(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડિજિટલ ફાઇલ્સ ‘સારી રીતે’ મેનેજ કરવા માટે સમજવો જરૂરી છે ટેગિંગનો કન્સેપ્ટ

સાદી રીતે ફાઇલ્સ, નોટ્સ ફોટોઝ વગેરે સ્ટોર કરવાને બદલે તેમને વિવિધ ટેગ આપી જુઓ.

બેટર ઓર્ગેનાઇઝેશન! સ્કૂલ, ઓફિસ, રસોડું કે રાજકાજ… બધે જ જરૂરી છે આ બાબત. અભ્યાસમાં ધારી સફળતા, કામકાજમાં પ્રગતિ, રોજિંદા જીવનમાં માનસિક શાંતિ આ બધી બાબતોનો આધાર આ બે જાદૂઈ શબ્દો પર રહેલો છે. ટેબલ પર પડેલાં કાગળિયાં, કબાટમાં ફાઇલ્સ, રસોડામાં દાળ- દાણા ને મરી-મસાલાંની બરણીઓ, કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં રહેલી ફાઇલ્સ… આ બધી જ બાબતોને આપણે જેટલી સારી રીતે ઓર્ગેનાઇઝ્ડ રાખી શકીએ એટલા આપણે ફાયદામાં રહીએ.

‘સાયબરસફર’માં આપણું ફોકસ પર્સનલ ટેક્નોલોજી પર છે એટલે આ લેખ પૂરતી આપણે ડિજિટલ ફાઇલ્સના ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ!

એ માટે બહુ ઉપયોગી થઈ શકે ટેગિંગનો કન્સેપ્ટ.

હજી થોડા સમય પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામ પર ફોકસ સાથે સોશિયલ મીડિયામાં હેશટેગ(#)ના ઇન્ટરેસ્ટિંગ ઉપયોગની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર અનેક લોકો જુદા જુદા વિષય પર પોસ્ટ કે મેસેજ મૂકતા હોય ત્યારે હેશટેગની મદદથી એ બધી અલગ અલગ પોસ્ટને એક તાંતણે પરોવી શકાય છે.

બરાબર એ જ કન્સેપ્ટ આપણે પોતાની વિવિધ પ્રકારની ડિજિટલ ફાઇલ્સના ઓર્ગેનાઇઝેશનમાં પણ કામે લગાડી શકીએ છીએ. કમ્પ્યૂટર અને વિવિધ એપ્સ/સર્વિસમાંની ફાઇલ્સને સર્ચ તો સહેલાઈથી કરી શકાય, પણ ટેગિંગનો ઉપયોગ ફાઇલ્સને સહેલાઈથી શોધવા પૂરતો સીમિત નથી. એથી વિશેષ એના શા ઉપયોગ છે, આવો જાણીએ!

સોશિયલ મીડિયામાં આપણે કોઈ પણ પોસ્ટ કે મેસેજ કે વીડિયોની સાથોસાથ હેશટેગ (#) સાથે કોઈ પણ શબ્દ લખીએ એ સાથે જે સર્વિસ હેશટેગને સપોર્ટ કરતી હોય તેમાં હેશટેગ સહિતનો એ શબ્દ ક્લિકેબલ લિંકન્કમાં ફેરવાઈ જાય છે. આથી આપણે કોઈ પોસ્ટ સાથે #gujarat એવો હેશટેગ ઉમેરી હોય તો, તેને ક્લિક કરતાં, એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેટલા લોકોએ પોતાની પોસ્ટ કે વીડિયો સાથે #gujarat ઉમેરેલ હોય તે બધી પોસ્ટ કે વીડિયો કે અન્ય કન્ટેન્ટ આપણે એક સાથે જોઈ શકીએ.

આપણા રોજિંદા કામકાજની ફાઇલ્સ, ઇમેઇલ્સ, ફોટોગ્રાફ્સ, ટાસ્ક્સ,, નોટ્સ વગેરેમાં પણ ટેગનો આ જ કન્સેપ્ટ કામે લગાડીને આપણે પોતાને માટે મહત્ત્વની ફાઇલ્સને વધુ સારી રીતે મેનેજ કરી શકીએ છીએ.

