માની લો કે તમે કોઈ જાણીતી ઓનલાઇન શોપિંગ સાઇટ પરથી કોઈ ચીજવસ્તુ માટે ઓર્ડર કર્યો. જો એ વસ્તુની કિંમત થોડી વધુ હોય, તો સામાન્ય રીતે હવે બધી ઓનલાઇન સાઇટ્સે વસ્તુ ખરેખર ઓર્ડર કરનાર વ્યક્તિને જ પહોંચે એ માટે ડિલિવરી સમયે આપણે એક ઓટીપી આપવો પડે એવી વ્યવસ્થા અપનાવી લીધી છે.
ઓર્ડર ડિલિવર થવાનો હોય એ દિવસે આપણને ટેક્સ્ટ મેસેજમાં આ ઓટીપી આવી જાય. ડિલિવરી પર્સન વસ્તુ લઈને આવે ત્યારે આપણે આ ઓટીપી આપીએ એ પછી જ આપણને વસ્તુ આપવામાં આવે. આપણે ઓર્ડર સમયે પેમેન્ટ કરી દીધું હોય કે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હોય, બંનેમાં આ ઓટીપીની પ્રક્રિયા તો રહે જ. ઓનલાઇન શોપિંગમાં સલામતી વધારવા માટે ઓટીપીની આ પદ્ધતિ ચોક્કસપણે સારી છે, પરંતુ છેતરપિંડી કરનારા લોકો એના પણ દુરુપયોગ કરવા લાગ્યા છે!
પોલીસમાં હમણાં નોંધાયેલા ઘણા કિસ્સાઓમાં શું થાય છે એ જુઓ.

આપણા ઘરનો ડોરબેલ વાગે, સામે મોટું પેકેટ લઈને કોઈ ડિલિવરી પર્સન આવ્યો હોય. એના આગમન તરત પહેલાં કોઈ જાણીતી ઇ-કોમર્સ સાઇટ્સ પરથી આવ્યો હોય એ રીતે એક ઓટીપી પણ આપણા ફોનમાં ટપકી પડ્યો હોય. આપણે કદાચ એ જોયો પણ ન હોય એવું બને. ડિલિવરી પર્સન આવતાંવેંત આપણને કહે કે તમારા ઓર્ડર મુજબ વસ્તુ ડિલિવર કરવાની છે, ઓટીપી આપો!
હવે આપણે બે રીતે આ છટકામાં ફસાઈ જવાની શક્યતા રહે.
પહેલી સ્થિતિમાં, ઘરમાંથી બીજી કોઈ વ્યક્તિએ ઓર્ડર કર્યો હશે એમ માનીને આપણે ફોનમાંથી ઓટીપી શોધીને પેલા ડિલિવરી પર્સનને એ આપીએ, એ વ્યક્તિ આપણા હાથમાં ખોખું પકડાવીને રવાના થાય. ખોખું ખોલીએ ત્યારે ખ્યાલ આવે કે અંદર કામની કોઈ વસ્તુ છે જ નહીં. બીજી તરફ આપણા બેન્ક એકાઉન્ટમાંથી કોઈ મોટી રકમની ઓનલાઇન ચૂકવણી થઈ ગઈ હોય કારણ કે આપણે જે ઓટીપી આપ્યો તે ઓર્ડરની ડિલિવરી માટેનો નહીં, પરંતુ આપણી જાણ બહાર આપણે નામે થયેલા કોઈ ટ્રાન્ઝેકશનને મંજૂરી આપવા માટેનો ઓટીપી હોય.

બીજી સ્થિતિમાં, જો આપણે પેલા ડિલિવરી પર્સનને જણાવીએ કે આપણે કોઈ ઓર્ડર આપ્યો જ નથી, તો એ કહેશે કે ‘‘કોઈ વાંધો નહીં, અમારી સિસ્ટમમાં નોંધાયેલો ઓર્ડર કેન્સલ કરવા માટે પણ તમારે ઓટીપી આપવો પડશે.’’
