હમણાં જી-૨૦ સમિટ દરમિયાન ભારત આવેલા નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટરે બેંગ્લુરુમાં રસ્તા પરની એક કીટલી પર મસાલા ચાયની મજા માણી. પછી તેનું પેમેન્ટ યુપીઆઇથી કર્યું. તેમની જેમ જ, જર્મનીના એક પ્રધાને એક શાકભાજીવાળા પાસેથી ખરીદી કરી અને પેમેન્ટ કરવા માટે તેમણે પણ યુપીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કર્યો. આ પહેલાં, ભારત આવેલા અન્ય વિદેશી મહાનુભાવોએ પણ યુપીઆઇથી ઓનલાઇન પેમેન્ટ કરવાનો જાત અનુભવ કર્યો છે અને એ સૌનો લગભગ એક જ પ્રતિભાવ રહ્યો છે, ‘‘સિમ્પલ એન્ડ ઇઝી, અમેઝિંગ!’

ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ વ્યવસ્થા (યુપીઆઇ) ભારતમાં વધુ ને વધુ લોકપ્રિય થઈ રહી છે અને તેની સાથોસાથ વિદેશોમાં પણ વિસ્તરી રહી છે.
ગયા મહિને ભારતમાં મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) યોજાયો. સમગ્ર વિશ્વમાંથી આવેલા ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રના હજારો નિષ્ણાતોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો. ત્રણ દિવસના આ સેમિનારમાં ભારતના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશીકાંત દાસ અને ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નિલેકનીએ યુપીઆઇનાં નવાં જુદાં જુદાં સંખ્યાબંધ ફીચર્સ લોન્ચ કર્યાં. નંદન નિલેકનીએ યુપીઆઇ વ્યવસ્થાના સંચાલક નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ને દેશની ‘‘ક્રાઉન જ્વેલ’’ સંસ્થા ગણાવી.
આ નિમિત્તે યુપીઆઇ વ્યવસ્થામાં હમણાં હમણાં ઉમેરાયેલાં નવાં ફીચર્સ પર એક નજર ફેરવી લઇએ.
યુપીઆઇ લાઇટ/યુપીઆઇ લાઇટ એક્સ
‘સાયબરસફર’માં આપણે યુપીઆઇ લાઇટ વિશે વાત કરી ગયા છીએ. આ વ્યવસ્થા અગાઉના મોબાઇલ વોલેટની જેમ કામ કરે છે. આપણી પોતાની ફેવરિટ યુપીઆઇ એપમાં આપણે યુપીઆઇ લાઇટનો લાભ લઈ શકીએ છીએ. તેમાં એક મહત્ત્વનો ફેરફાર થયો.

તેમાં આપણે પોતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૨૦૦૦ સુધીની રકમ ટ્રાન્સફર કરી શકીએ છીએ. એ પછી એક વારમાં રૂ.૨૦૦ની મર્યાદા સુધીની રકમ ટ્રાન્સફર કરવાની હોય ત્યારે આપણે યુપીઆઇ પિન આપ્યા વિના ટ્રાન્સફર કરી શકીએ છીએ.
આ સગવડના બે લાભ છે. એક, નાની રકમના પેમેન્ટ માટે આપણે વારંવાર યુપીઆઇ પિન આપવાની ઝંઝટ રહેતી નથી અને બેન્કના હિસાબોમાં એવી દરેક એન્ટ્રી કરવાની જરૂર રહેતી નથી. હવે યુપીઆઇ લાઇટથી એક વારમાં પેમેન્ટની મર્યાદા રૂ.૨૦૦થી વધારીને રૂ.૫૦૦ સુધીની કરી દેવામાં આવી છે.
