
લેખની શરૂઆતમાં એક સ્પષ્ટતા – આ લેખ ફક્ત ટાઇમપાસ સર્ફિંગ માટે નહીં પરંતુ પોતાના બિઝનેસને આગળ લઈ જવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો માટે છે!
તમારો બિઝનેસ હોય, તમે તેના ટોપ મેનેજમેન્ટમાં કે એક્ઝિક્યુટિવ લેવલે હો કે પછી હજી કોલેજમાં હો પણ સ્માર્ટ કરિયર ઘડવા ઉત્સુક હો તો આગળની વાતો જાણવી-સમજવી તમને ગમશે. હા, તમે ઇન્ટરનેટનો મોજ માટે જ ઉપયોગ કરતા હો તો પણ, આગળની વાતોમાંથી તમને કામની વાતો પણ મળશે, ફક્ત તમારે એનો ઉપયોગ જુદી રીતે કરવાનો થશે!
હવે બાજીની ઇમેજ માં આપેલી વિવિધ વેબ સર્વિસના લોગો ઓળખી બતાવો! તમારા બિઝનેસના પ્રકાર અને વ્યાપ મુજબ, તમે આમાંની ઘણી વેબ સર્વિસનો ઉપયોગ કરતા હશો. કેટલીક સર્વિસ કદાચ તમારે માટે અજાણી પણ હોઈ શકે છે.

હવે એ વિચારો કે આપમાંની એક સર્વિસ કે એપમાંનો ડેટા તમારે બીજી સર્વિસમાં લઈ જવાનો થાય છે?
સાવ સાદું ઉદાહરણ લઈએ, તો તમને રોજેરોજ ઢગલાબંદ ઈ-મેઇલ આવતા હશે. જો તમે રોજરોજના કામું યોગ્ય ટુ-ડુ લિસ્ટ બનાવવા માટે કોઈ સારી ટાસ્ક મેનેજમેન્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એપનો ઉપયોગ કરતા હો, તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં આવેલા મેઇલના આધારે, તમે ટાસ્ક મેનેજમેન્ટ એપ ઓપન કરી, તેમાં નવી એન્ટ્રી કરતા હશો.
આવી એન્ટ્રી આપોઆપ થાય તો?
બીજું ઉદાહરણ પણ જોઈએ.
ધારો કે તમે તમારી પ્રોડક્ટ્સ માટે એક નાનો ઓનલાઇન સ્ટોર ચલાવો છો. લોકો તમારી વેબસાઇટ પર આવી ઓર્ડર આપે છે, પેમેન્ટ કરે છે અને ડિલિવરી માટે પોતાનું એડ્રેસ આપે છે. આ બધા માટે તમે તમારી વર્ડપ્રેસ સાઇટ પર વૂકોમર્સ નામના એક પ્લગઇનનો ઉપયોગ કરો છો. હવે તમારે ઓર્ડરની વિગતો માઇક્રોસોફ્ટ એક્સેલમાં પણ જોઈએ છે.
હવેના સમયમાં કોઈ પણ બિઝનેસનું કામકાજ જુદી જુદી અનેક પ્રકારની વેબ સર્વિસમાં વહેચાયેલું હોય છે… સર્વિસ અલગ હોય છે, પણ તેમાંના ડેટાને એકમેક સાથે સાંકળવો જરૂરી હોય છે. આ કામ ઓટોમેટિકલી કરી શકાય.
તમે ધારો તો વૂકોમર્સમાંથી એક-એક ઓર્ડરની વિગતો કોપી કરીને એક્સેલની સ્પ્રેડશીટમાં પેસ્ટ કરી શકો. અથવા, વૂકોમર્સમાંથી નિશ્ચિત તારીખો વચ્ચેના બધા ઓર્ડર એક સાથે સીવીવી ફોર્મેટમાં એક્સ્પોર્ટ કરી શકો. આ પણ આખરે મેન્યૂઅલ એન્ટ્રી થઈ. વૂકોમર્સમાં નવો ઓર્ડર આવે એ આપોઆપ એક્સેલમાં નોંધાય તો?
