(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવા સમયમાં કામ કરો નવી, સ્માર્ટ રીતે

ઇઝ, એફિશિયન્સી અને ડેટા સિક્યોરિટી - આ ત્રણેય બાબતો માટે ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરફ વળવા જેવું છે - ઝીરો બજેટ સાથે.

તમારે ઓફિસનું કામકાજ ઘરે લાવવાનું થાય છે? ઘરે રૂમના એક ખૂણામાં પીસી પર કામ કરતા હો, પછી બાલ્કનીમાં ખુલ્લી હવામાં હિંચકે બેઠાં કામ કરવાનું મન થાય છે?! આ ઇઝની વાત થઈ.

ઓફિસમાં કોઈ પ્રેઝન્ટેશન પર કામ કર્યા પછી તેને ક્લાયન્ટની ઓફિસમાં પ્રેઝન્ટ કરવાનું થાય છે? તમે એ માટે ઓફિસેથી નીકળી ગયા હો પછી જાતે કે ટીમ પાસે પ્રેઝન્ટેશનમાં મોટા ફેરફાર કરાવીને પછી તેને પ્રેઝન્ટ કરવાનું થાય છે?

તમે ટૂર પર હો ત્યારે ઓફિસમાં તમારી ટીમ કોઈ ફાઇલ પર કામ કરતી હોય, એ તમારે ફટાફટ ચેક કરવાની હોય ને પછી તરત જ ફરી ટીમ મેમ્બર્સે તેના પર કામ કરવાનું થાય છે?

એફિશિયન્સીની વાત થઈ.

હજી બીજી એક શક્યતા વિચારી જુઓ. તમારી બધી જ મહત્ત્વની ફાઇલ્સનો રોજેરોજ નિયમિત રીતે બેકઅપ લેવાય છે?

ભગવાન ન કરે, પણ તમારા કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક ક્રેશ થાય કે તેમાં રેન્સમવેર ત્રાટકે અને બધો ડેટા લોક થઈ જાય, તો પણ તમને બધો ડેટા હેમખેમ હોવાની હૈયે ધરપત હોય છે?

આ ડેટા સિક્યોરિટીની વાત થઈ.

તમે સોલો પ્રોફેશનલ હો કે પછી નાની ટીમ સાથે કામ કરતા હો – હવેના સમયમાં ક્લાઉડ કમ્પ્યૂટિંગ અનિવાર્ય છે. ગમે ત્યારે, ગમે ત્યાંથી, ફટાફટ કામ કરવું હોય તો તમારે માટે ક્લાઉડ સ્ટોરેજ કરતાં પણ ફાસ્ટ સિન્કિંગ વધુ મહત્ત્વનું બનશે. એક વાર થોડો સમય ફાળવીને તમારું બધું કામકાજ આ નવી રીતે ગોઠવી જુઓ – મજા પડશે!

ઇઝ, એફિશિયન્સી અને ડેટા સિક્યોરિટી – આ ત્રણેય આજના સમયની જરૂરિયાત છે.

એટલે જ હવેનો સમય ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે સાધન પર કામ કરવાનો છે. આ બધી જરૂરિયાત પૂરી કરવા માટે ક્લાઉડ કમ્પ્યૂટિંગ આપણને બહુ ઉપયોગી થઈ શકે છે.

તમે સોલો પ્રોફેશનલ હો કે નાની-મોટી ટીમ સાથે કામ કરતા હો, તમારે તમારું બધું જ કામકાજ હવે અચૂકપણે ક્લાઉડમાં લઈ જવું જોઇએ. એ માટે ગૂગલ ડ્રાઇવ કે માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ જેવા જાણીતા અને બહુ સહેલાઈથી મળતા ઉપાયો તો છે જ, એ સિવાયના રસ્તાઓ પણ તપાસવા જેવા છે.


મોટી બિઝનેસ કંપનીઓ ગૂગલ કે માઇક્રોસોફ્ટના પેઇડ સોલ્યુશન્સનો ઉપયોગ કરતી હોય, પરંતુ તમે એકલા કામ કરતા હો કે બિલકુલ નાની ટીમ હોય અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ માટેનું બજેટ ઝીરો હોય તો પણ તમે એ દિશામાં આગળ વધી શકો છો.

