
હવે તમારા અડોશીપડોશી કે સગાસંબંધીઓમાંથી કોઈ તમને ઉત્સાહપૂર્વક કહેવા લાગ્યા હશે કે ‘‘આ વખતે લેહ-લદાખ કે યુરોપની ટુરનું પ્લાનિંગ અમે ચેટજીપીટી પર કર્યું!’’ એ સાંભળીને કદાચ તમને પણ આ ચેટજીપીટીના જિન સાથે વાત કરવાની ચટપટી થઈ આવતી હશે.
ચેટજીપીટી ચેટબોટે લાંબા સમયથી લોકોમાં ખાસ્સી ઉત્સુકતા અને ઘણે અંશે ડર કે આશંકા જગાવ્યાં છે.
એક તરફ આ સર્વિસ ઘણી બધી બાબતો જાણવાનું કે લખવાનું કામ એકદમ સહેલું બનાવી દે છે. બીજી તરફ આ સર્વિસ લોકોને એટલી પાવરફુલ લાગી રહી છે કે તેનાથી ઘણા પ્રકારના લોકોની નોકરી જવાનો ડર પણ સૌને સતાવી રહ્યો છે.
ત્રીજી તરફ, ખાસ કરીને માઇક્રોસોફ્ટ અને ગૂગલે તેની વિવિધ સર્વિસમાં આ ટેક્નોલોજી બહુ ઝડપભેર ઉમેરવાનું શરૂ કર્યું છે.
તમને પણ ચેટજીપીટીની ટ્રાય કરવાની ચટપટી થાય છે? આ કામ હવે ખાસ્સું સહેલું બનવા લાગ્યું છે. માઇક્રોસોફ્ટ કંપનીએ તેની વિવિધ સર્વિસમાં આ ચેટબોટ સાથે ચેટિંગ ઉમેરી દીધું છે – ફક્ત માઇક્રોસોફ્ટ એકાઉન્ટ જોઈએ. એ સિવાય, થોડી ટેકનિકલ ખટપટ કરી શકતા હો તો એપલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં પણ તેનો ઉપયોગ શક્ય છે!
આ એવી ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ અત્યારથી સમજી લેવામાં સાર છે. તેના ઉપયોગમાં આપણે પાછળ રહી જઈએ તે હવે ચાલે તેમ નથી – યંગ જનરેશને તો તેના વિશે જાણવું જ રહ્યું.
તમને પણ ચેટજીપીટી વિશે ઉત્સુકતા હોય અને તેની અજમાયશ કરવા ઇચ્છતા હો તો તેના સતત નવા નવા રસ્તાઓ ખૂલી રહ્યા છે. નીચે કેટલાક તદ્દન સહેલા (ફક્ત માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ જોઈશે) અને કેટલાક થોડા અટપટા રસ્તાઓ આપ્યા છે.
તમારા સ્કિલ લેવલ મુજબ આગળ વધશો તો મજા પડશે!
ચેટજીપીટી ચેટબોટ સાથે વાત કરવાનો સૌથી સહેલો રસ્તો, પીસી/એન્ડ્રોઇડ/આઇફોનમાં બ્રાઉઝરમાં ચેટજીપીટીની વેબસાઇટ (https://chat.openai.com/) પર જવાનો છે. તમે અહીં પોતાનું એકાઉન્ટ ખોલાવીને સીધા ચેટજીપીટી સાથે ચર્ચાનો દોર ચલાવી શકો છો.

‘સાયબરસફર’માં અગાઉ આપણે વિગતવાર વાત કરી છે તેમ અહીં તમે ચેટબોટને કંઈ પણ પૂછી શકો છો. આ વેકેશનમાં તમે બે દિવસ માટે ઉદયપુર કે ૧૦ દિવસ માટે સ્વિટ્ઝર્લેન્ડ જવા માગતા હો તો એ દિવસમાં જે તે સ્થળની જોવાલાયક જગ્યાઓ કેવી રીતે કવર કરવી તેનું દિવસ-સમયવાર આયોજન પણ ચેટજીપીટી કરી આપશે.
અહીં તમાારું ફ્રી એકાઉન્ટ થોડું મર્યાદિત રહેશે અને સાઇટ પર ટ્રાફિક વધુ રહેતો હોય ત્યારે ચેટબોટના જવાબ મળવામાં મોડું થઈ શકે છે.

તમારા આઇફોનમાં સિરિમાં જ ચેટજીપીટી સર્વિસ ઉમેરી દેવી છે? અત્યાર સુધી આપણે પોતાના આઇફોનમાં ‘હેય સિરિ’ કહીને એપલના વોઇસ આસિસ્ટન્ટ સાથે વાતચીત કરતા આવ્યા છીએ. કંઈક એ જ રીતે હવે ‘હેય સિરિ, લોન્ચ સિરિજીપીટી’ કહીને ચેટજીપીટી સાથે વાત કરી શકાય છે!
અલબત્ત આ માટેની વિધિ થોડી અટપટી છે. તમારે https://platform.openai.com/overview પર જઈ, રજિસ્ટ્રેશન કરી, તમારા પ્રોફાઇલમાં જઈને એક સિક્રેટ એપીઆઇ કી જનરેટ કરવી પડશે. તેને આઇફોનમાં શોર્ટકટ એપમાં પેસ્ટ કરવી પડશે. આ પછી તમારા આઇફોનમાં થોડી પરમિશન્સ આપવી પડશે. આમ તો શોર્ટકટની મદદથી જુદી જુદી ઘણી રીતે ચેટજીપીટીને લોન્ચ કરી શકાય, પણ સિરિ એક સહેલો, હાથવગો રસ્તો છે.