બિઝનેસના માલિકો, એક્ઝિક્યુટિવ્સ અને સ્માર્ટ કરિયર ઇચ્છતા સ્ટુડન્ટ્સ – સૌએ આ સ્માર્ટ ઇન્ટિગ્રેશન્સ સમજવાં જોઈએ.
હજી ત્રીજું એક ઉદાહરણ લઈએ. તમે સ્માર્ટફોન કેમેરાથી કોઈ ફોટોગ્રાફ કે વીડિયો લીધો. એ તમે ફેસબુક પર શેર કરવા માગો છો? તમે જાતે કશું જ કર્યા વિના, સ્માર્ટફોનથી ફોટો-વીડિયો લેવાય એ તમાારા નિશ્ચિત સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર થાય અથવા તમારી કોઈ ફેવરિટ ક્લાઉટ સર્વિસના એકાઉન્ટમાં બેકઅપ તરીકે અપલોડ થઈ જાય એવું સેટિંગ કરી શકો છો!
આ છે ઓટોમેશન!
હવેના સમયમાં આપણું બધું કામકાજ જુદી જુદી સર્વિસમાં વહેંચાયેલું છે. આ બધી સર્વિસ, આપણી મરજી એકમેક સાથે ‘વાતચીત’ કરે એ પણ જરૂરી હોય છે!
મજા ત્યારે આવે જ્યારે આવી ‘વાતચીત’ ઓટોમેટિક થાય! આપણે ફક્ત એક વાર એક્શનનો ફ્લો નક્કી કરવાનો, એ પછી બધું આપોઆપ થતું રહે અને એ મુજબ જ ચાલતું રહે!
જો તમે જીમેઇલ, ક્લાઉડ સર્વિસ, સોશિયલ મીડિયા, ઈ-મેઇલ માર્કેટિંગ, ક્લાઉડ એકાઉન્ટિંગ, ટાસ્ક, પ્રોજેક્ટ,ટીમ મેનેજમેન્ટ, ઓનલાઇન શોપિંગ, ઓર્ડર-ડિલિવરી મેનેજમેન્ટ વગેરે જાતભાતની સર્વિસનો ઉપયોગ કરતા હો તો બહુ સરસ, ન કરતા હો તો પહેલાં આ બધા પ્રકારની સર્વિસ તમારા બિઝનેસ માટે કઈ રીતે કામની છે એ તપાસી જુઓ. રેફરન્સ માટે નીચેની વિવિધ સર્વિસ તપાસી જુઓ.
બીજું, આમાંની ઘણી સર્વિસનો તમે ઉપયોગ કરતા હો, પણ તેમાં ડેટાની હેરફેર કરવાનાં પગલાં મેન્યુઅલી લેતા હો, તો ભલે તમે આ વેબ સર્વિસીઝનો ઉપયોગ કરતા હો પણ સોરી, તમે બિઝનેસનું સ્માર્ટ મેનેજમેન્ટ કરતા નથી! કેમ કે હવે સમય મેન્યુઅલ મજૂરીનો નહીં, સ્માર્ટ ઓટોમેશનનો છે!
ઇન્ડસ્ટ્રીઝની જેમ બિઝનેસ એક્શન્સમાં પણ ઓટોમેશન
ઓટોમેશન – આજકાલ આ શબ્દ ખાસ્સો સંભળાવા લાગ્યો છે અને આવનારા સમયમાં રીતસર ‘બઝવર્ડ’ બનવાનો છે. થોડા સમય હમણાં આપણે ‘સાયબરસફર’માં કારમાં ઓટોમેશનની વાત કરી હતી. એ રીતે વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં ‘ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ (આઇઆઇઓટી)નો સમય આવી પહોંચ્યો છે. આ ટ્રેન્ડ ‘ઇન્ડસ્ટ્રીઝ ૪.૦’ એટલે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે.

