આગળ શું વાંચશો?
- ઓનલાઇન દવાના વેચાણ પર પ્રતિબંધની શક્યતા
- ઇલોન મસ્કના ન્યૂરાલિંક પ્રોજેક્ટની ટ્રાયલ્સ ઘોંચમાં પડી
- ખાસ એન્ડ્રોઇડ માટે માઇક્રોસોફ્ટનો અલગ એપ સ્ટોર!
- હવે એન્ડ્રોઇડમાં સેટેલાઇટ કનેક્ટિવિટી!
ભારતમાં ઓનલાઇન દવાઓનું વેચાણ કરતી કંપનીઓ અચાનક માંદી પડી જાય તેવા સમાચાર છે – સરકાર ઇ-ફાર્મસી કંપનીઓની ડિજિટલ દુકાન બંધ કરવાનું વિચારી રહી છે!
અત્યારે ભારતમાં ટાટાવનએમજી, એમેઝોન, ફ્લિપકાર્ટ, એપોલો, ફાર્મઇઝી વગેરે મોટાથી નાના અનેક સ્ટાર્ટઅપ અન્ય ચીજવસ્તુઓની જેમ દવાઓનું ઓનલાઇન શોપિંગ શક્ય બનાવી રહ્યા છે. શરૂઆતના નાના-મોટા અવરોધો પછી દવાની ડિજિટલ દુકાનોનો ધંધો વેગ પકડવા લાગ્યો છે, પરંતુ હવે એ સાવ પડી ભાંગે તેવી શક્યતા છે.
એક તરફ દેશમાં સરકાર હેલ્થ સેક્ટર માટે એક વિશાળ પ્લેટફોર્મ ઊભું કરીને હૉસ્પિટલ્સ, લેબોરેટરીઝ, ડોક્ટર્સ તથા દર્દીઓને એકમેકના સીધા સંપર્કમાં લાવવાની મથામણમાં છે, આ સૌનો ડેટા સલામત રીતે એકમેક સાથે શેર કરી શકાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ હેલ્થ સેક્ટરના અન્ય એક મહત્ત્વના સ્ટેકહોલ્ડર, ઇ-ફાર્મસી સેક્ટરને ડિજિટલ ઝાટકો લાગે તેવી શક્યતાઓ ઊભી થઈ છે.
સરકારને ઇ-ફાર્મસી એપ્સનાં ઓપરેશન્સ સામે અત્યારે મુખ્ય એ વાતે વાંધો છે કે ઘણી કંપનીઓ લોકોનો હેલ્થ ડેટા કલેક્ટ કરી તેનો દુરુપયોગ કરી શકે છે. ઉપરાંત, જે રીતે ઓનલાઇન ફાર્મસી એપ્સ દવાઓમાં તોતિંગ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે તે જોતાં દેશના ૧૨.૫ લાખ દવાના દુકાનદારો નજીકના ભવિષ્યમાં તેમનો ઓછામાં ઓછો ૩૦ ટકા બિઝનેસ ગુમાવી બેસે તેવી ભીતિ છે.
અત્યારે ભારતમાં ઇ-ફાર્મસી એપ્સનું કામકાજ ચોક્કસ ધોરણોસર, રેગ્યુલેશન્સ મુજબ થતું ન હોવાની ફરિયાદ ઊઠી છે અને અને એ બાબતે ટોચની વીસેક જેટલી ઇ-ફાર્મસી એપ્સને સરકારી નોટિસ પણ મળી છે. આ કંપનીઓએ જવાબ આપવા માટે વધુ સમયની માગ કરી છે. કેટલીક એપ્સ પર ઓવર-ધ-કાઉન્ટર સિવાયની દવાઓનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સના યોગ્ય પ્રીસ્ક્રિપ્શન વિના વેચાણ થતું હોવાનું પણ બહાર આવ્યું છે. આ પહેલાં દવાની જૂની ને જાણીતી દુકાન ધરાવતા લોકોએ ઓનલાઇન દવાની દુકાનો સામે લાંબા સમયથી વિરોધ નોંધાવી દીધો છે.
હવે જોઈએ આ વાત કેવો વળાંક લે છે!
એક તરફ ટેકજગતમાં અત્યારે મશીનમાં માણસ જેવી બુદ્ધિ ઉમેરવાની જહેમત ચાલે છે ત્યારે ટેસ્લા-ટ્વીટર વગેરેના સર્વેસર્વા ઇલોન મસ્કના ફંડિંગથી ચાલતું એક સ્ટાર્ટઅપ ન્યૂરાલિંક (https://neuralink.com/) માણસના માથામાં ન્યૂરોસર્જનની મદદથી એક ચિપ બેસાડી, તેની મદદથી મગજ અને કમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરએક્શન શક્ય બનાવવાની મથામણમાં છે! એ શક્ય બને તો દૂર દૂર રહેલી બે વ્યક્તિને વાત કરવા માટે સ્માર્ટફોન હાથમાં લેવો પડે, એવી પણ કદાચ જરૂર રહેશે નહી.
