આપણા પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીએ ત્યારે તેમાં મેઇન ફીડ, સ્ટોરીઝ, રીલ્સ, એક્સપ્લોર પેજ વગેરે જગ્યાએ આપણને વિવિધ પ્રકારનું કન્ટેન્ટ દેખાય છે.
અન્ય તમામ સોશિયલ મીડિયાની જેમ જો આપણે ઇન્સ્ટાગ્રામ પર પ્રમાણમાં સારા એવા એક્ટિવ હોઇએ અને આપણે ઘણા બધા યૂઝર્સ, બિઝનેસ કે ટોપિક્સને ફોલો કરતા હોઇએ અને એ સૌ નિયમિત રીતે ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય તો આપણા સ્માર્ટફોનમાં આપણી નજરમાં આવવા માટે પાર વગરનું કન્ટેન્ટ રેડી હોય.

ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ કેવી રીતે નક્કી કરે કે આમાંથી ક્યું કન્ટેન્ટ આપણને પહેલાં બતાવવું? દરેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ જ લાખ રૂપિયાનો સવાલ હોય છે. એ સવાલનો જવાબ મેળવવા માટે સોશિયલ મીડિયા સાઇટ પોતપોતાની રીતે ‘અલ્ગોરિધમ’ તરીકે ઓળખાતી પાર વગરની ગણતરીઓ કરે છે. આપણને ક્યું કન્ટેન્ટ બતાવવું તે બાબત નક્કી કરવા માટે ઘણી બાબતો ધ્યાન પર લેવામાં આવે છે.
મોટા ભાગની સોશિયલ સાઇટ્સની જેમ ઇન્સ્ટાગ્રામ પણ આ વિશે અત્યાર સુધી ખાસ કોઈ ફોડ પાડતી નહોતી. પરંતુ હવે ધીમે ધીમે કંપની આ બાબત પરથી પડદો ઊંચકી રહી છે.

કંપની કહે છે કે આપણને ક્યું કન્ટેન્ટ પહેલાં બતાવવું તે નક્કી કરવા માટે કંપની વધુમાં વધુ જાણકારી આપણી પાસેથી જ મેળવે છે.
જેમ કે ઇન્સ્ટાગ્રામ એપમાં સૌથી ઉપર જે સ્ટોરીઝ જોવા મળે છે તે નક્કી કરવા માટે ઇન્સ્ટાગ્રામ એ વાત ધ્યાન પર લે છે કે,
- આપણે અન્ય એકાઉન્ટના અપડેટ્સ કેટલી વાર તપાસીએ છીએ.
- તેની સાથે કેટલા પ્રમાણમાં ઇન્ટરએક્ટ કરીએ છીએ.
- તેમને કેટલી વાર ડાયરેક્ટ મેસેજ મોકલીએ છીએ.
- તેમની સ્ટોરીને કેટલીક વાર લાઇક કરીએ છીએ.
કોઈ એકાઉન્ટ આપણા નજીકના મિત્ર કે સંબંધીનું હોય તો તેમની સ્ટોરી બતાવતી વખતે એ વાત પણ ધ્યાને લેવામાં આવે છે.
એવું જ રીલ્સનું છે. આપણે કઈ બાબતો લાઇક, સેવ, શેર કરી છે એ બાબતો ધ્યાનમાં લઈને ઇન્સ્ટાગ્રામ નક્કી કરશે કે આપણને કોની રીલ જોવામાં વધુ રસ પડશે.
ઇન્સ્ટાગ્રામ કહે છે કે આપણે જે વીડિયો ફોરવર્ડ કરવાની વધુમાં વધુ શક્યતા હોય કે આખે આખો જોઇએ તેમ જ તેને લાઇક કરીએ તેવી શક્યતા હોય એ રીલ આપણને આગળ ધરીને બતાવવામાં આવે છે.
આ ઉપરાંત બીજી પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં લીધા પછી ઇન્સ્ટાગ્રામ નક્કી કરે છે કે આપણને ક્યું કન્ટેન્ટ જોવામાં વધુ રસ પડશે. આમ ઇન્સ્ટાગ્રામ વિવિધ કન્ટેન્ટ બતાવતી વખતે આપણી પોતાની એક્ટિવિટીને ઘણું મહત્ત્વ આપે છે અને તે ઉપરાંત આપણને કેટલાક કંટ્રોલ પણ આપે છે જેમ કે ઇન્સ્ટાગ્રામ પર આપણે કોઈ કન્ટેન્ટ જોતા હોઇએ ત્યારે કોઈ કન્ટેન્ટ વધુ પ્રમાણમાં જોવું કે નહીં તે આપણે નક્કી કરી શકીએ છીએ.

