આગળ શું વાંચશો?
- ક્યૂઆર કોડ વધુ સહેલાઈથી સ્કેન કરી શકાશે
- તમારો આઇફોન તમને વળતર અપાવી શકે છે, જોકે…
- વિવિધ સર્વિસમાં આવેલા અવનવા ફેરફારો
આપણા સ્માર્ટફોનના કેમેરાથી ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હવે આપણને ઠીક ઠીક અનુભવ થઈ રહ્યો છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી પેમેન્ટ ક્યૂઆર કોડને કારણે એકદમ સહેલું બની ગયું છે. કોઈ પણ યુપીઆઇ પેમેન્ટ એપથી આપણે કોઈ ક્યૂઆર કોડ સ્કેન કરીએ ત્યારે હજી તો કેમેરામાં ક્યૂઆર કોડનો થોડો ભાગ જ કેપ્ચર થયો હોય ત્યાં લગભગ આંખના પલકારામાં કોડ સ્કેન થઈ જાય છે.

ફક્ત, ફોનમાં ઇન્ટરનેટ કનેકશનમાં તકલીફ હોય તો કોડ સ્કેન થવામાં વાર લાગી શકે છે. પરંતુ યુપીઆઇ કોડની સરખામણીમાં અન્ય ક્યૂઆર કોડ સ્કેન કરવામાં મોટા ભાગે મુશ્કેલી થતી હોય છે. આવા કોડ કોઈ જગ્યાએ પ્રિન્ટ થયા હોય અને ઘણા નાના હોય અથવા તો ડાર્ક બેકગ્રાઉન્ટ પર પ્રિન્ટ થયા હોય તો ફોનના કેમેરાને એ ક્યૂઆર કોડ કેપ્ચર કરવામાં તકલીફ થઈ શકે છે. આપણે થોડે દૂરથી ક્યૂઆર કોડ સ્કેન કરવાનો પ્રયાસ કરતા હોઈએ તો પણ તેને સ્કેન કરવામાં મુશ્કેલી થઈ શકે છે.
હવે આ બધી તકલીફ દૂર થઈ જાય એવી શક્યતા છે. ગૂગલ કંપની ક્યૂઆર કોડ સ્કેન કરવાની પ્રોસેસમાં અપટેડ લાવી રહી છે, જેને કારણે એક વાર કેમેરાને ખ્યાલ આવે કે આપણે તેને કોઈ ક્યૂઆર કોડ પર પોઇન્ટ કરી રહ્યા છીએ, ત્યારે તે આપોઆપ જરૂર મુજબ ઝૂમ થઈને કોડ પર ફોકસ કરી લેશે!
અત્યારે આ માટેના જે વીડિયો શેર થયા છે એ જોતાં લાગે છે કે આપણે કોઈ રૂમમાં હોઈએ અને થોડે દૂરની દીવાલ પરના ક્યૂઆર કોડને સ્કેન કરવાનો પ્રયાસ કરીએ તો પણ કેમેરા ફટાફટ ઝૂમ થઈને કોડ સ્કેન કરી શકે છે! આ અપડેટ આપણા ફોન સુધી પહોંચે ત્યાં સુધી આપણે રાહ જોવાની રહી!
લાંબા સમયથી, એપલના જૂના આઇફોન ધરાવતા યૂઝર્સમાં એપલ કંપની સામે એક વાતે કચવાટ વધી રહ્યો હતો – લોકોને શંકા હતી કે કંપની જાણી જોઈને તેમના જૂના આઇફોનનું પર્ફોર્મન્સ બગાડી રહી હતી, જેથી લોકો નવા આઇફોન ખરીદવા તરફ વળે! આ વાતે એપલ કંપની સામે અમેરિકામાં ડિસેમ્બર ૨૦૧૭થી જૂન ૨૦૧૮ દરમિયાન ૬૬ કેસ નોંધાયા હતા.

