આગળ શું વાંચશો?
- ઇન્સ્ટામાં એકથી વધુ એકાઉન્ટ : કેમ અને કઈ રીતે?
- એક ફોનમાં ચલાવો બે વોટ્સએપ એકાઉન્ટ
ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ રાખવાની જરૂર શી? આ સવાલનો જવાબ થોડો વિસ્તૃત રીતે જાણીએ અને ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટનો લાભ કઈ રીતે લઈ શકાય એ વિશે પણ વાત કરીએ.
આખી દુનિયામાં દર મહિને એક અબજથી વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાના દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામની રીચ જબરજસ્ત છે. એ જ કારણે પોતાની વાત હજારો-લાખો-કરોડો લોકો સુધી પહોંચાડવા માગતા લોકો માટે પણ ઇન્સ્ટાગ્રામ વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ પ્લેટફોર્મ્સ છે!

પરંતુ ઇન્સ્ટાગ્રામના યૂઝર્સની એક ખાસિયત છે. આ પ્લેટફોર્મ પર યૂઝર્સ કોઈ એક ચોક્કસ ટોપિક પર ફોકસ કરતા એકાઉન્ટને ફોલો કરવાનું વધુ પસંદ કરે છે. જેમ કે કોઈ એકાઉન્ટમાં કૂકિંગની રેસિપીઝ શેર થતી હોય અને તેની સાથોસાથ બ્યૂટી ટિપ્સ પણ આપવામાં આવતી હોય તો આવા એકાઉન્ટમાં લોકો ખાસ રસ પડતો નથી. એવું જ શેરબજાર-મ્યુચ્યુઅલ ફંડ્સની સાથોસાથ ઇન્સ્યોરન્સ વિશેની વાતો પણ શેર કરતા એકાઉન્ટ્સમાં લોકો બહુ રસ બતાવતા નથી. આખી દુનિયામાં સ્પેશિયાલાઇઝેશનનો દબદબો છે તો ઇન્સ્ટાગ્રામ પર કેમ નહીં? આથી ઇન્સ્ટા પર ફક્ત એક જ બાબત પર ધારદાર ફોકસ ધરાવતા એકાઉન્ટ વધુ ઝડપથી પોપ્યુલર થાય છે.
આ જ કારણે ઇન્સ્ટાગ્રામ કંપની લોકોને તેના પ્લેટફોર્મ પર જુદાં જુદાં પાંચ એકાઉન્ટ બનાવવાની સગવડ આપે છે. સારી વાત એ છે કે આપણે ઇન્સ્ટાની એપમાં એક એકાઉન્ટથી લોગઇન હોઇએ ત્યારે બીજા એકાઉન્ટમાં સ્વિચ થવા માટે પહેલા એકાઉન્ટમાંથી લોગ આઉટ થવાની જરૂર નથી. આપણે ઝડપથી એકાઉન્ટ સ્વિચ કરી શકીએ છીએ.

ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ પહેલું એકાઉન્ટ ક્રિએટ કરવા જેવી જ છે.
એ પછી, ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ કનેક્ટ કરવા માટે ઇન્સ્ટા એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને પ્રોફાઇલ પેજ પર જાઓ.
અહીં તમારા સૌથી ઉપર તમારા યૂઝરનેમ પર ક્લિક કરો. તમારું એકથી વધુ એકાઉન્ટ નહીં હોય તો નવું એકાઉન્ટ ક્રિએટ કરવાની તક મળશે. નવું એકાઉન્ટ બનાવ્યા પછી, અહીં જ ‘લોગ ઇન ટુ એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ’ પર ક્લિક કરો. તમે અગાઉ ઉમેરેલાં એકાઉન્ટ્સમાંથી જે નવું એકાઉન્ટ કનેક્ટ માગતા હો તેના યૂઝરનેમ અને પાસવર્ડ આપો અને લોગઇન થાઓ.
ઇન્સ્ટાગ્રામમાં વિવિધ એકાઉન્ટ સ્વિચ કરવા માટે પછી આ જ વિધિ કરવાની છે. એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને પ્રોફાઇલ પેજ પર જાઓ. અહીં તમારા યૂઝરનેમ પર ક્લિક કરો. હવે તમે જે એકાઉન્ટમાં સ્વિચ કરવા માગતા હો તેને પસંદ કરી લો!
આખરે આપણને વોટ્સએપમાં જોઈતું ફીચર આવી ગયું છે – એક ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ – ઓફિશિયલી!
અત્યારે સૌની ઓનલાઇન લાઇફ પર્સનલ અને પ્રોફેશનલ એમ બે ભાગમાં વહેંચાયેલી રહે છે. ઘણા લોકો આ બંને બાબતોને અલગ રાખવા માટે બે ફોન અથવા કમ સે કમ એક ફોનમાં બે સિમ કાર્ડ રાખતા હોય છે. આપણાં જીમેેઇલ એડ્રેસ પણ હોમ અને ઓફિસના ઉપયોગ માટે અલગ હોય છે. હજી હમણાં આપણે જાણ્યું તેમ ઇન્સ્ટાગ્રામમાં તો એક સાથે અલગ અલગ પાંચ એકાઉન્ટ ક્રિએટ અને કનેક્ટ કરી શકાય છે.

