(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કેવી રીતે કરાય?

આગળના લેખમાં, ફેસબુક ‘ઓથેન્ટિકેટર એપના ઉપયોગનો આગ્રહ રાખશે’ એવી વાત કરી, પણ તમે ઓથેન્ટિકેટર એપના ઉપયોગ બાબતે જ ગૂંચવણ અનુભવો છો? તેનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ જાણીએ.

આપણે વિવિધ એકાઉન્ટ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ, પછી તે માટેનો ઓટીપી જુદી જુદી ઘણી રીતે મેળવી શકીએ છીએ. જેમ કે, પોતાના રજિસ્ટર્ડ મોબાઇલમાં વોઇસ કોલથી, એસએમએસથી તથા લોગઇન કરવા માગો છો કે નહીં તેવા પ્રોમ્પટથી. આ ઉપરાંત પોતાના મોબાઇલમાં એક ખાસ પ્રકારની ઓથેન્ટિકેટર એપ ઇન્સ્ટોલ કરીને તેમાં પણ ઓટીપી મેળવી શકાય.

જુદી જુદી કંપનીઓ આપણા ઓનલાઇન એકાઉન્ટને સલામત બનાવવા માટે ઓથેન્ટિકેટર એપની સગવડ આપે છે. આમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ મોખરે છે. આપણે સૌ એન્ડ્રોઇડ મોબાઇલને પ્રતાપે ગૂગલમાં એકાઉન્ટ ધરાવતા હોવાથી અહીં તેની ઓથેન્ટિકેટર એપની વાત કરીએ.

આ ઓથેન્ટિકેટર એપ ભલે ગૂગલની હોય, આપણે તેમાં ગૂગલની વિવિધ સર્વિસ ઉપરાંત ફેસબુક, ટ્વીટર વગેરે ઘણા એકાઉન્ટને કનેક્ટ કરીને તેમાં લોગઇન થવા માટેના ઓટીપી મેળવી શકીએ.

આ એપની ખાસિયત એ છે કે ફોન ઇન્ટરનેટ કનેકશન ન હોય તો પણ તેમાં ઓટીપી મેળવી શકાય છે. પોતાના ફોનમાં ઓથેન્ટિકેટર ઇન્સ્ટોલ કર્યા પછી આપણે જે એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન માટે ઓટીપી મેળવવા માગતા હોઇએ તે એકાઉન્ટને કનેક્ટ કરવાનું રહે છે. આ વિધિ એક જ વાર કરવાની હોય છે. એ પછી આપણી ઓથેન્ટિકેટર એપમાં એ સર્વિસ માટેનો ઓટીપી દર ૩૦ સેકન્ડે બદલાતો રહે છે.

(1) સૌથી પહેલાં તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં ગૂગલ ઓથેન્ટિકેટર એપ (Google Authenticator Google LLC) ઇન્સ્ટોલ કરી લો. તમે ઇચ્છો તો આ જ હેતુ માટે માઇક્રોસોફ્ટ ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ પણ કરી શકો. બંનેમાં જુદાં જુદાં એકાઉન્ટ કનેક્ટ કરવાની વિધિ લગભગ એક સરખી છે.

(2) ગૂગલ ઓથેન્ટિકેટર એપ ઓપન કરી, ‘ગેટ સ્ટાર્ડેટ’ બટન પર ક્લિક કરતાં, તેમાં આપણું પહેલું એકાઉન્ટ સેટ અપ કરવા કહેવામાં આવશે. તેના બે રસ્તા છે. બંનેમાંથી ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રસ્તો સહેલો હોવાથી તે પસંદ કરો (એપ કેમેરા એક્સેસ કરવાની મંજૂરી માગશે).

(3) હવે આ તબક્કે, ટુ-સ્ટેપ-વેરિફિકેશનની સગવડ આપતી કોઈ પણ સર્વિસ (ગૂગલની અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે કોઈ પણ)માં એકાઉન્ટના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘સિક્યોરિટી’ સેક્શનમાં ‘ટુ-ફેક્ટર વેરિફિકેશન’ ઓન કરો. તેમાં સેકન્ડ ફેક્ટર તરીકે, ‘ઓથેન્ટિકેટર એપ’ પસંદ કરો.

