રેન્સમવેર માત્ર પીસી કે લેપટોપ પર ત્રાટકે છે એવું નથી. તમારો સ્માર્ટફોન પણ તેનો શિકાર બની શકે છે, ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોન. એવું કહેવાય છે કે માત્ર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર જ રેન્સમવેર ટાર્ગેટ કરી શકે છે, પરંતુ લિનક્સ આધારિત એન્ડ્રોઇડ પણ રેન્સમવેરનો ટાર્ગેટ બની શકે છે. મોબાઇલ રેન્સમવેર એક એવા પ્રકારનો માલવેર છે, જે સેન્સિટિવ ડેટા (કોન્ટેક્ટ્સ, મેસેજીસ કે અન્ય ડેટા) ચોરીને ડિવાઇસ લોક કરી દે છે. આ પ્રકારના રેન્સમવેરને ડાઉનલોડ કરવા માટે ટાર્ગેટને ફેક વેબસાઈટ, ફેક પ્રોડક્ટ એડવેરટાઇઝમેન્ટ કે ફેક સિક્યોરિટી અપડેટ દ્વારા ઇન્ફેકટેડ વેબસાઇટ પર લઈ જવામાં આવે છે.

જેમાં કોઈ લિંક પર ક્લિક કરતાં ફોનમાં રેન્સમવેર એટેકની શક્યતા છે.
સ્માર્ટફોનમાં તમે માત્ર ‘યોગ્ય’ સાઇટ્સ કે એપનો ઉપયોગ કરવાની આદત કેળવી ન હોય, જોખમી એપ્સ અને સાઇટ્સની મુલાકાત લેવાનું ખેંચાણ તમે ટાળી ન શકતા હો તો અન્ય માલવેરની જેમ રેન્સમવેરનો પણ ભોગ બની શકો છો.
ભૂતકાળમાં Koler અને Cryptolocker નામના રેન્સમવેર એન્ડ્રોઇડ અને એપલ બંનેને ઈનફેક્ટ કરી ચુક્યા છે. મોબાઇલમાં રેન્સમવેરથી બચવા માટે ઉપર લખ્યા મુજબ, ઇન્ટરનેટ પર સાવધાનીનાં પગલાં લેવાં તો જરૂરી છે જ, એ ઉપરાંત, મોબાઇલ કંપની તરફથી મળતા સિક્યોરિટી અપડેટ્સ પણ નિયમિત રીતે ઇન્સ્ટોલ કરવા જેવા છે.
ઉપરાંત, એન્ડ્રોઇડમાં વિશ્વસનીય એપ સ્ટોર સિવાય ક્યાંયથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરશો નહીં.
રેન્સમવેરથી બચવાનો એક માત્ર સચોટ ઉપાય બેકઅપ રાખવાનો છે એ વાત સ્માર્ટફોનને પણ લાગુ પડે છે. આપણે ‘સાયબરસફર’માં અગાઉ, સ્માર્ટફોનમાંની તમામ મહત્ત્વની બાબતોના ક્લાઉડમાં બેકઅપ કેવી રીતે લઈ શકાય એ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. એ અનુસાર, તમારે માટે મહત્ત્વની તમામ ફાઇલ્સ કે અન્ય પ્રકારનું કન્ટેન્ટ ઓછામાં ઓછા પ્રમાણમાં તમારા સ્માર્ટફોનમાં સ્ટોર રહે તેની કાળજી લેશો તો સ્માર્ટફોનમાં રેન્સમવેરનો એટેક થાય તો પણ તેનાથી બચી શકશો.
જો તમારા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં રેન્સમવેરનો હુમલો થયો હોય અને તેમાં ખરેખર અગત્યનો ડેટા હોય તો તમે મદદ માટે નજીકના પોલીસ સાયબરસેલનો સંપર્ક કરી શકો છો.