યુપીઆઇ લાઇટ વ્યવસ્થાને હજી વધુ વિસ્તારીને ‘યુપીઆઇ લાઇટ એક્સ’ નામે એક નવું ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં ક્યૂઆર કોડથી પેમેન્ટ થઈ શકતું નથી પરંતુ રકમ મોકલનાર અને સ્વીકારનાર વ્યક્તિના સ્માર્ટફોન એકમેકની નજીક હોય ત્યારે નીયર ફીલ્ડ કમ્યુનિકેશન (એનએફસી)ટેકનોલોજીની મદદથી રકમ ટ્રાન્સફર થઈ જાય છે. દેખીતું છે કે આ માટે બંને ડિવાઇસમાં એનએફસીની સગવડ હોવી જરૂરી છે.
યુપીઆઇ લાઇટ એક્સનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં ઇન્ટરનેટ ઓન ન હોય તો પણ બે ડિવાઇસ વચ્ચે રકમની લેવડદેવડ થાય છે!
યુપીઆઇ ટેપ એન્ડ પે
યુપીઆઇ વ્યવસ્થામાં એનએફસી ટેકનોલોજીનો ઉપયોગ જુદી રીતે પણ વિસ્તારવામાં આવી રહ્યો છે. એ માટે એનએફસી ઇનેબલ્ડ ક્યૂઆર કોડ આવી રહ્યા છે. આથી જો મર્ચન્ટ લોકેશન પર એનએફસી ઇનેબલ્ડ ક્યૂઆર કોડ હશે અને આપણા ફોનમાં પણ એનએફસી ફીચર હશે તો આપણે પોતાનો સ્માર્ટફોન ક્યૂઆર કોડ પર ટેપ કરીને યુપીઆઇથી પેમેન્ટ કરી શકીશું. આપણે કોડ સ્કેન કરવાની પણ જરૂર રહેશે નહીં!
હેલ્લો! યુપીઆઇ
આઇઆઇટી મદ્રાસ અને એનપીસીઆઇ બંને સંસ્થાઓએ સાથે મળીને યુપીઆઇનો ઉપયોગ વધુ સહેલો બનાવવાનો પ્રયાસ કર્યો છે અને યુપીઆઇ માટે ‘કન્વર્સેશનલ પેમેન્ટ’ વ્યવસ્થા વિકસાવી છે. એટલે કે આપણે ખરા અર્થમાં યુપીઆઇથી વાતવાતમાં પેમેન્ટ કરી શકીશું.
![]()
એ મુજબ, આપણે યુપીઆઇ એપ ઓપન કરીને રકમ ટ્રાન્સફર કરવા માટે વોઇસ કમાન્ડ આપી શકીશું અને પછી આપણો યુપીઆઇ પિન આપીને ટ્રાન્ઝેકશન પૂરું કરી શકીશું. સ્માર્ટફોનમાં ટાઇપિંગમાં મુશ્કેલી અનુભવતા વડીલો તેમજ ડિજિટલ બાબતોનો પૂરતો અનુભવ ન હોય તેવા લોકો માટે આ વ્યવસ્થા વરદાનરૂપ બનશે. જોકે કેટલાક નિષ્ણાતોના મતે યુપીઆઇમાં વોઇસ કમાન્ડનો ઉપયોગ જોખમી બની શકે છે અને તેમાં ભૂલ થવાની સંભાવના પણ રહે છે.
વોઇસ કમાન્ડથી જુદી જુદી બાબતોનાં બિલની ચૂકવણી કરી શકાય એવી વ્યવસ્થા પણ આવી રહી છે.
યુપીઆઇમાં ક્રેડિટ લાઇન
‘સાયબરસફર’માં આપણે વાત કરી ગયા છીએ તેમ યુપીઆઇમાં હવે બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને કનેક્ટ કરી શકાય છે. એ ઉપરાંત હવે યુપીઆઇમાં જ ક્રેડિટની સુવિધા પણ મળવા લાગશે. મતલબ કે આપણા બેન્ક ખાતામાં પૂરતા રૂપિયા ન હોય, તો પણ આપણે યુપીઆઇથી પૂરી રકમનું પેમેન્ટ કરી શકીશું. આ સુવિધા હાલમાં અમુક બેન્ક આપી રહી છે. આ સુવિધાને કારણે લોનની પ્રક્રિયા એકદમ ઝડપી બની જશે.