તેમાં વિવિધ પ્રકારની ફેકટરીની પરંપરાગત ઓપરેશનલ મશીનરીને આધુનિક ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે સાંકળવામાં આવે છે અને એ રીતે મેન, મશીન અને કમ્પ્યૂટર્સની એક સાંકળ રચવામાં આવે છે. આ ત્રણેય એકમેકના તાલમેલમાં ડેટા આધારિત નિર્ણયો લે છે. એ કારણે ઉપલબ્ધ રો મટિરિઅલના વધુમાં વધુ સારા ઉપયોગ સાથે, ઓછામાં ઓછા સમયમાં, વધુમાં વધુ તથા બહેતર ગુણવત્તાનું ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેશનનો વ્યાપ વધવા લાગ્યો છે એ જ રીતે બિઝનેસ મેનેજમેન્ટમાં હવે ઓટોમેશન મહત્ત્વપૂર્ણ બન્યું છે.
બિઝનેસ ખાસ્સો મોટો હોય તો ‘એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇઆરપી)’ની મદદ જરૂરી બને, જ્યારે બિઝનેસ નાનો હોય, તો ઓછા એમ્પ્લોઇની મદદથી વધુ સ્માર્ટ રીતે કામ કરવા માટે, બિઝનેસમાં ઉપયોગી વિવિધ એપ્સ અને વેબ સર્વિસીઝનું સ્માર્ટ ઇન્ટિગ્રેશન અને ઓટોમેશન જરૂરી બને. આ ઇન્ટિગ્રેશન શું છે, કેમ કરવું જોઈએ, કેમ કરી શકાય એની વાત કરીએ!
ઓટોમેશન કેમ જરૂરી છે?
સાવ સ્પષ્ટ કારણ એક જ – હવે બિઝનેસનું માર્કેટ અને બિઝનેસ મેનેજ કરતી ટીમ, બધું જ ગ્લોબલ બનવા લાગ્યું છે. આપણે ઇન્ટરનેટની મદદથી દુિનયાભરના લોકોને આપણી પ્રોડક્ટ્સ કે સર્વિસ બતાવી શકીએ છીએ. એ જ રીતે આખી દુનિયામાં વિવિધ ખૂણે, વિવિધ ટાઇમઝોનમાં કામ કરતા લોકો એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય એવું હવે સામાન્ય છે.
આ સ્થિતિમાં, આપણા બિઝનેસને સંબંધિત બધો ડેટા આપણી ફિઝિકલ ઓફિસનાં કમ્પ્યૂટરમાં જ સીમિત રાખવાનું હવે શક્ય નથી.
બીજી તરફ, બિઝનેસની જરૂરિયાત માટે બધા પ્રકારની સર્વિસ આપણે પોતે ડેવલપ કરાવીએ એવું પણ શક્ય નથી. દુનિયાની અનેક કંપનીએ, બીજી કંપનીની જરૂર પૂરી કરે તેવાં સોફ્ટવેર, સર્વિસ વિક્સાવ્યાં છે. આપણે ઓછા ખર્ચે તેનો લાભ લઈ શકીએ.
પરંતુ આ બધી સર્વિસનો ડેટા એકબીજામાં કામે લાગવો જોઈએ. કંપની જેમ વધુ પ્રકારની સર્વિસનો ઉપયોગ કરે તેમ વધુ પ્રમાણમાં ડેટા જનરેટ થાય અને તેને એકમેકમાં ઉપયોગ કરવાની જરૂર વધતી જાય. આવી એપ્સ એકમેક સાથે ‘વાત’ કરી શકે તે જરૂરી છે.
આપણા ક્લાયન્ટ તરફથી આપણને જીમેઇલમાં કોઈ મેઇલ મળે, તેને આપણા સેટિંગ અનુસાર ક્લાયન્ટનું લેબલ લાગી જાય એ સાદું, જીમેઇલ તરફથી મળતું ઓટોમેશન છે, પણ એ મેઇલમાંનું એટેચમેન્ટ, આપણી ગૂગલ ડ્રાઇવમાં એ ક્લાયન્ટના ફોલ્ડરમાં સેવ થઈ જાય એ બીજા લેવલનું ઓટોમેશન છે.
એપ્સને એકમેક સાથે સાંકળી, જુદાં જુદાં પગલાં આપોઆપ લેવાય તેનાથી સમય અને અન્ય સંસાધનોની ભરપૂર બચત થાય છે અને માનવીય ભૂલોની શક્યતા પણ ઘટતી જાય છે.
