(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મુશ્કેલ સમયે કામ લાગતું ફોનમાંનું એક ખાસ બટન!

રોજિંદા જીવનમાં સ્માર્ટફોન આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે, આફત કે મુશ્કેલીના સમયમાં પણ!

આપણાં બધાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ, મોલ, થિયેટર, મેટ્રો ટ્રેન વગેરેમાં આગનો સામનો કરવા માટેનાં સાધનો હોય છે. ખરેખર આગ લાગે ત્યારે તમારા જ બિલ્ડિંગમાં રોજ દેખાતા ને ધૂળ ખાતા એ અગ્નિશામક સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો, એ તમે જાણો છો? એ જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે? જે વસ્તુ નજર સામે છે ને જીવન બચાવી શકે તેમ છે, તેના વિશે આપણે આટલા બેપરવા હોઈ શકીએ તો એટલી જ મહત્ત્વની છતાં બિલકુલ ન દેખાતી બાબતની પરવા તો ક્યાંથી કરીએ?!

આવી બાબત એટલે આપણા સ્માર્ટફોન ને સાદા ફોનમાંનું ‘પેનિક’ બટન.

આપણને તો સ્માર્ટફોન ફટાફટ અનલોક કરી તેમાં વીડિયો, ગેમ કે સોશિયલ મીડિયા સુધી પહોંચવાની ઉતાવળ હોય છે, એટલે ફોન અનલોક કરતી વખતે પિન નાખવા માટે કીપેડ ખૂલે ત્યારે તેમાં દેખાતા ‘ઇમર્જન્સી કોલ’ બટન તરફ આપણું ધ્યાન લગભગ જતું નથી. કોઈ વાર આ બટન પર ક્લિક કરી જુઓ. ઘણું નવું જાણવા મળશે. એ ઉપરાંત, જો તમારો ફોન વર્ષ ૨૦૧૭ પછી ખરીદેલો હશે તો તેમાં ફોનનું પાવર બટન જ ઇમર્જન્સીમાં કામ લાગતું બટન છે, જે ‘પેનિક’ બટન તરીકે ઓળખાય છે!

વિચાર અને અમલ, બંને રીતે આ વ્યવસ્થા બિરદાવવા જેવી અને સમજવા જેવી છે.

અણધારી પરિસ્થિતિમાં આપણને તાત્કાલિક મદદની જરૂર હોય ત્યારે પેનિક બટન મદદ મોકલી શકે છે. પાવર બટન ત્રણ વાર પ્રેસ કરતાં પોલીસ, આપણા પોતાના કુટુંબી કે સાવ અજાણ્યા સ્વયંસેવકો પણ આપણી મદદે આવી શકે છે. અજાણ્યા સ્વયંસેવકોવાળી વાત વિચારની રીતે ઘણી સારી છે, પણ તેના વિશેની જાગૃતિ ઓછી હોય તેવું લાગે છે.

કોઈ વાર સ્માર્ટફોનમાં પિન આપી આગળ વધી જવાને બદલે લોક સ્ક્રીન પર દેખાતા ‘ઇમર્જન્સી કોલ’ બટન પર ક્લિક કરી જુઓ. અહીંથી તમે ઇમર્જન્સી નંબર ૧૧૨ પર કોલ કરી શકો છો – ફોન લોક્ડ હોય તો પણ. સાદા ફોનમાં ૫ અથવા ૯ કી લાંબો સમય પ્રેસ કરીને આ કોલ થઈ શકે. ફોનમાં મોબાઇલ નેટવર્ક ન પકડાતું ન હોય તો પણ ૧૧૨ પર ઇમર્જન્સી કોલ થઈ શકે છે!

કેવી રીતે? ઇમર્જન્સી નંબર પર કોલ કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે આપણી મોબાઇલ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ ન હોય પરંતુ બીજી કોઈ કંપનીનાં સિગ્નલ મળતાં હોય તો એ કંપની ૧૧૨ નંબર પરનો કોલ જોડી આપે છે – પછી ભલે આપણે તે કંપનીના ગ્રાહક ન હોઈએ.

ભારત સરકારે વર્ષ ૨૦૧૬થી સમગ્ર ભારતમાં તમામ પ્રકારની ઇમર્જન્સી સેવાઓ માટે ફક્ત એક નંબર લાગુ કર્યો છે – ૧૧૨. મોબાઇલ નેટવર્ક વગર પણ આ નંબર પર કોલ થઈ શકે એ આ વ્યવસ્થાની ફક્ત એક વિશેષતા છે.

એવી તો બીજી ઘણી ખાસિયત તેમાં છે!

ઇમર્જન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ

વાસ્તવમાં આ નંબર સાથે ભારત સરકારે ઇમર્જન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસએસ) નામે એક વિસ્તૃત વ્યવસ્થા વિકસાવી છે (https://112.gov.in/ અથવા https://erss.in/). આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોઈએ અને મદદની જરૂર હોય ત્યારે આ વ્યવસ્થા આપણે માટે ખરા અર્થમાં હાથવગી હોય છે.

