(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દિવાળી નજીક છે ત્યારે સમજીએ ઇ-શોપિંગની ડાર્ક ટ્રિક્સ

તહેવારોમાં આપણું શોપિંગ, હવેના સમયમાં ઓનલાઇન શોપિંગ વધી જાય છે - ત્યારે સાઇટ્સની ટ્રિક્સ સમજવા જેવી છે.

દિવાળી નજીક છે! ઓનલાઇન શોપિંગ સાઇટ્સ બમણા જોરથી આપણને ‘ભરપૂર ડિસ્કાઉન્ટ’ આપવા મથશે અને આપણે સૌ પણ ઇ-શોપિંગ માટે મચી પડીશું. આપણે વાસ્તવિક દુકાનમાં ખરીદી કરવા જઈએ કે ઇ-દુકાનમાં, સેલ્સમેન આપણા ખિસ્સામાંથી રૂપિયા કઢાવવા માટે માર્કેટિંગની બધી જ સ્માર્ટ ટ્રિક્સ અજમાવે એ તો સમજી શકાય, પણ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આવી ટ્રિક્સ ડાર્ક બનતી જાય છે.

તમે ઓનલાઇન શોપિંગ કરવા જાઓ ત્યારે મનમાં અમુક ચોક્કસ વસ્તુઓ અને તેને માટે નાનું-મોટું બજેટ નક્કી કરીને પછી સાઇટ પર ખાબકતા હશો, છતાં, મોટા ભાગે એવું બનતું હશે કે તમને જરૂર ન હોય તેવી ચીજવસ્તુઓ પણ ખરીદી લો અને નક્કી કરેલા બજેટ કરતાં વધુ રકમ પણ ખર્ચી નાખો!

આપણે એવું માનીએ કે આ તો માનવસહજ સ્વભાવ છે. ખરીદી કરવા નીકળ્યા હોઇએ તો નવી કેટલીક વસ્તુઓ પણ ગમી જાય અને ખિસ્સું જોર કરતું હોય તો આપણે ખરીદી કરી લઇએ. એમાં શું ખોટું થયું?

વિવિધ શોપિંગ સાઇટ્સ આપણા ખિસ્સામાંથી વધુ રકમ સેરવવા અનેક કીમિયા અજમાવે છે. તહેવારોમાં તેનું પ્રમાણ વધી જાય છે. આવા કીમિયાને ‘સ્માર્ટ માર્કેટિંગ’ પણ કરી શકાય અને તેને અટકાવવા મુશ્કેલ છે, આપણે સાબદા રહીએ તો જ બચીએ! ભારત સરકારે ટોચની ઇ-કોમર્સ સાઇટ્સને ગ્રાહકને ભરમાવતી ટ્રિક્સ બંધ કરવાની ચેતવણી આપી છે.

વાસ્તવમાં, ઓનલાઇન શોપિંગની બાબતમાં આ માનવસહજ સ્વભાવની વાત નથી. ઇ-શોપિંગ સાઇટ્સ એવી કેટલીય ટ્રિક્સ અજમાવે છે જેને કારણે આપણે તેમના સાણસામાં સપડાઈ જઇએ. તમે ઓનલાઇન ખરીદી કરતા હો તો ઇ-કોમર્સ સાઇટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી આવી કેટલીક ડાર્ક ટ્રિક્સ વિશે જાણવું જરૂરી છે – ઇ-શોપિંગનો સૌથી મોટો તહેવાર નજીક હોય ત્યારે તો ખાસ!

ભારતમાં સતત વધે છે ઇ-શોપિંગ

ભારતમાં ઓનલાઇન શોપિંગમાં સારી એવી ભીડ જામી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, રિલાયન્સ, ટાટા અને મિશો જેવી કંપનીઓ દેશમાં ઓનલાઇન શોપિંગને જબરો વેગ આપી રહી છે. કોરોના દરમિયાન સમાજના દરેક વર્ગના લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા અને હવે આ પ્રકારના શોપિંગમાં સૌને મજા પડી ગઈ છે! ધ્યાન આપવા જેવી વાત એ છે કે દેશમાં ઓનલાઇન શોપિંગનો વ્યાપ નાનાં શહેરોમાં વધુ વિસ્તરી રહ્યો છે – જ્યાંના લોકોને ડિજિટલ ટેક્નોલોજી અને તેની આંટીઘૂંટીઓની પૂરતી સમજ નથી!

