થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં ગૂગલની ફોટોઝ સર્વિસમાં ઉપલબ્ધ થયેલા ‘મેજિક ઇરેઝર’ નામના એક ફીચરની વાત કરી હતી. આ ફીચરની મદદથી આપણે આપણા ફોટોગ્રાફમાંના વણજોઇતા ભાગ એકદમ સહેલાઈથી, આંગળીના હળવા ઇશારે દૂર કરી શકીએ છીએ.

અલબત્ત એ સમયે આ ફીચરનો ઉપયોગ કરવા માટે શરત એ હતી કે આપણી પાસે ગૂગલનો પિક્સેલ સ્માર્ટફોન હોવો જોઇએ. હવે આ ફીચર વધુ લોકોને ઉપલબ્ધ થઈ રહ્યું છે. જોકે હજી પણ પેલી ફૂદડી સાથેની શરતો લાગુ છે! જો તમે ‘ગૂગલ વન’ પ્લાન સબસ્ક્રાઇબ કર્યો હોય તો તમને ગૂગલ ફોટોઝ એપમાં આ ફીચરનો લાભ મળશે.
તમે જાણતા હશો તેમ ગૂગલના ફ્રી પ્લાનમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ ત્રણેયમાં મળીને કુલ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ મળે છે. જો તમે આ ત્રણેય સર્વિસનો ભરપૂર ઉપયોગ કરતા હો તો આટલી સ્પેસ હવેના સમયમાં ઓછી પડે છે. એ સ્થિતિમાં આપણે ગૂગલ વન પ્લાન સબસ્ક્રાઇબ કરવો જરૂરી બને છે.
જોકે છેલ્લા ઘણા સમયથી ગૂગલ જે રીતે તેના વિવિધ ફીચર્સ તબક્કાવાર જુદા જુદા ડિવાઇસ કે પ્લાનમાં ઓફર કર્યા પછી તેને ક્યારેક ફ્રી પણ કરી દે છે, એ જોતાં થોડી રાહ જોઇશું તો ગૂગલના ફ્રી એકાઉન્ટમાં પણ ફોટોઝ એપમાં મેજિક ઇરેઝર ફીચરનો લાભ આપણને મળવા લાગે તો નવાઈ નહીં.

