આગળ શું વાંચશો?
- સ્માર્ટફોનમાં ફરી રિમૂવેબલ બેટરી આવે તેવી શક્યતા
- ડેટા પ્રાઇવસી માટે જાણીતી પ્રોટોન ડ્રાઇવની વિન્ડોઝ એપ આવી
- વધુ એક IIT દ્વારા ઓનલાઇન ડિગ્રી કોર્સ
તમને યાદ હશે કે થોડાં વર્ષ પહેલાં આપણો સ્માર્ટફોન હેંગ થઈ જાય અને ફોર્સ રિસ્ટાર્ટ પણ ન થાય ત્યારે આપણે ધડ દઇને ફોનનું પાછલું કેસ ખોલીને તેમાંથી બેટરી બહાર કાઢી શકતા હતા. બેટરી પાછી નાખીએ એટલે ફોન રાબેતા મુજબ ચાલુ થઈ જાય! પરંતુ પછી સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ કંપનીઓએ ફોનમાંની બેટરી રિમૂવ ન કરી શકાય એવાં મોડેલ આપવાની શરૂઆત કરી.

આ ટ્રેન્ડની શરૂઆત એપલે પોતાના આઇફોનથી કરી. એમ કરવાનાં ઘણાં કારણો પણ હતાં. ખાસ કરીને સલામતીનો મુદ્દો સૌથી પહેલો હતો. બેટરીની ટેકનોલોજી ઘણી બદલાઈ હોવા છતાં તેમાં ગરમી પેદા થવાનું અને બેટરી ફાટવાનું જોખમ યથાવત રહ્યું છે. બેટરી ફોનમાં ન હોય ત્યારે તેને ડેમેજથી બચાવવા હાર્ડ પ્લાસ્ટિકથી કવર કરવી જરૂરી બને. એમ કરવા જતાં ફોનનું વજન અને સાઇઝ બંને વધે. આથી ફોનમાં રિમૂવ ન કરી શકાય તેવી બેટરીનો ટ્રેન્ડ શરૂ થયો.
જોકે હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરે તેવી શક્યતા છે. યુરોપિયન યુનિયને એપલ સહિત બધા જ સ્માર્ટફોનમાં ફરીથી રિમૂવેબલ બેટરી આપવાનો કાયદો ઘડ્યો છે.
આ કાયદો તમામ પ્રકારની બેટરીને લાગુ પડે છે. કાયદાનો મૂળ હેતુ બધા પ્રકારની બેટરીથી પર્યાવરણને થતું નુક્સાન ઘટાડવાનો છે. યુરોપિયન પાર્લામેન્ટમાં આ બાબતની તરફેણમાં ૫૮૭ મત પડ્યા અને માત્ર ૯ મત વિરુદ્ધમાં હતા. આ નવો કાયદો ૨૦૨૭ સુધીમાં અમલમાં આવી જશે.
દેખીતું છે કે યુરોપિયન યુનિયનમાં વેચાતા સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરી આપવાની થાય તો ફોન મેન્યુફેકચરિંગ કંપનીઓએ ફોનની ડિઝાઇન નવેસરથી બદલવાની થાય અને તો પછી આ વાત દુનિયાભરમાં વેચાતા બધા સ્માર્ટફોનને લાગુ થશે.
તમે તમારા વિવિધ ડેટાની પ્રાઇવસી માટે સજાગ હો, તો તમે જીમેઇલના વિકલ્પ જેવી ‘પ્રોટોન’ મેઇલ સર્વિસ તરફ અચૂક નજર દોડાવી હશે. આ કંપની ડેટા પ્રાઇવસી પર ફોકસ માટે જાણીતી છે.