આ વ્યવસ્થા હેઠળ, જો આપણે પોતાનો સ્માર્ટફોન ૨૦૧૭ પછી ખરીદ્યો હોય તો તેમાં પાવર બટન સતત ત્રણ વાર પ્રેસ કરવાથી ૧૧૨ને કોલ લાગી જાય છે. આગળ બતાવ્યા મુજબ ફોનના લોક સ્ક્રીન પર ઇમર્જન્સી કોલ ફીચરમાં તમે થોડા ઊંડા ઊતરો તો તેમાં ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ ઉમેરી શકો છો.


પાવર બટન ત્રણ વાર પ્રેસ કરવાથી ૧૧૨ ઉપરાંત, આપણે આ રીતે પહેલેથી નક્કી કરેલા લોકોને કોલ તથા મેસેજ જાય છે અને તેમને આપણું લોકેશન પણ શેર થાય છે (ફક્ત તપાસવા ખાતર આ ટ્રાય ન કરશો, આ વ્યવસ્થા પર આમ પણ રોજના અનેક બિનજરૂરી કોલ્સનું ભારણ રહે છે).

કટોકટીમાં મદદ કરતી વ્યવસ્થા

ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયાકાંડ સર્જાયો એ પછી એવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે વિવિધ પગલાં લેવા સરકારે વિશેષ ફંડની ફાળવણી કરી હતી. તેમાંથી સમગ્ર ભારતને આવરી લેતી ઇઆરએસએસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેની હેઠળ દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક ખાસ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

આપણે પોતાના ફોનમાંથી ૧૧૨ નંબર પર મદદ માટે સંપર્ક કરીએ ત્યારે આ સેન્ટરને આપણું લોકેશન પણ મળી જાય છે (એ માટે લોકેશન એક્સેસની પહેલેથી મંજૂરી આપવી જરૂરી છે). આ પછી ખોટો કોલ નથી, તેની ખાતરી કરીને સેન્ટર આપણા લોકેશનથી સૌથી નજીકના પોલીસ સ્ટેશન કે પીસીઆર વાનનો કોન્ટેક્ટ કરે છે અને બનતી ઝડપે આપણને મદદ પહોંચાડે છે.

એપ પણ ઇન્સ્ટોલ કરી જુઓ

તમે ઇચ્છો તો એન્ડ્રોઇડ કે એપલ આઇફોનમાં ૧૧૨ એપ પણ ડાઉનલોડ કરી શકો છો (112 India MHA, Govt of India). એપમાં મોબાઇલ નંબર તથા અન્ય વિગતો સાથે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એપમાં પણ આપણે ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ ઉમેરી શકીએ છીએ.

એ પછી એપનો ઉપયોગ બિલકુલ સિમ્પલ છે. એપ ઓપન કરતાં નકશા પર આપણા લોકેશન સાથે ૧૧૨નું બટન તથા નીચે પોલીસ, ફાયર, મેડિકલ તથા ડિઝાસ્ટરનાં ચાર બટન જોવા મળે છે.

મુશ્કેલ સ્થિતિમાં મદદ મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં પાવર બટન ત્રણ વાર દબાવતાં ૧૧૨ પર કોલ જશે, તમારું લોકેશન પણ શેર થશે અને જરૂર મુજબ પોલીસ મદદે પહોંચી જશે – જોકે ફક્ત ટ્રાય માટે કોલ ન કરશો!

આ પાંચેય બટન સિંગલ-ક્લિક આધારિત છે. એટલે કે તેને સ્પર્શ કરતાંવેંત ૧૧૨ને કોલ તથા લોકેશન શેરિંગ જેવી બાબતો એક્ટિવેટ થઈ જાય છે. તમે ભૂલથી કે કુતૂહલથી આમાંનું કોઈ બટન ક્લિક કરો તો પછી કોલ કેન્સલ કરી શકાતો નથી. ફક્ત આપણે સલામત હોવાનું દર્શાવતું એક બટન જોવા મળે છે, તેને ક્લિક કરવાથી આપણી સલામતી માટેનાં આગલાં પગલાં લેવામાં કોઈનો સમય વેડફાતો નથી.

એપની વિશેષતા

૧૧૨ વ્યવસ્થાનો સંપર્ક આ એપ વિના પણ થઈ શકે છે. પરંતુ એપ અન્ય એક ખાસ કારણસર બહુ મહત્ત્વની છે. તમે ઇચ્છો તો આ એપ દ્વારા સમગ્ર ભારતની ઇમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં સ્વયંસેવક તરીકે જોડાઈ શકો છો (કેવાયસી પ્રક્રિયા પૂરી કરીને આપણી પૂરતી ઓળખ આપવી પડે છે). એ પછી જ્યારે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ માટે ૧૧૨ નો સંપર્ક કરે અને તેનું લોકેશન આપણી નજીકનું હોય તો આપણને પણ તેનો એલર્ટ મળે છે.

આ સ્થિતિમાં પોલીસ પહેલાં સ્વયંસેવક મદદ માટે પહોંચી શકે છે! આ પણ એક પ્રકારનું સોશિયલ નેટવર્કિંગ થયું અને સમાજને બહુ ઉપયોગી નેટવર્કિંગ, પરંતુ આ અદભુત વિચાર વિશે લોકોમાં પૂરતી જાગૃતિ હોય તેવું લાગતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!