(4) ધારો કે આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને વધુ સલામત બનાવવું છે અને તેમાં સેટિંગ્સમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી, ઓથેન્ટિકેટર એપનો રસ્તો પસંદ કર્યો છે. હવે ઇન્સ્ટાની સર્વિસ એક ક્યૂઆર કોડ બતાવશે, જે આપણે ફોનમાંની ગૂગલ ઓથેન્ટિકેટર એપથી સ્કેન કરવાનો છે (ચિંતા કરશો નહીં, આ વિધિ ફક્ત એક વાર કરવાની છે!).

(5) કોડ સ્કેન કરતાં ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ અને ફોનમાંની ઓથેન્ટિકેટર એપ ‘કનેક્ટ’ થશે. ટેક્નોલોજીની મજા જુઓ, વાસ્તવમાં બંને એકાઉન્ટ કનેક્ટ થતાં નથી, ફક્ત બંનેમાં એક સરખા ઓટીપી જનરેટ થવા લાગે છે, જે દર ૩૦ સેકન્ડે બદલાય છે! એટલે ફોનમાં નેટ કનેક્શન ઓન ન હોય ત્યારેય એપમાંનો ઓટીપી આપતાં લોગઇન થઈ શકાય છે.


(6) હવે તમે જ્યારે પણ કોઈ ડિવાઇસમાં ઇન્સ્ટાગ્રામમાં લોગઇન થશો ત્યારે પાસવર્ડ ઉપરાંત ઓથેન્ટિકેટર એપમાં આવેલો ઓટીપી પૂછવામાં આવશે. આપણે એ એપ ઓપન કરી, તેમાં દેખાતો જે તે સમયનો ઓટીપી ઇન્સ્ટાગ્રામની સાઇટ પર આપીશું. જો ઇન્સ્ટાના સર્વર પરનો ઓટીપી અને આપણો ઓટીપી મેચ થશે તો આપણે લોગઇન થઈ જશું!

જે કોઈ ઓનલાઇન સર્વિસમાં આપણા એકાઉન્ટને સલામત બનાવવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ મળતી હોય,  તેનો લાભ લેવા માટે અત્યાર સુધી જે કોઈ અલગ અલગ રસ્તા ઉપલબ્ધ છે, તેમાં ઓથેન્ટિકેટર એપ સૌથી વધુ સલામત અને સગવડભરી માનવામાં આવે છે.

જો આપણે એસએમએસ દ્વારા ઓટીપી મેળવતા હોઇએ તો તેમાં સિમકાર્ડ સ્વેપ થવાનું જોખમ હોય છે. અન્ય રીતોમાં પણ આપણો ઓટીપી બીજી કોઈ વ્યક્તિ આંતરી જાય તેવું શક્ય છે, પરંતુ ઓથેન્ટિકેટર એપમાં એવી કોઈ શક્યતા રહેતી નથી.

મુશ્કેલી એ છે કે અત્યાર સુધી આવી એપ ફક્ત જે તે ડિવાઇસ પૂરતી સીમિત રહેતી હતી. આથી આપણે પોતાના ફોનમાં ઓથેન્ટિકેટર એપ ઇન્સ્ટોલ કરીએ અને તેમાં વિવિધ સર્વિસને કનેક્ટ કરીએ એ પછી જો ફોન ખોવાઈ જાય તો મુશ્કેલી સર્જાય. ફોન લોક્ડ હોવાથી અજાણી વ્યક્તિ આપણી ઓથેન્ટિકેટર એપમાંના ઓટીપી સુધી પહોંચી ન શકે પરંતુ આપણે માટે પણ ફોન ખોવાયો હોવાથી ઓટીપી સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ જાય!

