
દિવાળીના દિવસોમાં ડાયરી-પ્લાનર વગેરેનું વેચાણ ઘટવા લાગ્યું છે. જોકે આજના ડિજિટલ યુગમાં પણ બધી ઓફિસના મીડલ તથા જુનિયર લેવલના એક્ઝિક્યૂટિવ્સના હાથમાં વિવિધ સેકશનવાળી એક સ્પાઇરલ ડાયરી અચૂક જોવા મળે છે. ટોપ લેવલ એક્ઝિક્યૂટિવના કિસ્સામાં આવી ડાયરી તેમના સેક્રેટરીના હાથમાં હોય! કોલેજ સ્ટુડન્ટ્સમાં પણ આવી ડાયરી ખાસ્સી પોપ્યુલર.
પોતાના કામકાજ કે અભ્યાસને લગતી વિવિધ બાબતોની નોંધ હાથવગી રાખવા માટે આવી ડાયરી હોવી પણ જોઈએ. ડાયરીમાં જુદાં જુદાં સેકશન હોય. દરેક સેકશનને અલગ પાડતું એક અલગ કલરનું પેજ હોય અને દરેક સેકશનની અંદર સંખ્યાબંધ પેજ હોય. વાત બિઝનેસની હોય તો એક્ઝિક્યૂટિવ આવી ડાયરી કે નોટબુકમાં વિવિધ પ્રોજેક્ટ કે ક્લાયન્ટ અનુસાર સેકશન બનાવે ને તેમાં તારીખવાર જુદી જુદી બાબતોની નોંધ જાળવે. સ્ટુડન્ટ હોય તો તે સેકશન નોટબુકમાં જુદા જુદા સબ્જેક્ટ કે એસાઇન્ટમેન્ટ મુજબ સેકશન બનાવે અને પછી તેમાં વિવિધ પાનામાં જુદી જુદી બાબતોની નોંધ રાખે.

કામકાજ કે અભ્યાસની મહત્ત્વની બાબતોની વ્યવસ્થિત નોંધ રાખવા માટે આ રીતે નોટબુક મેઇન્ટેઇન કરવાની ટેવ બહુ સારી છે. પરંતુ આજના સમયમાં આ સ્માર્ટ રીત નથી!
સ્માર્ટ રીત એ છે કે આપણે આવી એક નહીં, અનેક નોટબુક સાથે રાખીને ફરી શકીએ, તેમાં બધું જ અનલિમિટેડ હોય, તેમાં ટેક્સ્ટ સિવાય બીજું ઘણું ઉમેરવાની સગવડ હોય અને બે-ચાર વર્ષ પહેલાં ટપકાવેલી નોંધ પણ પળવારમાં મળી આવે એ રીતે સચવાયેલી હોય.
રસ પડ્યો? તમારી લાઇફને ડિજિટલી ઓર્ગેનાઇઝ્ડ કરી, પેપરલેસ બનાવવાના મજાના રસ્તા જાણીએ.
માઇક્રોસોફ્ટની વનનોટ (https://onenote.com/) સર્વિસ જૂના જમાનાની વિવિધ સેકશનવાળી ફિઝિકલ નોટબુકને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી નાખે છે. કન્સેપ્ટ અને ઉપયોગ બિલકુલ એનો એ છે. માત્ર ફેર એટલો છે કે અહીં કાગળ અને પેનને બદલે બધું જ ડિજિટલ સ્વરૂપે સચવાય છે.
આ પ્રોગ્રામ સૌ કોઈ માટે બિલકુલ ફ્રી છે. એટલે કે માઇક્રોસોફ્ટના ફ્રી એકાઉન્ટની મદદથી તેનો ઉપયોગ કરી શકાય છે (ફ્રી એકાઉન્ટમાં કુલ ૫ જીબીની ક્લાઉડ સ્પેસ મળે છે).
આ પ્રોગ્રામ વિન્ડોઝ અને મેક કમ્પ્યૂટર્સ ઉપરાંત એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ સ્વરૂપે તથા વેબવર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. આપણો બધો જ ડેટા ક્લાઉડમાં સેવ થતો હોવાથી આપણે કોઈ પણ ડિવાઇસમાં લોગઇન થઈને તેને એક્સેસ કરી શકીએ છીએ.