એવા કેટલાક રસ્તા અને આ રીતે કામ કરવાની આંટીઘૂંટી તપાસીએ!

ક્લાઉડ કમ્પ્યૂટિંગ કે વર્કિંગનો મૂળ કન્સેપ્ટ એ છે કે આગળ બતાવેલી કોઈ પણ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી એ સર્વિસની વેબસાઇટમાં આપણે વિવિધ ફોલ્ડરમાં પોતાના કામની ફાઇલ્સ સ્ટોર કરી શકીએ છીએ. પછી ગમે તે સાધનમાં એ સર્વિસમાં લોગઇન થઈને તે ફાઇલ્સ એક્સેસ કરી શકીએ.

આ રીતે આપણને જોઇતી ફાઇલ તો બીજા સાધનમાં મળી જાય, પરંતુ એ ફાઇલ જેમાં ઓપન થઈ શકે તેવો પ્રોગ્રામ પણ એ સાધનમાં હોવો જોઇએ.

ક્લાઉડ સ્ટોરેજની સગવડ આપતી વિવિધ સર્વિસ આપણને વિવિધ પીસી/લેપટોપમાં એ સર્વિસનું ‘ક્લાઉડ ફોલ્ડર’ ક્રિએટ કરવાની સગવડ આપે છે. પીસી/લેપટોપ ઉપરાંત એન્ડ્રોઇડ, આઇફોન વગેરે માટે જે તે સર્વિસની એપ પણ મળે છે (અલબત્ત તેમાં ફાઇલ ઓપન કરવા માટે જરૂરી પ્રોગ્રામ ન હોય એવું બની શકે).

જો તમે વિન્ડોઝ ૧૦ કે ૧૧ સાથેનું લેપટોપ ખરીદ્યું હશે તો તેમાં વનડ્રાઇવ પર્સનલ ફોલ્ડર હશે જ, જે ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપે છે. એ સિવાય તમે ગૂગલ ડ્રાઇવનો પણ ઉપયોગ કરતા હશો, પણ મોટા ભાગે વેબ બ્રાઉઝરમાં, તમારા પીસીમાંના ફોલ્ડર તરીકે નહીં.

આપણે એવા પ્રકારના ક્લાઉડ વર્કિંગની વાત કરી રહ્યા છીએ, જેમાં તમે ઓફિસના પીસીમાં અને તમારા લેપટોપમાં તમારા કામ માટે જરૂરી, એક સરખા પ્રોગ્રામ્સ રાખ્યા હોય, તો પછી ઓફિસમાં તમારું કામ અધૂરું મૂકી ઘરે પહોંચો ત્યારે તમારા લેપટોપમાં એ જ ફાઇલ પર બાકીનું કામ પૂરું કરી શકો. એ માટે તમારે પોતે એ ફાઇલને કોઈ રીતે – પેન ડ્રાઇવથી કે બીજી કોઈ રીતે – ઓફિસના પીસીમાંથી લેપટોપમાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં.

કામકાજ આ પ્રકારે ક્લાઉડમાં લઈ જવાનો સૌથી સહેલો રસ્તો કોઈ ક્લાઉડ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવી લેવાનો છે – એ પણ ફ્રી એકાઉન્ટ! તમે એકલા કામ કરતા હો કે નાની, ભરોસાપાત્ર ટીમ હોય ત્યારે આગળ જણાવેલી કોઈ પણ સર્વિસમાં ફ્રી એકાઉન્ટ ખોલાવી તમને જોઇતા પીસી/લેપટોપમાં એ સર્વિસનું ક્લાઉડ ફોલ્ડર બનાવી લો.

પછી એ ફોલ્ડરમાં સેવ કરેલી ફાઇલ્સ જે તે પીસી/લેપટોપ અને ક્લાઉડ એકાઉન્ટમાં સિન્ક્ડ રહેશે. પરિણામે તમે પોતે ગમે તે ડિવાઇસમાંથી અથવા ટીમના અન્ય મેમ્બર, ઇચ્છો ત્યારે ગમે તે સાધનમાંથી ફાઇલ્સ પર કામ કરી શકશો. ફાઇલ સિન્ક્ડ રહેતી હોવાથી દરેક વ્યક્તિએ કરેલા ફેરફાર સાથે ફાઇલ અપડેટેડ રહેશે!

