છેલ્લા થોડા સમયથી ભારતમાં ગૂગલ કંપની કાયદાકીય અવરોધોનો સામનો કરી રહી હતી. કંપનીને કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા તરફથી બે વાર આકરા દંડ (રૂ. ૧૩૩૮ કરોડ વત્તા રૂ. ૩૬ કરોડ) પણ ફટકારવામાં આવ્યા. ગૂગલે તેની સામે સર્વોચ્ચ અદાલતનું શરણું લીધું. પરંતુ ત્યાં પણ તેને કોઈ રાહત ન મળતાં છેવટે ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ સંબંધિત તેની નીતિઓમાં કેટલાક મોટા ફેરફાર કરવા પડ્યા છે. ગૂગલ ઇન્ડિયાના બ્લોગ પર કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ…

પહેલો ફેરફાર ફોનમાંની ગૂગલની એપ્સને લગતો છે. અગાઉ સ્માર્ટફોન મેન્યુફેકચર કરતી કંપનીએ ગૂગલ સાથેના લાઇસન્સ એગ્રીમેન્ટ મુજબ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલની વિવિધ એપ્સ પહેલેથી ઇન્સ્ટોલ કરીને આપવી પડતી હતી. યૂઝર ઇચ્છે તો તેને ડિસેબલ કરી શકે પરંતુ ફોનમાંથી સાવ અનઇન્સ્ટોલ કરી શકે નહીં. હવે આ સ્થિતિ બદલાશે.
મોબાઇલ કંપની ગૂગલ પાસેથી અલગ અલગ ગૂગલ એપનું લાઇસન્સ લઈ શકશે, મતલબ કે હવે ભારતમાં વેચાતા ફોનમાં ગૂગલની બધી એપ્સ નહીં, માત્ર પ્લે સ્ટોર પહેલેથી ઇન્સ્ટોલ્ડ હશે, બાકીની એપ આપણી મરજી હોય તો ઇન્સ્ટોલ કરી શકાશે.
બીજો ફેરફાર સર્ચને લગતો છે. અત્યારે આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં શરૂઆતથી ધરાર ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો પડે છે. પછી ઇચ્છીએ તો તેમાં બિંગ કે ડકડકગો જેવાં બીજાં સર્ચ એન્જિન ઉમેરી શકીએ છીએ. હવે આપણે નવો ફોન સેટઅપ કરીશું ત્યારે જ ગૂગલ સર્ચને બદલે બીજું કોઈ પણ સર્ચ એન્જિન સેટ કરી શકીશું.
ત્રીજો ફેરફાર પણ મહત્ત્વપૂર્ણ છે. અત્યાર સુધી ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરાતી એપમાં ડિજિટલ કન્ટેન્ટની ખરીદી કરવી હોય ત્યારે ડેવલપરે ધરાર ગૂગલની પે સિસ્ટમ (જે યુપીઆઈ આધારિત ગૂગલ પે એપ કરતાં અલગ છે)નો ઉપયોગ કરવો પડતો હતો. ફિઝિકલ ચીજવસ્તુઓની કે વિવિધ સર્વિસ માટે એપમાં ચૂકવણી કરીએ ત્યારે ગૂગલની પે સિસ્ટમ સિવાય અન્ય પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકાતો હતો.
ડેવલપરની દૃષ્ટિએ જોઇએ તો અન્ય પેમેન્ટ ગેટવે ડેવલપરે મેળવેલી રકમના બેથી ત્રણ ટકા જેટલી રકમ કમિશન તરીકે લે છે. જ્યારે ડિજિટલ કન્ટેન્ટ માટે ફરજિયાત ગૂગલ પે સિસ્ટમનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તે ૧૫ થી ૩૦ ટકા જેટલું કમિશન લે છે. હવે ગૂગલ એન્ડ્રોઇડ પરની એપ્સમાં ડિજિટલ કન્ટેન્ટ માટે પણ અન્ય પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવાની છૂટ આપશે.
એ ખાસ નોંધવા જેવું છે કે ભારતમાં એન્ડ્રોઇડનો ઉપયોગ ૯૭ ટકા ફોનમાં થાય છે અને ગૂગલે તેની પોલિસીમાં કરેલા આ ફેરફારો માત્ર ભારતમાં એન્ડ્રોઇડ યૂઝર્સ અને એપ ડેવલપર્સને લાગુ થશે.

