સામાન્ય રીતે ઇન્ટરનેટ પર જે કોઈ બાબત ખાસ્સી પોપ્યુલર હોય તેનો ઉપયોગ કરવામાં જોખમ પણ વધુ હોય છે. સ્માર્ટફોનની રીતે જોઇએ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, વેબસાઇટની રીતે જોઇએ તો વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર બનેલી વેબસાઇટ, સોશિયલ મીડિયાની રીતે જોઇએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે બધા પર યૂઝર્સની જોરદાર ભીડ હોવાને કારણે હેકર તેને પોતાનું નિશાન બનાવતા હોય છે. આવી જ એક વધુ જોખમી બાબત છે યુટ્યૂબ. આપણે સૌ જુદા જુદા અનેક પ્રકારના વીડિયો જોવા માટે યુટ્યૂબનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. યુટ્યૂબનો દર મહિને લગભગ ૨.૫ અબજ લોકો ઉપયોગ કરે છે.

આમ જુઓ તો સરેરાશ યૂઝર્સે યુટ્યૂબમાં વીડિયો જોવા અને ક્યારેક તેના પર કમેન્ટ કરવા સિવાય બીજી કોઈ એક્ટિવિટી કરવાની હોતી નથી. તેમ છતાં યુટ્યૂબની મદદથી હેકિંગ કે છેતરપિંડી કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને હમણાં હમણાંથી યુ્ટ્યૂબ પર આપણી વિગતો ચોરવા માટેના ફિશિંગના પ્રયાસો વધી રહ્યા છે. હમણાં જે એક ટ્રિકનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે તેમાં હેકર વિવિધ યૂઝર્સને બહુ મોટા પાયે યુટ્યૂબ પરથી આવ્યો હોય તેવા મેઇલ્સ મોકલે છે. આ મેઇલ no-reply@youtube.com પરથી આવ્યા હોય એવું દર્શાવવામાં આવે છે. આવા મેઇલ્સમાં કહેવામાં આવે છે કે યુ્ટ્યૂબ પ્લેટફોર્મે નવા રૂલ્સ અને પોલિસી અપનાવી છે અને આપણે તેને એક્સેપ્ટ કરવી જરૂરી છે.
આ મેઇલમાં નવા નિયમો વિશે એક ‘ઓફિશિયલ’ ડોક્યુમેન્ટ એટેચ કરવામાં આવેલ હોય છે. ઇમેઇલમાં આપણને સાત દિવસમાં આ ડોક્યુમેન્ટ રિવ્યૂ કરીને રિપ્લાય મોકલવા કહેવામાં આવે છે. એમ ન કરવામાં આવે તો યુટ્યૂબની એક્સેસ બંધ થઈ જવાનો ડર બતાવવામાં આવે છે.
યુટ્યૂબ કંપનીએ પોતે પણ આવી છેતરપિંડી વિશે પોતાના ટ્વીટર હેન્ડલ પર લોકોને ચેતવ્યા છે.
આમ તો આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ પ્રકારના ઇમેઇલનું નિશાન યુટ્યૂબ પર એક્ટિવ કન્ટેન્ટ ક્રિએટર્સ હોય છે અને તેમને વીડિયો ચેનલમાંથી કમાણી અટકી પડવાનો સૌથી વધુ ડર હોય. યુટ્યૂબ પર એક્ટિવ કન્ટેન્ટ ક્રિએટર તેમની કમાણી અટકી જવાની વાત આવે એટલે ઝાઝું વિચાર્યા વગર પેલી લિંક પર ક્લિક કરીને ખોટી જગ્યાએ પોતાની મહત્ત્વપૂર્ણ વિગતો આપી દે એવું થઈ શકે છે.
યુટ્યૂબના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પણ આ સ્કેમ વિશે ચેતવણી આપવામાં આવી છે.