આપણે ફક્ત ફાઇલ અપડેેટેડ હોવાની ખાતરી આપતું ગ્રિન ટિક ચેક કરી લેવાનું!

આપણે શરૂઆતમાં વાત કરી તેમ, તમે પીસી/લેપટોપના બ્રાઉઝરમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હશો. એ જ ડ્રાઇવને તમે પીસી/લેપટોપમાં એક ફોલ્ડર તરીકે પણ ઉમેરી શકો (ગૂગલ ડ્રાઇવના સેટિંગ્સમાં ‘ગેટ ડ્રાઇવ ફોર ડેસ્કટોપ’નો વિકલ્પ મળશે). એ સિવાય, તમારા વિન્ડોઝ ૧૦/૧૧ પીસી/લેપટોપમાં ‘વનડ્રાઇવ પર્સનલ’ નામનું, આ જ પ્રકારનું ફોલ્ડર પણ હશે.

ગૂગલ ડ્રાઇવ, વનડ્રાઇવ તથા આગળ જે અન્ય ક્લાઉડ સર્વિસની વાત કરી છે એ બધી જ મુખ્યત્વે બે રીતે આપણને ઉપયોગી થાય છે ઃ

  1. બેકઅપ: આપણે માટે મહત્ત્વની ફાઇલ્સને બેકઅપ તરીકે ક્લાઉડમાં સ્ટોર કરવા માટે, અને
  2. સિન્ક: આપણી ફાઇલ્સ જુદાં જુદાં ડિવાઇસમાં સિન્ક્ડ રાખીને, ગમે ત્યાંથી એક્સેસ કરીને તેના પર કામ કરવા માટે.

આ બંને બાબત એક સરખી લાગતી હોવા છતાં જુદી છે. તમારો હેતુ ખરેખર શો છે તે સ્પષ્ટ હશે તો આગળની સર્વિસમાંથી કઈ તમારે માટે વધુ યોગ્ય છે તે સહેલાઈથી નક્કી કરી શકશો.

ઉપરાંત તમારે માત્ર ઓફિસ પ્રોગ્રામ્સ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ વગેરે પ્રોગ્રામમાં કામ કરવાનું થાય છે કે પછી અન્ય પ્રોગ્રામ્સ, જેમ કે ટુડી કે થ્રીડી ડિઝાઇન સોફ્ટવેર, વીડિયો એડિટિંગ સોફ્ટવેર વગેરેમાં, તેને આધારે પણ તમારે માટે કઈ સર્વિસ વધુ યોગ્ય છે તે નક્કી થશે.

નીચે જણાવેલી સર્વિસિસમાં ગૂગલ ડ્રાઇલમાં ફ્રી એકાઉન્ટમાં કુલ ૧૫ જીબી સ્ટોરેજ મળે છે, જ્યારે ડ્રોપબોક્સમાં ફ્રી એકાઉન્ટમાં ફક્ત ૨ જીબી સ્ટોરેજ મળે છે. આમ ક્લાઉડ સ્ટોરેજ કે બેકઅપની રીતે જોઇએ તો ગૂગલ ડ્રાઇવ દેખીતી રીતે વધુ સારી ગણાય. પરંતુ ઓફિસ પ્રોગ્રામ સિવાયના પ્રોગ્રામમાં તમારે સિન્ક્ડ ક્લાઉડ વર્કિંગ કરવું હોય તો ફક્ત બે જીબી સ્ટોરેજ હોવા છતાં ડ્રોપબોક્સ કે પીક્લાઉડ તમારે માટે બહેતર વિકલ્પ બની શકે છે. કેમ? એ આગળ વાંચો!

ફાઇલ્સ અપલોડ કરીને ભૂલી જવાની હોય તો સલામત ક્લાઉડ બેકઅપ જોઈએ, પરંતુ ફાઇલ્સ પર વારંવાર કામ કરવાનું હોય તો ફાસ્ટ સિન્ક વધુ મહત્ત્વનું બને.

આ સ્થિતિમાં એવું થઈ શકે કે તમે ગૂગલની ૧૫ જીબી સ્પેસનો બેકઅપ સ્ટોરેજ તરીકે ઉપયોગ કરો અને ડ્રોપબોક્સ કે પીક્લાઉડના ફોલ્ડરમાં માત્ર કરન્ટ પ્રોજેક્ટ્સની ફાઇલ સેવ કરો. આવી ફાઇલ્સ લગભગ બે જીબીથી ઓછી હોઈ શકે છે (પીક્લાઉડમાં ૧૦ જીબી સુધી ફ્રી સ્પેસ મળી શકે છે).