આપણે પોતાના નાના મોટા બિઝનેસના કામકાજ માટે રોજે રોજ જુદા જુદા પ્રકારની એપ્સ અને વેબ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. આપણે ટેકનોલોજીનો પૂરેપૂરો કસ ન કાઢતા હોઇએ તો પણ બિઝનેસ કમ્યુનિકેશન માટે જીમેઇલ અને વોટ્સએપ જેવી સર્વિસનો ઉપયોગ કરતા જ હોઇએ.
ડિજિટલ માર્કેટિંગ માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ. એથી થોડા વધુ આગળ વધ્યા હોઇએ તો આ બંને ઉપરાંત ગૂગલ જેવા એડ નેટવર્કનો ઉપયોગ કરતા હોઈએ. બિઝનેસ પ્રોસેસિસ સંભાળવા માટે ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ જેવી સર્વિસમાં એક્સેલ પ્રકારની સ્પ્રેડશીટ્સનો ઉપયોગ કરતા હોઇએ.
કસ્ટમર્સની વિવિધ વિગતો મેળવવા માટે આપણે પોતાની વેબસાઇટ પર, અથવા વેબસાઇટ વિના, ઓનલાઇન ફોર્મ અને સર્વેનો ઉપયોગ કરતા હોઇએ.

હજી થોડા આગળ વધ્યા હોઇએ તો આપણે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સીઆરએમ) સર્વિસનો પણ ઉપયોગ કરતા હોઇએ. બીજી તરફ આપણા પોતાના ઉપયોગ માટે કે ટીમ સાથે કમ્યુનિકેશન માટે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરતા હોઈએ. તેમજ પ્રોજેક્ટ અને ટાસ્ક મેનેજમેન્ટના અલગ અલગ પ્રોગ્રામ્સનો પણ ઉપયોગ કરતા હોઇએ.
તમે આ બધી બાબતોમાં ગમે તે સ્તરે હો પરંતુ એક વાત તમને બરાબર સમજાઈ હશે કે આ બધી જ બાબતો અલગ અલગ સર્વિસ દ્વારા ઓફર થતી હોવા છતાં આખરે એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.
જેમ કે આપણે ઈ-મેઇલ માર્કેટિંગનો ઉપયોગ કરતા હોઇએ અને આપણી વેબસાઇટ પર ન્યૂઝલેટર માટે સાઇનઅપ કરવાનું ફોર્મ મૂક્યું હોય તો એ જરૂરી બને કે આપણી વેબસાઇટના મુલાકાતી જ્યારે ન્યૂઝલેટર માટે સાઇનઅપ કરે ત્યારે તેમણે આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપણી ન્યૂઝલેટર સર્વિસના કોન્ટેક્ટ લિસ્ટમાં આપોઆપ ઉમેરાઈ જાય.

એક ડગલું આગળ વધીને એવું પણ કરી શકાય કે કોઈ મુલાકાતી આપણી વેબસાઇટ પર બીજી કોઈ બાબત માટે ફોર્મ ભરે અને પોતાનું ઈ-મેઇલ આપે તો તેમની સંમતિ સાથે આપણે તેમને ન્યૂઝલેટર માટે પણ સાઇનઅપ કરી લઈએ. તેમની કોન્ટેક્ટ ડિટેઈલ આપણા ગૂગલ કોન્ટેક્ટ્સ લિસ્ટમાં ઉમેરાવી જોઈએ. હજી એક ડગલું આગળ વધીને એવું કરી શકાય કે આપણે વેબસાઇટ કે બ્લોગ પર નિયમિત રીતે નાના નાના આર્ટિકલ્સ બ્લોગ પોસ્ટ તરીકે મૂકતા હોઇએ તો તેની લિંકમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે એક ન્યૂઝલેટર જનરેટ થઈ, આપણા કોન્ટેક્ટમાંના તમામ લોકોને તે આપોઆપ મેઇલ થવો જોઈએ.
આ બધી બાબતોમાં તમે જેમ આગળ વધતા જાવ તેમ તેમ તમને સમજાય કે આપણે ભલે અલગ અલગ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ, એ બધી સર્વિસ એકમેક સાથે સંકળાયેલી રહે તે જરૂરી છે. એથી પણ વધુ જરૂરી બાબત એ છે કે એક સર્વિસમાં આપણે કોઈ એક એકશન લઇએ ત્યારે તેની સાથે સંકળાયેલી અન્ય સર્વિસમાં અમુક પગલાં આપોઆપ લેવાવાં જોઈએ.