આવે સમયે આપણે ચોક્કસપણે સતેજ થઈ જવું જોઇએ કે ઓર્ડર આપ્યો જ નથી તો તેને કેન્સલ શા માટે કરવાનો? બની શકે કે પેલો ડિલિવરી પર્સન પેકેટ પર આપણા નામ, સરનામા સાથેનું બિલ પણ બતાવે. ઓર્ડર કરેલી વસ્તુ ઠીક ઠીક મોંઘી હોય તો આપણે ઓર્ડર કર્યો હોય કે ના કર્યો હોય, એની ડિલિવરી લેવા લલચાઈ જઇએ અથવા ઓર્ડર કેન્સલ કરવા માટે ઓટીપી આપી બેસીએ.
પેલા ‘ડિલિવરી પર્સન’ને ઓટીપી મેળવવામાં જ રસ હોય, એનું કામ પતતાં એ ફટાફટ રવાના થાય. આ સ્થિતિમાં આપણા હાથમાં ખાલી ખોખું પણ ન આવે અને આપણે આપેલા ઓટીપીની મદદથી આપણે ખાતે કોઈ મોટી ખરીદી થઈ જાય!
લગભગ તમામ સાયબર ફ્રોડની જેમ, આમાં પણ સાદી સતર્કતા જ આપણી મદદે આવી શકે છે. આપણી જુદા જુદા ઘણા પ્રકારની વિગતો ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે વેરવિખેર પડી હોય છે. જુદી જુદી કંપનીના સર્વર્સમાં રહેલો આપણો ડેટા હેક થાય ત્યારે હેકર્સ એ બધાને એકમેક સાથે ગોઠવીને આપણું નામ, સરનામું, જન્મ તારીખ, કાર્ડનો નંબર વગેરે વિગતો એક સાથે ગોઠવી શકે છે. એ પછી તેમને માત્ર આપણી મંજૂરી સમાન ઓટીપીની જરૂર હોય છે. તે ઠગ ટોળકી આવી રીતે મેળવવા લાગી છે.
હવે ઓનલાઇન સાઇટ્સ પર કાર્ડનું ટોકનાઇઝેશન શરૂ થયું છે એ આ કારણે મહત્ત્વનું છે, ઠગ ટોળકીને આપણા કાર્ડની બધી વિગતો સહેલાઈથી મળતી નથી.
એટલું હંમેશા યાદ રાખવા જેવું છે કે આપણે ખરેખર કોઈ ચીજવસ્તુ ઓર્ડર કરી હોય અને તેનો ઓટીપી આવ્યો હોય તો જ એ ઓટીપી ડિલિવરી પર્સનને આપવો, બાકી ઘરમાંથી કોઈએ ઓર્ડર કર્યો હશે એવું માનીને કે મોંઘી વસ્તુ મફતમાં આવી એવું માની લલચાઈ જવામાં ચોક્કસપણે મોટી રકમ ગુમાવવાનું જોખમ છે.
- આપણી સાથે ઘણી બધી રીતે અને ઘણાં બધાં કારણથી સાયબર મની ફ્રોડ થઈ શકે છે.
- આવું એક કારણ એ કે છેતરપિંડી કરનારી ટોળકીને આપણા બેંક કાર્ડની બધી વિગતો એક સાથે મળી જાય. એ પછી તેને ફક્ત આપણો ઓટીપી જ મેળવવાનો રહે.
- એટલા માટે જ હવે વિવિધ શોપિંગ સાઇટ્સ અને પેમેન્ટ સર્વિસ માટે કાર્ડનું ટોકનાઇઝેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.
- તેને કારણે આપણા કાર્ડની વિગતો ફક્ત એ સર્વિસ પૂરતી અને એ પણ એન્ક્રિપ્ટેડ સ્વરૂપે સ્ટોર થાય છે.
