
પર્સનલ કમ્પ્યૂટરના માર્કેટમાં રસપ્રદ ઊંચનીચ જોવા મળે છે. એક સમયે ડેસ્કટોપ પીસીનો દબદબો હતો. પછી લેપટોપ આવ્યાં. પછી લોકો સ્માર્ટફોન/ટેબલેટથી કામ ચલાવવા લાગ્યા. પછી સમજાયું કે આ બધાં સાધનો સર્ફિંગ માટે સારાં, તેનાથી સારી રીતે કામ થઈ શકતું નથી. કન્ટેન્ટ જનરેટ કરવા માટે તો પીસી જ જોઈએ, આથી ફરી લેપટોપની ડિમાન્ટ વધી.
સ્ટૂડન્ટ્સ અને ઓફિસ એક્ઝિક્યુટિવ્સ બંનેને હવે લેપટોપ વગર ચાલતું નથી, તેની કિંમત જોતાં એ લાંબું ચાલવાં પણ જોઈએ. નવા સમયનાં લેપટોપ લાઇટવેઇટ અને ડેલિકેટ બન્યાં છે, એ જ કારણે તેના હેન્ડલિંગમાં સંભાળ જરૂરી બની છે.
રોજબરોજના અભ્યાસ અને ઓફિસ વર્કમાં કમ્પ્યૂટર ઘણા સમયથી અનિવાર્ય હતું. એમાં પણ કોરોના પછીની દુનિયામાં ગમે ત્યારે ગમે ત્યાંથી કામ કરવાનું ચલણ વધતાં લેપટોપનો ઉપયોગ વધ્યો છે.
ઇન્ટરનેટ પરનું કન્ટેન્ટ ફક્ત કન્ઝયુમ કરવાનું હોય તો ત્યારે સ્માર્ટફોનથી કામ ચાલી જાય પરંતુ જ્યારે કન્ટેન્ટ જનરેટ કરવાનું હોય ત્યારે લેપટોપ ઘણું સગવડભર્યું બને. એ કારણે હવે લગભગ દરેક કોલેજ સ્ટુડન્ટ અને ઓફિસ એક્ઝિક્યુટિવ માટે લેપટોપનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે.
ડેસ્કટોપની સરખામણીમાં લેપટોપની આવરદા ઓછી હોય છે, રફ હેન્ડલિંગથી તે હજી વધુ ઘટી શકે છે.
તકલીફ એ છે કે લેપટોપની આવરદા ડેસ્કટોપ કરતાં ઓછી હોય છે. નવા સમયનાં લેપટોપ ખાસ્સાં ડેલિકેટ પણ હોય છે. તેમ છતાં તેના રોજબરોજના ઉપયોગમાં નાની નાની બાબતોની કાળજી રાખીને આપણે લેપટોપની આવરદા વધારી શકીએ.
અત્યારે ફક્ત લેપટોપના હાર્ડવેર પર ફોકસ કરીએ, સોફ્ટવેરની વાત આગળ ઉપર ક્યારેક!

લેપટોપને ગમે ત્યારે ખોળામાં રાખીને કામ કરી શકાય એ માટે જ ડિઝાઇન થયેલું સાધન છે અને એટલે જ તેનું નામ લેપટોપ છે! પરંતુ તેમાં હીટ વેન્ટિલેશનની કાળજી ન લઇએ તો તેની આવરદા ઝડપથી ઘટી શકે છે.
લેપટોપને ઓશિકા પર કે બ્લેન્કેટ પર મૂકીને અથવા પુસ્તકોના ઢગ પર મૂકીને કામ કરવા જતાં તેમાંથી ગરમી નીકળવાના રસ્તા બ્લોક થવાની શક્યતા છે.