સરકાર થોડી સજાગ થઈ છે

તમે ક્યારેય નોંધ્યું છે કે ઇન્સ્ટાગ્રામ જેવી એપમાં એકાઉન્ટ ખોલાવવું એકદમ સહેલું હોય છે, પરંતુ એકાઉન્ટ પૂરેપૂરું ડિલીટ કરવું મુશ્કેલ? તમે એપમાં એકાઉન્ટ ડિલીટ કરવાનો રસ્તો શોધવા જાવ તો જડે જ નહીં કેમ કે એ માટે આપણે કમ્પ્યૂટરમાં ઇન્સ્ટાગ્રામની સાઇટ પર જઇને તેમાં લોગઇન થવું પડે. મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોનની સગવડ હોય પરંતુ કમ્પ્યૂટર ન હોય, એટલે એવા લોકો ઇચ્છે તો પણ ઇન્સ્ટાગ્રામનું પોતાનું એકાઉન્ટ, જ્યાં સુધી કમ્પ્યૂટરનો મેળ ન પડે ત્યાં સુધી ડિલીટ કરી શકે નહીં.

કમ્પ્યૂટરની સગવડ થાય અને એકાઉન્ટ ડિલીટ કરવાનું યાદ આવે તો પણ એકાઉન્ટ ડિલીટ કરતાં પહેલાં ડીએક્ટિવેટ કરવા જેવા જુદા જુદા રસ્તા સૂચવવામાં આવે!

એકાઉન્ટ ખોલાવવું સહેલું પણ ડિલીટ કરવું મુશ્કેલ – ઇન્ટરનેટ પરની આવી ટ્રિકને ‘ડાર્ક પેટર્ન’ કહે છે.

આ તો ફકત એક ઉદાહરણ થયું. ઇ-કોમર્સ સાઇટ્સ પર કે અન્ય પ્રકારની સર્વિસ ઓનલાઇન વેચતી સાઇટ્સ આપણને બાટલીમાં ઉતારવા જાતભાતની ટ્રિક અપનાવવામાં આવે છે. આવી ડાર્ક પ્રેક્ટિસ સામે આખરે ભારત સરકાર જાગી છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ તરફથી, થોડા સમય પહેલાં દેશની લગભગ બધી ટોચની ઇ-કોમર્સ વેબસાઇટ્સને પત્ર મોકલીને કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોની પસંદ-નાપસંદ પર અસર કરે અને તેમના હિતને હાનિ પહોંચાડે તેવી ‘ડાર્ક પેટર્ન્સ’ અપનાવવાનું બંધ કરે. મંત્રાલયે ૧૭ સભ્યોનો એક ટાસ્ક ફોર્સ પણ રચ્યો છે, જે લોકોને આવી ટાર્ક પેટર્ન્સથી બચાવવા નવા નિયમો ઘડશે. અલબત્ત, નિયમોથી આવી બાબતોને અંકુશમાં લેવી બહુ મુશ્કેલ છે કેમ કે સાઇટની ડિઝાઇન કે લખાણ પર સરકારનો પૂરો કંટ્રોલ હોઈ શકે નહીં. આપણે પોતે આવી ટ્રિક્સ બરાબર સમજીએ તો જ તેનાથી બચી શકીએ!


એટલે જ, આવી રહેલી શોપિંગ સીઝનને ધ્યાનમાં રાખીને આવી ડાર્ક ટ્રિક્સ સમજીએ.

ઓનલાઇન શોપિંગ હવે ઘણે અંશે ઉંદર-બિલાડીની રમત જેવું બની ગયું છે. મોટા ભાગની શોપિંગ સાઇટ્સ આપણી પાસે એવાં કામ કરવા ઉતાવળ કરાવે છે, જે…  (૧) આપણે ન કરવું હોય, (૨) કરવું આપણને મુશ્કેલ લાગતું હોય, અને (૩) આપણે કરી રહ્યા છીએ એવી આપણને જાણ પણ ન હોય!