ફેર ફક્ત એટલો છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટમાંની ટેકસ્ટમાં ટેગ્સને અલગ ઓળખ આપવા માટે તેની આગળ હેશટેગની નિશાની મૂકવામાં આવે છે, જ્યારે કમ્પ્યૂટર, મોબાઇલ જેવાં સાધન કે અન્ય પ્રકારની સર્વિસમાં ફાઇલ્સના ઓર્ગેનાઇઝેશનની વાત હોય ત્યારે મોટા ભાગે તેમાં હેશટેગની નિશાની મૂકવી જરૂરી નથી.

આવી સર્વિસમાં  ટેગનો ઉપયોગ કરવાની અલગ અલગ રીત હોય છે જે લગભગ એકમેકને મળતી આવે છે. એ જ રીતે અલગ અલગ સર્વિસ ટેગિંગના ફીચર માટે ‘ટેગ’, ‘લેબલ’, ‘કેટેગરી’ વગેરે શબ્દોનો ઉપયોગ કરે છે.

હવે સવાલ એ થાય કે આપણે પોતાની વિવિધ ફાઇલ્સને અલગ અલગ ફોલ્ડરમાં મૂકી શકીએ છીએ તો પછી ફાઇલ્સને અલગથી ટેગ આપવાની ઝંઝટમાં પડવાની શી જરૂર? જવાબ તદ્દન સાદો અને સ્પષ્ટ છે – ફાઇલ્સને વધુ સારી રીતે ઓર્ગેનાઇઝ કરવા માટે.

ટેગની જરૂરિયાત વધુ સારી રીતે સમજવા માટે ડિજિટલ ફાઇલ્સને વાસ્તવિક ફાઇલ સાથે સરખાવીએ. મોટા ભાગની ઓફિસમાં વાસ્તવિક ફાઇલ્સ ઘણી સારી રીતે ઓર્ગેનાઇઝ થતી હોય છે. કપબોર્ડમાં વર્ષ મુજબ, ક્લાયન્ટ મુજબ કે પ્રોજેક્ટ મુજબ ખાનામાં ફાઇલ્સ રાખવામાં આવે અને તેમાં જે તે બાબતને સંબંધિત કાગળિયાં સાચાવવામાં આવે.

તકલીફ ત્યારે થાય જ્યારે એક જ કાગળિયાને આપણે એકથી વધુ રીતે શોધવાની જરૂર ઊભી થાય. વાસ્તવિક ફાઇલ્સ અને કાગળિયાં એક સમયે માત્ર એક ફાઇલ કે ફોલ્ડરમાં રાખી શકાય, પરંતુ આપણે વર્ષ મુજબ કોઈ ફાઇલ શોધવાની થાય, પરંતુ ફાઇલ્સ ક્લાયન્ટ મુજબ સ્ટોર કરી હોય તો?

ડિજિટલ ફાઇલ્સમાં ટેગ્સ કે લેબલિંગથી આ સમસ્યાનો સચોટ ઉપાય મળે છે.

તેમાં આપણે જરૂરિયાત મુજબ ફોલ્ડર તો બનાવી જ શકીએ જેમ કે વર્ષ મુજબ ફોલ્ડર કે ક્લાયન્ટ મુજબ ફોલ્ડર. એ પછી ફાઇલ્સને અલગ અલગ ટેગ કે લેબલ પણ આપીએ તો એક જ ફાઇલને એકથી વધુ રીતે શોધી શકાય. વિન્ડોઝ એક્સપ્લોરર જેવી સર્વિસમાં બધી ફાઇલ્સને ટેગ્સ મુજબ એક સાથે સોર્ટ પણ કરી શકાય.

ટુડુ લિસ્ટ જેવી સર્વિસમાં આપણે જુદાં જુદાં ટાસ્ક લખીએ ત્યારે જરૂર મુજબ ‘મીટિંગ’ કે ‘ટુ કોલ’ જેવું લેબલ લગાવ્યું હોય તો આજના દિવસનાં બધાં ટાસ્કમાં, કેટલા લોકોને મળવાનું છે કે કોલ કરવાનો છે તે સહેલાઈથી તારવી શકાય.

