
સગવડ અને સલામતી બંને દૃષ્ટિએ આપણા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેકશન સતત ઓન રહે તે જરૂરી છે. ઇન્ટરનેટ કનેકશન ઓન હોય તો જુદી જુદી એપ્સનું બેગ્રાઉન્ડમાં કનેકશન ચાલુ રહી શકે છે અને આ એપ્સ પોતાની રીતે પોતાનું કામ કરતી રહી શકે છે.
આ સગવડની વાત થઈ. એ સિવાય ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ઓન હોય તો જ એ ખોવાય તેવા સંજોગમાં – ફોન કોઈ ખોટી વ્યક્તિના હાથમાં જાય તે પહેલાં – આપણે દૂર બેઠાં પણ તેને લોક કરી શકીએ કે તેમાંનો ડેટા પૂરેપૂરો ભૂંસી શકીએ. સલામતીના આવા કારણસર પણ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સતત ઓન રહે તે જરૂરી છે.
હવે મોટે ભાગે આપણને સૌને ઘર અને ઓફિસ બંને જગ્યાએ વાઇ-ફાઇની સગવડ મળવા લાગી છે. એ બંને જગ્યા સિવાય આપણે રસ્તામાં હોઇએ ત્યારે કે અન્ય જગ્યાએ હોઇએ ત્યારે મોબાઇલ ડેટા પર સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવવી પડે.
દેખીતું છે કે ફોનમાં સતત મોબાઇલનો ડેટા પ્લાન વપરાય તેના કરતાં જ્યારે વાઇ-ફાઇની સગવડ હોય ત્યારે તે વાઇ-ફાઇ પર જ ચાલે તો રૂપિયાની બચત અને ડેટાની ઝડપ બંને લાભ મળી શકે.
મજા એ છે કે આ કામ પણ આપણે સ્માર્ટફોનને માથે નાખીને પોતે નિશ્ચિંત બની શકીએ છીએ. આપણે એવું સેટિંગ કરી શકીએ છીએ કે જેને કારણે આપણે ઘરે કે ઓફિસે પહોંચીએ ત્યારે આપોઆપ ફોનમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન થઈ જાય.
- ફોનના સેટિંગ્સમાં જાઓ તેમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ (અથવા કનેકશન)માં જાઓ.
- તેમાં વાઇ-ફાઇમાં જાઓ.
- અહીં ત્રણ ડોટ પર ક્લિક કરીને વાઇ-ફાઇના એડવાન્સ્ડ સેટિંગ્સમાં જાઓ.

બેઝિકલી આપણે વાઇ-ફાઇ ઓટોમેટિકલી ઓન કે ઓફ કરવાનું સેટિંગ શોધી રહ્યા છીએ. દરેક ફોનમાં વાઇ-ફાઇના પેજમાં આ સેટિંગ મળશે. ફક્ત તેનું નામ જુદું હોઈ શકે છે.

આ વિકલ્પ ઓન કરી દેવાથી તમે નિયમિત રીતે જે વાઇ-ફાઇ નેટવર્ક સાથે ફોન કનેક્ટ કરતા હો તેની રેન્જમાં આવવાથી ફોન ઓટોમેટિકલી એ નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશે.
આઇફોન કે આઇપેડમાં પણ એ પ્રકારની સગવડ છે કે જ્યારે આપણે કોઈ એક વાઇ-ફાઇ નેટવર્કનો પાસવર્ડ આપીને તેમાં કનેક્ટ થઇએ એ પછી બીજી વાર ગમે ત્યારે આપણું ડિવાઇસ એ નેટવર્કની રેન્જમાં આવે ત્યારે આપોઆપ તેની સાથે કનેક્ટ થઈ જાય. ક્યારેક અજાણતાં આપણે પોતે આ સેટિંગ સ્વીચ ઓફ કર્યું હોય એવું બની શકે.

તેને તપાસવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.
- સેટિંગ્સમાં જાઓ અને તેમાં વાઇ-ફાઇમાં જાઓ.
- તેમાં તમારા જાણીતા વાઇ-ફાઇ નેટવર્ક પર ક્લિક કરો અને ઓટો જોઇન બટન ઓન હોવાની ખાતરી કરી લો. જો તે ઓફ હોય તો તેને ઓન કરી લો.
- હવે આપણું ડિવાઇસ એ જાણીતા નેટવર્કની રેન્જમાં આવતા તેની સાથે આપોઆપ કનેક્ટ થશે.
મોબાઇલ ડિવાઇસની જેમ આપણે પોતાના વિન્ડોઝ કે મેકમાં પણ એ જાણીતા નેટવર્કની રેન્જમાં આવે ત્યારે તેમાં આપોઆપ વાઇ-ફાઇ ઓન થાય તેવું સેટિંગ કરી શકીએ છીએ.
- તેનો લાભ લેવા માટે વિન્ડોઝમાં ટાસ્કબારમાં વાઇ-ફાઇ આઇકન પર ક્લિક કરો અને તમારા વાઇ-ફાઇ નેટવર્કને પસંદ કરો.
- અહીં ઓટો કનેક્ટનો ઓપ્શન હશે, તેને ટીક કરી દો.
મેકમાં પણ આ જ પ્રકારે ઓટો કનેક્ટિવિટી ઓન કરી શકાય છે.
- એ માટે એપલ મેનૂ ઓપન કરો.
- તેમાં સિસ્ટમ પ્રેફરન્સિસમાં નેટવર્કમાં જાઓ.
- અહીં વાઇ-ફાઇ અને એડવાન્સ્ડમાં જાઓ.
- અહીં તમારા પસંદગીના વાઇ-ફાઇ નેટવર્કને ડ્રેગ કરી લિસ્ટમાં ટોપ પર લાવી શકાશે.
આથી જ્યારે લેપટોપ એ નેટવર્કની રેન્જમાં આવશે ત્યારે સૌથી પહેલાં તેની સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરશે.