આ પદ્ધતિ મુજબ, મોટા ભાગની ઇ-કોમર્સ સાઇટ્સ પર વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને તાબડતોબ ખરીદી કરવા માટે લલચાવવામાં આવે છે. એમાં દેખીતું કંઈ ખોટું નથી, પણ ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે જે તે પ્રોડક્ટની કિંમત આવી ઓફર પહેલાં વધારી દેવામાં આવે અને પછી ચોક્કસ સમયમાં ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે!

આવી ઉતાવળ ફક્ત ખરીદી માટે નહીં, સાઇટ પરનાં ઘણાં બધાં એક્શન માટે કરવામાં આવે.

આપણે ઓનલાઇન શોપિંગ સાઇટ પર પહોંચીએ એ સાથે, એ સાઇટની સિસ્ટમ આપણી પાસે અમુક ખરીદીની અપેક્ષા રાખે છે, એ પૂરી ન થાય તો સિસ્ટમ ડાર્ક ટ્રિક્સ અજમાવવા લાગે છે.

લગભગ બધી જ સાઇટ્સ વિવિધ ચીજવસ્તુ તાબડતોબ ખરીદવા માટે આપણા પર દબાણ લાવે છે.

ઘણી વેબસાઇટ પર પ્રોડક્ટ કે સર્વિસ તરીકે આપણને કંઈક ઓફર કરવામાં આવે ને ડિલિવર થાય બીજી જ કોઈ બાબત. કોઈ ડ્રેસ ખરીદવા ઓર્ડર આપીએ ત્યારે કાપડ પ્યોર સિલ્ક હોવાનું કહેવામાં આવ્યું હોય, પરંતુ જે ડ્રેસ ડિલિવર થાય તે કોઈ નબળા મટિરિઅલનો હોય.

મોટા ભાગની ઇ-કોમર્સ સાઇટ્સ આપણને ન ગમતી કે નુકસાનીવાળી કે જુદી ક્વોલિટીની લાગતી વસ્તુઓ રિટર્ન કરવાની સગવડ આપે છે. પરંતુ ઘણી વાર અમુક આખી પ્રોડક્ટ કેટેગરી માટે અથવા કેટેગરીમાંની અમુક પ્રોડક્ટ માટે રિટર્ન પોલિસી લાગુ હોતી નથી.

આ બધું પ્રોડક્ટ પેજ પર લખવામાં આવ્યું હોય ખરું, પરંતુ એવી રીતે ખૂણેખાંચરે મૂકવામાં આવ્યું હોય કે ખરીદી કરતી વખતે તેના પર ધ્યાન જાય નહીં. પરિણામે આપણે પ્રોડક્ટ ખરીદી લઇએ, તેનું પેમેન્ટ પણ કરીએ અને પ્રોડક્ટ હાથમાં આવે ત્યારે ખબર પડે કે આપણે જોઈતી હતી તે વસ્તુ આ નથી અને રિટર્ન કરવી પણ શક્ય નથી! આ બાબત બીજી રીતે પણ જોખમી બની શકે છે. આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા લોકો વિવિધ શોપિંગ સાઇટ્સના કસ્ટમર સપોર્ટ નંબર ગૂગલ પર શોધવા જતાં છેતરપિંડીનો ભોગ બને છે!

આપણે કંઈક ખરીદવા માગતા હોઈએ, પણ તેને બદલે કંઈક બીજું જ મોકલી દેવામાં આવે અને રિટર્ન શક્ય ન હોય!

ઇ-શોપિંગ સાઇટ્સ પર આપણે ખરીદી કરીએ ત્યારે મોટા ભાગે આ પગલાં લઈએ – જોઇતી વસ્તુ કાર્ટમાં ઉમેરીએ, પછી ખરીદી માટે કાર્ટના પેજ પર જઈએ અને પછી ચેકઆઉટ પેજ પર પેમેન્ટ કરીએ.

