આગળ શું વાંચશો?
- લોન એપ્સ પર અંકુશ
- ફોન બંધ હશે તો પણ શોધી શકાશે
- ઓટીટીમાં એક નવી સગવડ
- ભારતમાં ક્વોન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે નવા મિશનની રચના
ભારતમાં – મોટા ભાગે ચાઇનીઝ મૂળ ધરાવતી – પર્સનલ લોન એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને કોરોનાના સમયગાળામાં લોકો નાણાભીડ અનુભવતા હતા ત્યારથી આવી એપ્સનો રાફડો ફાટ્યો છે. આવી એપ્સ અપૂરતા ડોક્યુમેન્ટ્સના આધારે ધડાધડ લોન આપી દે છે.

આવી એપ્સમાં એકાઉન્ટ ખોલાવતી વખતે લોકો એ સમજતા નથી કે તેઓ જુદી જુદી ઘણી રીતે પોતાનાં કાંડાં કાપીને આપી રહ્યા છે. આ પ્રકારની એપ્સ ઇન્સ્ટોલ કરતી વખતે તે યૂઝર્સ પાસેથી જે પરમિશન્સ માગે છે તેમાં યૂઝરના કોન્ટેક્ટ્સ, ફોટોઝ સહિત વિવિધ બાબતો એક્સેસ કરવાની મંજૂરી સામેલ હોય છે. લોન મેળવવા ઉતાવળા થયેલા લોકો, આ બાબતોની એપ્સને શી જરૂર છે એ વિચારતા નથી. પછી લોન ભરપાઈ કરવામાં થોડું પણ મોડું થાય તો એપ્સ આકરી ઉઘરાણી શરૂ કરે છે.
ઘણા કિસ્સાઓમાં વ્યક્તિના અન્ય કોન્ટેક્ટ્સને કોલ કરીને લોનની ભરપાઈ કરાવવા દબાણ કરવામાં આવે છે, તો ઘણા કિસ્સામાં લોન મેળવનારાના ફોનમાંથી તેના ફોટોગ્રાફ મેળવી, તેમાં ચેડા કરીને, વ્યક્તિને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવે છે. લોન એપ્સના વધુ પડતા દબાણને કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી હોવાના કિસ્સા પણ નોંધાયા છે.
હવે આ દૂષણ થોડું ઘટશે એવી આશા જાગી છે. ગૂગલે લોન આપતી એપ્સ યૂઝર્સ પાસેથી કઈ કઈ મંજૂરીઓ માગી શકે તેના પર નવાં નિયંત્રણો મૂક્યાં છે. ગૂગલ પ્લે સ્ટોરમાં, એપ્સ માટેની પર્સનલ લોન્સ માટેની પોલિસીમાં થયેલા સુધારા મુજબ, હવે આવી એપ્સ યૂઝરની એક્સટર્નલ સ્ટોરેજ, ફોટોઝ, વીડિયો, કોન્ટેક્ટ્સ, ચોક્કસ લોકેશન, કોલ લોગ્સ વગેરેની એક્સેસ માગી શકશે નહીં.
આ નવી પોલિસીનો મે ૩૧થી અમલ શરૂ થશે.
અગાઉ આપણે ‘સાયબરસફર’માં વાત કરી ગયા છીએ કે આપણો સ્માર્ટફોન ખોવાય તો ગૂગલની ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ સર્વિસની મદદથી, બીજા કોઈ પણ ડિવાઇસમાં લોગઇન થઈને ફોન ક્યાં પડ્યો છે તે મેપ પર શોધી શકાય છે.એટલું જ નહીં દૂર બેઠા આપણે ફોન લોક કરી શકીએ તથા અનિવાર્ય હોય તો ફોનમાંનો તમામ ડેટા ઇરેઝ પણ કરી શકીએ છીએ.
આ સગવડ સારી છે પરંતુ તેમાં સૌથી મોટી શરત એ છે કે ફોન ખોવાયા પછી તે ઓન રહેવો જોઇએ તથા તેમાં ઇન્ટરનેટ કનેકશન પણ ઓન હોવું જોઇએ. હવે એવી શક્યતા ઊભી થઈ છે કે આ સ્થિતિ બદલાશે. ગૂગલ તેના ફાઇન્ડ માય ડિવાઇસ ફીચરમાં નવો ફેરફાર લાવી રહી છે. તે મુજબ ફોન ઓફ હશે તો પણ આપણે તેને શોધી શકીશું. ફોન ઓફ હોય ત્યારે પણ તેમાંનું બ્લૂટૂથ હાર્ડવેર ઓન રહી શકે છે અને ફાઇન્ડ માય ડિવાઇસ ફીચર આ બાબતનો લાભ ઉઠાવીને ફોન બંધ હોય તો પણ શોધી આપશે.
અલબત્ત એ માટે ફોનમાં બ્લૂૂટૂથ મોડ્યુલ સતત ઓન રહેવું જરૂરી છે. હાલમાં બધા એન્ડ્રોઇડ ફોનમાં આવી સગવડ નથી. એ પણ નોંધવા જેવું છે કે એપલના આઇફોનમાં આવી સગવડ લાંબા સમયથી આવી ગઈ છે.
ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર, ખાસ કરીને ઇંગ્લિશ મૂવીઝ કે ટીવી શો જોતી વખતે તમારો અનુભવ હશે કે એક્ટર્સના ઉચ્ચારો સમજવામાં આપણને મુશ્કેલી થતી હોય છે. મૂળ ઇંગ્લિશ જ સમજવાની ગરબડ હોય, એમાં અમેરિકન કે અન્ય એક્સેન્ટ ઉમેરાય અને ભારે બેગ્રાઉન્ડ મ્યુઝિક પણ હોય! એ બધું મળીને સરવાળે એવી સ્થિતિ ઊભી થાય કે આપણે સ્ક્રીન પર સબટાઇટલ્સ ઓન રાખવાં પડે. સ્ક્રીન પર એકટર્સ જે કંઈ બોલતા હોય એ બધું જ જોતાં જોતાં, મૂવીમાં શું ચાલી રહ્યું છે તે સમજવા માટે સબટાઇટલ્સ પર પણ સતત નજર ફેરવવી પડે એ કારણે મૂવી જોવાની મજા ઘટી જાય.