ટેબલની ફ્લેટ સરફેસ પર મૂકીએ તો પણ, ઘણા લેપટોપમાં ઉપર કે સાઇડમાં વેન્ટિલેશન હોવાને બદલે નીચેના ભાગમાં હોય છે. આથી ટેબલ જેવી સપાટ સરફેસ પર લેપટોપને મૂકીએ તો પણ તેને હિંજિસના ભાગેથી ઊંચું રાખવું જરૂરી છે. શક્ય હોય તો ટચૂકડા ફેન સાથેનું લેપટોપ સ્ટેન્ડ વસાવી લેવું સૌથી હિતાવહ છે.
લેપટોપમાં પેદા થતી ગરમીના વેન્ટિલેશન માટે પૂરતી સગવડ ન હોય તો લેપટોપ અચાનક ઠપ થઈ શકે છે. તેને વેન્ટિલેશન આપવું અનિવાર્ય છે.
જો લેપટોપને ઠંડું રાખતાં ફેનનો અવાજ વધવા લાગે તો એ લેપટોપ સામાન્ય કરતાં ગરમ થતું હોવાનો સ્પષ્ટ સંકેત છે. વેન્ટિલેશનમાં અવરોધ ઉપરાંત હાર્ડવેર-સોફ્ટવેર જેને હેન્ડલ કરી શકે તેમ ન હોય તેવા ગેમિંગ કે અન્ય સોફ્ટવેરનો ઉપયોગ પણ લેપટોપને ભારે પડી શકે છે.

સ્ટોરેજ માટે હવે મોટા ભાગના લેપટોપમાં નવી ટેકનોલોજીની સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) હોય છે. તેમાં અગાઉની જૂની હાર્ડ ડિસ્ક જેવા કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. આથી લેપટોપના થોડા રફ એન્ડ ટફ હેન્ડલિંગ પછી પણ એસએસડીને નુકસાન થવાની સંભાવના ઓછી છે. પરંતુ જો તમારું લેપટોપ જૂનું હોય કે પ્રમાણમાં ઓછી કિંમતનું હોય તો તેમાં મિકેનિકલ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) હોવાની પૂરી શક્યતા છે.
લેપટોપમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ પ્રકારની સ્ટોરેજ ડિસ્ક હોય તો ચિંતા ઓછી છે, છતાં ચાલુ લેપટોપને એક જગ્યાએથી બીજે લઈ જવાનું ટાળવા જેવું ખરું.
આવા લેપટોપ આપણે વિવિધ પ્રોગ્રામ ઓપન કર્યા હોય ત્યારે તેમાં હાર્ડ ડિસ્ક પર વિવિધ પાર્ટ મૂવ થવાનું પણ ચાલુ હોય છે. આથી ચાલુ લેપટોપને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઇએ ત્યારે તેમાં હાર્ડ ડિસ્કના પાર્ટ્સ એકબીજા સાથે વધુ પ્રમાણમાં ઘસાવાની શક્યતા રહે છે, જે હાર્ડ ડિસ્કને તથા આપણા ડેટાને પણ નુકસાન કરી શકે છે.
તમારા લેપટોપમાં એચડીડી હોય કે એસએસડી, લેપટોપને હંમેશા કાળજીપૂર્વક હેન્ડલ કરવું મહત્ત્વનું છે. બંને ત્યાં સુધી લેપટોપ ચાલુ હોય ત્યારે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું ટાળીએ તો સારું.

લેપટોપને હેન્ડલ કરવાની અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની વાત નીકળી છે તો તેને કેવી રીતે ઉપાડવું તેની પણ વાત કરી લઈએ! અગાઉનાં લેપટોપ ભારેખમ હતાં પરંતુ હવે તે ખાસ્સાં હળવાં બની ગયાં છે. આથી તેને એક હાથે બહુ સહેલાઈથી ઉપાડી શકાય, પરંતુ જ્યારે લેપટોપનો સ્ક્રીન ઓપન હોય ત્યારે તેને ક્યારેય એક હાથે ઉપાડવું ન જોઇએ.