અમુક સાઇટ પર, આપણે જોઇતી વસ્તુઓ કાર્ટમાં ઉમેરીએ અને પછી કાર્ટના પેજ પર પહોંચીએ ત્યારે કાર્ટમાં આપણી મંજૂરી વિના કેટલીક વસ્તુઓ કે વધારાની સર્વિસ ઉમેરી દેવામાં આવતી હોય છે!

ઉદાહરણ તરીકે આપણે કમ્પ્યૂટરનું કી-બોર્ડ ખરીદતા હોઇએ તો તેની સાથોસાથ માઉસ પણ ઉમેરી દેવામાં આવે, એ ખરેખર એક્સ્ટ્રા બોનસ કે ગિફ્ટ ન હોય, તેનો અલગથી ચાર્જ ગણવામાં આવતો હોય.

અથવા આપણે જે વસ્તુઓ ખરીદતા હોઇએ તેની સાથે એક્સટેન્ડેડ વોરન્ટીની ‘ઓફર’ ઉમેરી દેવામાં આવે અને તેનો પણ ચાર્જ ચડાવવામાં આવે. આપણે સજાગ હોઈએ અને પેમેન્ટ કરતાં પહેલાં આવી વધારાની ચીજવસ્તુઓ કાર્ટમાંથી દૂર કરીએ એ અલગ વાત છે, પરંતુ ઘણા લોકો બેધ્યાનપણે પેમેન્ટ કરી દે તો તેમને પોતાને જે વસ્તુઓ ન જોઇતી હોય એ પણ ખરીદી બેસે છે.

કોઈ પ્રોડક્ટ ખરીદીએ ત્યારે તેની સાથે બોનસ તરીકે વોરંટી કે બીજું કંઈક સામેલ થાય અને તેનો ચાર્જ તો ચઢે જ!

ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પે-વોલની પાછળ રાખવામાં આવે એ સમજી શકાય એવી બાબત છે. કેમ કે બધું જ ફ્રી હોઈ ન શકે. પરંતુ ઘણી બધી સાઇટ પર અને ઇ-કોમર્સ સાઇટ્સ પર પણ વિવિધ પ્રકારનું કન્ટેન્ટ કે સર્વિસ સ્પેશિયલ સબસ્ક્રિપ્શન હેઠળ ઓફર કરવામાં આવે, ત્યારે જો માસિક કે વાર્ષિક સબસ્ક્રિપ્શન હોય તો તેના ઓટો-રિન્યૂઅલની વ્યવસ્થા હોય છે.

આ વિશે યૂઝર્સને સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી (અથવા કાયદાના પાલન માટે જણાવવામાં તો આવે, પણ પૂરતું ધ્યાન ન ખેંચાય એ રીતે!).

પરિણામે એ સર્વિસમાં આપણી પેમેન્ટ પદ્ધતિ જેમ કે ક્રેડિટ કાર્ડ સેવ્ડ હોય તો સબસ્ક્રિપ્શનનો પહેલો સમયગાળો પૂરો થયા પછી નવા સમયગાળાની રકમ માટેનું પેમેન્ટ આપોઆપ થઈ જાય છે. આપણે સજાગ રહેવું પડે અને જે તે કન્ટેન્ટ કે સર્વિસ માટેનું સબસ્ક્રિપ્શન આપણે રિન્યૂ ન કરવું હોય તો પોતાના એકાઉન્ટમાં લોગઇન થઈ, એકાઉન્ટ્સના સેટિંગમાં પેમેન્ટના વિકલ્પમાં જઇને ઓટો-રિન્યૂઅલનો ઓપ્શન ડિસેબલ કરવો પડે. મોટા ભાગની વેબસાઇટ્સ આ વિકલ્પ સુધી પહોંચવાનું કામ મુશ્કેલ બનાવતી હોય છે.

કોઈ સર્વિસ ફક્ત એક સર્વિસ માટે ખરીદીએ તે બીજા વર્ષે ઓટોમેટિક રિન્યૂ થાય, એ પણ ઘણી ઊંચી કિંમતે!

ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણે છેક પેમેન્ટના પેજ સુધી પહોંચી જઇએ એ પછી છેક કેટલાક વધારાના ચાર્જ જણાવવામાં આવે.

જેમ કે કોઈ પ્રોડક્ટ માટે મેઇન પેજ પર ફ્રી ડીલિવરી લખવામાં આવ્યું હોય પરંતુ પેમેન્ટના પેજ પર પહોંચીએ ત્યારે  પ્રોડક્ટની સંખ્યા, કુલ વેઇટ કે લોકેશન કે પ્રોડક્ટ હેન્ડલિંગ જેવા કોઈ ને કોઈ બહાને ડિલિવરીનો અલગ ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવે.

આવી હિડન કોસ્ટ તરફ આપણે પહેલેથી ધ્યાન આપ્યું ન હોય અને ખરીદીના છેલ્લા તબક્કે અમુક વધારાના ચાર્જ  જણાવવામાં આવે તો મોટા ભાગના લોકો નવેસરથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાં પડવાને બદલે વધારાના ‘નજીવા’ ચાર્જ ચૂકવી દેવાનું પસંદ કરતા હોય છે, ‘હશે, જવા દોને, ચાલશે!’ એવું કંઈક વિચારીને.

વ્યક્તિગત રીતે ગ્રાહક માટે આ ચાર્જ નજીવો હોઈ શકે પરંતુ રોજના હજારો, લાખો ઓર્ડર્સ પર જો આવો વધારાનો ચાર્જ લાગુ કરવાની ટ્રિક સફળ થાય તો ઓનલાઇન સાઇટ્સને ખાસ્સી મોટી વધારાની આવક થઈ જાય – આ મુદ્દા તરફ ધ્યાન આપી જુઓ.

ઘણી વાર છેક પેમેન્ટના તબક્કે પહોંચીએ ત્યારે તેમાં અમુક નવી બાબતોના નામે ચાર્જ માગવામાં આવતો હોય છે.

ઇ-કોમર્સ કે અન્ય પ્રકારની સાઇટ પર તમે એવું પણ જોયું હશે કે આપણે ઓપન કરેલું પેજ છોડીને બીજા કોઈ પેજ પર જવા આગળ વધીએ ત્યારે ફટ દઈને એક પોપ-અપ ઓપન થાય. એમાં જાતભાતના મેસેજ હોઈ શકે. કોઈમાં ફ્રી ઇ-બુક ઑફર કરવામાં આવે તો કોઈમાં ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે.

અહીં સુધી બધું બરાબર, પરંતુ એ ઓફર કે ડિસ્કાઉન્ટ નકારવા માટેની લિંક પર ‘‘ના, મને બચત બિલકુલ પસંદ નથી, હું તો આખી કિંમત જ ચૂકવીશ.’’ જેવું કંઈક નકારાત્મક લખાણ જોવા મળે! ફર્સ્ટ એઇડનાં પેક્સ વેચતી એક વેબસાઇટે તો હદ કરી નાખી હતી. એ સાઇટનાં નોટિફિકેશન નકારવા માટેની લિંક પર આવું લખાણ હતું ‘‘મારે નોટિફિકેશન નથી જોઈતાં, મારે જીવતા રહેવું જ નથી!’’ સામાજિક હેતુ માટે દાન માગતી સાઇટ્સ ‘‘ના, મને બીજા લોકોની પરવા નથી’’ એવાં લખાણ મૂકતી હોય છે. આપણી લાગણી સાથે રમત કરતાં આવાં લખાણ ‘કન્ફર્મ શેમિંગ’ કહેવાય છે. તેમાં, ઓફર નકારવી શરમજનક છે એવું ઠસાવવાનો પ્રયાસ થાય છે. ઘણી વાર આવાં પોપ-અપ બંધ કરવાનું બટન પણ સ્પષ્ટ દેખાય નહીં એવી રીતે મૂકવામાં આવે છે.

કોઈ કારી ન ફાવે, તો છેવટે આપણને શરમાવીને પણ સાઇટ્સ પોતાનું ધાર્યું કામ આપણી પાસે કરાવવા મથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!