તમારા પર મોબાઈલના બિલનો એક મેઇલ આવે તેને ‘મોબાઇલ બિલ’ એવું એક લેબલ આપો અને સાથે ‘ટુ-પે’ એવું બીજું લેબલ પણ આપો, તો પહેલા લેબલથી મેઇલ્સ સોર્ટ કરતાં, તમારા પર આવતાં બધાં મોબાઇલ બિલ્સના મેઇલ જોઈ શકાય અને ‘ટુ-પે’ લેબલથી સોર્ટ કરતાં, મોબાઇલ બિલ ઉપરાંત બીજાં જે બિલ ભરવાનાં હોય એ તમામ એક સાથે જોઈ શકાય!

આમ મેઇલ એક, પણ જોવા-તપાસવાની રીત અલગ અલગ. વર્ષ ૨૦૦૪માં ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ પહેલાં ઇમેઇલ્સમાં માત્ર ફોલ્ડરની સુવિધા હતી. આપણા પર આવેલો એક મેલ એક જ ફોલ્ડરમાં મૂકી શકાય. એકથી વધુ ફોલ્ડરમાં નહીં.

જીમેઇલ બહુ પોપ્યુલર થવાનું એક કારણ તેમાંની ટેગની સુવિધા પણ છે. જીમેઇલમાં ટેગ ‘લેબલ’ તરીકે ઓળખાય છે. ઓફિસમાં કસ્ટમર સપોર્ટ સિસ્ટમ તરીકે તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો અને ટીમના એકથી વધુ મેમ્બર્સ એક જ ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરતા હોય તો માત્ર લેબલ્સની સુવિધાથી સમગ્ર સિસ્ટમનો એક સારો ફ્લો તૈયાર કરી શકાય. માઇક્રોસોફ્ટ આઉટલૂકમાં ટેગિંગ માટે ‘કેટેગરી’ શબ્દ વપરાય છે.

જો તમે તમારા બધા ડિજિટલ ફોટોગ્રાફ હજી પણ કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં પોતાની રીતે સાચવતા હો તો તેમાંથી જોઇતો ફોટોગ્રાફ શોધવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરતા હશો.

કમ્પ્યૂટરમાં ફોટોઝને વર્ષ મુજબના ફોલ્ડર્સમાં સ્ટોર કરી શકાય પરંતુ એ રીતે અમુક ચોક્કસ પ્રકારના ફોટોગ્રાફ જેમ કે સનસેટના ફોટોઝ કે જુદા જુદા વર્ષના બર્થ ડે સેલિબ્રેશનના ફોટોઝ સહેલાઈથી શોધવા મુશ્કેલ બને. ગૂગલની ફોટોઝ એપ આ બાબતનો સચોટ ઉપાય આપે છે અને તે ટેગિંગના કન્સેપ્ટને એક નવી ઊંચાઈ આપે છે.

ફોટોઝમાં કોઈ પણ ફોટોગ્રાફને આપણે જાતે ટેગ કરવાની જરૂર હોતી નથી. કમ્પ્યૂટર વિઝનની મદદથી એ કામ આપોઆપ થાય છે. આથી ફોટોગ્રાફમાંની જુદી જુદી બાબતો આપોઆપ ‘સમજીને’ ફોટોઝની સિસ્ટમ તેનું ઓટોમેટિક ટેગિંગ કરતી રહે છે. આથી આપણને જુદી જુદી વ્યક્તિ, પ્લેસ, થીંગ્સ વગેરે મુજબ સોર્ટ થયેલા ફોટોઝ સહેલાઈથી મળે છે.

ફેસબુક જેવી સર્વિસ પણ કમ્પ્યૂટર વિઝનની મદદથી જ ફોટોઝને ટેગ કરે છે. કન્સેપ્ટ એનો એ છે પરંતુ કામ બધું ઓટોમેટિક થાય છે!


ગૂગલ ફોટોઝ એપમાં ફોટોગ્રાફમાંની જુદી જુદી બાબતો આપોઆપ ‘સમજીને’ ફોટોઝની સિસ્ટમ તેનું ઓટોમેટિક ટેગિંગ કરતી રહે છે. આથી આપણને જુદી જુદી વ્યક્તિ, પ્લેસ, થીંગ્સ વગેરે મુજબ સોર્ટ થયેલા ફોટોઝ સહેલાઈથી મળે છે.