તમે લેપટોપનો સ્ક્રીન કેવી રીતે ઓપન કરો છો? એ પછી લેપટોપને કેવી રીતે ઉપાડો છો? જો તમારી રીત યોગ્ય નહીં હોય તો હિંજિસને નુક્સાન થશે.
ઘણા લોકોને તો લેપટોપને સ્ક્રીનના ભાગેથી ઉપાડવાની પણ આદત હોય છે! આમાં લેપટોપની હિંજિસને તથા સ્ક્રીન પર અંગૂઠાનું દબાણ આવવાથી લેપટોપને બેવડું નુકસાન થવાની સંભાવના રહે છે. એ જ રીતે લેપટોપનો સ્ક્રીન ઓપન કરતી વખતે કે તેનો એંગલ એડજસ્ટ કરતી વખતે ઘણા લોકો સ્ક્રીનને ફક્ત એક બાજુએથી પકડીને ઓપન કરે કે એડજસ્ટ કરતા હોય છે.
આમ કરવાથી પણ લેપટોપના સ્ક્રીન અને મેઇન પાર્ટને જોડતી હિંજિસ પર દબાણ આવે છે. લેપટોપને ઓપન કરતી વખતે હંમેશાં એક હાથે મેઇન પાર્ટ પર દબાણ આપી, બીજા હાથેથી સ્ક્રીનને બરાબર વચ્ચેથી ઓપન કરવાની ટેવ કેળવવા જેવી છે.

લેપટોપ બન્યાં છે જ એ માટે કે આપણે તેને સતત સાથે રાખી શકીએ. અમુક લેપટોપ ખાસ્સાં મજબૂત, સ્ટર્ડી હોય છે, પરંતુ હવે મોટા ભાગનાં લેપટોપ એકદમ નાજુક, ડેલિકેટ હોય છે.
કાયમ કારમાં કે પ્લેનમાં ફરતા એક્ઝિક્યુટિવ માટે આવાં લેપટોપ સારાં, પરંતુ લૂઝ બેગમાં લેપટોપ નાખીને બસમાં મુસાફરી કરતા કે સ્કૂટર, બાઇક પર લેપટોપ લઈ જતા સ્ટુડન્ટ માટે આ જ કારણે પોતાના લેપટોપની વધુ કાળજી લેવી જરૂરી બની જાય છે.
હવેનાં લેપટોપ ખાસ્સાં હળવાં ને નાજુક હોય છે. તેમની હેરફેર સહેલી બની છે, પરંતુ બેગમાં પૂરતું પેડિંગ ન હોય તો આવા લેપટોપને જલદી નુકસાન થઈ શકે.
લેપટોપની આવરદા વધારવા માટે હંમેશા સારી અને યોગ્ય રીતે પેડિંગ ધરાવતી લેપટોપ બેગનો ઉપયોગ થવો જોઇએ. સારી લેપટોપ બેગમાં પણ નીચેની તરફ પૂરતું કુશનિંગ કે પેડિંગ ન હોય તો ત્યાં મોટા નેપકીનની ગડી વાળીને મૂકી રાખવાથી, લેપટોપ બેગ ગમે ત્યાં નીચે મૂકીએ ત્યારે સીધો લેપટોપને થડકો લાગવાની શક્યતા ઘટશે. ક્યારેક લેપટોપ બેગનો પટ્ટો અણધાર્યો તૂટે અને લેપટોપ સાથે બેગ નીચે પછડાય તો પણ લેપટોપને નુકસાન ન થાય એટલું પેડિંગ તેમાં હોવું જોઈએ.