આ બધી જ ઓનલાઇન સર્વિસમાં આપણે જુદા જુદા એકાઉન્ટનો સ્માર્ટફોનમાં સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. દરેક બાબતની એપ એક જ રહે, પરંતુ આપણે આંગળીના ઇશારે તેમાં પોતાનું એકાઉન્ટ સ્વિચ કરી શકીએ (વચ્ચે એક આડ વાત – તમે તમારા સ્માર્ટફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ રાખ્યાં હોય તો ગૂગલની દરેક સર્વિસમાં જમણા ખૂણે દેખાતા તમારા પ્રોફાઇલ પિકચરને આંગળીથી ઉપર કે નીચેની તરફ સ્વાઇપ કરશો એટલે તમારું એકાઉન્ટ સ્વિચ થઈ જશે!).
આ બધામાં ફક્ત વોટ્સએપ એવી સર્વિસ, જેમાં એક સ્માર્ટફોનમાં એક જ એકાઉન્ટનો ઉપયોગ શક્ય હતો. આપણે અંગત અને બિઝનેસના ઉપયોગ માટે અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટ હોય તો બે ફોન રાખ્યા વિના છૂટકો નહીં!
હવે વાત બદલાઈ ગઈ છે. વોટ્સએપમાં એક જ ફોનમાં એક સાથે બે અલગ અલગ ફોન નંબર પર વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે. આ માટે અન્ય કોઈ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
જો તમારી વોટ્સએપ એપ લેટેસ્ટ વર્ઝનથી અપડેટેડ હોય અને તેમાં આ ફીચર આવી ગયું હોય તો વોટ્સએપ એપ ઓપન કરી તેમાં સેટિંગ્સમાં જાઓ. અહીં ‘એકાઉન્ટ’માં જાઓ. તેમાં ‘એડ એકાઉન્ટ’નો વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરતાં તમારું મૂળ વોટ્સએપ એકાઉન્ટ તથા તેની સાથે નવું એકાઉન્ટ ઉમેરવાનો વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરી તમે તમારું બીજા નંબર સાથેનું વોટ્સએપ એકાઉન્ટ એડ અને કનેક્ટ કરી શકો છો. યાદ રહે કે એમ કરતાં, એ સાથે બીજા ફોનમાં વોટ્સએપમાંથી તમે લોગ-આઉટ થઈ જશો. બીજા વોટ્સએપના ડેટાનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લીધા પછી જ તેને નવા ફોનમાં ટ્રાન્સફર કરજો.
ઉપરાંત, તમારા પર્સનલ એકાઉન્ટ સાથે બિઝનેસ એકાઉન્ટ ઉમેરી તો શકાશે, પણ ત્યારે બિઝનેસ એકાઉન્ટ પર્સનલમાં કન્વર્ટ થશે અને બિઝનેસ એકાઉન્ટની ઘણી વિગતો ગુમાવવી પડશે. એકાઉન્ટ સ્વિચિંગ પ્રમાણમાં ધીમું પણ છે. આ સુવિધા હાલમાં માત્ર એન્ડ્રોઇડમાં ઉમેરાઈ રહી છે.
