
હવે ક્યૂઆર કોડ આપણે માટે કોઈ નવી વાત રહી નથી. પાનના ગલ્લે, ચાની કીટલીએ કે પાણીપૂરીના ખૂમચે પણ આપણે ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકીએ છીએ. એ જ રીતે અખબાર, મેગેઝિનનાં પાનાં પર કે જાહેરાતનાં ફરફરિયાંઓમાં પણ હવે ચારેતરફ ક્યૂઆર કોડ દેખાય છે. બંને પ્રકારના ક્યૂઆર કોડમાં શું ફેર છે, આ ક્યૂઆર કોડ કેવી રીતે બને છે, કેવી રીતે કામ કરે છે? એ પણ જાણવા જેવું છે. ખાસ કરીને પેમેન્ટ સિવાયના હેતુ માટે બનેલા ક્યૂઆર કોડ સ્કેન કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. આપણે એ બધા પર નજર ફેરવી લઈએ.
ક્યૂઆર કોડ એક્ઝેક્ટલી શું છે?
ક્યૂઆર કોડનું મૂળ નામ ‘ક્વિક રિસ્પોન્સ’ કોડ છે. આપણે જોઈએ છીએ તેમ, ક્યૂઆર કોડ જુદાં જુદાં ચોકઠાંની બનેલી ઇમેજ છે, જેને ખાસ પ્રકારના મશીન કે સ્માર્ટફોનથી સ્કેન કરી, રીડ કરી શકાય છે.
તેને સ્કેન કરતાં તે ઝડપથી, આ ઇમેજમાં સમાયેલી માહિતી સુધી પહોંચાડે છે, એટલે નામ પડ્યું ક્વિક રિસ્પોન્સ.
ક્યૂઆર કોડમાં વિવિધ પ્રકારની માહિતી સ્ટોર કરી શકાય છે, આપણે રોજબરોજ જે ક્યૂઆર કોડ જોઈએ છીએ તે કોઈ ને કોઈ વેબપેજનાં એડ્રેસ હોય છે.
અગાઉ, ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનમાં આપણે ક્યૂઆર કોડ સ્કેન કરવો હોય તો મોટા ભાગે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવી પડતી હતી. હવે એવું રહ્યું નથી.
આપણો પનારો મુખ્યત્વે બે પ્રકારના ક્યૂઆર કોડ સાથે હોય છેઃ
- યુપીઆઇ પેમેન્ટ માટેના ક્યૂઆર કોડ : આ પ્રકારના કોડને કોઈ પણ યુપીઆઇ એપથી સ્કેન કરી શકાય અને પેમેન્ટ કરી શકાય
- વેબ એડ્રેસ માટેના ક્યૂઆર કોડ : વિવિધ જગ્યાએ, વિવિધ હેતુ માટે જોવા મળે છે તેવા, અલગ અલગ વેબ એડ્રેસ માટેના ક્યૂઆર કોડ.
વેબ એડ્રેસના ક્યૂઆર કોડ સ્કેન કરવાની રીત
અગાઉ આપણે પોતાના સ્માર્ટફોનમાં ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે અલગ એપ ઇન્સ્ટોલ કરવી પડતી હતી. પરંતુ આવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ જોખમી બની શકે છે. એ ધ્યાનમાં રાખીને આપણે વધારાની કોઈ એપ વિના, સ્માર્ટફોનમાં ક્યૂઆર કોડ સ્કેન કરવાની વિવિધ રીત જાણી લઈએ.
તમારા એન્ડ્રોઇડ ફોનનો કેમેરા પોતે જ ક્યૂઆર કોડ સ્કેન કરી શકતો હોય એવું બની શકે છે, એ સ્કેનિંગ પણ ઝડપથી કરશે.
એ યાદ રાખવા જેવું છે કે ક્યૂઆર કોડ ડાયનેમિક પ્રકારના પણ હોઈ શકે છે. એટલે કે તેની સાથે સંકળાયેલી લિંક પાછળથી બદલી શકાય છે.

આઇફોનમાં કેમેરાથી
- તમારા આઇફોનમાં કેમેરા એપ ઓપન કરો અને પેમેન્ટ સિવાયના કોઈ પણ ક્યૂઆર કોડ સામે ધરો.
- સ્ક્રીન પર, એ ક્યૂઆર કોડ જે લિંક માટેનો હશે તે લિંક દેખાશે.
- તેને ક્લિક કરી આગળ વધો!