વનનોટ પ્રોગ્રામ ‘વનનોટ ફોર વિન્ડોઝ ૧૦/૧૧’, ‘વનનોટ ૨૦૧૬’ તથા ‘વનનોટ ઓફિસ ૩૬૫’ તરીકે ઉપલબ્ધ છે. આવાં વિવિધ વર્ઝન થોડો ગૂંચવાડો ઊભો કરે છે પરંતુ તમારા લેપટોપમાં વિન્ડોઝ ૧૦ કે ૧૧ હોય તો વનનોટ ફોર વિન્ડોઝ ૧૦/૧૧ તમને સૌથી વધુ અનુકૂળ રહેશે.

સ્ક્રીનશોટમાં દર્શાવ્યા મુજબ વનનોટમાં આપણું બધું કામકાજ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે ઃ નોટબુક, તેની અંદર સેકશન્સ અને તેની અંદર પેજિસ. આ ત્રણેય બાબત અનલિમિટેડ છે. તમે ઓફિસના કામકાજ, હોબીઝ, પર્સનલ લાઇફ વગેરે દરેક માટે ઇચ્છો તેટલી નોટબુક બનાવી શકો છો. દરેક નોટબુકની અંદર ઇચ્છો તેટલાં સેકશન્સ બનાવી શકો છો. જે તે એક્ઝિક્યુટિવ પોતાની વર્ક નોટબુકમાં ક્લાયન્ટસ અથવા પ્રોજેક્ટ્સ મુજબ સેકશન્સ બનાવી શકે અને દરેક સેકશનની અંદર ઇચ્છે તેટલાં પેજિસ ઉમેરી શકે.
સામાન્ય ડાયરીમાં આપણને બહુ બહુ તો એ-૪ સાઇઝનું એક પેજ મળે અને તેમાં માત્ર હાથેથી કંઈક લખી શકાય કે ડ્રો કરી શકાય. જ્યારે વનનોટમાંનું પેજ કોઈ મર્યાદા વિના આપણે ધારીએ તેટલું વિસ્તારી શકીએ છીએ અને તેમાં ટેક્સ્ટ, ઇમેજિસ, ડ્રોઇંગ, ઓડિયો-વીડિયો કે અન્ય જુદા જુદા ઘણા પ્રકારની ફાઇલ્સ ઉમેરી શકીએ છીએ. આપણે કોઈ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરતા હોઇએ ત્યારે ઇન્ટરનેટ પરથી આખેઆખાં વેબપેજ તેના બધા કન્ટેન્ટ સાથે નોટબુકમાં પેજ તરીકે સેવ કરી શકાય છે અને આગળ જતાં આ પેજમાં ઇચ્છીએ તેટલી વધુ માહિતી ઉમેરી શકીએ છીએ.
ઇન્ટરનેટ પર કોઈ વેબપેજમાં માત્ર અમુક ભાગ કામનો લાગે તો માત્ર તેને સિલેક્ટ કરીને પેજમાં ઉમેરી શકાય છે. આ સિલેક્ટેડ ટેક્સ્ટ જ્યાંથી કોપી કરવામાં આવેલ હોય તે પેજના યુઆરએલ સહિત નોટબુકના પેજમાં પેસ્ટ થાય છે. આથી આપણે ભવિષ્યમાં ઇચ્છીએ ત્યારે એ મૂળ પેજ પર જઇને વધારાની માહિતી પણ મેળવી શકીએ છીએ.
તમે ધારો તો એક જ પેજ પર અઠવાડિયાના સાત દિવસમાં કરવાનાં કામનું લિસ્ટ બનાવી શકો છો. મજા એ છે કે એક દિવસના ટુ-ડુ લિસ્ટમાં કોઈ પણ કામને તમે સહેલાઇથી ઉપર નીચે કરી શકો છો કે એક દિવસમાંથી બીજા દિવસમાં લઈ જઈ શકો છો.