આ વાત ઇન્ટરનેટ પરના ઓટોમેશનની ભાષામાં આ રીતે લખી શકાય ‘‘વ્હેન ધીસ હેપન્સ, ધેન ડુ ધેટ’’ એટલે કે ‘‘આ એક ચોક્કસ બાબત બને, ત્યારે તેના પછી આ પગલું ભરવું’’.
ઇન્ટરનેટ પર ઓટોમેશનની સગવડ આપતી એક સર્વિસનું નામ જ આ પ્રકારનું છે – IFTTT – If this, then that.
બિઝનેસની પરંપરાગત પદ્ધતિમાં આપણે આમ જ કરતા હોઈએ છીએ. કોઈ મીટિંગમાં જો ભવિષ્યમાં ક્લાયન્ટ બની શકે એવી વ્યક્તિનું કાર્ડ મળે, તો ઓફિસમાં આવી એ કાર્ડ રિસેપ્શનિસ્ટને આપીએ અને તે કાર્ડની વિગતો આપણી એડ્રેસ બુકમાં નોંધી લે. નવા જમાનામાં, આ બધું – અને એના જેવું બીજું કેટલુંય કામ – ઓટોમેટિક થઈ શકે છે!
એક ઉદાહરણ લઇએ. તમને કોઈ સંભવિત કસ્ટમર તરફથી, સેલ્સની પૂછપરછ કરતો ઈ-મેઇલ મળે ત્યારે તમારી સેલ્સ ટીમના સભ્યોને એ વિશે ઈ-મેઇલથી અથવા ટેક્સ્ટ મેસેજથી જાણ થઈ જવી જોઇએ. શરત એટલી કે આ કામ તમારે પોતાને માટે એક વધારાનું કામ ન બનવું જોઇએ.
એ આપોઆપ થવું જોઈએ.
આ જ વાત છે બિઝનેસ મેનેજમેન્ટમાં નવા સમયનું ઓટોમેશન. આમાં કોઈ મશીનરીના ઓટોમેશનની વાત નથી, પરંતુ આપણે રોજબરોજ જે વિવિધ વેબ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તેને એકમેક સાથે સાંકળીને તેનો ઓટોમેટિક મશીનની જેમ ઉપયોગ કરવાની વાત છે.

ફરી એક ઉદાહરણથી ઓટોમેશન આગળ સમજીએ.
એક પ્રાથમિક ઓટોમેશન એવું હોઈ શકે, જેમાં આપણે જેનો ઉપયોગ કરતા હોઇએ એવી ફક્ત બે એપ્સ વચ્ચે આપણા ડેટાની ઓટોમેટિક આપલે થાય. જેમ કે જીમેઇલમાં આપણા પર આવેલા કોઈ ઈ-મેઇલને ‘ટુ ડુ’ એવું લેબલ લગાવીએ તો એ ઈ-મેઇલ આપોઆપ આપણા ટ્રેલો (એક પ્રકારનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ, જેની આપણે અગાઉ ‘સાયબરસફર’માં વાત કરી છે) એકાઉન્ટમાં એક કાર્ડ તરીકે ઉમેરાઈ જાય, જેથી એ કાર્ડનું બોર્ડ જેની સાથે શેર કર્યું હોય એ ટીમના સૌ સભ્યો તેના પર આગળ કામ કરી શકે.
આ સાવ બેઝિક ઓટોમેશન થયું. તમે બિઝનેસની જરૂરિયાત અનુસાર ખાસ્સું કોમ્પ્લેક્સ ઓટોમેશન પણ સેટ કરી શકો. જેમ કે…
૧) કોઈ તમારી વેબસાઇટ પર એક ફોર્મ ભરે એટલે એમાં આપવામાં આવેલું ઈ-મેઇલ એડ્રેસ તમારા મેઇલચિમ્પ (એક પ્રકારની ઇ-મેઇલ માર્કેટિંગ અને અન્ય ટૂલ્સ આપતી સર્વિસ) એકાઉન્ટના એક ચોક્કસ ઈ-મેઇલ કેમ્પેઇનના એડ્રેસ લિસ્ટમાં ઉમેરાઈ જાય.