એન્ડ્રોઇડમાં કેમેરાથી
- હવે ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પણ કેમેરાથી ક્યૂઆર કોડ સ્કેન કરી શકાય છે, પરંતુ બધા એન્ડ્રોઇડમાં આ સગવડ ન પણ મળે (બની શકે કે તમારે કેમેરાના સેટિંગ્સમાં જઈ આ ઓપ્શન ઓન કરવો પડે).
- તમારા ફોનનો કેમેરા આટલો સ્માર્ટ છે કે નહીં તે જાણવાનું સહેલું છે. કેમેરા એપ ઓપન કરો અને પેમેન્ટ સિવાયના કોઈ પણ ક્યૂઆર કોડ સામે પોઇન્ટ કરો.
- તરત સ્ક્રીન પર, એ ક્યૂઆર કોડ જે લિંક માટેનો હશે તે લિંક દેખાશે. ક્લિક કરી આગળ વધો!

ગૂગલની સર્ચ એપથી
- લગભગ તમારા ફોનમાં હોમ સ્ક્રીન પર જ તમે ગૂગલ સર્ચ એપનું વિજેટ ગોઠવ્યું હશે. તેમાંની લેન્સ સર્વિસથી ક્યૂઆર કોડ સ્કેન કરી શકાય.
- લેન્સ આઇકન ક્લિક કરતાં કેમેરા ઓપન થશે.
- કોઈ ક્યૂઆર કોડ સામે તેને પોઇન્ટ કરો.
- તમારે શટર બટન પર ક્લિક કરવું પડશે.
- તરત સ્ક્રીન પર, એ ક્યૂઆર કોડ જે લિંક માટેનો હશે તે લિંક દેખાશે.
- તેને ક્લિક કરી આગળ વધો!
ગૂગલ ક્રોમ બ્રાઉઝર એપથી
- ક્રોમ બ્રાઉઝરમાં પણ સહેલાઈથી ક્યૂઆર કોડ કોડ સ્કેન કરી શકાય છે.
- અહીંથી આપણે કોઈ પણ વેબ એડ્રેસ માટે ક્યૂઆર કોડ જનરેટ પણ કરી શકીએ છીએ. પછી તેને ડાઉનલોડ કરી શકાય.

- બંને કામ માટે, ક્રોમ બ્રાઉઝરમાં કોઈ પણ વેબપેજ પર હો ત્યારે શેર બટન પર ક્લિક કરો.
- એ વેબપેજ શેર કરવાના વિવિધ વિકલ્પો ખૂલશે.
- તેમાં નીચેની તરફ, સ્ક્રીનશોટ લેવાના, લિંક કોપી કરવાના વગેરે વિકલ્પો જોવા મળશે. આ લિસ્ટને ડાબી તરફ સ્વાઇપ કરતાં, આગળ ક્યૂઆર કોડનો વિકલ્પ મળશે.

- તેને ક્લિક કરતાં, પહેલાં ‘શેર’ ટેબમાં આપણે જે વેબપેજ પર હોઈએ તેનો ક્યૂઆર કોડ જોવા મળશે (તેને ડાઉનલોડ પણ કરી શકાય).

- બીજા ‘સ્કેન’ ટેબમાં જતાં, આપણે જે વેબપેજ પર હોઈએ તેની સાથે કોઈ લેવાદેવા નહીં રહે, પણ કેમેરા ઓપન થશે.
- પેમેન્ટ હેતુ સિવાયના કોઈ પણ ક્યૂઆર કોડ સામે તેને પોઇન્ટ કરો, કશું કર્યા વિના, તરત જ એ ક્યૂઆર કોડ જે વેબસાઇટનો હશે તે સાઇટ બ્રાઉઝરમાં ઓપન થઈ જશે!
સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં પણ ક્યૂઆર કોડ સ્કેન કરવાની સગવડ સામેલ છે. ત્યાંથી ક્યૂઆર કોડ જનરેટ પણ કરી શકાય.
પેમેન્ટ માટેના ક્યૂઆર કોડ તો તમે સહેલાઈથી સ્કેન કરતા હશો, એમાંની અમુક એપ અન્ય ક્યૂઆર કોડ સ્કેન કરવાની સગવડ પણ આપતી હોય છે, જોકે ક્યૂઆર કોડ સ્કેન કરવાની જુદી જુદી ઘણી રીત આપણે માટે ઉપલબ્ધ છે. પેમેન્ટ અને અન્ય હેતુને અલગ રાખીએ તો સારું, તમને જે સૌથી વધુ અનુકૂળ હોય તે અપનાવી લો!