થોડી ટેકનિકલ બાબતોમાં ઊંડા ઊતરવું તમને ગમે છે? તો તમે તમારી વોટ્સએપ, ઇનસ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર વગેરે એપમાં પણ ચેટજીપીટી ઇન્ટિગ્રેટ કરી શકો છો. આ માટેની જુદી જુદી પદ્ધતિઓ માર્કેટમાં આવી ગઈ છે. એક રસ્તો ‘ઓટોરિસ્પોન્ડર’ નામની સર્વિસ (https://www.autoresponder.ai/)નો ઉપયોગ કરવાનો છે.
પહેલાં, તમે ઇચ્છો તે સર્વિસ – વોટ્સએપ, મેસેન્જર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે માટે ઓટોરિસ્પોન્ડરની એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવી જોઈશે.
એ પછી ઉપર આઇફોન માટે લખ્યું છે તેમ ઓપનએઆઇના પ્લેટફોર્મમાં જઈ તમારે એક સિક્રેટ એપીઆઇ કી જનરેટ કરવાની થશે. આ કીને ઓટોરીસ્પોન્ડરમાં ઉમેરી તેમાં ચેટજીપીની સુવિધા મેળવી શકાશે.

માઇક્રોસોફ્ટે તેની લગભગ દરેક પ્રોડક્ટમાં ચેટજીપીટીની સુવિધા ઉમેરી છે. તમે પોતાના એન્ડ્રોઇડ કે એપલ ડિવાઇસમાં માઇક્રોસોફ્ટની ‘સ્ટાર્ટ ન્યૂઝ એન્ડ મોર’ એપ ઇન્સ્ટોલ કરી શકો છો.
કંપનીએ આ એપમાં પણ ચેટજીપીટી સર્વિસ ઇન્ટિગ્રેટ કરી દીધી છે. એપ ઓપન કર્યા પછી નીચેના બારમાં બિંગ લોગો ક્લિક કરી ચેટજીપીટી સાથે વાતચીત કરી શકાય છે. યાદ રાખશો કે આ બધી રીતે ચેટજીપીટનો ઉપયોગ કરતી વખતે માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ જરૂરી છે!

માઇક્રોસોફ્ટ કંપનીએ તેના બિંગ સર્ચ એન્જિનમાં લાંબા સમયથી ચેટજીપીટી ઇન્ટિગ્રેટ કરેલ છે. આ કારણે આપણે પોતાના ફોનમાં બિંગ એપ ઇન્સ્ટોલ કરીને તેમાં ચેટજીપીટીનો ઉપયોગ કરી શકીએ છીએ.
માઇક્રોસોફ્ટની બધી સર્વિસની જેમ અહીં પણ આપણે ત્રણ કેટેગરીમાં ચેટજીપીટી સાથે વાત કરી શકીએ છીએ ઃ (૧) મોર ક્રિએટિવ, (૨) મોર બેલેન્સ્ડ, (૩) મોર પ્રીસાઇઝ.
એટલે કે આપણી પસંદગી અનુસાર ચેટજીપીટી વધુ છૂટછાટ સાથે, સંતુલિત રહીને અથવા શક્ય એટલા સચોટ જવાબ આપવાનો પ્રયાસ કરે છે.

તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં ઇચ્છો ત્યારે ચેટજીપીના ‘જિન’ સાથે વાત કરવી છે? આ ‘જિન’ હવે તમારા ફોનના કીબોર્ડમાં જ ઉમેરી શકો છો! માઇક્રસોફ્ટ કંપનીએ એન્ડ્રોઇડ/આઇઓએસ માટેની તેની પોપ્યુલર સ્વિફ્ટકી કીબોર્ડ એપમાં જ એઆઇ ચેટની સુવિધા ઉમેરી દીધી છે (આ બાબતે માઇક્રોસોફ્ટ કંપની રીતસર ગૂગલ સાથે જંગે ચઢી છે). આનો અર્થ એ થયો કે હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે આઇફોનમાં કોઈ પણ એપમાં, કંઈ પણ ટાઇપ કરતી વખતે આપણે એઆઇ ચેટની મદદ લઈ શકીએ છીએ. આ માટે આપણે ગૂગલ પ્લેસ્ટોરમાંથી સ્વિફ્ટ કી કી-બોર્ડનું બિટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.
આ સુવિધા પહેલાં એન્ડ્રોઇડ યૂઝર્સને મળી અને હવે તે આઇફોન માટેની સ્વિફ્ટકી એપમાં પણ ઉમેરાઈ ગઈ છે.
આમ જુઓ તો જે રીતે જીબોર્ડ કીબોર્ડ એપમાં ગૂગલનું સર્ચ એન્જિન છે, એ જ રીતે સ્વિફ્ટકી કીબોર્ડ એપમાં માઇક્રોસોફ્ટે પોતાનું બિંગ સર્ચ એન્જિન ઉમેર્યું છે અને બિંગમાં ચેટજીપીટીની સુવિધા ઉમેરાયેલી જ છે.
જોકે યાદ રાખશો કે અત્યારે આ સુવિધા સ્વિફ્ટકીની બીટા એપમાં છે તથા તેમાં તમારે પોતાના માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ-ઇન કરવું પડશે.

