(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આર્કિટેક્ચર, સિવિલ એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સ માટે બહુ મહત્ત્વનો કન્સેપ્ટ: બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ

નવા સમયમાં દરેક ફીલ્ડમાં દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. આવું એક ફીલ્ડ છે આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનીયરિંગ.

આપણી આસપાસ ઊભાં થતાં વિશાળ બિલ્ડિંગ્સનું બાંધકામ થઈ રહ્યું હોય ત્યારે એ જોઇને તમને ક્યારેય એવો વિચાર આવે છે કે બિલ્ડિંગના બાંધકામમાં સંકળાયેલા જુદા જુદા પ્રકારના લોકો એકબીજા સાથે માહિતીની સચોટ આપલે કઈ રીતે કરતા હશે?સવાલ સાવ નાનો છે પણ એને હળવાશથી લેશો નહીં. આપણે ઘરમાં કંઈક નાનું એવું રિપેરિંગ કરવાનું હોય અને તેમાં ફર્નિચરનું કામ સંભાળતા સુથાર, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશન ત્રણેય સંકળાયેલા હોય તો તમારો અનુભવ હશે કે એ ત્રણેય એકમેકને ખો આપતા હોય!

એમનો વાંક પણ નહીં. એ ત્રણેયનાં કામ એવાં ઓવરલેપ થતાં હોય કે કોનું કામ પહેલાં કરવું એ નક્કી કરવું જ મુશ્કેલ બને. છેવટે આપણે ક્રમ નક્કી કરીએ ને એ મુજબ કામ કરાવીએ, એ પછી જો ત્રણેય એક સમયે હાજર રહીને કામ બરાબર સમજે નહીં તો કામમાં લોચા થવાની પૂરેપૂરી શક્યતા.

જો ઘરના નાના એવા રિપેરિંગમાં કમ્યૂનિકેશનના અભાવે આવી મુશ્કેલી થતી હોય તો વિશાળ બહુમાળી બિલ્ડિંગ્સમાં પ્રોપર કમ્યૂનિકેશન કેટલું મહત્ત્વનું હોય એ વિચારી જુઓ.

કન્સ્ટ્રક્શનની દુનિયામાં હવે કમ્પ્યૂટર આધારિત બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપણી કોલેજિસમાં અત્યારે બિમ કે અન્ય ટેક્નોલોજી તરફ ઓછું ધ્યાન આપવામાં આવે છે – પરંતુ દુનિયા એ તરફ જાય છે. તમે પોતે બિમ અને રેવિટ જેવા સોફ્ટવેરનો ઉપયોગ શીખી જશો તો આગળના અભ્યાસ કે કરિયરમાં બહુ કામ લાગશે.

બિલ્ડિંગના નિર્માણ માટે ફાયનાન્સ અને મેનેજમેન્ટ સંભાળતા ડેવલપર્સ, બિલ્ડિંગનો પ્લાન તૈયાર કરતા આર્કિટેક્ટ્સ, બિલ્ડિંગનું સ્ટ્રકચર તૈયાર કરતા સ્ટ્રકચરલ એન્જિનીયર, બિલ્ડિંગમાં તમામ પ્રકારના પ્લમ્બિંગની લાઇન્સ, ઇલેક્ટ્રિકલ લાઇન્સ, ફાયર સેફ્ટી વગેરે બાબતો સંભાળતા લોકો, ખરેખરું ચણતર કામ કરતા લોકો… આ બધા જ વચ્ચે સતત, સચોટ કમ્યૂનિકેશન થવું બહુ જરૂરી હોય છે.

આ માટે અત્યાર સુધી કાગળ પર દોરાતા પ્લાન્સનો ઉપયોગ થતો આવ્યો છે. આર્કિટેક્ટ્સ અને તેમની સાથે જોડાયેલા લોકો બિલ્ડિંગના કન્સ્ટ્રકશનમાં સંકળાયેલા અન્ય લોકોના કન્સલ્ટેશનમાં કાગળ પર દરેક બાબતની ઝીણવટભરી નોંધ સાથેના પ્લાન તૈયાર કરે અને પછી એક્ચ્યુઅલ બાંધકામ શરૂ થાય.