અગાઉ લેપટોપમાં પણ માઉસની જરૂર રહેતી. હવે લેપટોપના ટચપેડ ખાસ્સાં સ્માર્ટ બની ગયાં હોવાથી એવી જરૂર રહેતી નથી (‘સાયબરસફર’માં અગાઉ આપણે ટચપેડનાં સ્માર્ટ જેસ્ચર્સની વાત કરી હતી). પરંતુ એ કારણે લેપટોપના ટચપેડ પર ભાર વધ્યો છે. તેમ, અમુક લેપટોપનાં કીબોર્ડ ખાસ્સાં સ્ટર્ડી હોય છે, પરંતુ હવે મોટા ભાગના લેપટોપમાં ખાસ પ્રકારની ‘ચીકલેટ’ કી ધરાવતાં કીબોર્ડ હોય છે. આવા કીબોર્ડ પર ટાઇપિંગ ખાસ્સું સ્મૂધ અને ફાસ્ટ બની શકે છે, પરંતુ તેની કી ખાસ્સી ડેલિકેટ હોય છે.
નવાં લેપટોપના કીબોર્ડની કી એકદમ ડેલિકેટ હોય છે. તેનાથી ટાઇપિંગ સરસ રીતે થાય, પણ કી બહાર નીકળી આવવાની શક્યતા પણ ખરી.
છેડાની કી પર આંગળીનું સતત ત્રાંસું પ્રેશર આવતું હોય તો આવી કી બહાર નીકળી આવવાની શક્યતા રહે છે. તેને કાળજીપૂર્વક પાછી બેસાડી શકાય પરંતુ એ રીતે કીબોર્ડને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. આથી જ્યારે પણ ઘરમાં લેપટોપનો ઉપયોગ કરવાનો થતો હોય અને તેને ટેબલ પર રાખી શકાતું હોય તો તેની સાથે એકસ્ટ્રા કીબોર્ડ-માઉસ કનેક્ટ કરીને તેનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. પાણી કે ચાનો કપ લેપટોપના મોટા દુશ્મન છે એ યાદ અપાવવાની જરૂર ખરી?!

લેપટોપ બેટરી પર ચાલતાં હોવાથી તેને સતત પાવરપ્લગ્ડ રાખવા પડતાં નથી, પરંતુ તેમાં બેટરી ખરેખર કેટલું ચાલશે તેનો બધો આધાર તેની બેટરી અને પ્રોસેસરની ક્ષમતા તથા આપણો ઉપયોગ કેટલો હેવી છે તેના પર રહે છે. આથી લેપટોપ સાથે સતત પાવર એડેપ્ટરની જરૂર રહે જ છે.
અગાઉ લેપટોપના એડેપ્ટર ઇંટના કટકા જેવાં ભારેખમ હતાં! તે હવે ઘણાં નાનાં અને હળવાં થયાં છે. ઉપરાંત કેબલ હવે વધુ ને વધુ પાતળા પણ થયા છે.
હવેનાં લેપટોપમાં કેબલ અને એડેપ્ટર પણ ખાસ્સા નાજુક બન્યા છે. કેબલનો યોગ્ય રીતે વીંટો વાળવામાં ન આવે તો તે અંદરથી બ્રેક થવાની ભીતિ રહે છે.
એ કારણે તેનું યોગ્ય હેન્ડલિંગ પણ જરૂરી બની જાય છે. ઘણા લોકોને લેપટોપનો કેબલ આડો અવળો ન રહે તે માટે તેને કોઈ વસ્તુ પર વીંટાળીને રાખવાની ટેવ હોય છે. એમ કરવા જતાં કે કેબલને તેની સાથે કનેક્ટેડ એડેપ્ટર પર જ વીંટાળવાથી પણ કેબલને નુકસાન થવાની શક્યતા રહે છે.
હવે મોટા ભાગના કેબલ સાથે નાનકડી વેલક્રો ટેપ સામેલ હોય છે. એ ન હોય તો અલગથી ખરીદીને પણ તેનાથી કેબલનો હળવો વીંટો વાળવો વધુ યોગ્ય છે. જો ક્યાંકથી દબાશે કે તૂટશે તો કેબલ કરતાં પણ લેપટોપને વધુ નુકસાન થવાની સંભાવના છે!