તમે કે તમારી ટીમ આવા ક્લાઉડ ફોલ્ડરમાં સેવ કરેલી ફાઇલ્સ પર કામ કરો, એ પ્રોજેક્ટ પૂરો થતાં તેની ફાઇનલ ફાઇલ્સ ગૂગલના ક્લાઉડ સ્ટોરેજમાં લઇ જાઓ અને ક્લાઉડ ફોલ્ડરમાં ફરી નવા પ્રોજેક્ટની ફાઇલ્સ માટે જગા કરી દો એવું થઈ શકે!

અહીં સુધીની વાત તમને બરાબર સમજાઈ? જો તમારે માટે ફાસ્ટ સિન્ક વધુ મહત્ત્વનું હોય તો એ કેવી રીતે શક્ય બને તેની વાત કરીએ.

એક જ ઓફિસમાં બે ટીમ મેમ્બર્સના કમ્પ્યૂટરમાં કોઈ એક ફાઇલ પર કામ કરવાનું થતું હોય ત્યારે બંને કમ્પ્યૂટર લેનથી કનેક્ટેડ હોય તો વાત સહેલી બને.

તમે અને તમારા ટીમ મેમ્બર પોતાના જ કમ્પ્યૂટરમાં એ ફાઇલ પર વારાફરતી કામ કરી શકો. પરંતુ જ્યારે તમે ઓફિસની બહાર હો અને ત્યારે એ ફાઇલ પર કામ કરવું હોય અથવા વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ જેવી ફાઇલમાં એક જ ફાઇલ પર એક સાથે કામ કરવું હોય ત્યારે ક્લાઉડ સ્ટોરેજ જરૂરી બને.

આપણે વાત કરી તેમ આગળ જણાવેલી બધી સર્વિસ ક્લાઉડ સ્ટોરેજ માટે સારી છે, જેમાં આપણે પોતાની ફાઇલ્સ અપલોડ કર્યા પછી લગભગ ભૂલી જવાની છે.

બધી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ જુદી જુદી રીતે ફાઇલ્સ સિન્ક કરવાની સગવડ આપે છે, આ કારણે જુદી જુદી સર્વિસમાં અલગ અલગ ઝડપે સિન્ક થાય છે.

પરંતુ ક્લાઉડમાં મૂકેલી ફાઇલમાં વારંવાર જુદી જુદી વ્યક્તિએ ફેરફાર કરવાનો થતો હોય ત્યારે આપણી ફાઇલ બધા કમ્પ્યૂટરમાં એકદમ ઝડપથી, લગભગ રિઅલ ટાઇમમાં સિન્ક થવી જરૂરી છે. એ માટે આપણે પસંદ કરેલી ક્લાઉડ સર્વિસમાં ‘બ્લોક-લેવલ સિન્ક’, ‘લેન સિન્ક’ અને ‘સિલેક્ટિવ સિન્ક’ સુવિધા હોવી જરૂરી છે.

બ્લોક-લેવલ સિન્ક

સાદા શબ્દોમાં એમ કહી શકાય કે આ સગવડથી જ્યારે આપણે કોઈ મોટી ફાઇલ પર કામ કરી રહ્યા હોઇએ ત્યારે એ ફાઇલ ક્લાઉડમાં એક વાર અપલોડ થયા પછી ફાઇલમાં નાના મોટા ફેરફાર કરવામાં આવે ત્યારે આખેઆખી ફાઇલ ફરી ક્લાઉડ સાથે સિન્ક થતી નથી. માત્ર ફાઇલમાં જે ભાગમાં ફેરફાર હોય એટલો જ ભાગ નવેસરથી સિન્ક થાય છે. આ કારણે જુદા જુદા કમ્પ્યૂટર વચ્ચે મોટી ફાઇલ ઘણી ઝડપથી સિન્ક થાય છે.