૨) જ્યારે આ કેમ્પેઇનમાંના વિવિધ ઈ-મેઇલ એડ્રેસ પર મેઇલ્સ મોકલવામાં આવે ત્યાર પછી અમુક નિશ્ચિત સમય એટલે કે બે કે ત્રણ દિવસ સુધી રાહ જોયા પછી મેઇલચિમ્પમાંથી આપણે મોકલેલો ઈ-મેઇલ કેટલા લોકોએ ઓપન કર્યો તે આપોઆપ ચકાસવામાં આવે.
આપણે ફક્ત બે એપને કનેક્ટ કરી શકીએ અથવા ત્રણ-ચાર એપનું કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન પણ કરી શકીએ.
૩) ધારો કે આપણે ૧૦૦૦ ઈ-મેઇલ એડ્રેસ પર ઈ-મેઇલ્સ મોકલ્યા હોય અને તેમાંથી ૧૦૦ લોકોએ ઈ-મેઇલ ઓપન કર્યા હોય અને તેમાંથી માત્ર ૧૫ લોકોએ ઈ-મેઇલમાંની લિંક્સ પર ક્લિક કરી હોય. તો તેમની વિગતો સેલ્સફોર્સ જેવી આપણી સીઆરએમ સર્વિસના એકાઉન્ટમાં ‘ટુ કોન્ટેક્ટ’ એવા લેબલ સાથે આપોઆપ ઉમેરાઈ જાય!
આનો અર્થ સમજાયો? આપણે પોતાની વેબસાઇટ પર એક ફોર્મ ક્રિએટ કરીને મૂકીએ એ ફક્ત પહેલું પગલું આપણે પોતે ભરવાનું રહે. એ ફોર્મને લગભગ ૧૦૦ લોકો પ્રતિસાદ આપે એટલે કે બિઝનેસ સેલ્સની લીડ જનરેટ થાય તેમાંથી ખરેખર કામના માત્ર ૧૫ લોકો હોય તો એ ૧૫ લોકોને તારવવાનું કામ આપણી કોઈ જ ભૂમિકા વિના, બિલકુલ ઓટોમેટિકલી થાય!
ઇન્ટરનેટ પર એવી સંખ્યાબંધ સર્વિસ ઉપલબ્ધ છે, જેમાં ફ્રી કે પેઇડ એકાઉન્ટ ખોલાવી, આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ તેવી વિવિધ એપ્સને, આ એક સર્વિસની મદદથી એકમેક સાથે કનેક્ટ કરી શકીએ છીએ. આવાં કનેક્શન ‘વર્કફ્લો’, ‘ઝેપ’, ‘ઇન્ટીગ્રેશન’, ‘એપલેટ્સ’ વગેરે જુદા જુદા નામે ઓળખાય છે, પણ અંતે વાત એક જ છે.
આવી સર્વિસમાં આપણે બે કે તેથી વધુ સર્વિસ (જેમ કે જીમેઇલ અને મેઇલચિમ્પ) પસંદ કરીએ એટલે તેમને એકમેક સાથે કનેક્ટ કરવાની વિવિધ રીત બતાવવવામાં આવે. ઇચ્છો તે પસંદ કરો અને આગળ વધો!

ઓટોમેશનની સગવડ આપતી અલગ અલગ ઘણી સર્વિસ ઉપલબ્ધ છે. આમાંની ઘણી ખરી સર્વિસ ફ્રીમિયમ મોડેલ પર કામ કરે છે એટલે કે આપણે તેમાં ફ્રી પ્લાનમાં મર્યાદિત પ્રમાણમાં અલગ અલગ સર્વિસને એકમેક સાથે કનેક્ટ કરી શકીએ. બિઝનેસ નાનો હોય, આપણે પ્રમાણમાં ઓછી વેબ સર્વિસિસનો ઉપયોગ કરતા હોઇએ તો આવા ફ્રી પ્લાનથી જ આપણું કામ ચાલી જાય એવું બની શકે.