મેઇલ ઉપરાંત તેણે વીપીએન, કેલેન્ડર, પાસવર્ડ મેનેજર જેવી સર્વિસ પણ લોન્ચ કરી છે. એ પછી કંપનીએ ક્લાઉડ સ્ટોરેજ માટે ‘પ્રોટોન ડ્રાઇવ’ પણ લોન્ચ કરી છે. તેમાં સ્ટોર કરેલો ડેટા એન્ક્રિપ્ટેડ રહે છે.
હમણાં કંપનીએ આ ડ્રાઇવની વિન્ડોઝ એપ લોન્ચ કરતાં તેનો ઉપયોગ વધુ સહેલો બન્યો છે. ગૂગલ ડ્રાઇવ, વનડ્રાઇવ, ડ્રોપબોક્સ વગેરેની જેમ પ્રોટોન ડ્રાઇવનો પણ કમ્પ્યૂટરના લોકલ ફોલ્ડર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રોટોન ડ્રાઇવની આ સગવડનાં લગભગ બધાં ફીચર અન્ય ક્લાઉડ સ્ટોરેજ જેવાં જ છે, પણ ડેટા પ્રાઇવસી તેનું મોટું પાસું છે. જોકે ફ્રી પ્લાનમાં કંપની માત્ર ૧ જીબી સ્પેસ આપે છે, જે બધા કરતાં સૌથી ઓછી છે!
હજી હમણાં જ ‘સાયબરસફર’માં સમાંતર શિક્ષણની વાત કરી હતી. હવે ભારતમાં એક કોલેજમાં ઓફલાઇન ડિગ્રી કોર્સનો અભ્યાસ કરવાની સાથોસાથ બીજી કોઈ કોલેજમાંથી બીજી ડિગ્રી માટે ઓનલાઇન કોર્સ પણ કરી શકાય છે. આ પ્રકારે એક સાથે બે ડિગ્રી માટેના અભ્યાસને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા માન્યતા આપવામાં આવી છે.
આઇઆઇટી-મદ્રાસનો કોર્સ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) મદ્રાસે આ સંદર્ભ સાથે ત્રણ અને ચાર વર્ષના ફુલફ્લેજ્ડ બીએસસી ડિગ્રી પ્રોગ્રામ શરૂ કર્યા છે. લર્નિંગ સંપૂર્ણપણે ઓનલાઇન અને વિદ્યાર્થીનું નિયમિત એસેસમેન્ટ ઓફલાઇન ક્વિઝ અને એક્ઝામ દ્વારા, એવું માળખું ધરાવતા આ કોર્સના મુખ્ય વિષય ડેટા સાયન્સ અને પ્રોગ્રામિંગ છે.

આ વર્ષે જેઇઇ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય થયેલા તમામ વિદ્યાર્થીઓને આ કોર્સમાં ડાઇરેક્ટ એડમિશન મળી શકે છે. આ કોર્સનો એક બેચ મે મહિનામાં શરૂ થઈ ગયો છે અને સપ્ટેમ્બર મહિનામાં નવો બેચ શરૂ થશે.
જેમાં એડમિશન માટે ઓગસ્ટ ૨૭, ૨૦૨૩ સુધીમાં એપ્લિકેશન કરી શકાય છે.
વધુ માહિતી માટે જુઓ https://study.iitm.ac.in/ds/
આઇઆઇટી-ગૌહાટીનો કોર્સ
એ જ દિશામાં આગળ વધતાં આઇઆઇટી- ગૌહાટીએ પણ તેનો પહેલો ફુલ ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. બેચલર ઓફ સાયન્સ (ઓનર્સ)ના આ ડિગ્રી પ્રોગ્રામમાં ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મુખ્ય વિષયો છે.
આ પ્રોગ્રામ કોર્સેરા (https://www.coursera.org/) પ્લેટફોર્મ પર કન્ડક્ટ કરવામાં આવશે.

આઇઆઇટી મદ્રાસની જેમ ગૌહાટીના આ કોર્સમાં પણ મલ્ટિ એન્ટ્રી અને મલ્ટિ એક્ઝિટ પોઇન્ટ્સ હશે. આ કોર્સ ઓછામાં ઓછો ૪ વર્ષનો રહેશે અને વધુમાં વધુ ૮ વર્ષમાં તેને પૂરો કરી શકાશે.
આઇઆઇટી મદ્રાસની જેમ ગૌહાટીના આ કોર્સમાં પણ પહેલું વર્ષ પૂરું કરતાં એડવાન્સ્ડ સર્ટિફિકેટ મળશે, બીજા વર્ષે ડિપ્લોમા મળશે, ત્રીજા વર્ષે બીએસસી ડિગ્રી મળશે અને ચોથા વર્ષે બીએસસી ઓનર્સ ડિગ્રી મળશે. આમાંના કોઈ પણ તબક્કે સર્ટિફિકેટ, ડિપ્લોમા કે ડિગ્રી મેળવ્યા પછી કોર્સ છોડી શકાશે.
આ કોર્સ પણ ધો.૧૨ પછી આઇટીમાં આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ તેમ જ હાલ કોઈ ને કોઈ જોબમાં લાગેલા પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. મદ્રાસની સરખામણીમાં ગૌહાટીના કોર્સમાં મુખ્ય તફાવત એ છે કે તેમાં વિદ્યાર્થીનું એસેસમેન્ટ પણ સંપૂર્ણપણે ઓનલાઇન જ કરવામાં આવશે.
વધુ માહિતી માટે જુઓ https://iitg.ac.in/acad/admission/online/