વર્ષ ૨૦૧૪માં મૂળ ભારતીય સત્ય નડેલા માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ બન્યા, એ પછી કંપનીનું જાણે રીતસર નવસર્જન થયું છે. કંપનીનો બિઝનેસ ખાસ્સો વધ્યો છે અને આપણા જેવા યૂઝર્સને નવા માઇક્રોસોફ્ટનો પરિચય કરાવવા કંપની અને વિવિધ પ્રોડક્ટના લોગો ને નામ બદલાયાં અને હવે ફોન્ટ પણ બદલાયા!

વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ, આઉટલૂક વગેરે પ્રોગ્રામમાં અત્યાર સુધી ડિફોલ્ટ ફોન્ટ તરીકે, છેક ૨૦૦૭થી ‘કેલિબ્રી’ વપરાતા હતા, હવે તેનું સ્થાન ‘એપ્ટોસ’ નામના ફોન્ટ લેશે. યૂઝર તરીકે આપણે ગમે ત્યારે ડિફોલ્ટ ફોન્ટ બદલી શકીએ, એટલે તમે કદાચ કેલિબ્રી તરફ બહુ ધ્યાન નહીં આપ્યું હોય. બની શકે કે ઓવરઓલ ફોન્ટ તરફ જ તમે બહુ ધ્યાન આપ્યું નહી ંહોય!
ફોન્ટ એટલે કે જુદા જુદા પ્રકારના મરોડદાર અક્ષરોનાં મૂળ તો છેક ૧૪૪૦માં છે, એ સમયે જોહાનીસ ગુટેનબર્ગે દુનિયાના પહેલા પ્રિન્ટિંગ પ્રેસમાં એકસરખા ‘ટાઇપફેસ’નો ઉપયોગ શરૂ કર્યો. અત્યારે દુનિયામાં બે લાખથી વધુ, આગવી ઓળખ ધરાવતા ફોન્ટ હોવાનું મનાય છે.
ફોન્ટ તરફ આપણે બહુ ધ્યાન ન આપીએ તો પણ, એની આપણા મન પર બહુ સચોટ અસર થતી હોય છે.
મરોડદાર અક્ષરો કાગળ કે સ્ક્રીન પરના લખાણને વધુ આકર્ષક બનાવી શકે છે, શરત એટલી કે પસંદગી સમજપૂર્વક થવી જોઈએ.
ઘણી વાર કોઈ પુસ્તક તમે હાથમાં લો પરંતુ એક નજર ફેરવ્યા પછી એમાં આગળ વધવાનું મન ન થાય તો એનું કારણ ફોન્ટ હોઈ શકે છે.
ઘણી વાર કોઈ કોલેજ તરફથી આવતા લેટરમાં ‘કોમિક સાન્સ’ ફોન્ટનો ઉપયોગ થયો હોય તો જાણકાર વિદ્યાર્થીઓની નજરમાં કોલેજનું માન ન રહે, કેમ કે કોમિક સાન્સ નાનાં બાળકોને ગમે તેવા ફોન્ટ ગણાય છે!
અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં ફોન્ટને નામે બહુ અરાજકતા હતી, એરિયલનું લખાણ ટાઇમ્સ ન્યૂ રોમનમાં ફેરવી શકાય, પણ ગુજરાતીમાં એક ફોન્ટનું લખાણ બીજા ફોન્ટમાં ન પણ ફેરવી શકાય.
હવે યુનિકોડ આવતાં આવી તકલીફ રહી નથી, પરંતુ ગુજરાતી યુનિકોડમાં ફોન્ટનો વૈભવ બહુ ઓછો છે! અત્યારે અહીં ઇંગ્લિશ ફોન્ટના મુખ્ય ત્રણ પ્રકાર વિશે જાણીએ.
Serif Fonts

આ પ્રકારના ફોન્ટ સામાન્ય રીતે પ્રિન્ટ પબ્લિકેશન્સમાં વધુ જોવા મળે છે. છપાયેલા અક્ષરોના છેડે જે હળવો વળાંક જોવા મળે છે તેને ‘સેરિફ’ કહે છે. આવો વળાંક ધરાવતા બધા ફોન્ટ ‘સેરિફ ફોન્ટ’ કહેવાય છે. સેરિફ ફોન્ટ ક્લાસિક અને એલિગન્ટ ફોન્ટ ગણાય છે. ટાઇમ્સ ન્યૂ રોમન, જ્યોર્જિયા, ગેરેમોન્ડ વગેરે ફોન્ટ સેરિફ ફોન્ટનાં ઉદાહરણ છે.
Sans Serif Fonts

મૂળ ફ્રેન્ચ શબ્દ ‘સાન્સ’નો અર્થ થાય છે ‘વગરનું’. આથી જે ફોન્ટના છેડે સેરિફનો હળવો વળાંક હોતો નથી તે ‘સાન્સ સેરિફ’ ફોન્ટ કહેવાય છે. આવા ફોન્ટમાં મોટા ભાગની રેખાઓ સીધી, કોઈ વળાંક વગરની હોય છે. સાન્સ સેરિફ ફોન્ટ ક્લિન અને મોડર્ન ફોન્ટ ગણાય છે. વેબ ડિઝાઇનમાં તેનો વધુ ઉપયોગ થાય છે. એરિયલ અને હેલ્વેટિકા સાન્સ સેરિફ ફોન્ટ્સનાં ઉદાહરણ છે.
Script Fonts

હાથે લખેલા શબ્દોની જેમ મરોડદાર વળાંક ધરાવતા ફોન્ટ ‘સ્ક્રિપ્ટ ફોન્ટ’ કે ‘કર્સીવ ફોન્ટ’ તરીકે ઓળખાય છે. આવા ફોન્ટ જોવામાં આકર્ષક હોય છે, પરંતુ વાંચવામાં થોડા મુશ્કેલ હોય છે. આથી તેમનો ઉપયોગ સામાન્ય રીતે માત્ર હેડિંગમાં થાય છે. તેમનો ઉપયોગ પ્રિન્ટ+વેબ બંનેમાં થાય છે. લ્યુસિડા કેલિગ્રાફી, બ્રશ સ્ક્રિપ્ટ, ફ્રીસ્ટાઇલ સ્ક્રિપ્ટ વગેરે સ્ક્રિપ્ટ ફોન્ટનાં ઉદાહરણ છે.

