(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ટ્વીટરમાં નવું હોમ પેજ
  • ટ્વીટર હજી વધુ ઉદાર બનશે
  • ટ્વીટર પર પેઇડ ઉપરાંત, વિવિધ પ્રકારના વેરિફિકેશન બેજ ઉમેરાયા
  • ફેસબુક-ઇન્સ્ટામાં પણ પેઇડ વેરિફિકેશન
  • વોટ્સએપના ડ્રોઇંગ ટૂલના ટેક્સટ એડિટરમાં નવાં ફીચર્સ
  • યુટ્યૂબમાં સહિયારું સર્જન સહેલું બન્યું
  • ઇન્સ્ટાગ્રામમાં ટેલિગ્રામ જેવી ચેનલથી બ્રોડકાસ્ટ ચેટ ફીચર ઉમેરાયું

આપણે ટ્વીટર ઓપન કરીએ એ સાથે વિવિધ લોકોની જે ટ્વીટ્સ દેખાય તેને ટ્વીટર ‘ટાઇમલાઇન’ તરીકે ઓળખાવે છે. આ ટાઇમલાઇનમાં આપણને શું બતાવવું એ માટે ફેસબુક કરતાં ટ્વીટર ઘણો જુદો અભિગમ અપનાવે છે. ટ્વીટર આપણે શું જોવું, કેવી રીતે કે કેવા ક્રમમાં જોવું તે ઘણે અંશે આપણને નક્કી કરવા દે છે.

હવે ટ્વીટર એપમાં હોમપેજના બે ભાગ થયા છે :

‘ફોર યુ’ : આ ભાગ અલ્ગોરિધમ આધારિત છે. આથી ટ્વીટર પર આપણી વિવિધ એક્ટિવિટી, આપણે જેમને ફોલો કરતા હોઈએ એમની એક્ટિવિટી વગેરેને આધારે આપણને ‘જેમાં વધુ રસ પડી શકે’ એવી ટ્વીટસ પણ તારવીને બતાવે છે. તેમાં ટ્વીટ્સ કોઈ નિશ્ચિત ક્રમ મુજબ બતાવવામાં આવતી નથી.

‘ફોલોઇંગ’ : આ ભાગમાં આપણે જે એકાઉન્ટ્સને ફોલો કરતા હોઈએ તેમની ટ્વીટ્સ, જે ક્રમમાં પોસ્ટ થઈ હોય એ જ ક્રમમાં બતાવવામાં આવે છે. આપણે ટ્વીટરથી થોડા સમય દૂર રહ્યા પછી ફરી એપ ઓપન કરીએ ત્યારે આપણને રસ પડી શકે એવી જે ટ્વીટ્સ આવી ગઈ હોય તે બધી ફરી જોવાની તે તક આપે છે!

આપણે ધારીએ ત્યારે ટ્વીટરના હોમ પેજ પર બંનેમાંથી ગમે તે  મોડમાં સ્વિચ થઈ શકીએ છીએ.

ટ્વીટર પર ઝેરીલા ટ્વીટ્સની કોઈ નવાઈ નથી. હવે લાગે છે કે ટ્વીટર એ બાબતે હજી વધુ ઉદાર બનશે. ગયા વર્ષથી ઇલોન મસ્કે કંપનીનું સંચાલન સંભાળ્યા પછી, તેમની આગેવાનીમાં કંપનીએ તેની પોલિસીમાં ઘણા ફેરફાર કર્યા છે, જેમાંનો એક એકાઉન્ટ સસ્પેન્શનને લગતો છે.

નવી નીતિ મુજબ ટ્વીટર પર સંપૂર્ણ ગેરકાયદે, હિંસાત્મક કે અન્ય વ્યક્તિ માટે ત્રાસદાયક કન્ટેન્ટ વારંવાર પોસ્ટ કરવામાં આવે અને ટ્વીટરની પોલિસીનો સતત ભંગ કરવામાં આવે તો જ એ યૂઝરનું એકાઉન્ટ સસ્પેન્ડ થશે. કંપનીએ જાહેર કર્યા મુજબ પહેલી ફેબ્રુઆરીથી કોઈ એકાઉન્ટને સસ્પેન્ડ કરવું કે નહીં તેનો નિર્ણય લેવાના નવા માપદંડો લાગુ થઈ ગયાે. ઉપરાંત એકાઉન્ટને સીધું સસ્પેન્ડ કરવાને બદલે પહેલાં ટ્વીટરની પોલિસીનો ભંગ કરતી ટ્વીટની પહોંચ મર્યાદિત કરી દેવાનું પગલું લેવામાં આવશે.

