આ દિવાળીએ તમે ઘરની સાફ સફાઈ હાથ ધરી હશે કે ત્યારે અચૂકપણે કબાટના કે ટેબલના કોઈ ખૂણેખાંચરે પડી રહેલા જૂના મોબાઇલ મળી આવશે.
જૂના સાવ સાદા ફોન હોય કે હવે જૂના થયેલા સ્માર્ટફોન, આપણે નવો ફોન ખરીદીએ ત્યારે પણ જૂનાને સાવ ફેંકી દેતાં આપણો જીવ ચાલતો નથી તેનાં બે ત્રણ કારણ છે. એક, જૂનો ફોન એક્સચેંજમાં આપતાં આપણે ખચકાઈએ છીએ, એક તો તેની કિંમત સાવ ઓછી મળે અને તેમાંનો આપણો ડેટા સંપૂર્ણપણે ભૂંસાયો ન હોય એવી ચિંતા પણ હોય. લગભગ આ જ કારણે આપણે ફોનને અન્ય કોઈ વ્યક્તિને પણ વેચીએ નહીં.

બીજી તરફ ફોનને સાવ કચરામાં ફેંકવાનું ગમે નહીં કેમ કે એમ કરવા જતાં આપણે પર્યાવરણને નુકસાન કરીશું એવી સજાગતા પણ હોય. પરિણામે જૂના ફોન કબાટના કોઈ ખૂણામાં ધરબાયેલા પડી રહે!
જાણીને નવાઈ લાગશે કે જૂના સ્માર્ટફોન વિશેના વિશ્વવ્યાપી સર્વેમાં બહાર આવ્યું કે વર્ષ ૨૦૨૨ના એક જ વર્ષમાં પાંચ અબજ હેન્ડસેટને નકામા ગણીને ફેંકી દેવાયા હતા. રૂપિયામાં એ બધા ફોનની કિંમત આંકવા જઇએ તો ઓછામાં ઓછી ૧૦૦ અબજ રૂપિયા જેટલી થાય!
સદભાગ્યે દુનિયાના બધા જ જૂના સ્માર્ટફોન સાવ ભંગારમાં જતા નથી. તેમને રિસાયકલ કરવામાં આવે છે. દુનિયાભરના વિવિધ દેશોમાં સ્માર્ટફોનને રિસાયકલ કરવાની ફેકટરીઓ ધમધમે છે. તેમનું પહેલું લક્ષ્ય જૂના ફોનની શક્ય એટલી સારી રીતે મરમ્મત કરીને તેને ફરી નવા જેવો બનાવીને વેચવાનું હોય છે. આવા ફોન ‘રિફર્બિશ્ડ’ ફોન તરીકે વેચાય છે. જે ફોનને રિપેર કે રિસાયકલ કરવો શક્ય ન હોય ત્યારે તેમાંથી ફરી ઉપયોગ કરી શકાય તેવા પાર્ટ તારવી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આપણે જે પાંચ અબજ ફોન ફેંકી દેવાયાની વાત કરી તેમાંથી માંડ ૨૦ ટકા જેટલા ઇ-વેસ્ટને કોઈ રીતે રિસાયકલ કરી શકાય છે. જૂના સ્માર્ટફોન રિસાયકલ કરતી ઘણી ફેકટરીને એપલ કે સેમસંગ જેવી હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપની તરફથી પણ સપોર્ટ મળતો હોય છે. આવી કંપની રિસાયકલિંગ કરતી ફેકટરીને જરૂરી સોફ્ટવેર સપોર્ટ પૂરો પાડે છે અને જૂના ફોનમાંનો અગાઉના કોઈ ડેટાનો અંશ પણ તેમાં રહે નહીં તેની ખાતરી કરવામાં આવે છે.
અચ્છા આવી ફેકટરીઓના કામમાં ક્યારે ઉછાળો આવે છે તે જાણો છો? જ્યારે પણ એપલ નવો આઇફોન લોન્ચ કરે ત્યારે! એપલ નવું મોડેલ ઝડપથી વેચાય તે માટે એક્સચેન્જ ઓફર કરતી હોય છે. પરિણામે ઘણા લોકો હજી આગલા જ વર્ષે ખરીદેલો આઇફોન પાછો આપીને નવો ખરીદવા માટે એપલના સ્ટોર્સની બહાર લાઇન લગાવે છે. આ કારણે જ્યારે જ્યારે એપલ નવા આઇફોન લોન્ચ કરે ત્યારે રિસાયકલિંગ ફેકટરીઓમાં જૂના આઇફોનનો ભરાવો થવા લાગે છે.
તમે ફોનને ફેંકી દેવાને બદલે કે ભંગારમાં આપવાને બદલે ઇ-વેસ્ટનું રિસાઇકલિંગ કરતી કરતી કોઈ યોગ્ય કંપનીને આપવાનું યાદ રાખજો!
