પિન્ટરેસ્ટમાં બોર્ડનો કનસેપ્ટ સમજતા પહેલાં આખે આખું પિન્ટરેસ્ટ શું છે તેની થોડી વાત કરી લઇએ (‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૨ અને જુલાઈ ૨૦૨૦ અંકમાં તેની વિગતવાર વાત કરી છે).

પિન્ટરેસ્ટ લાંબા સમયથી એક અલગ પ્રકારના, મજાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે વિકસી રહ્યું છે. આ પ્લેટફોર્મને સમગ્ર ‘ઇન્ટરનેટના દર્પણ’ જેવું કહી શકાય, કેમ કે તે એક ઇન્સ્ટાગ્રામની જેમ વિઝ્યુઅલ પ્લેટફોર્મ છે.
- અહીં આપણે આખા ઇન્ટરનેટ પરના વિવિધ કન્ટેન્ટને તેની ઇમેજથી જોઈ શકીએ છીએ.
- પિન્ટરેસ્ટ પર લોકો પોતે જાતે ક્રિએટ કરેલ ઇમેજ કે વીડિયો શેર કરી શકે છે, તેમજ ઇન્ટરનેટ પર વિવિધ જગ્યાએ તેમને જે કોઈ ઇમેજ સારી લાગે તેને ક્લિક કરીને પિન્ટરેસ્ટ પર શેર કરી શકે છે.
- પિન્ટરેસ્ટ પર શેર કરવામાં આવેલા આ બધા કન્ટેન્ટને ‘પિન’ કહેવામાં આવે છે.
- પિન્ટરેસ્ટના યૂઝર તરીકે આપણે પિન્ટરેસ્ટ પર જઇએ ત્યારે બધું કન્ટેન્ટ વિવિધ ઇમેજ અને નાના વીડિયોની ‘પિન’ તરીકે જોઈ શકીએ છીએ.
- પિન્ટરેસ્ટ પર સૌથી વધુ મહત્ત્વ વિઝ્યુઅલનું છે. આથી તે શેર કરનાર કોણ છે તેના તરફ આપણું ધ્યાન ઓછું જાય તેવું પણ બને.
- પિન્ટરેસ્ટ પર જે કોઈ ઇમેજ કે વીડિયો હોય તેને ક્લિક કરીને આપણે તેની મૂળ વેબસાઇટ સુધી પહોંચી શકીએ છીએ.

આગળ કહ્યું તેમ પિન્ટરેસ્ટ ઇન્ટરનેટના દર્પણ સમાન હોવાથી અહીં તમને જે વિષયમાં રસ હોય તેનું પાર વગરનું કન્ટેન્ટ મળી શકે છે, જેમ કે…
- અનેક પ્રકારની રેસિપી
- બ્યૂટી ટિપ્સ
- ઇન્ટરનેટ સંબંધિત ટિપ્સ
- કોડિંગ શીખવતી સાઇટ્સ
- વેબસાઇટનાં ટેમ્પલેટ્સ
- અંગ્રેજી ભાષાની બારીક ખૂબીઓ સમજાવતા ઇન્ફોગ્રાફિક વગેરે…
- આમ પિન્ટરેસ્ટ વૈવિધ્યનો કોઈ પાર નથી.
હવે વાત કરીએ પિન્ટરેસ્ટમાં બોર્ડની
જેમ વોટ્સએપમાં આપણા પર આવતા જુદા જુદા મેસેજિસમાંથી ઘણું બધું સાચવી લેવાનું આપણને મન થતું હોય છે એવું પિન્ટરેસ્ટ પર વધુ પ્રમાણમાં થઈ શકે છે.
પિન્ટરેસ્ટની ખરેખર મજા જ એ છે કે આપણે તેમાં હોમપેજ પર વિવિધ પિન્સ જોઈએ કે કોઈ ચોક્કસ બાબત સર્ચ કરીને તેને લગતી પિન્સ જોઈએ ત્યારે એ પિન્સને સાચવી લઇએ, જેથી ભવિષ્યમાં જ્યારે મન થાય ત્યારે તેને ફરીથી જોઈ શકીએ.

આ માટે કામ લાગે છે ‘બોર્ડ’.
- પિન્ટરેસ્ટમાં આપણે કોઈ પણ પિન પર ક્લિક કરીને તેના પેજ પર પહોંચીએ ત્યારે તેમાં સેવ બટન જોવા મળે છે.
- તેને ક્લિક કરતાં એ પિન માટે કોઈ બોર્ડ ક્રિએટ કરવાનો વિકલ્પ મળે છે.
- પિન્ટરેસ્ટ પર આપણને જે કંઈ કન્ટેન્ટ દેખાય છે તે બધું જ આવાં વિવિધ બોર્ડમાં સચવાયેલું હોય છે.
- આપણે વિવિધ વિષય મુજબ બોર્ડ બનાવી શકીએ છીએ.
- આવાં બોર્ડને પોતાની મરજી મુજબ પબ્લિક કે પ્રાઇવેટ રાખી શકીએ છીએ.
- જે લોકો પોતાના બોર્ડને પબ્લિક રાખે તેમનું કન્ટેન્ટ આપણે પિન્ટરેસ્ટ પર જોઈ શકીએ છીએ.
- આપણે વિષય મુજબ બોર્ડમાં પેટા સેકશન પણ બનાવી શકીએ છીએ. જેમ કે વિવિધ રેસિપીનું એક બોર્ડ બનાવ્યું હોય તો તેમાં સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનિઝ વગેરે ડિશની પિન માટે મૂળ રેસિપી બોર્ડની અંદર પેટા સેકશન બનાવી શકાય.

પિન્ટરેસ્ટ પર અનેક પ્રકારનું, રસપ્રદ કન્ટેન્ટ મળી શકે છે. તમે તેને વારંવાર સર્ચ કરીને તમારી પસંદગીના વિષય મુજબ બોર્ડમાં સેવ કરતા જશો તો તમને ગમતા વિષયના કન્ટેન્ટનું જબરદસ્ત ભાથું તૈયાર થશે!