ઉપરાંત યૂઝરને એવું કન્ટેન્ટ ડિલીટ કરવાનું પણ કહેવામાં આવશે. પછી છેલ્લા ઉપાય તરીકે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે. એટલું જ નહીં, એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી યૂઝર આ નિર્ણય સામે કંપનીમાં અપીલ પણ કરી શકશે અને કંપની ફેરવિચારણા બાદ સસ્પેન્શન પાછું પણ ખેંચી શકે છે.

સોશિયલ મીડિયા પર અત્યાર સુધી કન્ટેન્ટ ક્રિએટર્સમાં ‘વેરિફિકેશન બેજ’ એક સ્ટેટસ સિમ્બોલ રહ્યો છે. કારણ? કારણ એ કે વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર સાચાં-ખોટાં નામે એકાઉન્ટ ક્રિએટ કરવાનું એકદમ સહેલું છે. મોટા ભાગની સાઇટ્સ આપણને પોતાના સાચા નામથી એકાઉન્ટ ક્રિએટ કરવાનો આગ્રહ કરે છે, પરંતુ પોતે એ બાબતે એકદમ ઉદાર રહે છે! આ કારણે લોકો જાણીતી વ્યક્તિઓના નામે ખોટાં એકાઉન્ટ પણ ક્રિએટ કરી શકે છે.

આ સ્થિતિનો સામનો કરવા માટે સોશિયલ મીડિયા સાઇટ્સે એકાઉન્ટને વેરિફાય કરવાની પદ્ધતિ અપનાવી. નિશ્ચિત એકાઉન્ટ જે તે સેલિબ્રિટીનું પોતાનું છે એવી ખાતરી કર્યા પછી કંપની તરફથી એ એકાઉન્ટના નામની બાજુમાં બ્લુ કે ગ્રીન ટિક મૂકવામાં આવે. પરિણામે અન્ય યૂઝર્સને ખાતરી રહે કે તેઓ જે સેલિબ્રિટી એકાઉન્ટને ફોલો કરી રહ્યા છે તે વાસ્તવમાં એ સેલિબ્રિટીનું પોતાનું જ છે (એ સેલિબ્રિટી પોતે એકાઉન્ટ હેન્ડલ ન કરતા હોય પણ તેમની ટીમ એમના વતી એ કામ સંભાળતી હોય તે જુદી વાત છે!)

એકાઉન્ટને વેરિફાય કરીને વેરિફિકેશન ટિક આપવાની પદ્ધતિ ટ્વીટરે પોપ્યુલર કરી. ટ્વીટર પર એ એટલી પોપ્યુલર થઈ કે ટ્વીટર કંપની ખરીદી લીધા પછી કંપનીની નુકસાની ઘટાડવાનો પ્રયાસ કરતા ઇલોન મસ્કે વેરિફિકેશન ટિક માટે ફી લેવાનું શરૂ કર્યું. અગાઉ ટ્વીટર પર વેરિફિકેશન માટે માત્ર બ્લુ કલરનો ટિક માર્ક હતો. હવે એ ટિકના બે અર્થ હોઈ શકે છે – એક, એ એકાઉન્ટ કંપનીની અગાઉની પદ્ધતિ મુજબ કંપની દ્વારા વેરિફાય કરવામાં આવેલ છે, અથવા બે, એ એકાઉન્ટ માટે ટ્વીટરની નવી પદ્ધતિ મુજબ, વેરિફિકેશન ખરીદવામાં આવ્યું છે.

હવે ભારતના યૂઝર્સ પણ વેરિફિકેશન ખરીદી શકશે. એન્ડ્રોઇડ અને આઇઓએસ એપના યૂઝર્સે બ્લુ ટિક ખરીદવા મહિને રૂ. ૯૦૦ જેટલી રકમ ચૂકવવી પડશે. દરમિયાન, જે લોકોનાં એકાઉન્ટ વેરિફાઇડ નથી તેમની ટ્વીટ વધુ લોકો સુધી પહોંચતી ન હોવાનું પણ બહાર આવ્યું છે.

મજા તો એ છે કે ખુદ ઇલોન મસ્કે ફરિયાદ કરી કે ટ્વીટર પર તેમની રીચ ઘટી છે! કોઈ એન્જિનીયરે સમજાવવાની કોશિશ કરી કે કદાચ લોકોને જ મસ્કમાં રસ ઘટી રહ્યો છે, તો એ એન્જિનીયરને એ જ ઘડીએ કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો!