લેન સિન્ક

આગળ જણાવેલી અમુક ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ એવી સગવડ આપે છે કે જ્યારે એક જ ઓફિસમાંનાં બે કમ્પ્યૂટર લેનથી (લોકલ એરિયા નેટવર્કથી, વાયરથી) કનેક્ટેડ હોય ત્યારે તેમનું સિન્કિંગ ક્લાઉડને બદલે લેનથી થાય છે. આથી ફાઇલનું અપડેશન હજી વધુ ઝડપથી થાય છે!

સિલેક્ટિવ સિન્ક

આ મુદ્દો થોડો અલગ છે. એવું બને કે એક ફોલ્ડરમાંની બધી જ ફાઇલ્સ સતત બધાં કમ્પ્યૂટરમાં લોકલ સ્ટોરેજમાં ઉપલબ્ધ રહે એવું તમારે માટે જરૂરી ન હોય. આગળ જણાવેલીમાંથી અમુક સર્વિસ આ માટે  સિલેક્ટિવ સિન્કની સગવડ આપે છે. તેમાં આપણે ઇચ્છીએ તેટલી જ ફાઇલ લોકલ ફોલ્ડરમાં સ્ટોર્ડ રહે અને બાકીની ફાઇલ્સ ક્લાઉડમાં રહે એવું થઈ શકે છે!

જે વ્યક્તિને જ્યારે જરૂર હોય ત્યારે તેને ડાઉનલોડ/ઓપન કરી કામ કરી શકે!

વધુ મફત સ્ટોરેજ, ઓફિસ પ્રોગ્રામ્સ, ફાસ્ટ સિન્ક, એન્ક્રિપ્શન વગેરેમાંથી તમારે માટે શું મહત્ત્વનું છે તેના આધારા ક્લાઉડ સર્વિસ પસંદ કરવી જોઈશે.

ગૂગલ ડ્રાઇવ (google.com/drive)

ગૂગલ ડ્રાઇવથી તમે પરિચિત હશો જ. એ ક્લાઉડ સ્ટોરેજ ઉપરાંત માઇક્રોસોફ્ટ ઓફિસના મુખ્ય પ્રોગ્રામ જેવા જ ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સ જેવા પ્રોગ્રામનો સ્યૂટ પણ આપે છે. તેના ફ્રી વર્ઝનમાં પણ ૧૫ જીબીની ફૂલ સ્પેસ મળે છે. અલબત્ત તેમાં જીમેઇલ, ડ્રાઇવ અને ફોટોઝ ત્રણેય સર્વિસની સ્ટોરેજ સામેલ છે. તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ પણ સ્ટોર અને એડિટ થઈ શકે છે.

જો તમારે મુખ્યત્વે વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ પ્રકારની ફાઇલમાં જ કામ કરવાનું થતું હોય તો ઓફિસ યૂઝ માટે ગૂગલનું એક અલગ એકાઉન્ટ ખોલાવી તમારી બધી જ ફાઇલ્સ તેમાં સ્ટોર કરો અને ટીમ એક સાથે પોતપોતાના પીસી/લેપટોપ/સ્માર્ટફોનમાં આ ફાઇલ્સ ઓપન કરીને તેના પર કામ કરી શકે.

ઓફિસ ફાઇલ્સ માટે ગૂગલ ડ્રાઇવનું સિન્કિંગ અફલાતૂન છે, પરંતુ અન્ય પ્રકારની ફાઇલ્સ માટે એટલું સારું નથી.

વનડ્રાઇવ (onedrive.com)

વિન્ડોઝ૧૦/૧૧ ધરાવતા તમારા પીસી/લેપટોપમાં વનડ્રાઇવ પર્સનલ ક્લાઉડ ફોલ્ડર હશે જ.

તમે જુદા જુદા પીસી/લેપટોપ કે સ્માર્ટફોનમાં પોતાના માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન થાઓ ત્યારે આ ફોલ્ડરમાંની ફાઇલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરીને તેને એડિટ કરી શકો છો.

આ ફોલ્ડરમાં માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ સિવાયના અન્ય કોઈ પણ પ્રોગ્રામની ફાઇલ્સ પણ સ્ટોર અને સિન્ક કરી શકાય. વનડ્રાઇવના ફ્રી એકાઉન્ટમાં પાંચ જીબી સુધીની સ્ટોરેજ ફ્રી મળે છે. તમારે કે તમારી ટીમને ફક્ત માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં કામ કરવાનું થતું હોય તો વનડ્રાઇવ તમારે માટે બેસ્ટ છે. બજેટ હોય તો માઇક્રોસોફ્ટ ૩૬૫નું સબસ્ક્રિપ્શન ખરીદવાથી ઓફિસ પ્રોગ્રામ્સ પણ મળશે!