એપલ પર આરોપ હતો કે તે આઇઓએસના અપડેટ્સ સાથે જૂના આઇફોનમાં બેટરીનું પર્ફોર્મન્સ બગડે એવા સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરતી હતી. આખરે એપલે આ વાત સ્વીકારી છે અને હવે કંપનીએ અદાલતના આદેશને પગલે આ બાબતે લોકોને વળતર આપવાનું પણ સ્વીકાર્યું છે. એપલ લગભગ ૧૦ કરોડ લોકોને વળતર ચૂકવશે. વળતરની કુલ રકમ ૫૦ કરોડ યુએસ ડોલર જેટલી થાય છે. વ્યક્તિગત રીતે જોઇએ તો આઇફોન ૬, ૭ કે એસઈ સિરીઝના ફોન ધરાવતા દરેક યૂઝરને રૂપિયા પાંચ હજાર જેટલું વળતર મળશે. જોકે ઓક્ટોબર ૬, ૨૦૨૦ પહેલાં આ બાબતે કંપની સામે વાંધો ઉઠાવનારા લોકોને જ આ વળતર મળશે.
નવા આઇફોનમાં ફિઝિકલ સિમ રહેશે
એપલના આઇફોન ૧૪થી એપલે તેના ફોનમાં માત્ર ઇ-સિમ હોય તેવી શરૂઆત કરી. અલબત્ત એ શરૂઆત યુએસ પૂરતી સીમિત રહી. હવે આઇફોન ૧૫ આવવાની તૈયારીમાં છે ત્યારે લોકોને ડર હતો કે આખી દુનિયા માટે એપલ ઇ-સિમ અપનાવી લેશે. પરંતુ હવે એવી શક્યતા રહી નથી. નવો આઇફોન ૧૫ સપ્ટેમ્બર ૧૨ના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે અને તેમાં ફિઝિકલ સિમ માટેનો સ્લોટ હશે જ, અલબત્ત તે જરા જુદી રીતે કામ કરશે.
ફેસબુક મેસેન્જરનું લાઇટ વર્ઝન રીટાયર

જુદી જુદી ઇન્ટરનેટ કંપની પ્રમાણમાં નબળાં સ્પેસિફિકેશનવાળા સ્માર્ટફોન માટે પોતાની પોપ્યુલર એપનું લાઇટ વર્ઝન ઓફર કરતી હોય છે. એ પરંપરા અનુસાર ફેસબુક મેસેન્જરનું લાઇટ વર્ઝન ૨૦૧૬માં લોન્ચ થયું હતું. પરંતુ આ મહિનાથી એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૩થી મેસેન્જરનું લાઇટ વર્ઝન રીટાયર થઈ રહ્યું છે. હવે ફુલ-ફ્લેજ્ડ મેસેન્જર એપનો ઉપયોગ અનિવાર્ય બનશે.
માઇક્રોસોફ્ટ 11માં વિવિધ રીતે એઆઇ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ વિન્ડોઝમાં પણ વિસ્તરી રહ્યો છે. ટૂંક સમયમાં વિન્ડોઝ ૧૧માં આપણને ઓપ્ટિકલ કેરેકટર રેક્ગ્નેશન (ઓસીઆર) તરીકે ઓળખાતી સગવડ મળશે, જેને કારણે કેમેરા એપ તથા સ્ક્રીનશોટ લેવા માટેના સ્નિપિંગ ટૂલમાં ઇમેજમાંની ટેકસ્ટને એડિટ કરી શકાય તેવી ટેક્સ્ટમાં ફેરવી નાખવાની સગવડ મળશે.
એ જ રીતે ફોટોશોપની જેમ માઇક્રોસોફ્ટની ફોટોઝ એપમાં ફોટોગ્રાફના બેકગ્રાઉન્ડ દૂર કરવાની સગવડ પણ મળશે. એ ઉપરાંત માઇક્રોસોફ્ટની વર્ષો જૂની પેઇન્ટ એપમાં જનરેટિવ એઆઇની સગવડ આવી રહી છે. તેને કારણે આ સર્વિસને આપણે શબ્દોમાં જે વર્ણન આપીશું તેને આધારે પેઇન્ટ આખેઆખી નવી ઇમેજ ક્રિએટ કરી આપશે.
ગૂગલની વર્કસ્પેસ એપ્સની નવી ડિઝાઇન

એન્ડ્રોઇડ માટેની ગૂગલ ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ એપની હવે જૂની લાગતી ડિઝાઇનથી તમે કંટાળ્યા છો? તો તમારે માટે ખુશીના સમાચાર છે. ગૂગલે આ બધી સર્વિસ માટેના વેબ વર્ઝનની ડિઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કર્યા પછી એ જ પ્રકારના ફેરફારો હવે એન્ડ્રોઇડ એપમાં પણ આવી રહ્યા છે.
યુટ્યૂબ પર ગીત ગણગણીને સર્ચ કરો!

‘સાયબરસફર’માં આપણે એક મજાની ‘શઝામ’ સર્વિસ વિશે વાત કરી ગયા છીએ. તેની એપ ઓપન કરીને તેને એપ ઓપન કરીને ક્યાંક વાગી રહેલું મ્યુઝિક તેને સંભળાવીએ તો એ તેના વિશે સર્ચ કરી આપે છે. યુટ્યૂબ હવે એક ડગલું આગળ વધશે. રેકોર્ડેડ મ્યુઝિકને બદલે આપણે પોતે આછું પાતળું કંઈક ગણગણીશું તો પણ યુટ્યૂબ તેને લગતા મ્યુઝિક વીડિયો શોધી આપશે. આ ફીચરની શરૂઆત યુટ્યૂબની એન્ડ્રોઇડ એપથી થશે.