આ ઉપરાંત હવે કંપનીએ જુદા જુદા પ્રકારના એકાઉન્ટ અને વેરિફિકેશન દર્શાવવા માટે અલગ અલગ કલરના વેરિફિકેશન બેજ પણ શરૂ કર્યા છે. જેમ કે  બ્લુને બદલે ગોલ્ડ ચેકમાર્ક જોવા મળે તો તેનો અર્થ એ છે કે તે એકાઉન્ટ કોઈ કંપનીનું ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ છે અને ટ્વીટર કંપનીએ તેને વેરિફાય કરેલું છે. ગ્રે ચેકમાર્કનો અર્થ એ છે કે તે કોઈ સરકારી વિભાગ કે સંસ્થા કે પદાધિકારીનું એકાઉન્ટ છે! 

ટ્વીટરને પગલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ પોતાનું એકાઉન્ટ વેરિફાઇડ કરાવી, ‘સ્ટેટસ સિમ્બોલ’ સમું બ્લુ ટિક મેળવવાની પેઇડ સર્વિસ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અલબત્ત, અત્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના યૂઝર્સને પેઇડ વેરિફિકેશન ઓફર કરવામાં આવે છે. હાલમાં વેબ પર આ માટે દર મહિને આશરે રૂ. ૯૯૦ અને સ્માર્ટફોનમાંની એપમાં આશરે રૂ. ૧૨૪૦ની ફી નક્કી કરવામાં આવી છે.

મેટા કહે છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને માટે આવું પેઇડ વેરિફિકેશન ખરીદી શકાશે. આ સગવડ સાચા નામે વ્યક્તિગત ફેસબુક એકાઉન્ટ ધરાવતી વ્યક્તિને મળશે, એ માટે સરકારી ઓળખના પુરાવા  આપવા જોઈશે.

આ સગવડ ખરીદ્યા પછી તેમના નામે બીજી કોઈ વ્યક્તિ ફેસબુક પર ફેક એકાઉન્ટ ન બનાવે તેની કાળજી લેવામાં આવશે, જ્યારે જરૂર પડે ત્યારે એફબીની હેલ્પ મળશે તેમ જ બીજાં કેટલાંક ‘એક્સક્લુઝિવ ફીચર્સ’ મળશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આવી પેઇડ સર્વિસ લેનાર વ્યક્તિની પોસ્ટ ફેસબુક પર વધુ લોકો સુધી પહોંચે એ માટે ફેસબુક કેટલીક વધારાની સગવડ પણ આપશે.  એનો અર્થ એ થયો કે જે લોકોએ પેઇડ વેરિફિકેશન ખરીદ્યું નથી તેમની પોસ્ટની રીચ ઘટશે અને આપણને પેઇડ વેરિફિકેશન ન ખરીદનારા મિત્રોનું કન્ટેન્ટ ઓછા પ્રમાણમાં જોવા મળશે! અલબત્ત, ભારતમાં મેટા કંપની પેઇડ વેરિફિકેશનની શી કિંમત રાખે છે અને લોકો તેના માટે કેટલો ઉત્સાહ બતાવે  એ જોવાનું રહેશે.

વોટ્સએપમાં આપણે સ્ટેટસમાં કે ચેટમાં ઇમેજ શેર કરીએ ત્યારે એ ઇમેજમાં કેટલાંક વધારાનાં એકશન લઈ શકીએ છીએ. અત્યાર સુધી આવાં એકશન મર્યાદિત હતાં, પરંતુ હવે કંપની આપણને આ બાબતે થોડું વધુ ફ્રીડમ આપવાનું નક્કી કર્યું છે.

એ મુજબ આપણે સૌથી પહેલાં તો ટેકસ્ટના ફોન્ટ બદલી શકીશું. તે માટે વિવિધ ફોન્ટના વિકલ્પ મળશે. બીજું આપણે ટેકસ્ટનું એલાઇન્મેન્ટ નક્કી કરી શકીશું. ખાસ કરીને ટેકસ્ટ ઉપર આપણે કોઈ ઇમેજ મૂકી રહ્યા હોઇએ ત્યારે ટેકસ્ટને લેફ્ટ, સેન્ટર કે રાઇટ એલાઇન કરીને ઇમેજ મુજબ ટેકસ્ટની વિઝિબિલિટી વધારી શકાશે.