કંપની આ ટેક્નોલોજી વિક્સાવવામાં ઘણી આગળ વધી છે અને હવે તે હ્યુમન ટ્રાયલ શરૂ કરવા માગે છે, એટલે કે જીવતાજાગતા માણસના મગજમાં ચિપ ફિટ કરવા માગે છે.
જોકે યુએસમાં આ મામલો ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) સંબંધિત છે અને તેણે આ માટે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. તેને શંકા છે કે ચિપમાંની બેટરી ફેઇલ થાય તો મગજના અન્ય કોષને નુક્સાન પહોંચી શકે. જો સ્ટાર્ટઅપ બેટરી ફેઇલ થવાની શક્યતા નથી કે નહિંવત છે એવી ખાતરી આપે તો કદાચ મંજૂરી મળી શકે.
સમાચાર છે કે માઇક્રોસોફ્ટ એન્ડ્રોઇડને ધ્યાનમાં રાખીને તેનો પોતાનો એપ્સ સ્ટોર લોન્ચ કરશે! અત્યારે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ બાબતે માત્ર બે કંપનીનું આખી દુનિયા પર રાજ છે – એન્ડ્રોઇડ અને એપલ. સ્માર્ટફોન મેન્યુફેકચર કરતી જુદી જુદી ઘણી કંપનીઓ પોતપોતાની રીતે ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારો કરતી છે પરંતુ આખરે એ બધી મૂળ એન્ડ્રોઇડ પર આધારિત હોય છે.
ટેકનોલોજીની દુનિયાની ત્રીજી દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે ૨૦૧૦ના દાયકામાં વિન્ડોઝ ફોન માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આપી હતી, પરંતુ સ્માર્ટફોનની દુનિયામાં એન્ટ્રી કરવામાં કંપની મોડી પડી. વિન્ડોઝ ફોન ચાલ્યા નહીં અને કંપનીએ ૨૦૧૯માં એ બિઝનેસ સમેટી લીધો.

જોકે એ પછી કંપનીએ તેની સ્ટ્રેટેજી બદલી છે. માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ પર ચાલી શકે તેવી માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ રજૂ કરવા પર ફોકસ કર્યું છે. તેની ઘણી બધી એપ્સ પ્લે સ્ટોરમાં ગૂગલની એપ્સને પણ હંફાવી રહી છે.
હવે કંપની પોતાનો જ સ્ટોર લોન્ચ કરવાનું વિચારી રહી છે. સ્માર્ટફોનની મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ ભલે ફક્ત બે હોય પરંતુ એપ્સ સ્ટોર સંખ્યાબંધ છે. એમેઝોન અને જુદી જુદી સ્માર્ટફોન કંપની પોતાના એપ્સ સ્ટોર ચલાવે છે.
દુનિયાના વિવિધ દેશોની સરકારો એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલના પ્લે સ્ટોરની મોનોપોલી તોડવાનો પ્રયાસ કરી રહી છે એ જોતાં માઇક્રોસોફ્ટનો એન્ડ્રોઇડ માટેના એપ્સ સ્ટોરનો દાવ સફળ થાય તો નવાઈ નહીં!
એપલના આઇફોનમાં થોડા સમય પહેલાંથી ઇમરજન્સીની સ્થિતિમાં, ફોનમાં કોઈ મોબાઇલ નેટવર્ક ન મળી રહ્યું તો પણ આઇફોન ઓટોમેટિકલી સેટેલાઇટ દ્વારા મદદ માટે મેસેજ મોકલી શકે એવું ફીચર ઉમેરાયું છે (આપણે ‘સાયબરસફર’માં એ વિશે વાત કરી ગયા છીએ).

એપલને પગલે એન્ડ્રોઇડમાં પણ આવી એન્ડ્રોઇડ કનેક્ટિવિટી આવી રહી છે. એ ઉપરાંત હવે મોટોરોલા કંપની એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારના સાધનોમાં ચાલી શકે એવી બ્લૂટૂથ એક્સેસરી દ્વારા સેટેલાઇટ સાથે ટુ-વે કનેક્ટિવિટી શક્ય બનાવશે. આ માટે કંપનીએ અન્ય એક કંપની સાથે જોડાણ કર્યું છે. આપણે પોતાના એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઈસમાં આ બ્લૂટૂથ ડોંગલ કનેક્ટ કરીને સેટેલાઇટ દ્વારા પોતાના લોકેશન સાથે મદદ માટેનો મેસેજ મોકલી શકીશું!