બિમ ટેક્નોલોજી બિલ્ડિંગનું બાંધકામ શરૂ થાય તે પહેલાં તેનાં તમામ પાસાં આવરી લેતું થ્રીડી મોડેલ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે.

કાગળ પરના પ્લાનિંગમાં તકલીફ એ કે તેમાં ક્યાંક પણ ભૂલ રહી ગઈ હોય તો એ સહેલાઈથી પરખાય નહીં. કાગળ પરના પ્લાનિંગ મુજબ બિલ્ડિંગનું બાંધકામ આગળ ધપવા માંડે ત્યારે ઝાટકા સાથે ખ્યાલ આવે કે ઇલેક્ટ્રિકલ લાઇન્સ અથવા પ્લમ્બિંગના પાઇપ્સ માટે અમુક જગ્યાએ પૂરતી વ્યવસ્થા જ નથી!

આનો ઉપાય આપે છે નવી ટેકનોલોજી – બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બીઆઇએમ), જે ‘બિમ’ તરીકે વધુ ઓળખાય છે.

અત્યારે આપણે બિમને ‘નવી ટેકનોલોજી’ તરીકે ઓળખાવી કેમ કે ભારત માટે એ પ્રમાણમાં નવી વાત છે, પરંતુ બિમનો કન્સેપ્ટ ૧૯૭૦ના દાયકાથી એટલે કે પૂરા ૫૦ વર્ષ પહેલાંથી વિકસવા લાગ્યો હતો! અલબત્ત દુનિયાભરમાં તેનો ઉપયોગ ૨૧મી સદીની શરૂઆતમાં, ૨૦૦૦ના દાયકાથી જ સતત વિસ્તરવા લાગ્યો છે.

બાંધકામની જ ભાષામાં કહીએ તો, ભારતમાં તેના ઉપયોગનો હજી પાયો નખાઈ રહ્યો છે!

બિમ એક્ઝેટલી શું છે?

બિમ પોતે એક કન્સેપ્ટ છે, જેમાં કોઈ પણ નવી આકાર લઈ રહેલી ઇમારતનાં વિવિધ પાસાં જેમ કે અલગ અલગ પ્રકારનાં ડાયમેન્શન્સ, સ્પેસિફિકેશન્સ, મટિરિઅલ્સ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ, ફાયર સેફટી વગેરેની લાઇન્સ વગેરે તમામ બાબતોનું કમ્પ્યૂટરમાં થ્રીડી વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવામાં આવે છે.


પહેલાંના સમયમાં (હજી પણ) બિલ્ડિંગ્સના પ્લાનિંગ આર્કિટેક્ટ, એન્જિનિયર્સ અને ડ્રાફ્ટસમેન કાગળ પર પ્લાન તૈયાર કરતા. એ પછી કમ્પ્યૂટર એડેડ ડિઝાઇનિંગ (કેડ-CAD) ચલણી બન્યું અને ઓટોકેડ જેવા સોફ્ટવેરની મદદથી બિલ્ડિંગના પ્લાન તૈયાર થવા લાગ્યા. જોકે આવા પ્લાન ટુડી રહેતા અને છેવટે તો મોટા પ્લોટર મશીન પર તેના પ્રિન્ટઆઉટ મેળવીને બિલ્ડિંગની સાઇટ્સ પર તેનો ઉપયોગ થતો આવ્યો છે.

પરંતુ આપણે આગળ જોયું તેમ બિલ્ડિંગનું બાંધકામ એ ઘણાં બધાં પાસાં ધરાવતું અટપટું કામ છે. તેની દરેક બાબતનો પૂરો અંદાજ ફક્ત ટુડી ડ્રોઇંગથી મળી શકે નહીં. આથી બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બિમ)નો કન્સેપ્ટ ચલણી બનવા લાગ્યો છે.

