરફારો કર્યા છે તેને કારણે સ્પામ કોલ્સનું પ્રમાણ અડધોઅડધ ઘટી જવાની આશા છે.

ભારત સરકારે પણ વોટ્સએપ પર સ્પામકોલ્સમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખીને તેનું પ્રમાણ અંકુશમાં લેવા માટે મેટા કંપનીને નોટિસ પાઠવી છે. અલબત્ત, આવી તકલીફોમાં યૂઝર તરીકે આપણે પોતે સજાગ રહેવું વધુ મહત્ત્વનું હોય છે.

સમગ્ર દુનિયામાં વોટ્સએપના લગભગ ૨ અબજ યૂઝર્સ છે. તેમાંથી એકલા ભારતમાં ૪૦ કરોડ કેટલા લોકો વોટ્સએપ વાપરે છે. દુનિયાના અન્ય કોઈ પણ દેશ કરતાં ક્યાંય વધુ  અને ભારતમાં તો અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા કરતાં પણ વધુ!

તેની સામે ભારતમાં વોટ્સએપ યૂઝર્સમાં ઓનલાઇન સેફ્ટી વિશે સજાગતા ઘણી ઓછી છે. પરિણામે હેકર્સ નહીં, સાવ સાદી રીતે છેતરપિંડી કરતા લોકોને વોટ્સએપ પર મોકળું મેદાન મળે છે.

વોટ્સએપ યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ આવ્યા પછી કંપનીએ તેમાં સિક્યોરિટીનાં ફીચર્સ વધાર્યાં છે. યુપીઆઇ વ્યવસ્થા પોતે સલામત છે, પણ આપણી ગફલતથી, ખાસ કરીને વોટ્સએપમાં એનો ઉપયોગ મોંઘો પડી શકે છે. તમે વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ કરતા હો કે ન કરતા હોય, તેમાં આપણને ઠગવાની વિવિધ રીતોથી સલામત રહેવા માટેનાં પગલાં અચૂકપણે સમજવા જેવાં છે. નીચે આવાં જ કેટલાંક પગલાંની વાત કરી છે.

અજાણ્યા કોલ્સ અટકાવવા માટે

અજાણ્યા નંબર્સ પરથી કોલ્સ અટકાવવા માટે કંપની કેટલાંક પગલાં લઈ રહે છે, તેમ આપણે પણ કેટલાંક પગલાં લઈ શકીએ. પાછલા પેજ પરના સ્ક્રીશોટ મુજબ વોટ્સએપમાં સેટિંગ્સમાં જાઓ, તેમાં પ્રાઇવસીમાં ‘સાઇલન્સ અનનોન કોલર્સ’ ઓન કરી દો. આ રીતે અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ નહીં થાય, પણ રિંગ નહીં વાગે, એટલે કોલ ભૂલથી ઉપાડી લેવાની શક્યતા ઘટશે.

વોટ્સએપ પર સરેરાશ સલામતી માટે નીચેનાં સેટિંગ્સ કે ફીચર્સ તપાસીને તેના પર અમલ કરવા જેવો છે…

વોટ્સએપમાં આપણી બાબતો કોણ જોઈ શકે તે આપણે નક્કી કરી શકીએ છીએ. એ માટે વોટ્સએપના સેટિંગ્સમાં પ્રાઇવસી સેકશનમાં જાઓ. અહીં ‘હૂ કેન સી માય પર્સનલ ઇન્ફો’ નાં સેટિંગ મહત્ત્વનાં છે. તેમાં ‘લાસ્ટ સીન’ તથા ‘વ્હેન આઇ એમ ઓનલાઇન’ આ બંને સેટિંગ્સ માટે ‘નોબડી’ પસંદ કરી શકાય.

એમ કરવાથી આપણે અન્ય લોકોના લાસ્ટ સીન તથા તેઓ ક્યારે ઓનલાઇન હતા તે જાણી શકીશું નહીં, પરંતુ તેનાથી બહુ મોટો ફેર પડતો નથી. અહીંથી તમારો પ્રોફાઇલ ફોટો, અબાઉટ સ્ટેટસ, રીડ રીસિપ્ટ્સ વગેરે બાબતો પણ તપાસીને સૌને તેની લ્હાણી કરવાને બદલે માત્ર મર્યાદિત અને તમે જેમને સારી રીતે ઓળખતા હો તેવા લોકો એ જોઈ શકે તેવાં સેટિંગ કરવાં ઇચ્છનીય છે.