ડિજિટલ ફાઇલ્સની વાત આવે ત્યારે ટેગ્સનો કન્સેપ્ટ બહુ પાવરફુલ હોવા છતાં તેના ઉપયોગમાં વિવિધ સર્વિસ ઘણી વાર કાચી પડે છે. આપણે પોતાની ફાઇલ્સ મોટા ભાગે કમ્પ્યૂટરમાં લોકલ સ્ટોરેજમાં સ્ટોર કરીએ અથવા હવે નવા સમય અનુસાર ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવમાં સ્ટોર કરતા હોઇએ તો ત્યાં ટેગ્સની સુવિધા કાં તો મળતી જ નથી અથવા મળે છે તો અધકચરી મળે છે. કમ્પ્યૂટરમાં વિન્ડોઝ કે ફાઇલ્સ મેનેજર ઓપન કરી તેમાં વ્યૂમાં ડિટેઇલ્સ પેનલ ઓપન રાખીએ તો કોઈ પણ ફાઇલને સિલેક્ટ કરી તેને માટે ટેગ ઉમેરી શકાય છે.

આ પછી ફોલ્ડરમાંની ફાઇલ્સને અલગ અલગ ટેગ મુજબ સોર્ટ પણ કરી શકાય. પરંતુ તકલીફ એ કે જો આ ફાઇલ્સ તમે તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટ સાથે સિંક્ડ રાખી હોય અને તે ક્લાઉડમાં અપલોડ થઈ જાય તો તેમાંના ટેગ ગાયબ થાય છે!

માઇક્રોસોફ્ટ વનડ્રાઇવના વેબ વર્ઝનમાં ફાઇલ્સને ટેગ કરવાની સુવિધા નથી. એ જ રીતે ગૂગલ ડ્રાઇવના ફ્રી એકાઉન્ટમાં પણ ફાઇલને ટેગ કરવાની સુવિધા નથી. જો તમે સ્માર્ટ યૂઝર હો તો ટેગ કે લેબલનો અભાવ તમને ચોક્કસ ખૂંચતો હશે!

જો તમે ઇન્ટરનેટનો સ્માર્ટ ઉપયોગ કરતા હો તો કોઈને કોઈ ટુડુ લિસ્ટ એપ કે નોટ કિપિંગ એપનો ઉપયોગ કરતા હશો. આવી બધી જ સારી એપ આપણા ટુડુ ટાસ્કને ચોક્કસ ટેગ કે લેબલ લગાવવાની સગવડ આપે છે.

થોડા વર્ષ પહેલાં ‘વન્ડરલિસ્ટ’ નામની એક અત્યંત પોપ્યુલર ટુ-ડુ લિસ્ટ એપમાં લેબલિંગનો બહુ સ્માર્ટ ઉપયોગ કરી શકાતો હતો. પછી માઇક્રોસોફ્ટે આ સર્વિસ ખરીદીને ‘માઇક્રોસોફ્ટ ટુડુ’ નામે રજૂ કરી.

પરંતુ આ નવી સર્વિસમાં ટેગ્સ કે લેબલ્સ બાબતે માઇક્રોસોફ્ટે એવા લોચા માર્યા કે વન્ડરલિસ્ટનો વર્ષોથી ઉપયોગ કરતા લોકો માઇક્રોસોફ્ટ ટુડુ તરફ વળવાને બદલે તેનો સારો વિકલ્પ શોધવા લાગ્યા. અમુક ટુડુ લિસ્ટ એપ લેબલ્સનું મહત્ત્વ બરાબર પારખતી હોવાથી માત્ર તેના પેઇડ વર્ઝનમાં આ સુવિધા આપતી હોય છે.

ઇન્ટરનેટ પર તમે કંઈ પણ સર્ચ કરો અને તેમાંથી ઉપયોગી લાગતી બાબતો ગૂગલ કિટ, માઇક્રોસોફ્ટ વન નોટ, એવરનોટ કે પોકેટ જેવી સર્વિસમાં સાચવી લેતા હો તો આ બધી સર્વિસ નોટ્સને વિવિધ લેબલ્સથી ઓર્ગેનાઇઝ કરવાની સગવડ આપે છે. ટેગ્સનો સ્માર્ટ ઉપયોગ શીખી જશો તો કામ બહુ સહેલું બનશે!


આપણે પોતાની ડિજિટલ ફાઇલ્સ કે ફોટોઝ કે નોટ્સ વગેરેનો ટેગિંગ વિના પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ એક વાર ટેગિંગનો ઉપયોગ શરૂ કરશો એ પછી તેના વિના ચાલશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!