આગળ કહ્યું તેમ, બિમ પોતે એક કન્સેપ્ટ છે, જેમાં બિલ્ડિંગના બાંધકામને સંબધિત તમામ બાબતોનાં થ્રીડી રિપ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે છે. બિલ્ડિંગના બાંધકામની જુદી જુદી બાબતો જુદા જુદા લોકો બિમ સોફ્ટવેરની શેર્ડ ફાઇલ પર કામ કરે અને તેમને કામમાં ક્યાંય પણ  ‘કન્ફ્લીક્ટ’ એટલે કે એકમેકના કામમાં અવરોધ ઊભો થાય તો સોફ્ટવેર તરત એરર દર્શાવે. જેમ કે પ્લમ્બિંગનું કામકાજ સંભાળતા લોકો બિલ્ડિંગની ડિઝાઇનમાં જે જગ્યાએ પ્લમ્બિંગ લાઇન્સનું પ્લાનિંગ કરતા રહ્યા હોય એ જ જગ્યાએ ઇલેક્ટ્રિકલ લાઇન્સનું પ્લાનિંગ થયું હોય તો સોફ્ટવેર એરર દર્શાવે અને બંને પ્રકારનાં કામ સંભાળતા લોકોએ સાથે મળીને તેનો ઉપાય  કરવો પડે.

આમ બિમની મદદથી બિલ્ડિંગનું ખરેખરું ચણતર શરૂ થાય એ પહેલાં ખાસ્સી એફિશિયન્ટ રીતે તેનું ડિઝાઇનિંગ થઈ શકે છે. આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સ બિમની ડિજિટલ ફાઇલ્સ એકમેક સાથે શેર કરી શકે છે અને તેમાં રહેલી ખામીઓ બાંધકામ પહેલાં જ દૂર કરી શકે છે. બિમની મદદથી બિલ્ડિંગ વિશે વધુ સચોટ અને તમામ પાસાં આવરી લેતી માહિતી મળતી હોવાથી બાંધકામ સંબંધિત નિર્ણયો લેવાનું સહેલું બને છે.

ભારતમાં બિમનો ઉપયોગ

ભારતમાં રિઅલ એસ્ટેટ સેકટરમાં બિમ અને તેના રેવિટ જેવા વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ હવે પ્રચલિત થઈ રહ્યો છે. ભારતમાં ઓટોકેડ સોફ્ટવેરની ટ્રેનિંગ આપતાં ઘણાં ઇન્સ્ટિટ્યૂટ છે, એ જ રીતે બિલ્ડર ગ્રૂપ્સ કે આર્કિટેક્ટ્સ માટે ઓટોકેડ પર પ્લાન તૈયાર કરતી આપતી કંપનીઓ પણ ઘણી છે. પરંતુ બિલ્ડિંગના થ્રીડી મોડેલિંગ તૈયાર કરતી આપતા બિમ સોફ્ટવેરની ટ્રેનિંગ કે સર્વિસ આપતી કંપનીઓ હવે આગળ આવી રહી છે.

બિમ અને રેવિટ બંને એક જ બાબત છે?

આપણે ત્યાં બિમ અને રેવિટ સોફ્ટવેરનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ થાય છે પરંતુ એ ખાસ સમજવું જરૂરી છે કે બિમ પોતે બિલ્ડિંગની ઇન્ફર્મેશનનું મોડેલિંગ તૈયાર કરવા વિશેનો આખો એક કન્સેપ્ટ છે. જ્યારે રેવિટ એ આવું મોડેલિંગ તૈયાર કરી આપતો એક સોફ્ટવેર છે. રેવિટના વિકલ્પ રૂપે બીજા ઘણા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય.

સ્ટુડન્ટ માટે બિમ અનિવાર્ય છે

નવા સમયમાં સિવિલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટ્સ માટે બિમ સોફ્ટવેરની જાણકારી અનિવાર્ય બની રહી છે. પરંતુ નવાઈજનક રીતે હજી પણ આપણી કોલેજોમાં સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેકચરના અભ્યાસ દરમિયાન બિમની વાત તો છોડો, ઓટોકેડ વિશે પણ પૂરતી સમજ અને ટ્રેનિંગ આપવામાં આવતી નથી (સુખદ અપવાદો હોય તો બહુ સારું!).