એ ઉપરાંત આપણને ટેકસ્ટનું બેકગ્રાઉન્ડ બદલવાની પણ સગવડ મળશે. ઇન્સ્ટાગ્રામમાં અત્યારે કંઈક અંશે આ જ પ્રકારના વિકલ્પો મળે છે. વોટ્સએપના નવા વર્ઝનથી આ સગવડો મળી જવાની શક્યતા છે. યાદ રહે, આ ફેરફારો ઇમેજ પરના ડ્રોઇંગ ટૂલમાં જ આવી રહ્યા છે.

ગયા વર્ષના અંતે યુટ્યૂબે ‘ગો લાઇવ ટુગેધર’ નામે એક નવા ફીચરની જાહેરાત કરી હતી. શરૂઆતમાં મર્યાદિત યૂઝર્સને આ સુવિધા મળી અને હવે તેને ખાસ્સી વિસ્તારવામાં આવી છે. હવે ફક્ત ૫૦ કે તેથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી તમામ યુટ્યૂબ ચેનલ્સના ક્રિએટર્સ તેમના ફ્રેન્ડ સાથે યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશે. શરૂઆતમાં માત્ર યુટ્યૂબ એપની મદદથી આ રીતે કોલાબરેટિવ લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાશે. હાલમાં યુટ્યૂબ વેબસાઇટ પર તે ઉપલબ્ધ નથી. જોકે તેના પર પણ કામ ચાલી રહ્યું છે.

જો તમારી કોઈ યુટ્યૂબ ચેનલ હોય અને તેમાં ૫૦ કે વધુ સબસ્ક્રાઈબર હોય તો યુટ્યૂબ એપ ઓપન કરી, સ્ક્રીન પર નીચે, વચ્ચેના પ્લસ પર ક્રિલક કરશો તો આ વિકલ્પ કદાચ તમને દેખાશે.

અહીં સ્ટ્રીમનું ટાઇટલ, તેનું ડિસ્ક્રિપ્શન મોનેટાઇઝેશનના સેટિંગ્સ વગેરે વિગતો પૂરી કર્યા પછી તમે ‘ડન’ કહી આગળ વધશો તે સાથે ‘ઇન્વાઇટ એ કો-સ્ટ્રીમર’ નો વિકલ્પ દેખાશે. તેની મદદથી તમે તમારા કોઈ પણ મિત્રને તમારી સ્ટ્રીમમાં જોડાવાની લિંક મોકલી શકશો. તેઓ એ લિંક પર ક્લિક કરશે એ સાથે તમારા ‘વેઇટિંગ રૂમ’માં ઉમેરાશે. અને તમે લાઇવ થશો એ પછી તમારા મિત્રને તેમાં સામેલ કરી શકશો.

ગેસ્ટ માટે કોઈ શરતો નથી, તેમણે ફક્ત યુટ્યૂબની પોલિસીનું પાલન કરવાનું છે.

મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામમાં ટેલિગ્રામની જેમ ‘બ્રોડકાસ્ટ ચેટ ફીચર’ તરીકે ‘ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ’નું ફીચર ઉમેર્યું છે. તેની મદદથી કન્ટેન્ટ ક્રિએટર પોતાની ચેનલ ઊભી કરી શકશે અન્ય લોકો તેમને ગમતી ચેનલમાં જોડાઈ શકશે અને પછી એ ચેનલમાં ઉમેરાતું બધું કન્ટેન્ટ ક્રમબદ્ધ રીતે જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકાશે. ઇન્સ્ટાગ્રામ પછી મેસેન્જર અને ફેસબુકમાં પણ આવી ચેનલ આવી રહી છે.

જો તમે ઇન્સ્ટાગ્રામમાં ખાસ્સા એક્ટિવ હશો અને ઘણા બધા લોકોને ફોલો કરતા હશો તો તમારો અનુભવ હશે કે એ લોકોએ પોસ્ટ કરેલું ઘણું બધું કન્ટેન્ટ તમારી નજર બહાર રહેતું હશે – તમારે એ જોવું હોય તો પણ. ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે શું જોવું તે બહુ મોટા પ્રમાણમાં અલ્ગોરિધમથી નક્કી થાય છે. જે તે સોશિયલ સાઇટ્સ પોતાની રીતે નક્કી કરે છે કે આપણને શું જોવું ગમશે. પરિણામે આપણે ખરેખર જે જોવું હોય તે આપણી નજર બહાર રહે. હવે કદાચ એ સમસ્યા નહીં રહે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!