માસિવ મલ્ટિ-પ્લેયર ઓનલાઇન ગેમ – આ પ્રકારની ગેમ્સનો તમને કેટલોક અનુભવ છે? તમે માત્ર થોડી વાર માટે ફ્રેશ થવા કે ટાઇમપાસ કરવા તમારા સ્માર્ટફોનમાં હલકીફુલકી ગેમ્સ ડાઉનલોડ કરતા હો તો તમે ગેમ્સની બીજી એક વિરાટ દુનિયાથી તદ્દન અજાણ હશો.
માસિવ મલ્ટિ-પ્લેયર ઓનલાઇન ગેમ્સમાં તેના નામ પ્રમાણે લાખો લોકો એક સાથે ગેમ રહી શકે છે. આવી ગેમ્સમાં આપણી સાચી દુનિયાથી અલગ બિલકુલ આભાસી, વર્ચ્યુઅલ યુનિવર્સ ઊભાં કરવામાં આવે છે.

આવી ગેમમાં સામેલ થતા લોકો આ બીજી દુનિયામાં એકબીજાનો સાથ લઈને અથવા એકબીજાથી વિરુદ્ધ જુદાં જુદાં ટાસ્ક પૂરાં કરતા જાય છે અને બદલામાં રિવોર્ડ મેળવતા જાય છે. ગેમ્સની આ અલગ દુનિયામાં સંખ્યાબંધ ગેમ્સ જબરજસ્ત પોપ્યુલર થઈ છે. દુનિયાભરમાંથી લાખો કરોડો લોકો આવી ગેમ્સમાં રાત-દિવસ રચ્યાપચ્યા રહેતા હોય છે.
આ પ્રકારની લગભગ બધી ગેમમાં એક વાત કોમન હોય છે. તેમાં સામેલ થતા લોકોને રોજેરોજ અમુક ટાસ્ક પૂરાં કરવાના હોય છે, તો જ તેમને રિવોર્ડ મળે. એ માટે તેમને નિયમિત નોટિફિકેશન મોકલવામાં આવે. મતલબ કે રિવોર્ડ લેવાની લાલચે પણ લોકોને લોગઇન થવાની ફરજ પડે.
આ ગેમ રમતા પ્લેયર્સ એકબીજા સાથે ચેટ પણ કરી શકે, દેખીતું છે લગભગ બધા જ પ્લેયર્સ બનાવટી નામ સાથે આવી ગેમ્સના મેદાનમાં ઉતરતા હોય છે.
ગેમમાં બોટ્સની એન્ટ્રી
હવે મજા જુઓ. આપણે માટે જાણીતી, ઇન્ટરનેટ પરની જુદી જુદી સર્વિસ કે સોશિયલ સાઇટ્સની જેમ ગેમિંગ વર્લ્ડને પણ એક તકલીફ નડી રહી છે. અહીં પણ માણસને બદલે બોટ્સ એટલે કે કમ્પ્યૂટર પ્રોગ્રામ્સ છેતરપિંડી કરવા લાગ્યા છે. ગેમ્સના પ્લેયર્સ એવું માનતા હોય કે તેઓ બીજા જીવતા જાગતા માણસ સાથે કોમ્પ્ટિશન કરી રહ્યા છે પરંતુ એ હકીકતમાં બોટ (કમ્પ્યૂટર પ્રોગ્રામ) હોય એવું પણ બને. બીજી મોટી તકલીફ એ છે કે રોજેરોજ પેલા ટાસ્ક પૂરા કરવાની જે વાત હતી, એ ટાસ્ક માણસની સરખામણીમાં બોટ્સ ગજબની વધુ ઝડપે કરી શકે છે!
હવે ખરી તકલીફની વાત કરીએ.

ઓનલાઇન ગેમ્સમાં લોકો જે ડિજિટલ રિવોર્ડ જીતતા હોય છે એ વેચીને તેમાંથી રોકડી પણ કરી શકતા હોય છે! આવા ‘સેકન્ડરી માર્કેટ’ની આખી એક અલગ દુનિયા ઇન્ટરનેટ પર ઊભી થઈ છે. ગેમ્સમાં બોટ ચલાવી જાણનારા સ્કેમર્સ બોટ્સની મદદથી ધડાધડ રિવોર્ડ જીતી શકે છે અને પછી તેને સેકન્ડરી માર્કેટમાં વેચીને તેમાંથી કમાણી કરી શકે છે.
અત્યાર સુધી આવા બોટ્સની એક મર્યાદા હતી. એ અન્ય પ્લેયર્સ સાથે વાતચીત કરી શકતા નહોતા. પરિણામે કોઈ ગેમનું સેશન ચાલુ હોય અને કોઈ એક ‘પ્લેયર’ ધમાધમ કરીને રિવોર્ડ જીતવા લાગે તો અન્ય પ્લેયર્સને શંકા પડી શકે કે પેલો પ્લેયર કોઈ માણસ નહીં કોઈ બોટ હશે.
પરિણામે, અસલી પ્લેયર્સ આવા બોટ પ્લેયરને ગેમની સિસ્ટમમાં રિપોર્ટ કરી શકે છે અને પછી ગેમની સિસ્ટમ એ બોટ પર પ્રતિબંધ મૂકી દે. આમ અત્યાર સુધી ઓનલાઇન ગેમિંગમાં બોટ્સનું દૂષણ હતું, પરંતુ તેનો સામનો કરવો પ્રમાણમાં સહેલો હતો. કારણ કે બોટ માણસની જેમ વાતચીત કરી શકતા નહોતા!
હવે બોટ્સ વાત પણ કરે છે!
હવે એઆઇ આધારિત ચેટબોટની એન્ટ્રીને કારણે આખી બાજી પલટાઈ ગઈ છે! હવે ઓનલાઇન ગેમ્સમાં બોટ્સને રમતા મૂકતા સ્કેમર્સના બોટ્સ એઆઇ ટેકનોલોજીને કારણે એટલા સ્માર્ટ બની ગયા છે કે તે ગેમ રમતાં રમતાં અન્ય પ્લેયર્સ સાથે માણસની જેમ જ ચેટિંગ કરી શકે છે. પરિણામે અન્ય પ્લેયર્સને અણસાર સુધ્ધાં આવતો નથી કે તેમની ગેમના સેશનમાં બધા માનવ પ્લેયર્સની વચ્ચે કોઈ બોટ પણ રમી રહ્યો છે. અન્ય પ્લેયર્સ આવા બોટને રિપોર્ટ કરી શકતા નથી અને પેલો બોટ પાર વગરના રિવોર્ડ ખેંચી જાય છે!
અત્યારે ગેમ્સ ઉપર થઈ રહેલા આ નવા પ્રકારના આક્રમણને કારણે ગેમ્સના ઓપરેટર્સ મુશ્કેલીમાં મુકાયા છે. વાસ્તવિક દુનિયાનાં બધાં ક્ષેત્રોની જેમ ઓનલાઇન ગેમિંગના ફીલ્ડને પણ એઆઇ ટેકનોલોજી અલગ રીતે નડી રહી છે!