જો કામકાજ વધુ હોય અને પેઇડ પ્લાનનો ઉપયોગ જરૂરી બનતો હોય તો આ પ્રકારના ઇન્ટિગ્રેશન અને ઓટોમેશનથી તમારું કામકાજ એટલું બધું ઝડપી બની શકશે કે તમારો સમય બિનજરૂરી બાબતોમાં ઓછામાં ઓછો વેડફાશે અને આવી પેઇડ સર્વિસ માટે તમે ખર્ચેલાં નાણાંનું તમને પૂરેપૂરું વળતર મળશે.
આઇએફટીટીટી જેવી સર્વિસ, બિઝનેસ એપ્સ ઉપરાંત, વિવિધ હોમ એપ્લાયન્સીઝની એપને સાંકળવાની પણ સગવડ આપે છે.
જેમ કે તમે ઓર્ડર કરેલ પિઝા તમારે બંગલે પહોંચવામાં હોય ત્યારે બંગલાના પોર્ચની લાઇટ ઓટોમેટિકલી ઓપન થાય એવું ઓટોમેશન સેટ કરવું હવે શક્ય છે!

વિવિધ સર્વિસના ઇન્ટિગ્રેશનની વાત નીકળે ત્યારે એક નામ અચૂક સૌના મનમાં જાગે – ઝેપિયર (https://zapier.com/).
મેટા, શોપિફાય, ડ્રોપબોક્સ, આસના, સ્લેક જેવી બહુ જાણીતી કંપનીઓ પણ પોતાના કામકાજમાં ઝેપિયરનો લાભ લે છે. આ કંપનીની સર્વિસ સાવ નાના પાયે બહુ નાની ટીમ સાથે અથવા એકલા જ કામ કરતા લોકોને ઉપયોગી થાય છે, એ જ રીતે વિરાટ કોર્પોરેશનની મોટી ટીમનાં કામકાજ પણ ઝેેપિયરથી સરળ બને છે. આઇટી મેનેજમેન્ટ, માર્કેટિંગનાં વિવિધ સ્ટેપ્સ ઝેપિયરની મદદથી સહેલાં બને છે.
અગાઉ એવું બનતું કે આપણે એકથી વધુ સર્વિસને એકમેક સાથે કનેક્ટ કરવી હોય ત્યારે એ માટે જટિલ કોડિંગ સાથે પ્રોગ્રામ ડેવલપ કરવા પડતા હતા. હવે કોડિંગની કોઈ જરૂર રહી નથી. આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી વર્ક ફ્લો સેટ કરી શકીએ છીએ. ઝેપિયર સર્વિસમાં ઓટોમેટેડ વર્ક ફ્લોને ‘ઝેપ’ કહેવામાં આવે છે.
ઝેપિયરમાં દુનિયાભરના વિવિધ બિઝનેસને આગળ ધપાવવામાં મદદ કરતી પાંચ હજાર જેટલી ટોપ એપ્સને એકમેક સાથે કનેક્ટ કરી શકાય છે. ઝેપિયરમાં સાવ સરળતાથી ઓટોમેશન વર્કફ્લો નક્કી કરી શકાય છે. આવા એક જ ઝેપમાં ૧૦૦ સુધી એકશન સેટ કરી શકાય છે!
દરેક બિઝનેસની જરૂરિયાત આગવી હોય પરંતુ પોતાની જરૂરિયાત બરાબર સમજતી દરેક વ્યક્તિ માટે ઝેપિયર જેવી સર્વિસ આશીર્વાદરૂપ બની શકે છે. ઝેપિયરની સ્થાપના માંડ ૧૧ વર્ષ પહેલાં ૨૦૧૨માં થઈ હતી. આ કંપનીની વિશેષતા એ છે કે સ્થાપનાના પહેલા દિવસથી જ કંપની પૂરેપૂરી રીમોટ ટીમ ધરાવે છે. કંપની માટે ૮૦૦થી વધુ લોકો કામ કરે છે અને એ બધા ૪૦ જેટલા દેશોમાં વહેંચાયેલા છે!