આપણા અભ્યાસક્રમોમાં માત્ર બિલ્ડિંગ પ્રોસેસના કન્સેપ્ટ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ એ માટે જે ટેકનોલોજીનો ઉપયોગ દુનિયાભરમાં ઝડપભેર આગળ વધી રહ્યો છે તેના તરફ પૂરતું ધ્યાન અપાતું નથી!

ડિગ્રી પછી તમે દેશમાં સારી નોકરી શોધો કે પરદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધો ત્યારે બિમની સમજ બહુ મદદરૂપ થશે.

જો તમે સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેકચરના સ્ટુડન્ટ હો તો કોલેજની સાથોસાથ બિમનો કન્સેપ્ટ તથા તેના ઉપયોગ માટે જરૂરી રેવિટ કે અન્ય સોફ્ટવેર પર હાથ અજમાવવા લાગશો તો તમને તમારી કરિયરમાં એ બહુ ઉપયોગી થશે.

ભારતમાં અત્યારે ઘણાં સ્ટાર્ટઅપ એવાં પણ વિકસ્યાં છે જે ફોરેનના ક્લાયન્ટ્સ માટે રેવિટ કે અન્ય સોફ્ટવેર પર બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલ્સ તૈયાર કરી આપે છે. તમારા અભ્યાસ પરથી કોઈ પણ આર્કિટેક્ચર ફર્મ અથવા કન્સ્ટ્રકશન કંપનીમાં સિવિલ એન્જિનીયર તરીકે જોડાવાનું થાય ત્યારે બિમની સમજ તથા તેના વિવિધ સોફ્ટવેરના ઉપયોગની આવડત તમારી પસંદગીનું એક બહુ મોટું કારણ બની શકે છે. એ જ રીતે સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેકચરમાં ગ્રેજ્યુએશન પછી વધુ અભ્યાસ માટે તમે પરદેશ જવા ઇચ્છતા હો તો તેમાં પણ બિમ અને તેના વિવિધ સોફ્ટવેરની સમજ ખાસ્સી ઉપયોગી સાબિત થશે.

સાદું કારણ આટલું જ છે – ભણેલા ગણેલા વ્યક્તિ માટે જે મહત્ત્વ કાગળ, પેનથી લખવાની આવડત  કે કમ્પ્યૂટરમાં ઝડપથી ટાઇપિંગની કુશળતાનું છે એટલું જ મહત્ત્વ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ માટે બિમ સોફ્ટવેરના ઉપયોગની આવડતનું છે. તેની સમજ વિના તમારી પાસે ડિગ્રી હોય છતાં તમારા સબ્જેક્ટમાં તમે લગભગ અભણ ગણાઓ તેવા દિવસો દૂર નથી!

( 1 ) ડિઝાઇન

બિલ્ડિંગના સ્ટ્રક્ચર અને આખરી ડિઝાઇન મુજબનું ‘ઇન્ટેલિજન્ટ’ થ્રીડી મોડેલ  તૈયાર કરવાનું કામ એકદમ સહેલું બને છે.

( 2 ) વર્કફ્લોનું પ્લાનિંગ

પ્રોજેક્ટમાં સંકળાયેલા તમામ લોકો, કયું કામ ક્યારે કરી શકાશે તેનું પ્લાનિંગ કરી શકે છે, જેનાથી કોસ્ટ ને પ્રોજેક્ટ પૂરો થવાની ટાઇમલાઇન પણ નક્કી થાય છે.

( 3 ) બાંધકામ

પ્રોજેક્ટનું ખરેખરું બાંધકામ શરૂ થયા ત્યારે તેમાં સંકળાયેલા લોકો સતત થ્રીડી મોડેલનો રેફરન્સ લઈને આગળ વધતા રહે છે, આથી ભૂલ થવાની કે કામ ફરી કરવાની જરૂર ઊભી થતી નથી.

( 4 ) ઓપરેશન

બિમ સોફ્ટવેર પ્રોજેક્ટનું બાંધકામ પૂરું થયા પછી તેના મેઇન્ટેનન્સ, રિનોવેશન કે રિપેરિંગ વગેરેમાં પણ કામ લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!