આ દિવાળી પછીના નવા વર્ષમાં, જો તમે તમારા બિઝનેસ, એજ્યુકેશન કે લાઇફને સંબંધિત તમારા આઇડિયા, પ્રોજેક્ટ મીટિંગ્સની વિગતો, ઇન્ટરનેટ પરથી મળેલી સંબંધિત માહિતી વગેરે બધું જ એક માત્ર ડિજિટલ વનનોટમાં સેવ કરતા રહેવાની આદત કેળવો તો તમારી લાઇફ અત્યંત ઓર્ગેનાઇઝ્ડ બનશે અને પેપરલેસ પણ બનશે!
વનનોટનાં જમા-ઉધાર પાસાં
- કોઈ પણ યૂઝર માટે તદ્દન ફ્રી પ્રોગ્રામ છે.
- ફ્રી એકાઉન્ટમાં ૫ જીબી સ્પેસ મળે, પેઇડ એકાઉન્ટમાં અન્ય પ્રોગ્રામ્સ સાથે ઓછામાં ઓછી ૧ ટીબી સ્પેસ મળી શકે.
- સામાન્ય સેક્શનબુક જેવો જ કન્સેપ્ટ છે. નોટબુક-સેક્શન-પેજિસમાં તમે ઇચ્છો તે રીતે નોટ્સ અને અન્ય ડેટા સાચવી શકો.
- વોઇસથી ટાઇપ કરી શકો, ટેબલેટમાં સ્ટાઇલથી લખેલી ટેક્સ્ટ કે ડ્રો કરેલા ચાર્ટને ડિજિટલ ટેક્સ્ટ, ચાર્ટમાં ફેરવી શકાય.
- પીસીમાંના પ્રોગ્રામ તરીકે સૌથી વધુ પાવરફુલ, એપમાં ફીચર્સ મર્યાદિત.
- બધું ફોકસ મહત્ત્વની બાબતો વ્યવસ્થિત રીતે સાચવી લેવા પર છે. તમારું ફોકસ તારીખ મુજબના ટુ-ડુ લિસ્ટ પર હોય તો એ શક્ય છે, પણ થોડા નિરાશ થઈ શકો છો.
એવરનોટ
માઇક્રોસોફ્ટ વનનોટની સૌથી નજીકની, સૌથી પાવરફુલ સર્વિસ. એક સમયે અત્યંત પોપ્યુલર હતી, પરંતુ ફ્રી વર્ઝન મર્યાદિત અને પેઇડ વર્ઝન ખાસ્સું મોંઘું હોવાથી હવે તેનો ઉપયોગ થોડો ઘટ્યો છે. કોસ્ટ તમારે માટે પ્રોબ્લેમ ન હોય તો વનનોટનો આ બહુ મજબૂત વિકલ્પ છે.
ગૂગલ કીપ
ગૂગલની ખાસિયત (કે ખામી!) મુજબ, આ સર્વિસ માત્ર નોટ્સ સાચવવા પર ફોકસ્ડ છે, એથી વધુ ખાસ કશું જ નહીં. જો તમે તેમાં ટેગિંગ ફીચરનો સારો અને સ્માર્ટ ઉપયોગ કરી શકો તો નોટ્સને સારી રીતે ઓર્ગેનાઇઝ કરી શકો, પણ વનનોટની તુલનામાં બહુ મર્યાદિત છે.
ટુડુઇસ્ટ
તમારું ફોકસ શું છે – નોટ્સ કે વર્કનું ટુ-ડુલિસ્ટ? બંને મહત્ત્વનાં છે, પણ તમે રોજેરોજ ચેક કરી શકાય એ રીતે, બુલેટેડ પોઇન્ટસ રૂપે, તારીખ મુજબ ટુ-ડુલિસ્ટ તૈયાર કરવા માગતા હો તો અત્યારે સૌથી સારો વિકલ્પ આ સર્વિસ છે. તેમાં પણ ટાસ્ક સાથે નોટ્સ ઉમેરી શકાય છે.



