
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ વગેરે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એક ખાસિયત અથવા તકલીફ હોય છે – આવી કોઈ પણ સાઇટ કે એપ આપણે એક વાર ઓપન કરીએ એ પછી તેમાં વાંચવા જેવું, જોવા જેવું કે અન્ય લોકો સાથે ઇન્ટરેક્ટ કરવા જેવું એટલું બધું હોય કે તેમાં આપણો કેટલો બધો સમય વીતી જાય એ કહેવું મુશ્કેલ!
આમ તો, આવી બધી જ સોશિયલ મીડિયા સાઇટ્સને તેનો યૂઝર સાઇટ પર વધુમાં વધુ સમય ગાળે અને પોતાની પસંદ-નાપસંદ વિશે સાઇટને વધુ ને વધુ માહિતી આપે તેમાં જ રસ હોય. પરંતુ હવે આ કંપનીઓ તેમની સર્વિસના વધુ પડતા ઉપયોગની આડઅસરો વિશે પણ થોડી સભાન થઈ છે.
ઇન્સ્ટાગ્રામમાં ઉમેરાયેલું ‘ક્વાએટ મોડ’ નામનું એક નવું ફીચર આ જ કારણે મહત્ત્વનું છે. હાલમાં આ ફીચર માત્ર યુએસ, યુકે, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ થયું છે, પણ ટૂંક સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં લોન્ચ થવાની શક્યતા છે.

આપણને આ ફીચર મળી જાય તે પછી ઇન્સ્ટાગ્રામ એપમાં આપણે ક્વાએટ મોડ ઇનેબલ કરીએ તે પછી તેને બંધ ન કરીએ ત્યાં સુધી આપણને ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ નોટિફિકેશન મળશે નહીં.
નોટિફિકેશન બંધ કરવાનું કામ સ્માર્ટફોનના જનરલ સેટિંગ્સથી પણ કરી શકીએ, પરંતુ ક્વાએટ મોડ તેનાથી એક ડગલું આગળ વધે છે.
તેમાં અન્ય યૂઝર્સને પણ જાણ થશે કે આપણે હાલમાં ઇન્સ્ટાગ્રામ તરફથી એટલે કે તેના પરના આપણા ફ્રેન્ડઝ અને ફોલોઅર્સ તરફથી કોઈ ખલેલ ઇચ્છતા નથી.
તેમ છતાં એ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ આપણને ડાયરેક્ટ મેસેજ મોકલે તો પણ ઇન્સ્ટાગ્રામ તેમને ઓટોમેટિક રિપ્લાય મોકલીને જણાવશે કે હાલમાં આપણે ક્વાએટ મોડમાં છીએ, તરત જવાબ આપીશું નહીં.
ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે તેની એપ પર સતત એક્ટિવ રહેતા ટીનેજર્સને ધ્યાનમાં રાખીને આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી તેઓ અભ્યાસ કરી રહ્યા હોય કે રાત્રે ઊંઘવા જાય ત્યારે આ ફીચરની મદદથી ઇન્સ્ટાગ્રામથી થોડા દૂર રહી શકે.
આમાં મૂળ મુદ્દો જે તે યૂઝરના વિલપાવર એટલે કે મક્કમ મનોબળનો છે, પરંતુ એ ઓછો પડતો હોય ત્યારે આવો મોડ કદાચ કામ કરી જાય.
ક્વાએટ મોડ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં વધુ પ્રમાણમાં પેરેન્ટલ કંટ્રોલ પણ આવી રહ્યા છે.