સારી વાત એ છે કે આપણી આ મુશ્કેલી ઓટીટી પ્લેટફોર્મ પણ સમજી રહ્યાં છે. એમેઝોન પર પ્રાઇમ વીડિયો પ્લેટફોર્મમાં આપણી તકલીફ ઓછી કરતું એક ફીચર આવી રહ્યું છે. ‘ડાયલોગ બૂસ્ટ’ તરીકે ઓળખાતા આ ફીચરને કારણે મૂવીઝમાં એકટર દ્વારા બોલાતા ડાયલોગનું વોલ્યૂમ વધારી દેવામાં આવશે અને બાકીના સાઉન્ડ્સનું વોલ્યૂમ યથાવત જાળવી શકાશે.
મજા એ છે કે આ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે આથી ફ્લેટ રીતે તમામ ડાયલોગનું વોલ્યૂમ વધારવાને બદલે જ્યાં જ્યાં અન્ય સાઉન્ડને કારણે ડાયલોગ સાંભળવા-સમજવામાં મુશ્કેલી પડે તેમ હોય ફક્ત ત્યાં જ તેનું વોલ્યૂમ બૂસ્ટ કરવામાં આવશે. એમેઝોન પ્રાઇમ વીડિયો પ્લેટફોર્મ પર આ ફીચર રોલઆઉટ થવા લાગ્યું છે. અલબત્ત હાલમાં તે માત્ર અમુક મૂવી કે શો માટે ઉપલબ્ધ છે.
ભારત સરકારે ભારતમાં ક્વોન્ટમ ટેકનોલોજીની ડેવલપમેન્ટ માટે નેશનલ ક્વોન્ટમ મિશનની રચનાને મંજૂરી આપી છે. આ મિશન માટે આવતા આઠ વર્ષમાં કુલ રૂ. ૬,૦૦૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. હાલમાં યુએસ, ચીન, ફ્રાંસ, ઓસ્ટ્રિયા અને ફિનલેન્ડ આ દિશામાં ખાસ્સી પ્રગતિ કરી ચૂક્યા છે. ભારત પણ એમની હરોળમાં આવી જશે.

ક્વોન્ટમ ટેકનોલોજી એ ફિઝિક્સ, એન્જિનીયરિંગ અને ક્વોન્ટમ મિકેનિક્સ આધારિત ટેકનોલોજી છે. અત્યારે દુનિયાભરમાં ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ, ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી તથા ક્વોન્ટમ સેન્સિંગ જેવા આધુનિક કન્સેપ્ટ્સ ક્વોન્ટમ ટેકનોલોજીની આધારે વિકસી રહ્યા છે. આપણે સૌ હાલમાં જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરીએ છીએ તે ટ્રાન્ઝિસ્ટર આધારિત છે પરંતુ ક્વોન્ટમ કમ્પ્યૂટર્સ એટમ પર આધારિત હોય છે.
આ પ્રકારના ક્વોન્ટમ કમ્પ્યૂટર વર્તમાન કમ્પ્યૂટરના સિદ્ધાંતો કરતાં બિલકુલ અલગ ટેકનોલોજી પર કામ કરે છે અને હાલના કમ્પ્યૂટર કરતાં અનેકગણી વધુ ઝડપે કામ કરી શકે છે.
આપણે ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૧૯ અંકમાં ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ વિશે વિગતવાર વાત કરી છે.