યુપીઆઇ-એટીએમ
હવે યુપીઆઇની મદદથી એટીએમમાંથી નાણાં ઉપાડી શકાશે – બેન્ક કાર્ડની મદદ વિના!
આમ તો અત્યારે પણ વિવિધ બેન્કના એટીએમમાંથી કાર્ડ વિના નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેની વિધિ થોડી અટપટી છે. જ્યારે યુપીઆઇની મદદથી આખી વાત ઘણી સહેલી બની જશે.

ગયા મહિને ભારતનું આવું પહેલું યુપીઆઇ આધારિત લોન્ચ કરવામાં આવ્યું. આપણે આ યુપીઆઇ એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે મોટા ભાગે નીચેનાં સ્ટેપ્સ લેવાનાં થશે :
- યુપીઆઇ એટીએમમાં સ્ક્રીન પર ‘યુપીઆઇ કાર્ડલેસ કેશ’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- પછી જે સ્ક્રીન જોવા મળે તેના પર ‘લાઇવ બેન્ક્સ’નું એક બટન જોવા મળશે. તેને ક્લિક કરીને હાલમાં આ સુવિધા આપતી વિવિધ બેન્કની યાદી જોવા મળશે.
- એ ઉપરાંત સ્ક્રીન પર નિશ્ચિત રકમનાં બટન પણ જોવા મળશે. જેમ કે ૧૦૦, ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦, ૫૦૦૦.
- આપણે તેમાંથી કોઈ પણ રકમનું બટન ક્લિક કરીએ એટલે સ્ક્રીન પર એક ક્યૂઆર કોડ જોવા મળશે.
- આ તબક્કે આપણા ફોનમાંની યુપીઆઇ એપ ઓપન કરીને તેની મદદથી આ કોડ સ્કેન કરવાનો રહેશે.
- આપણું યુપીઆઇ એકાઉન્ટ જે બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય, તે બેન્ક આ સુવિધા આપી રહી હોય તો ક્યૂઆર કોડ સ્કેન કરતાં ફોનમાંની યુપીઆઇ એપ આપણા બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટ થશે અને યુપીઆઇ પિન પૂછવામાં આવશે.
- ફોનમાંની એપમાં, આપણો યુપીઆઇ પિન આપતાં એટીએમમાંથી નાણાં બહાર આવશે!
આમ આ આખી વિધિમાં ફિઝિકલ બેન્ક કાર્ડની કે કાર્ડનો પિન એન્ટર કરવાની કોઈ જરૂર રહેતી નથી. ફક્ત આપણું યુપીઆઇ કનેક્ટેડ બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ અને ફોનમાં યુપીઆઇ એપ હોવી જોઈએ.
અત્યારે આ રીતે દરેક ટ્રાન્ઝેકશનમાં રૂપિયા દસ હજાર સુધીની રકમ ઉપાડી શકાય છે. અત્યારે જે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ પદ્ધતિ છે તેમાં આપણે પોતાનો બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર આપવો પડે છે અને તેમાં આવતો ઓટીપી એન્ટર કરવો પડે છે.
હિટાચી પેમેન્ટસ સર્વિસિસ કંપનીએ તથા બેન્ક ઓફ બરોડાએ પણ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ના સાથમાં આ પ્રકારનાં યુપીાઇ એટીએમ લોન્ચ કર્યાં છે. હિટાચી કંપનીનાં યુપીઆઇ એટીએમ મશીન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત રહેશે. આવનારા સમયમાં વિવિધ દુકાનોમાં પણ આ પ્રકારનાં યુપીઆઇ એટીએમ જોવા મળવા લાગે તેવી પૂરી શક્યતા છે.