અન્ય ઓનલાઇન એકાઉન્ટ્સની જેમ વોટ્સએપમાં પણ ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ કરી શકાય છે. તેનાથી આપણું એકાઉન્ટ તથા તેમાંનો ડેટા વધુ સુરક્ષિત બને છે. વોટ્સએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ કરવાથી જ્યારે નવા ડિવાઇસમાં આપણું એકાઉન્ટ ફરી રજિસ્ટર કરવાનું થાય ત્યારે એ પ્રોસેસ વધુ સલામત બને છે. આ વ્યવસ્થા રોજિંદા ઉપયોગી માટે નથી, આથી જ્યારે જ્યારે વોટ્સએપ એપ ઓપન કરીએ ત્યારે પિન આપવાની ઝંઝટ વેઠવી પડશે તેવું માનશો નહીં.

વોટ્સએપ માત્ર ક્યારેક ક્યારેક તમારો પિન પૂછશે, જેથી એ યાદ રહે. પિન સેટ કરતી વખતે આપણે પોતાનું ઇમેઇલ એડ્રેસ આપવાનું હોય છે જેની મદદથી, પિન ભૂલાઈ જાય તો તેને રિસેટ કરી શકાય છે.

આ સેટિંગ પણ અજાણ્યા નંબર્સ પરથી આવતા કોલ્સ સામે કે પછી કોઈ વ્યક્તિ કે ગ્રૂપમાં આવેલી જોખમી લિંક સામે આપણને કોઈ રક્ષણ આપતું નથી, છતાં તે ઉપયોગી જરૂર છે. તમે અન્ય લોકોથી તમારી વોટ્સએપ ચેટ્સ ખાનગી રાખવા માગતા કે તેમાં યુપીઆઇ પેમેન્ટનો ઉપયોગ કરતા હો ત્યારે  વોટ્સએપ એકાઉન્ટને પોતાની ફિંગરપ્રિન્ટથી લોક્ડ રાખવું હિતાવહ છે. વોટ્સએપના સેટિંગ્સમાં પ્રાઇવસી સેકશનમાં છેક નીચે તે માટેનો વિકલ્પ મળશે.

તેને કારણે વોટ્સએપ પર આવતા ઓડિયો કે વીડિયો કોલ રિસીવ કરવામાં કોઈ અવરોધ ઊભો થશે નહીં. ફક્ત મેસેજિસ વાંચવા માટે એપ ઓપન કરતી વખતે ફિંગરપ્રિન્ટથી તેને અનલોક કરવી પડશે.

વોટ્સએપ નિશ્ચિત કોન્ટેક્ટ નંબરને વાંધાજનક તરીકે રિપોર્ટ કરવાની તથા તેને બ્લોક કરવાની સગવડ આપે છે. તમને કોઈ અજાણ્યા નંબર પરથી વારંવાર, બિનઉપયોગી વોટ્સએપ મેસેજ કે કોલ આવતા હોય તો એ કોન્ટેક્ટ સાથેની ચેટ કે કોલનું પેજ ઓપન કરો. ત્રણ ડોટ પર ક્લિક કરો અને રિપોર્ટ અને બ્લોકના વિકલ્પો વારાફરતી પસંદ કરો.

આપણે બ્લોક કરેલા તમામ નંબર વોટ્સએપના સેટિંગ્સમાં પ્રાઇવસી સેકશનમાં બ્લોક્ડ કોન્ટેક્ટ હેઠળ જોઈ શકાય છે. આપણે ઇચ્છીએ ત્યારે તેને અનબ્લોક પણ કરી શકીએ છીએ. વણમાગ્યા કોલ કરતા લોકો જુદા જુદા નંબર પરથી કોલ કરતા રહેશે, પણ કંપનીને આ રીતે બ્લોક અને રિપોર્ટ થતા નંબર પરથી કોલિંગ અટકાવવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!