ઝેપિયર સર્વિસ તમને કામ લાગશે કે નહીં તે તપાસવા માટે તમે તેમાં ફ્રી એકાઉન્ટ ખોલાવી શકો છો. અલબત્ત કેટલીક મર્યાદાઓ સાથે. ફ્રી એકાઉન્ટમાં આપણે એક મહિનામાં ૧૦૦ ટાસ્કનું કામ લઈ શકીએ છીએ અને વધુમાં વધુ પાંચ ઝેપ સેટ કરી શકીએ છીએ. આ દરેક ઝેપ સિંગલ સ્ટેપ્સ હોઈ શકે એટલે કે તેમાં કોઈ એક સર્વિસમાંથી બીજી સર્વિસમાં ફક્ત એક સ્ટેપ ઓટોમેટિક લઈ શકાય. ઉદાહરણ સાથે વાત કરીએ તો આપણાં જીમેઇલમાં આવતી વિગતો માઇક્રોસોફ્ટ એક્સેલમાં પહોંચાડવી હોય તો તેવો ફક્ત એક સ્ટેપનો ઝેપ ફ્રી એકાઉન્ટમાં સેટ કરી શકાય. આવા ૫ ઝેપ આપણે નક્કી કરી શકીએ.
ફ્રી એકાઉન્ટમાં અપડેટ ટાઇમ ૧૫ મિનિટનો હોય છે. એટલે કે દર ૧૫ મિનિટના અંતરાલે ઝેપિયરની સિસ્ટમ આપણે કહેલી સર્વિસમાં કોઈ નવો ડેટા આવ્યો કે નહીં તે તપાસે છે. પેઇડ એકાઉન્ટમાં દર મિનિટે આ રીતે ડેટા ચેક કરવામાં આવે અને સિંક્ડ થાય એવા સેટિંગ કરી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઝેપિયરના ફ્રી એકાઉન્ટ ઉપરાંત સ્ટાર્ટર એકાઉન્ટનો ચાર્જ દર મહિને રૂ. ૧૬૭૩.૭૫નો છે, જે આગળ જતાં વિશાળ કંપનીઓ માટે મહિને રૂ.૬૬૮૯૯.૬૧ સુધી પહોંચે છે!

તમે તમારા કામકાજની જરૂરિયાત અનુસાર વિવિધ એપ્સને એકમેક સાથે કનેક્ટ કરવા માગતા હો તો તમે આઇએફટીટી (https://ifttt.com/) સર્વિસ પણ તપાસી શકો છો. આઇએફટીટીની વિશેષતા એ છે કે તેમાં વિવિધ એપ્સ ઉપરાંત સ્માર્ટહોમ સંબંધિત વિવિધ સાધનો એકમેક સાથે કનેક્ટ કરી શકાય છે અને એકમાં કંઈક થાય એ મુજબ બીજામાં એકશન લઈ શકાય છે. આઇએફટીટીમાં આપણે જે ઓટોમેટિક વર્કફ્લો નક્કી કરીએ તે ‘એપલેટ્સ’ તરીકે ઓળખાય છે.
આઇએફટીટીના પ્લાનની વાત કરીએ તો તેમાં પણ બિલકુલ ફ્રી પ્લાનનો લાભ લઈ શકાય છે. આઇએફટીટીમાં આપણને કેટલાક રેડી-ટુ-યૂઝ એપલેટ મળે છે. આપણે ઇચ્છીએ તો તેનો ઉપયોગ કરી શકીએ અથવા પોતાની રીતે ઓટોમેશનનો વર્કફ્લો નક્કી કરીને જાતે જ એપલેટ બનાવી શકીએ.
ઝેપિયરની સરખામણીમાં આઇએફટીટીના પ્લાન ખાસ્સા સસ્તા છે. અહીં ફક્ત ત્રણ પ્લાન છે ઃ ૧) બિલકુલ મફત, ૨૦ આઇએફટીટી પ્રો, જેનો ચાર્જ મહિને રૂ.૨૧૦ છે, ૩) આઇએફટીટી પ્રો+ જેનો ચાર્જ મહિને રૂ. ૪૧૦ છે.
આ રીતે તમને ગમે તે સર્વિસમાં બિઝનેસ ઓટોમેશન ટ્રાય કરી જુઓ, મજા પડશે!