વનડ્રાઇવ બધા પ્રકારની ફાઇલ્સ માટે બ્લોક લેવલ સિન્કની સગવડ આપે છે, પરંતુ તેમ છતાં તે અન્ય સર્વિસ જેટલી ફાસ્ટ નથી.

ડ્રોપબોક્સ (dropbox.com)

તમારે ઓફિસ ફાઇલ્સ સિવાયના અન્ય પ્રોગ્રામ્સમાં વધુ પ્રમાણમાં કામ કરવાનું થાય છે? તમારે માટે ક્લાઉડ સ્ટોરેજ કરતાં ફાઇલ્સમાં કરેલા ફેરફાર જુદા જુદા કમ્પ્યૂટરમાં ઝડપથી સિન્ક થાય તે વધુ મહત્ત્વનું છે? તો તમારે માટે ડ્રોપબોક્સ એક સારો ઓપ્શન બની શકે છે.

ધ્યાન આપજો કે તેમાં ફ્રી એકાઉન્ટમાં ફક્ત ૨ જીબી સ્પેસ જેટલી, સાવ ઓછી સ્પેસ મળે છે. પરંતુ તેમાં બ્લોક-લેવલ સિન્કિંગ થતું હોવાથી ગૂગલ ડ્રાઇવ કે માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ કરતાં તે ઘણું ઝડપી છે. તમે પોતાના માટે કે ટીમ માટે ડ્રોપબોક્સમાં ફ્રી એકાઉન્ટ ખોલાવી લો અને માત્ર કરન્ટ વર્કની ફાઇલ્સ તેમાં સ્ટોર કરો (જેની કુલ સાઇઝ બે જીબીથી ઓછી હોય) તો ડ્રોપબોક્સની મદદથી તમે કે તમારી ટીમ ગમે ત્યાંથી, ગમે ત્યારે ફટાફટ કામ કરી શકશો.

ફ્રી એકાઉન્ટમાં ફક્ત બે જીબી સ્પેસ હોવા છતાં કરન્ટ વર્કની ફાઇલ્સના સિન્કિંગ માટે ડ્રોપબોક્સ બહેતર છે.

સિન્ક.કોમ (sync.com)

સિન્ક.કોમ ફ્રી એકાઉન્ટમાં પાંચ જીબી સ્ટોરેજ આપે છે. આગળ જણાવેલી ત્રણેય સર્વિસમાં આપણા ડેટાની સંપૂર્ણ પ્રાઇવસી નથી. આ ત્રણેય કંપનીની સિસ્ટમ કે એન્જિનીયર્સ આપણા ડેટાને જોઈ શકે છે, જ્યારે સિન્ક સર્વિસ ફ્રી એકાઉન્ટમાં પણ ફૂલ એન્ક્રિપ્શનની સગવડ આપે છે!

અલબત્ત એન્ક્રિપ્શનને કારણે આ સર્વિસમાં આપણને ડ્રોપબોક્સની જેમ બ્લોક-લેવલ સિન્કની સગવડ મળતી નથી. આથી તેમાં સિન્કિંગ ડ્રોપબોક્સ જેટલું ફાસ્ટ નથી. તેમ છતાં તેમાં, ઓફિસ પ્રોગ્રામ્સ સિવાયની ફાઇલ્સમાં સિન્કની સ્પીડ ગૂગલ ડ્રાઇવ અને વનડ્રાઇવ કરતાં વધુ સારી મળે છે. આ કંપની કેનેડાની છે અને આપણો બધો જ ડેટા કેનેડામાંનાં સર્વર્સમાં સ્ટોર થાય છે.

કરન્ટ વર્ક માટે તમારે વધુ સ્ટોરેજ જોઈતી હોય અને ડેટાની પ્રાઇવસી બહુ મહત્ત્વની હોય તો સિન્ક.કોમ તમને ઉપયોગી થઈ શકે છે.

