
વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ખાસ્સા એક્ટિવ રહેતા લોકોને એક વાતનો સતત ડર રહેતો હોય છે – પોતે પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી તો નહીં બેસે ને?
આપણે પોતાના એકાઉન્ટને સલામત રાખવાની પૂરતી કાળજી ન લઇએ તો – કે લીધી હોય તો પણ – આપણું એકાઉન્ટ હેક થાય કે બીજા કોઈ કારણસર આપણે પોતાના જ એકાઉન્ટમાં લોગઇન ન થઈ શકીએ એવું બની શકે.
જો તમે ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સા એક્ટિવ હો અને તેમાં કંઈ કેટલાય પ્રકારના ફોટોઝ, સ્ટોરી, રીલ્સ વગેરે શેર કરેલ હોય કે અન્ય યૂઝર્સ સાથે ડાયરેક્ટ મેસેજિસની આપલે કરી હોય અને એક દિવસ અણધાર્યું એ બધું તમારે પોતાને માટે બ્લોક થઈ જાય તો?
જુદાં જુદાં ઘણાં કારણસર, ક્યારેક એવું બને કે આપણે પોતાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લોગઇન કરી શકીએ નહીં. અગાઉ આવી સ્થિતિમાં આપણને બહુ થોડી મદદ મળતી હતી.
એ સ્થિતિ ખરેખર ડરાવનારી છે. ઘણી વાર આપણું એકાઉન્ટ હેક થયું ન હોય પરંતુ આપણે તેમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન રાખ્યું હોય ત્યારે જે ઇમેઇલ કે ફોન નંબર પર આપણે પોતાના લોગઇન કોડ મેળવતા હોઈએ અથવા જેમાં આપણને પાસવર્ડ રિસેટ કરવાની લિંક મળી શકે તેમ હોય એમાં કંઈક ગરબડ થાય તો પણ આપણે પોતાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લોગઇન ન થઈ શકીએ એવું બને.
અત્યાર સુધી આપણે પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી દઇએ તો તેને પાછી મેળવવાનું કામ ખાસ્સું મુશ્કેલ હતું. અલબત્ત ઇન્સ્ટાગ્રામે હવે પોતે આ બાબતે આપણને મદદ કરવાનું શરૂ કર્યું છે.

આવી સ્થિતિમાં મદદ કરવા માટે ઇન્સ્ટાગ્રામે એક ખાસ સાઇટ લોન્ચ કરી છે – https://www.instagram.com/hacked/.
આ યુઆરએલ પોતે જ ડરાવનારું છે પરંતુ એકાઉન્ટ હેકિંગ ઉપરાંત જુદી જુદી ઘણી સ્થિતિમાં આ સાઇટ આપણને મદદરૂપ થઈ શકે છે.
જોકે અહીં સૌથી પહેલાં જ સ્પષ્ટતા કરવામાં આવે છે તેમ, આપણે જે તે એકાઉન્ટ પોતાનું હોવાનું સાબિત કરી શકીએ તો જ આ સાઇટ આપણને મદદ કરી શકે છે. જો તમે નીચેનામાંથી કોઈ પણ સ્થિતિનો સામનો કરી રહ્યા હો તો આ સાઇટ પરથી મદદ મળી શકે છે.
- તમારું એકાઉન્ટ હેક થયું હોય,
- તમે પાસવર્ડ ભૂલી ગયા હો,
- લોગઇન માટેનો કોડ એવા ઇમેઇલ એડ્રેસ કે મોબાઇલ નંબર પર જતો હોય જે હવે તમારી પહોંચની બહાર હોય,
- અન્ય કોઈ વ્યક્તિએ તમારું નામ, ફોટોગ્રાફ કે બીજી વિગતોથી નવું એકાઉન્ટ બનાવ્યું હોય
- બીજા કોઈ કારણસર તમારું એકાઉન્ટ ડિસેબલ થઈ ગયું હોય
આ સાઇટની મદદથી આપણે પોતાનું એકાઉન્ટ ફરી એક્સેસ કરી શકીશું એવી કોઈ ગેરેન્ટી નથી પણ કંપની તરફથી કંઈક મદદ મળવાની હવે શરૂઆત થઈ છે. અગાઉ આપણે ઇન્સ્ટાગ્રામના સપોર્ટની મદદ લેવાની થતી જેમાં મોટા ભાગે ખરેખર કોઈ મદદ મળતી નહોતી.
એકાઉન્ટ એક્સેસ પરત મેળવવાની નવી રીત
આ નવી સાઇટની સાથોસાથ આપણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક્સેસ ગુમાવી દઇએ તો ઇન્સ્ટાગ્રામ પરના ફ્રેન્ડ્સ કેવી રીતે મદદરૂપ થઈ શકે એ પણ જાણી લઈએ.
ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૨થી ઇન્સ્ટાગ્રામ પર આ ફીચર સૌ માટે લોન્ચ થયું છે.
જો આપણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં લોગઇન ન થઈ શકીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ પરના બે ફ્રેન્ડ્સની મદદથી પોતાની ઓળખ સાબિત કરી શકીએ છીએ. એ માટે અગાઉનો યાદ રહેલો પાસવર્ડ આપવાનો રહે છે. એ પછી, કોઈ બે ઇન્સ્ટા ફ્રેન્ડ્સ પસંદ કરી શકીએ છીએ. આ મિત્રોએ ૨૪ કલાકના સમયમાં વેરિફાય કરવાનું રહે છે કે પેલું એકાઉન્ટ આપણું જ છે.
હવે ઇન્સ્ટાગ્રામે એક અલગ સાઇટ ઊભી કરી છે, જેના પરથી આપણે એક્સેસ પરત મેળવવાનો પ્રયાસ કરી શકીએ.
જોકે હેકર્સ આ ફીચરનો પણ ગેરલાભ લેવા લાગ્યા છે. વાસ્તવમાં આ ફીચર કોઈ વ્યક્તિ પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી દે, પછી સિસ્ટમને બે ફ્રેન્ડ્સ જણાવે તો સિસ્ટમ એ મિત્રોનો સંપર્ક કરે છે. પરંતુ હેકર્સ પોતાની રીતે, સિસ્ટમ જેવો જ મેસેજ જુદા જુદા લોકોને મોકલીને તેમને ફસાવવાની કોશિશ કરે છે.