ગૂગલની ઓથેન્ટિકેટર એપ ૧૩ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. છેક ત્યારથી લોકો આ એપમાંના આપણા ડેટા પોતાના ગૂગલ ક્લાઉડ એકાઉન્ટમાં સિંક થઈ શકે તેવી સગવડ માગતા હતા. આખરે ગૂગલે આ વાત સાંભળી છે અને ગયા મહિનાથી ઓથેન્ટિકેટર એપમાં એવી સગવડ ઉમેરાઈ ગઈ છે. આ નવી સગવડને કારણે આપણે ઓથેન્ટિકેટર એપમાં જે જે એકાઉન્ટ કનેક્ટ કર્યાં હોય તેનો બધો ડેટા ગૂગલ ક્લાઉડમાંના પોતાના એકાઉન્ટમાં સિંક્ડ રાખી શકાય છે.

આથી આપણો ફોન ખોવાઈ જાય તો આપણે સહેલાઈથી બીજા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરીને તેમાં બધો ડેટા પરત મેળવી શકીએ છીએ. આ સર્વિસ રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. તમને ન દેખાય તો એપને અપડેટ કરી જુઓ. એ પછી પણ એકાઉન્ટ બેકઅપની સગવડ ન દેખાય તો તમારે થોડી રાહ જોવી પડશે.

ઓથેન્ટિકેટર એપમાંનો ડેટા ગૂગલ એકાઉન્ટમાં સિંક્ડ કરવાની ગૂગલે સગવડ આપી, પરંતુ તેમાં અત્યારે એન્ડ-ટુ એન્ડ-એન્ક્રિપ્શનની સગવડ નથી!  આનો અર્થ એ થયો કે આપણાં જુદાં જુદાં ડિવાઇસ વચ્ચે ઓથેન્ટિકેટર એપનો ડેટા સિંક્ડ થાય ત્યારે તથા ગૂગલ ક્લાઉડમાં સચવાઈ રહે ત્યારે એ ડેટા વચ્ચેથી કોઈ આંતરી શકે છે કે જોઈ શકે છે! કેટલાકને લાગે છે કે આ ગંભીર ખામી છે, જ્યારે કેટલાકને લાગે છે કે આ વધુ પડતી ચિંતા કરવા જેવી વાત છે કેમ કે એપમાંના ઓટીપી દર ૩૦ સેકન્ડે બદલાઈ જતા હોય છે.

ગૂગલ પોતે કહે છે કે ઓથેન્ટિકેટર એપના ડેટાને જુદા  જુદા ડિવાઇસમાં સિંક્ડ રાખવાનો હેતુ એટલો જ છે કે લોકો પોતાના એકાઉન્ટને વધુ સહેલાઈથી સલામત રાખી શકે. જો ડેટા એનક્રિપ્ટેડ રાખવામાં આવે અને જો યૂઝર પોતે તેની પ્રોટેકશન કી ભૂલી જાય તો એ પોતાનો ડેટા હંમેશ માટે ગુમાવી બેસે એવું થઈ શકે છે. જોકે ગૂગલે ધરપત આપી છે કે ટૂંક સમયમાં એકાઉન્ટ સિંકિંગમાં એન્ક્રિપ્શનની સગવડ આપશે. હાલમાં આપણે આ સગવડનો લાભ લીધા વિના પણ ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરી શકીએ છીએ.

એ પણ ધ્યાન આપશો જો તમે એકથી વધુ મોબાઈલમાં ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરતા હો અને તેમાં સિંકની નવી સગવડનો લાભ લેવા જાઓ તો ગૂગલની સિસ્ટમ ગરબડ કરી શકે છે. કેમ કે જુદા જુદા ડિવાઇસમાં આપણું એકાઉન્ટ ભલે એક હોય પરંતુ તેમાંનો ડેટા અલગ અલગ હોી શકે છે. એ બધું ક્લાઉડમાં એક એકાઉન્ટમાં સિંક્ડ થતી વખતે ગોટાળા થઈ શકે છે. આથી ફક્ત કોઈ એક ડિવાઇસમાં ઓથેન્ટિકેટર એપ રાખી,બાકીના ડિવાઇસમાંથી આ એપ ડીલિટ કરી, મેઇન ડિવાઇસમાંથી એકાઉન્ટ સિંક કરીને પછી અન્ય ડિવાઇસમાં તેનો ઉપયોગ કરો એ વધુ સારું રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!