પીક્લાઉડ (pcloud.com)

તમારે ડ્રોપબોક્સ જેવું ફાસ્ટ સિન્ક જોઈએ છે, સાથોસાથ ગૂગલ ડ્રાઇવની નજીકની ક્લાઉડ સ્ટોરેજ જોઇએ છે?! તો પીક્લાઉડ તમને ઉપયોગી થશે. આ સર્વિસ આપણને ફ્રી એકાઉન્ટમાં ૧૦ જીબી સુધીની સ્ટોરેજ આપે છે!

જોકે તેમાં શરૂઆતમાં બે જીબી ફ્રી મળે છે, પછી નજીવાં એક્શન લઈ ફ્રી સ્ટોરેજ વધારી શકાય. જેમ કે જુદા જુદા ડિવાઇસમાં તેનું ક્લાઉડ ફોલ્ડર ઇન્સ્ટોલ કરીએ, અન્ય મિત્રોને તેની ભલામણ કરીએ અને તેઓ પણ આ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવે તો આપણને એક-એક જીબી વધુ ફ્રી સ્ટોરેજ મળતી જાય છે.

પીક્લાઉડ પણ બ્લોક-લેવલ સિન્કની સગવડ આપતું હોવાથી તેમાં સિન્કિંગ ઘણું ફાસ્ટ મળે છે. ફક્ત આ સર્વિસમાં સિન્ક.કોમની જેમ મફતમાં એન્ક્રિપ્શનની સગવડ નથી. હા, કંપની સ્વીટ્ઝરલેન્ડની છે!

પીક્લાઉડ ફાસ્ટ સિન્કિંગ સાથે ૧૦ જીબી સુધીની ફ્રી સ્પેસ આપે છે, ફક્ત તેમાં એન્ક્રિપ્શન મફત નથી.

હવે તમે જ નક્કી કરો…

આપણે જોયું તેમ, દરેક ક્લાઉડ સર્વિસની અલગ અલગ ખાસિયત છે ઃ

ગૂગલ ડ્રાઇવમાં ૧૫ જીબી ફ્રી સ્પેસ છે, અને ફક્ત ઓફિસ પ્રોગ્રામ્સનો યૂઝ હોય તો તે બેસ્ટ છે.

માઇક્રોસોફ્ટ વનડ્રાઇવમાં ફ્રી સ્પેસ ૫ જીબી છે, પણ તમારો ઉપયોગ ઓફિસ પ્રોગ્રામ્સનો જ હોય, તો તેનું સબસ્ક્રિપ્શન ખરીદતાં તે આખી ટીમ માટે બહુ અનુકૂળ બની શકે.

ડ્રોપબોક્સ ફ્રી એકાઉન્ટમાં માત્ર ૨ જીબી સ્પેસ અાપે છે અને ફક્ત ૩ ડિવાઇસમાં તેનો ઉપયોગ થઈ શકે છે. છતાં, ફાસ્ટ સિન્કને કારણે સોલો પ્રોફેશનલ કે સાવ નાની ટીમ માટે તે બેસ્ટ ઓપ્શન બની શકે.

સિન્ક.કોમ ફ્રી એકાઉન્ટમાં ૫ જીબી સ્પેસ અને ૫ ડિવાઇસમાં ક્લાઉડ ફોલ્ડર આપે છે. તેમાં ફ્રી એન્ક્રિપ્શન પણ છે. સિન્કની ઝડપ પણ પ્રમાણમાં સારી છે. નાની ટીમ માટે સારો ઓપ્શન.

ફક્ત કરન્ટ વર્ક ફાઇલ્સ ક્લાઉડમાં રાખવા માટે અને લગભગ રિઅલ ટાઇમમાં સિન્ક્ડ રાખવા માટે પીક્લાઉડ બેસ્ટ છે – તેમાં ૧૦ જીબી સુધીની ફ્રી સ્પેસ છે, ફક્ત એન્ક્રિપ્શન નથી.

તમને જે યોગ્ય લાગે તે પસંદ કરી લો!

ફાઇનલ ફાઇલ્સના બેકઅપ માટે 15 જીબી સ્પેસ આપતી ગૂગલ ડ્રાઇવ અને કરન્ટ વર્ક માટે 2 જીબી સ્પેસ આપતી ડ્રોપબોક્સ સર્વિસનો ઇપયોગ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!